તાજેતરમાં મગ્દલાની મરિયમના પાત્રે દુનિયાભરના ઘણા લોકોમાં ખૂબ જિજ્ઞાસા જગાવી છે. એમાં બે મુખ્ય કારણો છે. એક, ડાન બ્રાઉનની નવી ધ દ વિન્ચી કોડ માં મગ્દલાની મરિયમને ઈસુ ખ્રિસ્તની પત્ની અને એમના બાળકની માતા તરીકે ચીતરી છે અને બે, બાઈબલમાં ઈસુનાં માતા મરિયમ પછી સૌથી જાણીતું પ્રમુખ સ્ત્રી પાત્ર મગ્દલાની મરિયમનું છે.
વળી, થોડાં વર્ષ પહેલાં એક નવલકથાકાર નિકોસ કઝાન્તઝાકીસે ધ લાસ્ટ ટેમ્પટેશન ઓફ જિસસ ક્રાઈસ્ટ નામે અક નવલકથા લખી હતી. હોલિવૂડમાં દસેક વર્ષ પહેલાં ફિલ્મ નિર્માતા માર્ટિન સ્કોર્સેસેએ એની ફિલ્મ પણ બનાવી હતી. સ્વિટ્ઝરલેન્ડના એક સિનેમાઘરમાં મને એ ફિલ્મ જોવાની તક પણ મળી હતી. એમાં વધસ્તંભ ઉપર મરતાં પહેલાં ઈસુ ક્રૂસ ઉપરથી ઊતરીને મગ્દલાની મરિયમ જોડે ગૃહસંસાર માંડ્યાની વાત છે.
ઈસુ ખ્રિસ્ત અને મગ્દલાની મરિયમ બંને ઐતિહાસિક પાત્રો છે. એ જ રીતે જેના નામ પરથી ડાન બ્રાઉનની નવલકથાને નામ મળ્યું છે તે લિયોનાર્દો દ વિન્ચી પણ ઈતિહાસમાં ખૂબ જાણીતા તેજસ્વી ચિત્રકાર છે. નવલકથાકાર ડાન બ્રાઉનની નવલકથાની સફળતાનું રહસ્ય એ છે કે ઇતિહાસ અને લોકમાનસ પર ખૂબ જાણીતાં આ ત્રણ પાત્રોની જૂજ હકીકતોને લઈને નવલકથાકારે એક ભવ્ય અને કાલ્પનિક કથાને ખૂબ કુશળતાથી ગૂંથી છે.
આપણે અહીં કોઈ કાલ્પનિક બાબતોને આધારે નહિ પણ ચાર શુભસંદેશમાં આપેલી પ્રમાણભૂત માહિતીને આધારે મગ્દલાની મરિયમને સમજવા પ્રયત્ન કરીએ. માથ્થી, માર્ક, લૂક અને યોહાન એમ ચારેય શુભસંદેશકારોએ મગ્દલાની મરિયમની વાત કરી છે. શુભસંદેશમાં ઈસુનાં માતા મરિયમ પછી સૌ સ્ત્રીઓમાં મગ્દલાની મરિયમ સૌથી મોખરાનું સ્થાન અને માન મળે છે.
માતા મરિયમ ઉપરાંત શુભસંદેશોમાં ત્રણ મરિયમની વાત આવે છે. (૧) મગ્દલાની મરિયમ, (૨) લાઝરસ અને માર્થાની બહેન મરિયમ અને (૩) પ્રેષિત યાકોબ અને તેમના ભાઈ યોસેફની મા મરિયમ. મરિયમ નામવાળી આ ત્રણ સ્ત્રીઓ ઉપરાંત ઈસુના શિષ્યગણમાં બીજી અનેક સ્ત્રીઓ હતી. સંત લૂક નોંધે છે : તેમની (ઈસુની) સાથે બારે શિષ્યો હતા, અને અપદૂતો અને રોગોથી મુક્ત કરવામાં આવેલી કેટલીક સ્ત્રીઓ પણ હતી. તેમાં જેનાથી સાત અપદૂતો નીકળ્યા હતા તે મગ્દલવાળી તરીકે ઓળખાતી મરિયમ, હેરોદના કારભારી ખૂઝાની વહુ યોહાન્ના, સુસાસન્ના અને બીજી અનેક હતી. એ સ્ત્રીઓ ગાંઠનું ખર્ચાને ઈસુની સેવા કરતી હતી. (લૂક ૭, ૨-૩)
ઈસુની શિષ્યાઓની વાત કરતાં પહેલાં લૂકે શહેરની એક પતિતાની વાત કરી છે. એ સ્ત્રીએ પ્રેમભર્યા પશ્ચાત્તાપથી સિમોન ફરોશીને ઘેર ભાણે બેઠેલા ઈસુનાં ચરણ ચૂમી ચૂમીને અત્તર લગાડયું હતું. એ બાઈને ઈસુએ કહ્યું: તારાં પાપ માફ કરવામાં આવ્યાં છે. (લૂક ૭, ૪૮).
