પખવાડિયાનું બાઈબલ પાત્ર

 

શુભસંદેશના બે સૂબેદારો
ફાધર વર્ગીસ પોલ


સુબેદાર રોંમન સૈન્યમાં એક સો સૈનિકોની દેખરેખ રાખતો સૈનિક અધિકારી છે. બાઈબલના નવા કરારમાં કુલ ૬ સૂબેદારોની વાત આવે છે. એમાં પ્રથમ ત્રણ શુભ સંદેશોમાં ફક્ત બે સૂબેદારોની વાત આવે છે. માથ્થીએ અને લૂકે કફરનાહૂમના વિધર્મી સૂબેદારની વાત કરી છે તો ઈસુને ક્રૂસે ચડાવવાની ફરજ બજાવનાર સૂબેદાર વિશે પ્રથમ ત્રણેય શુભસંદેશકારોએ વાત કરી છે. અહીં ઈસુના જીવન સાથે સંકળાયેલા આ બે સૂબેદારોની પાત્રો તપાસીએ.

લૂકે અને માથ્થીએ કરેલી કફરનહૂમના સૂબેદારની વાતમાં થોડો ફેર જોઈ શકાય. માથ્થીકૃત શુભસંદેશમાં સૂબેદાર પોતે ઈસુ પાસે આવીને ઈસુ પર ઊંડી શ્રધ્ધાથી પોતાના નોકરને સાજો કરવા ઈસુને વિનંતી કરે છે. પણ લૂકકૃત શુભ સંદેશમાં સૂબેદાર પોતાના વતી યહૂદી આગેવાનોને ઈસુ પાસે મોકલીને ઈસુ પર ઊંડી શ્રધ્ધાથી વિનંતી કરે છે કે ઈસુ પોતાના વહાલા નોકરને સાજો સમો કરે.

માથ્થી અને લૂકનાં વર્ણનોમાં થોડીઘણી ભિન્નતા હોવા છતાં આથા પ્રસંગનું બયાન બતાવે છે કે બંને શુભસંદેશકારો એક જ સૂબેદાર અને તેમના નોકરની વાત કરે છે. સૂબેદાર અંગેના માથ્થીનું વર્ણન વાંચો :

“ઈસુએ કફરનહૂકમમાં પ્રવેશ કર્યો એટલે એક સૂબેદારે આવીને તેમને વિનંતી કરી, ‘પ્રભુ, મારો નોકર ઘેર પથારીમાં પડયો છે, અને પક્ષાઘાતથી ખૂબ પીડાય છે.’

“ઈસુએ તેને કહેયું, ‘હું આવીને તેને સાજો કરું છુ.’

“પણ સૂબેદારે જવાબ આપ્યો, ‘પ્રભુ, આપનાં પગલાં માટે ઘેર થાય એવા પુણ્ય મારાં ક્યાંથી? આપ ફક્ત મોઢેથી કહો એટલે માટો નોકર સાજો થઈ જશે.’....

“આ સાંભળીને ઈસુ નવાઈ પામ્યા અને પોતાની પાછળ આવતા લોકોને તેમણે કહ્યું, હું તમને ખાતરીથી કહું છું કે ઈસ્રાયલમાં પણ મેં આવી શ્રદ્ધા ક્યાંય દીઠી નથી.’...

“પછી ઈસુએ પેલા અમલદારને કહ્યું, ‘જા ભાઈ, તારી શ્રદ્ધા ફળો.’ અને તે જ ઘડીએ તેનો નોકર સાજો થઈ ગયો.” (માથ્થી ૮,૫,૮,૧૦,૧૩).
માથ્થીના ઉપરોક્ત અહેવાલ સાથે લૂકના નીચેના વર્ણનની સરખામણી કરો. લૂક લખે છે :

