|
ઈસુના બાર શિષ્યોમાં સિમોની પીતરને બાદ કરીએ તો આપણે પ્રેષિત યોહાન વિશે સૌથી વધુ જાણીએ છીએ. એનું મુખ્ય કાર્ણ યોહાને લખેલો ચોથો શુભસંદેશ અને નવાકરારમાં આવતા તેમના ત્રણ પાત્રો તેમજ યોહાનનું દર્શન છે.
માથ્થીકૃત શુભસંદેશ મુજબ ઈસુ ગાલીલના સરોવરમાં માછલાં પકડતા પીતર અને તેના ભાઈ આંદ્રિયાને બોલાવ્યા પછી તરત જ યોહાન અને તેના ભાઈ યાકોબને બોલાવે છે : ત્યાંથી આગળ જતાં તેમણે બીજા બે ભાઈઓને જોયા-ઝબદીનો દીકરો યાકોબ અને તેનો ભાઈ યોહાન. તેઓ પોતાના બાપ ઝબદી સાથે હોડીમાં બેઠા બેઠા જાળ સમી કરતા હતા. ઈસુએ તેમને હાક મારતાં જ તેઓ પણ હોડીને અને બાપને છોડીને તેમની પાછળ ચાલી નીકળ્યા. (માથ્થી ૪, ૨૧-૨૨).
આપણે જાણીએ છીએ કે પોતાના ભાઈ યોહાન જોડે તથા સિમોન પીતર સાથે ઈસુના ખાસ મિત્ર હતા. આ ત્રણેય શિષ્યોએ ઈસુના જીવનમાં ત્રણ અગત્યના પ્રસંગોમાં એમના સાથે જોવા મળે છે. ઈસુના દિવ્યરૂપદર્શન (માથ્થી ૧૭, ૧), યાઈરની દીકરીનું પુનર્જીવન (માર્ક ૫, ૩૭) અને ગેથશેમાને નામની જગ્યાએ ઈસુની મહાવ્યથા (માથ્થી ૨૬, ૩૭)ના પ્રસંગોના ત્રણેય શિષ્યો સાક્ષી બન્યા હતા.
છેલ્લા ભોજન વખતે ઈસુએ વિશ્વાસઘાતની આગહી કરી હતી ત્યારે યોહાને જ પીતરના ઈશારાથી એ અંગે ઈસુને પૂછ્યું હતું : એટલે ઈસુની છાતીસરસા ઢળીને તેણે (યોહાને) પૂછયું, પ્રભુ, એ કોણ? (યોહાન ૧૩, ૨૫).
ઈસુના પુનરુત્થાનના દિવસે વહેલી સવારે પીતર સાથે દોડીને સૌ પ્રથમ ખાલી કબરે યોહાન જ પહોંચ્યા હતા. યોહાનકૃત શુભસંદેશમાં યોહાન પોતાને માટે ત્રણ ત્રણ વાર ઈસુના વહાલા શિષ્ય તરીકે ઉલ્લેખ કરે છે.
એક, ક્રૂસ પરથી ઈસુએ પોતાની માની સંભળા રાખવાની જવાબદારી યોહાનને જ સોંપી હતી, ઈસુએ પોતાનાં માને અને તેમની પાસે ઊભેલા પોતાના વહાલા શિષ્યને જોઈને માને કહ્યું, બાઈ, આ તારો દીકરો.
પછી તેમણે શિષ્યને કહ્યું, આ તારી મા. અને તે ઘડીથી શિષ્યે તેમને પોતાને ત્યાં રાખ્યાં (યોહાન ૧૯, ૨૬-૨૭). બાર શિષ્યોમાં ફક્ત યોહાન જ ક્રૂસ પરની ઈસુની મહાવ્યથામાં ઈસુ પાસે હતા.
બે, પુનરુત્થાન પછી ગાલીલ સરોવરમાં પીતર અને સાથીદારો માછલાં પકડતીવખતે સરોવર કાંઠા ઉપર ઊભેલા ઈસુને સૌ પ્રથમ યોહાને જ ઓળખી કાઢયા હતા. ત્યારે ઈસુના વહાલા શિષ્યે પીતરને કહ્યું એ તો પ્રભુ છે! (યોહાન ૨૧, ૭).