Impressions of Jesus ના લેખક ડેનીસ મકબ્રેડ જેવા બાઈબલના કેટલાક નિષ્ણાતો આ પતિતાને મગ્દલાની મરિયમ માને છે. પરંતુ All the Women of the Bible લેખક હેરબેર્ડ લોકિયર જેવા બાઈબલના પંડિતો કહે છે કે મગ્દલાની મરિયમને પેલી પતિતા ગણવા માટે આધારભૂત એવી કોઈ પાયાની માહિતી કે પુરાવો નથી. હું માનું છું કે મગ્દલાની મરિયમને પતિતા ગણવા માટે આધારભૂત એવી કોઈ પાયાની માહિતી કે પુરાવો નથી. હું માનું છું કે મગ્દલાની મરિયમને પતિતા ગણવામાં એનો ઘોર અન્યાય થાય છે, એમાં મગ્દલાની મરિયમની બદનક્ષી પણ છે.
મગ્દલાની મરિયમ વિશે બાઈબલમાં સારી માહિતી મળે છે. ઈસુને અનુસરનારી સન્નારીઓની યાદીમાં સૌપ્રથમ મગ્દલાની મરિયમનું નામ આવે છે. નાસરેથ ગામથી આવેલા ઈસુને લોકો નાસરી કહેતા હતા. એ જ રીતે મગ્દલાની મરિયમના નામથી સ્પષ્ટ સમજી શકાય છે કે મરિયમ મગ્દલા નગરમાંથી આવી હશે. ઈસુના સમયમાં મગ્દલા ગાલીલ સરોવરને કિનારે કફરનહૂમથી ત્રણેક કિલોમીટર દૂર આવેલું ગીચ વસ્તીવાળું નગર હતું.
મગ્દલાની મરિયમનાં માબાપ અને કુટુંબ કે ગૃસંસાર વિશે આપણે કશું જાણતા નથી. પરંતુ ઈસુની સાથે ફરતી અને પોતાની આવકમાંથી ઈસુ અને તેમના શિષ્યોને મદદ કરતી સ્ત્રીઓની યાદીમાં મગ્દલાની મરિયમનું નામ પ્રથમ આવે છે. આથી આપણે માની શકીએ કે ઈસુની અને તેમના શિષ્યોની સેવા પોતાની ખર્ચે કરવા માટે મગદલાની મરિયમને વારસામાં સાધનસંપત્તિ મળી હશે. પરંતુ કોઈ કૌટુંબિક જવાબદારી વિના સ્વતંત્ર હોવાને કારણે મગ્દલાની મરિયમ ઈસુ અને એમના શિષ્યો તથા અન્ય સ્ત્રીઓ સાથે ઠેર ઠેર ફરી શકતી હતી.
માર્ક (૧૬, ૯) અને લૂક (૮, ૨)માંથી આપણે જાણીએ છીએ કે ઈસુએ મગ્દલાની મરિયમમાંથી સાત અપદૂતોને કાઢયા હતા. ઈસુના સમયમાં અપસ્માર અને ગાંડપણ જેવા રોગોને લોકો ભૂત કે અપદૂતોનો વળગાડ માનતા હતા. મરિયમ એવા કોઈ ભારે રોગના પંજામાં સપડાઈ હશે અને ઈસુએ એને રોગમુક્ત કરીને સંપૂર્ણ સ્વાસ્થ્ય બક્ષ્યું હશે. મગ્દલાની મરિયમ કોઈ વારસાગત રોગોનો પણ ભોગ બની હશે. પરંતુ મુખ્ય બાબત એ છે કે તેને હેરાનપરેશાન કરતા રોગ કે ભૂત-પ્રેતના પંજામાંથી ઈસુએ એને સંપૂર્ણ સુરક્ષા બક્ષી હતી. આ રીતે પોતાને મળેલા નવા જીવનને મગ્દલાની મરિયમે આભારવશ હૃદયે ઈસુ અને તેમના શિષ્યોની સેવામાં સમર્પી દીધું છે એમ માની શકાય છે.