“લોકોને આ બધી વાતો કહી રહ્યા પછી ઈસુ કફરનહૂમ ગયા. ત્યાં એક સૂબેદારનો નોકર માંદો પડયા હતો અને મરવાની અણી ઉપર હતો. એ નોકર સૂબેદારને વહાલો હતા. સૂબેદારે ઈસપ વિશે સાંભળતાં યહૂદિયાના કેટલાક આગેવાનોને એવી વિનંતી કરવા તેમની પાસે મોકલ્યા કે, ‘આપ આવીને મારા નોકરને બચાવો.’ તેઓએ ઈસુ પાસે આવીને આજીજી કરી કે, આપ એના ઉપર આટલી કૃપા કરો એને એ પાત્ર છે, કારણ, એ આપણા લોકો ઉપર સદ્દભાવ રાખે છે અને એણે જ આપણું સભાગૃહ બાંધી આપેલું છે.’

“એટલે ઈસુ તેઓની સાથે ગયા. પણ ઘરથી થોડે દૂર હતાં ત્યાં સૂબેદારે પોતાના મિત્રો મારફતે સંદેશો મોકલ્યો કે, ‘પ્રભુ, આપ તસ્દી ન લેશો. આપના પગલાં મારે ઘેર થાય એવાં પુણ્ય મારાં ક્યાંથી? હું તો મારી જાતને પણ આપની પાસે આવવને લાયક ગણતો નથી. આપ મોઢેથી કહો એટલે મારો નોકર સાજો થઈ જશે.’....

“આ સાંભળીને ઈસુ નવાઈ પામ્યા, અને પોતાની પાછળ આવતા ટોળા તરફ ફરીને તેમણે કહ્યું, ‘હું તમને કહું છું કે, આવી શ્રદ્ધા તો મેં ઈસ્રાયલમાં પણ દીઠી નથી !

“અને પેલા માણસો પાછા ઘેર આવીને જુએ છે તો નોકર સાજો થઈ ગયો હતો.”

બાઈબલના કેટલાક પંડિતો માને છે કે શુભસંદેશકાર યોહનકૃત શુભસંદેશમાં એક સરકારી અમલદારની વિનંતીથી તેના મારવાની અણી પર પહોંચેલા દીકરાને ઈસુ દૂરથી સાજોસમો કર્યાની જે વાત આવે છે તે વાત માથ્થી અને લૂકે કરેલી સુબેદારની જ વાત હોય છે.

ત્રણેય શુભસંદેશકારોની વાતોમાં સૂબેદારોની ઈસુ પરની અટલ શ્રદ્ધા આપણે જોઈ શકીએ છીએ. ખુદ ઈસુ જ સૂબેદારની શ્રદ્ધાન કદર કરી પોતાની સાથે આવેલા લોકો આગળ એ વિધર્મી માણસની શ્રદ્ધા પ્રશંસા કરે છે !

પરમપૂજા દરમિયાન પરમપ્રસાદની વિધિમાં પુરોહિત અને ભક્તજનો કરે છે કે “પ્રભુ આપ મારે આંગણે પધારો એ પુણ્ય મારામાં નથી, પરંતુ આપનાં વચનોથી જ મારા આત્માનું કલ્યાણ થશે.”

પ્રભુ ઈસુએ સુબેદારને ઘરે જઈ તેના નોકરને સાજો કરવાની વાત કરી ત્યારે પેલા સુબેદારે આવા જ શબ્દોથી ઈસુ પરની એમની શ્રદ્ધા પ્રગટ કરી હતી. જાણ્યે અજાણ્યે ઈસુએ પેલા વિધર્મી સૂબેદારની શ્રદ્ધાની કરેલ કદર સદીઓથી ખ્રિસ્તી લોકો રોજેરોજ કરી રહ્યા છે.

