ફિલેમોન વહાલા સહકાર્યકર
ફાધર વર્ગીસ પોલ

 

સંત પાઉલ તરફથી વ્યક્તિગત પત્ર મેળવનાર વ્યક્તિ તરીકે ફિલેમોન નવા કરારમાં ખૂબ જાણીતું પાત્ર છે. વળી, અંગત વ્યક્તિને અંગત બાબત અંગે લખેલો પાઉલનો એકમાત્ર પત્ર છે ફિલેમોના પર પાઉલનો પત્ર. એ પત્ર બાઈબલનાં અધિકૃત પુસ્તકોમાં સ્થાન પામ્યો છે. એમાં ફક્ત ૨૫ કડીઓ છે.

ફિલેમોન કલોસ્સાના ધર્મસંઘનો અગ્રણી સભ્ય હતો. ધનવાન હતો. ઓનેસિમસનામે તેનો એક ગુલામ હતો. ઓનેસિમસ પોતાના માલિક પાસેથી ભાગી ગયો હતો. કદાચ તેણે માલિકના ઘરમાં ચોરી પણ કરી હશે. પાઉલ લખે છે, અને જો એણે તારું કાંઈ નુકસાન કર્યું હોય અથવા એની પાસે તારું કાંઈ લેણું હોય, તો તે મારે ખાતે ઉધારજે (ફિલેમોન ૧૮).

આશરાની શોધમાં ફિલેમોન પાઉલ પાસે પહોંચી જાય છે. પાઉલે કારાવાસમાંથી લખેલા આ પત્રથી માની શકાય છે કે ફિલેમોન પાઉલના એફેસેસ કે રોમના કારાવામાં એમના સંપર્કમાં આવ્યો હશે.

પાઉલ પત્રની શરૂઆતમાં ફિલેમોનને અમારા વહાલા સહકાર્યકર ફિલેમોન રહીને સંબોધે છે. એ જ અબિવાદમાં પાઉલે અમારી ધર્મભાગિની આફિયા, અને ધર્મસંગ્રામમાં અમારા સાથી આર્ખિપસ નો પણ ઉલ્લેખ કર્યો છે (ફિલેમોન ૧). બાઈબલના પંડિતો માને છે બંને પાત્રો આફિયા અને આર્ખિપ્સ યથાક્રમે ફિલેમોનની પત્ની અને દીકરો હશે.

પત્રની બીજી કડીમાં પાઉલે ફિલેમોનના ઘરમાં નિયમિત મળતા ધર્મસંઘનો પણ ઉલ્લેખ કર્યો છે. એથી માની શકાય છે કે કલોસ્સાના ધર્મસંઘમાં ફિલેમોને એક ખૂબ જાણીતા અને આદરણીય વ્યક્તિ હશે.

પાઉલે ઓનેસિમસ વતી એક અંગત માગણીથી ફિલેમોન પર વ્યકિગત પત્ર લખ્યો છે. પાઉલના સંપર્કમાં આવીને ઓનેસિમસ ખ્રિસ્તી બન્યા, એટલે પાઉલ લખે છે. કારાવાસ દરમિયાન મને પ્રાપ્ત થયેલા પુત્રની બાબતમાં, એટલે કે ઓનેસિમસની બાબતમાં તને વિનંતી કરું છું (ફિલેમોન ૧૦).

ઘણુંખરું ઓનેસિમસ પોતાના માલિક ફિલેમોનની સેવામાં હતા ત્યારે પાઉલ વિશે જાણ્યું હશે, એટલે તેઓ ફિલેમોનને ત્યાંથી ભાગી ગયા ત્યારે પાઉલને શોધીશોધીને કારાવાસમાં જઈને મળ્યા હશે અને ઘમાં કેદી રહેલા પાઉલની સેવામાં પોતાની જાતને સોંપી હશે.

આમ, પાઉલની સેવામાં રહેતા ફિલેમોન ઈસુના શિષ્ય બન્યા હશે અને તેમને એક પુખ્ત વ્યક્તિ તરીકેનું ગૌરવ સમજાયું હશે. એમના આ વિકાસથી પાઉલે કારાવાસ દરમિયાન મને પ્રાપ્ત થયેલો પુત્ર તરીકે ફિલેમોનનો સ્વીકાર કર્યો હશે.

ફિલેમોન પ્રત્યેના પત્રમાં પાઉલ અને ઓનેસિમસ વચ્ચેનાં પ્રેમ અને મમતા પ્રગટ થાય છે. હવે પાઉલ ઇચ્છે છે કે સેવા, પ્રેમ તથા મમતા ફિલેમોન અને ઓનેસિમસ વચ્ચે થાય.