ત્રણ, ઈસુએ પીતર વિશેષ જવાબદારીની ફાળવણી કરી ત્યારે પણ યોહાનનો ઉલ્લેખ ઈસુના વહાલા શિષ્ય તરીકે છે. પીતરે પાછળ ફરીને જોયું તો ઈસુના વહાલા શિષ્યને, જેણે ભોજન વખતે તેમની છાતીસરસા ઢાળીને, પ્રભુ, કોણ આપને દગો દેવાનો છે? એમ પૂછયું હતું, તેને પાછળ પાછળ આવતા જોયા (યોહાન ૨૧, ૨૦-૨૧).
શુભસંદેશમાંની બે વાતમાંથી યોહાનના સ્વભાવનો આપણને વિશેષ રીતે ખ્યાલ આવે છે. ઈસુએ પોતાના બાર શિષ્યોની પસંદગી કરતી વખતે યોહાન અને તેમના ભાઈ યાકોબને બેને-રગેશ, એટલે કે મેઘગર્જનાના પુત્રો કહ્યા છે. પછી ઝબદીનો પુત્ર યાકોબ અને યાકોબનો ભાઈ યોહાન. એ બંનેનું તેમણે બેને-રગેશ, એટલે કે મેઘગર્જનાના પુત્રો,એવું નામ પડયું (માર્ક ૩, ૧૭).
બીજા પ્રસંગમાં માથ્થી અને માર્ક ઝબદીના બે દીકરાઓને ખૂબ મહત્વાકાંક્ષી તરીકે ચીતર્યા છે. માથ્થીકૃત શુભસંદેશમાં યાકોબ અને યોહાનની માએ ઈસુ પાસે આવીને પોતાના બે દીકરાઓ માટે ઈશ્વરના રાજ્યમાં વિશેષ સ્થાન માગે છે. પરંતુ માર્કકૃત શુભસંદેશમાં બંને શિષ્યો પોતે આવીને ઈસુ આગળ એ જ માગણી કરે છે : ત્યાર પછી ઝહદીના બે દીકરા યાકોબ અને યોહાને ઈસુની પાસે આવીને કહ્યું, ગુરુદેવ, અમારી એક ઈચ્છા આપ પૂરી કરો એવી અમારી વિનંતી છે.
ઈસુએ કહ્યું, તમારી શી ઈચ્છા છે? હું શું કરું?
તેઓએ કહ્યું, એટલી મહેરબાની કરો કે. આપ જ્યારે મહિમાપૂર્વક વિરાજતા હો ત્યારે અમારામાંનો એક જણ આપને જમણે હાથે અને બીજો આપને ડાબે હાથે બેસે (માર્ક ૧૦, ૩૫-૩૭, માથ્થી ૨૦,૨૦-૨૧).
યોહાન સાથેનો ઈસુનો ખાસ ઘરોબો બાર શિષ્યો સાથેના ઈસુના છેલ્લા ભોજનના પ્રસંગે પ્રગટ થાય છે. ભોજનની તૈયારી કરવા માટે ઈસુએ પીતરને અને યોહાનને પસંદ કર્યા હતા. લૂક નોંધે છે, ઈસુએ પીતર અને યોહાનને એવું કહીને મોકલ્યા કે, તમે જઈને આપણા માટે પાસ્ખા ના ભોજનની તૈયારી કરો....
તે લોકો ગયા તો ઈસુએ કહ્યું હતું તે જ પ્રમાણે બધું નીકળ્યું. એટલે તેમણે પાસ્ખાભોજનની તૈયારી કરી (લૂક ૨૨, ૮-૩).
યોહાનકૃત શુભસંદેશ પ્રથમ ત્રણ શુભસંદેશથી તદ્દન અલગ તરી આવે છે. યોહાન ઈસુના જીવનના વિવિધ પ્રસંગો, એમનાં કાર્યો અને સંદેશાઓ રજૂ કરવા સાથે ઈશ્વરવિદ્યાના ઉચ્ચ ખ્યાલો પણ આપ્યા છે. એટલે યોહાનકૃત શુભસંદેશ જાણે પક્ષીરાજ ગરૂડની પાંખો પર ઈશ્વર વિદ્યાના ઉચ્ચ આકાશે ઊંચે ઊડે છે. તો યોહાનના પ્રતીક ચિહ્ન તરેકી પક્ષીરાજ ગરુડને ગણવામાં આવતા હોય તો એમાં કંઈ નવાઈ નથી.