શુબસંદેશમાં આવતા બીજા સૂબેદારને માથે ઈસુને ક્રૂસે ચડાવવાની જવાબદારી છે. ઈસુને પિલાતના મહેલથી ‘ગુલગથા’ નામની જગ્યાએ લઈ જવામાં આવ્યા અને ત્યાં ઈસપ ક્રૂસ પર મૃત્યુ પામ્યા ત્યાં સુધીનો આખો સમય આ સૂબેદારે ઈસુ પર તેમજ બીજા બધા માણસો અને બનાવો પર દેખરેખ રાખી છે. તેમણે પોતાના હાથ નીચેના સિપાઈઓ ઈસુને કિરમજી ઝભ્ભો પહ્રાવીને અને માથા પર કાંટાનો મુંગટ મૂકીને ઈસુની મશ્કરી કરતા અને એમની મારપીટ કરતા જોયા છે. કદાચ અતિશય પીડાને કારણે ઈસુ રસ્તામાં જ મરી જશે એવી બીકથી સૂબેદારે કૂરેન ગામનો વતની સિમોનને ઈસુનો ક્રૂસ ઉપાજી લેવા વેઠે પકડયા હશે. તેમણે ક્રૂસના વચન અને શારીરિક અશક્તિથી ઈસુને જમીન પરથી ગબડી પડતા જોયા છે. સૂબેદારના માર્ગદર્શનથી સિપાઈઓએ ઈસુને ક્રૂસ પર સુવડાવીને એમને હાથ અને પગ પર ખીલા ઠોકી દીધા હશે.

ક્રૂસ પરથી ઈસુનાં વચનો – “હે પિતા, આ લોકોને માફ કર; પોતે શું કરે છે એનું એમને ભાન નથી”, અને એક ગુનેગારને આપેલું અભયદાન “હું તને ખાતરીથી કહું છું કે, આજે તું મારી સાથે પુણ્યલોકમાં હશે” અને “હે પિતા, મારા પ્રાણ હું તારા હાથમાં સોંપું છું”, વગેરે ઈસુના છેલ્લા શબ્દો સૂબેદારે બરાબર સાંભળ્યા હશે. સુબેદારે અગાઉ પણ ગુનેગારોને ક્રૂસ પર ચડાવી મારી નાખવાનો હુકમ ઉઠાવ્યો હશે. આ બધું જોઈને અને અનુભવીને સૂબેદાર ઈસુના ક્રૂસ પરના મૃત્યુ વખતે પોતાનો પ્રતિભાવ આપ્યો છે :

“સાચે જ એ ઈશ્વરનો પુત્ર હતો.” (માથ્થી ૨૭, ૫૪)
“સાચે જ એ માણસ ઈશ્વરનો પુત્ર હતો” (માર્ક ૧૫, ૩૯)
“સાચે જ એ માણસ ધર્માત્મા હતો.” (લૂક ૨૩, ૪૭)

સુબેદારના આ શબ્દો પ્રગટ કરે છે ખૂબ નિખાલસતાથી અને પ્રમાણિકપણે તેમણે પોતાનો ચુકાદો આપ્યો છે. પોતાના આ પ્રતિભાવથી સૂબેદારે ઘોષણા કરી છે કે ઈસુને મારી નાખવાનો પિલાતનો હુકમ અન્યાય હતો. ઈસુને માની નાખવાનો હુકમ પાળીને પોતે ખોટું કર્યું છે. આ સુબેદારની હિંમત તથા વાસ્તિવક હકીકતનો સ્વીક કરવાની અમને પ્રમાણિકપણું અને સચ્ચાઈ ખરેખર દાદ માગી લે છે.

#
(છેલ્લે બદલ્યાની તારીખ : ૦૧-૧૦-૨૦૦૯)
(ફરી બદલવાની તારીખ : ૧૬-૧૦-૨૦૦૯)
ફાધર વર્ગીસ પોલ © કોપીરાઈટ ૨૦૦૯

Contact : ciss@satyam.net.in

Copyright © 2005-2006. Bible Website.
Site best viewed at 800 X 600 pixels resolution with IE 5.0 or later.
Powered by M J Web Solutions Pvt. Ltd.