એટલે પાઉલ લખે છે, હું એને તારી પાસે મોકલું છું બલ્કે, મારું કાળજું જ મોકલું છું (ફિલેમોન ૧૨). પછી આગળ ઉમેરે છે, પણ હવે ગુલામ તરીકે નહિ, પણ ગુલામ કરતાં અનેકગણા ચડિયાતા રૂપમાં વહાલા ભાઈ તરીકે મને તો એ ખૂબ જ વહાલો છે, તો તને તો એ માનવ તરીકે અને પ્રભુના ભક્ત તરીકે બંને રીતે કેટલોય વધુ વહાલો હોવો જોઈએ (ફિલેમોન ૧૬).

એ જમાનામાં ભાગી ગયેલા ગુલામને મૃત્યુની શિક્ષા થતી. પાઉલને એની ખબર છે. એટલે તેઓ ફિલેમોનને આજીજીભરી અરજી કરે છે કે એનો ગુનો માફ કરીને ફિલેમોન એને એક વહાલા ભાઈ અને પ્રભુના ભક્ત તરીકે અપનાવે છે.

પાઉલને ખાતરી છે કે ઓનેસિમસ વતી કરેલી ભલામણ મુજબ એને આવકારવામાં આવશે. એટલે પોતાના પત્રને અંતે પાઉલ લખે છે, તું મારું કહ્યું કરશે એવી ખાતરીથી હું લખું છું. મારા કહ્યાં કરતાં પણ તું વધુ કરશે એ હું જાણું છું (ફિલેમોન ૨૧).

ફિલેમોન પરનો પત્ર પાઉલના ઓનેસિમસ તથા ફિલેમોન પ્રત્યેના પ્રેમ અને મમતાનો અજોડ પત્ર છે. એમાં પ્રશ્નો ઉકેલવા અને ફિલેમોન અને ઓનેસિમસ વચ્ચે તૂટેલાં સંબંધો ફરી જોડવીની કાર્યકુશળતા જોઈ શકાય છે.

બાઈબલના પંડિત રોનાલ્ડ બ્રાઉનરિગે પાઉલના ફિલેમોન પરના પત્રને ગુલામોની સંપૂર્ણ મુક્તિનું એક સીમાચિહ્ન તરીકે ઓળખાવ્યો છે. તેઓ હૂસ હુ ધ ન્યૂ ટેસ્ટામેન્ટ માં લકે છે કે, આ પત્ર ગુલામોની સંપૂર્ણ મુક્તિ તરફના રસ્તામાં એક સીમાચિહ્ન છે. એમાં ગુલામો સાથે ભાઈ તરીકે વર્તવું જોઈએ ખ્રિસ્તી માલિક અને ગુલામ બંને ઈસુ ખ્રિસ્તના સેવકો છે અને આધ્યાત્મિક રીતે બધા માણસો સરખા છે આ સિધ્ધાંત આખે અનિવાર્ય પણે ગુલામીની પદ્ધતિ અને ગુલામીના આવરણનો નાશ કરશે (પૃ. ૨૧૨).

ફિલેમોને પોતાના આ પત્રને સાચવી રાખ્યો છે એ હકીક્ત આપણને માટે પુરવાર કરે છે તેઓ પાતાના ભાગેડુ ગુલામ ઓનેસિમસને માફી આપી પ્રેમ અને મમતાથી આવકારે છે અને એને ઈસુ ખ્રિસ્તમાં એક ભાઈ તરીકે અપનાવે છે.

આખરે ફિલેમોન અને ઓનેસિમસને શું થયું છે એની આપણને ખબર નથી. પરંતુ પરંપરાગત માન્યતાઓ જણાવે છે કે ફિલેમોન અને એમની પત્ની આફિયા કલોસ્સામાં શહીદ થયા છે અને ઓનેસિમસ એફેસસના ધર્મસંઘમાં ધર્માધ્યક્ષ બન્યા છે

 

(છેલ્લે બદલ્યાની તારીખ : ૧૬-૦૬-૨૦૧૦)
(ફરી બદલવાની તારીખ : ૦૧-૦૭-૨૦૧૦)
ફાધર વર્ગીસ પોલ કોપીરાઈટ ૨૦૧૦

 
Copyright © 2005-2006. Bible Website.
Site best viewed at 800 X 600 pixels resolution with IE 5.0 or later.
Powered by M J Web Solutions Pvt. Ltd.