ઈસુના સ્વર્ગારોહણ પછી પ્રેષિત યોહાન પાલેસ્તાઈનમાં રહ્યા હશે. પરંતુ રાજા હેરોદ અગ્રિયા પહેલાની સત્તામણી દરમિયાન તેઓ એશિયાના પશ્ચિમિ દ્વીપકલ્પ – મુખ્યત્વે હાલના તુર્કસ્તાન ગયા હતા અને ત્યાં રોમન સામ્રાજ્યનું એક સમૃદ્ધ મથક એફસસમાં રહીને આસપાસના વિસ્તારોમાં સાત ધર્મસંઘો સ્થાપીને એમની સંભાળ રાખતા હતા. યોહાને પોતાના શુભસંદેશની રચના એફેસસમાં કરી હતી.
એફેસસ ખાતે યોહાને ખૂબ મોટી ઉંમર સુધી જીવ્યા હતા. તેઓ પોતાના શિષ્યો અને ઈસુ ખ્રિસ્તના અનુયાયીઓને છેલ્લી ઘડી સુઘી એક જ સંદેશ આપતા રહ્યા, વહાલા ભાઈઓ, તમે પરસ્પર પ્રેમ રાખો. વત્સો, આપણે કેવળ શબ્દમાં અને મોઢાનો જ પ્રેમ ન બતાવતાં કાર્યમાં સાચો પ્રેમ બતાવીએ (૧ યોહાન ૩, ૧૮).
યોહાને પોતાના પહેલા પત્રમાં ઈશ્વરને પ્રેમસ્વરૂપે કહ્યા છે. વહાલા ભાઈઓ, આપે એકબીજા ઉપર પ્રેમ રાખીએ, કારણ, પ્રેમ ઈશ્વરમાંથી ઉદ્દભવે છે, અને જે કોઈ પ્રેમ રાખે છે તે ઈશ્વરથી જનમ્યો છે અને ઈશ્વરને પિછાને છે. જે પ્રેમ રાખતો નથી તે ઈશ્વરને પિછાનતો નથી, કારણ, ઈશ્વર પ્રેમસ્વરૂપ છે (૧ યોહાન ૪, ૭-૮).
યોહાન પ્રેમની વાતમાં નહિ પણ પ્રેમ રોજબરોજના જીવનમાં જીવી બતાવવામાં માનતા હતા. એટલે તેઓ કહે છે, જો કોઈ એમ કહેતો હોય કે, હું ઈશ્વર પ્રત્યે પ્રેમ રાખું છું, અે પોતાના ભાઈ પ્રત્યે દ્વેષ રાખતો હોય, તો તે જૂઠું બોલે છે. પોતાની આંખ સામે છે એવા ભાઈ ઉપર જે પ્રેમ રાખતો નથી તે જેને પોતે જોયો નથી એવા ઈશ્વર પ્રત્યે શી રીતે પ્રેમ રાખી શકવાનો હતો? અને આપણને ઈસુ તરફથી એવી આજ્ઞા થયેલી છે કે, જે ઈશ્વર પ્રત્યે પ્રેમ રાખતો હોય તેણે પોતાના ભાઈ પ્રત્યે પણ પ્રેમ રાખવો (૧ યોહાન ૪, ૨૦-૨૧).
યોહાનનો સંદેશ અને એ સંદેશ પાછળના હેતુ એમને મન ખૂબ સ્પષ્ટ છે. એટલે તેઓ કહે છે, વહાલા ભાઈઓ, ઈશ્વરે જો આપણા ઉપર આટલો બધો પ્રેમ બતાવ્યો છે, તો આપણે તો એકબીજા પ્રત્યે પ્રેમ રાખવો જ જોઈએ (૧ યોહાન ૪, ૧૧).
યોહાન એશિયાના પશ્ચિમી દ્વિપકલ્પ પ્રાન્તના એટલે હાલના તુર્કસ્તાનના રક્ષક સંત છે. (લેખક સાથે સંપર્ક : ciss@satyam.net.in).
|