| |
હનનિયા નામનો શિષ્ય
ફાધર વર્ગીસ પોલ |
| |
ગ્રીક નામ હનનિયાનો અર્થ થાય છે કે, ઈશ્વર મધુર છે કે યહોવાહ મધુર રહ્યો છે. હનનિયા નામે આપણને નવા કરારમાં ત્રણ પાત્રો મળે છે. |
| |
અહીં આપણે દમસ્ક ખાતેની શિષ્યની વાત કરીએ છીએ. હનનિયા નામવાળા બીજા બે પાત્રોની વાત એટલે સફીરાનો પતિ હનનિયા અને વડો પુરોહિત હનનિયાની વાત આપણે બીજે કરી છે. |
| |
દમસ્ક ખાતેના શિષ્ય હનનિયાની વાત અદકેરી છે. તે ઈસુ ખ્રિસ્તોનો જાણીતો શિષ્ય છે અને દમસ્ક ખાતે નવા ઈસુપંથી લોકોનો માનીતો આગેવાન છે. તેઓ ઈસુના શિષ્યો પર સિતમ ગુજારતા તાર્સસના શાઉસ વિશે ઘણું સાંભળ્યું છે. |
| |
પણ પ્રભુ તરફથી શાઉલને મદદ કરવાનું એક દિવ્ય દર્શન મળે છે ત્યારે તેઓ શાઉલનો ડર હોવા છતાં તેને સ્નાનસંસ્કાર આપવા જાય છે. આ આખી વાતનું પ્રેષોતિના ચરિતો માં લૂકે આબેહૂબ વર્ણન કર્યું છે: |
| |
હવે, દમસ્કમાં હનનિયા નામે એક શિષ્ય રહેતો હતો. પ્રભુએ તેને દર્શન દઈને કહ્યું, ‘હનનિયા! તે બોલ્યો, હાજર છું. પ્રભુ. |
| |
પછી પ્રભુએ તેને કહ્યું, ‘તું ઊભો ઊભો ‘સીધી નામની ગલીમાં જા અને યહૂદાને ઘેર તાર્સસના શાઉલ નામના માણસની તપાસ કર. તે અત્યારે પ્રાર્થના કરી રહ્યો છે અને તેને એક દિવ્યદર્શન લાધ્યું છે. તેમાં તેણે હનનિયા નામના માણસને આવીને પોતાને દેખતો કરવા પાતો ઉપર હાથ મૂક્તો જોય છે. |
| |
હનનિયાએ કહ્યું, પ્રભુ, એ માણસે યરુશાલેમમાં તમારા ભક્તો ઉપર જે જે સિતમ ગુજાર્યો છે તે વિશે મેં ઘણા માણસો પાસે સાંભળ્યું છે. અને અહીં પણ જે કોઈ તમારું નામ લે તે સૌના બંધનમાં નાખવાની એણે મુખ્ય પુરોહિતો પાસે સત્તા મેળવી છે. |
| |
પણ પ્રભુએ તેને કહ્યું, ‘તું તારે જા. કારણ, વિધર્મી લોકો અને તેમના રાજાઓ આગળ તેમ જ ઈસ્રાયલની પ્રજા આગળ મારું નામ પ્રગટ કરવા મેં એને મારા સાધન તરીકે પસંદ કરેલો છે. હું પોતે એને બતાવીશ કે મારા નામ ખાતર એણે કેટકેટલું ભોગવવાનું છે. |
| |
પ્રભુના દર્શન અને સંદેશથી હનનિયામાં હિંમત આવી અને એની શંકાકુશંકાઓ દૂર થઈ. હનનિયામાં એટલું બધું પરિવર્તન આવ્યું હતું કે તેઓ પાઉલ પાસે જઈને નિડરપણે એને પ્રભુનો સંદેશ સંભળાવ્યો. લૂકે હનનિયામાં આવેલાં પરિવર્તનની નોંધ લીધી છે. |
| |
આથી હનનિયા ગયો અને ઘરમાં જઈને શાઉલ ઉપર પોતાના હાથ મૂકીને બોલ્યો, ‘શાઉલ, મારા ભાઈ, પ્રભુએ અહીં આવતાં રસ્તામાં તને જેમણે દર્શન દીધાં હતા તે ઈસુએ તું ફરી દેખતો થાય અને તારામાં પવિત્ર આત્માનો વાસ થાય એ માટે મને મોકલ્યો છે. |
| |
એને તે જ ક્ષણે શાઉલની આંખો ઉપરથી જાણે પડળ ખૂલી ગયાં અને તે દેખતો થઈ ગયો. પછી તેને સ્નાનસંસ્કાર કરાવવામાં આવ્યો. ત્યાર પછી તેણે ખોરાક લીધો એટલે તેને શક્તિ આવી. |
| |
હનનિયા જાણતો હતો કે શાઉસ પ્રભુ ઈસુના શિષ્યોનો કટ્ટર વિરોધી છે, શિષ્યોની સત્તામણી કરે છે. પણ પ્રભુનો સંદેશ મળતાં પોતાની ગભરામણને બાજુમાં ધકેલીને પ્રભુ ભરોસે ખુલ્લા મનથી પાઉલ પાસે પહોંચી જાય છે અને એને સ્નાનસંસ્કાર આપે છે. આ પ્રસંગ ઈસ્વીસન ૩૬માં બન્યો હતો. |
| |
શાઉલમાંથી પ્રેષિત બનેલા પાઉલને હનનિયામાં આવેલા પરિવર્તનનો ખ્યાલ હતો. એટલે વર્ષો પછી પાઉલ હનનિયાને શાસ્ત્રપરાયણ ધર્મિષ્ઠા માણસ તરીકે ઓળખાવ્યો છે. પાઉલના પોતાના ધર્મપરિવર્તનનો ખ્યાલ આપતાં કહે છે, |
| |
ત્યાં હનનિયા નામનો શાસ્ત્રપરાયણ ધર્મિષ્ઠ માણસ, જેની ત્યાંના યહૂદીઓમાં સારી ખ્યાતિ હતી, તે આવી મારી પાસે ઊભો રહીને બોલ્યો, ભાઈ શાઉલ, ફરી દેખતો થા. તે જ ક્ષણે મને તે દેખવા લાગ્યો. |
| |
અહીં પાઉલના શબ્દોમાં આપણે હનનિયા માટેનો એમનો પ્રેમ, કદર અને આદરભાવ જોઈ શકીએ છીએ. |
| |
હનનિયા આપણને માટે એક સુન્દર નમૂનો પુરો પાડે છે. હકીકતો પર આધારિત હોય તો પણ લોક સામોના આપણા પૂર્વગ્રહો અને વિરોધને આપણે કાયમ વળગી રહેવા ના જોઈએ. માણસો બદલાય છે અને ઘણી વાર પહેલાં કરતા વધુ સારા બનવામાં જ લોકો બદલાય છે. બદલાયેલા લોકોનો સ્વીકારવા અને કદર કરવા માટે આપણે ખુલ્લું મન અને ઉદાર હૃદય રાખવાની જરૂર છે. |
| |
(છેલ્લે બદલ્યાની તારીખ : ૦૧-૦૧-૨૦૧૦)
(ફરી બદલવાની તારીખ : ૧૬-૦૧-૨૦૧૦)
ફાઘર વર્ગીસ પોલ કોપીરાઈટ ૨૦૧૦ |
| |