રોગ કે વળગાડથી મુક્તિ પામેલી મગ્દલાની મરિયમ સાથે બીજી કેટલીક સ્ત્રીઓ પણ હતી. સંત લૂકે સ્પષ્ટ કહ્યું છે કે, શહેરેશહેર અને ગામેગામ ફરતા ઈસુ અને તેમના શિષ્યો સાથે આપદૂતો અને રોગોથી મુક્ત કરવામાં આવેલી કેટલીક સ્ત્રીઓ પણ હતી. આ સ્ત્રીઓમાં મગ્દલાની મરિયમમાં બીજા કરતાં વધારે નિષ્ઠા અને આગેવાનીના ગુણો હશે કે ઈસુને અનુસરીને એમની સેવા કરતી સ્ત્રીઓની યાદીમાં હમેશાં મગ્દલાની મરિયમનું નામ સૌથી પહેલું આવે છે.
ઈસુ અને તેમના શિષ્યોની સેવા કરવામાં મગ્દલાની મરિયમે આગળ પડતો ભાગ ભજવવાને કારણે ડાન બ્રાઉન જેવા નવલકથાકારોએ એને ઈસુની પત્ની તરીકે ચીતરી હશે! એમાં નવલકથાકારી ફળદ્રુપ કલ્પના જ દેખાય છે. પરંતુ બાઈબલનો કે ઈતિહાસનો કોઈ ટેકો કે પુરાવો એમાં નથી.
ઈસુ પોતાના શિષ્યો સાથે ગામેગામ અને શહેરેશહેર ફરીને ઈશ્વરના રાજયની ઘોષણા કરતા હતા. એમાં રસ્તામાં ભોજન કરવાથી માંડી રાતે સૂવા માટેની વ્યવસ્થા જેવી અનેક દૈનિક જરૂરિયાતોને જોવાની હોય છે. આમાં મગ્દલાની મરિયમ અને એમની સાથેની ઈસુની બીજી શિષ્યાઓએ પોતાની સાધનસંપત્તિ ખૂબ ઉદારતાથી કામે લગાડી છે. એમાં મગ્દલાની મરિયમે આગળ પડતો ભગ ભજવ્યો છે એમાં શંકાને અવકાશ નથી. પરંતુ આ વાતને લઈને મગ્દલાની મરિયમને ઈસુની પત્ની તરીકે ચીતરનાર લોકો ભૂલી જાય છે કે આધુનિક માનસ અને ઈસુના સમયની મનઃસ્થિતિ વચ્ચે આકાશ પાતાળ કરતાં વધારે તફાવત છે.
હું માનું છું કે ઈસુના બારેય પ્રેષિત-શિષ્યોની જેમ મગ્દલાની મરિયમને ઈસુ સાથે ગુરુ અને શિષ્યા તરીકે નજીકનો સંબંઘ હતો. એ સંબંધને મરિયમે ઈસુ પ્રત્યેની અજોડ નિષ્ઠા અને સેવાથી પોષ્યો છે. ઈસુએ પણ મગ્દલાની મરિયમની નિષ્ઠા અને સેવાની કદર કરી છે. આ વાત ઈસુની મહાવ્યથા, ક્રૂસ પરંનુ મૃત્યુ તથા પુનરુત્થાનના પ્રસંગે છતી થાય છે.
ઈસુની ગાલીલમાંથી યેરુશાલેમ તરફની છેલ્લી મુસાફરીમાં રાબેતા મુજબ મગ્દલાની મરિયમ અને બીજી સ્ત્રીઓ ઈસુ અને તેમના શિષ્યોને અનુસરી છે અને ગાંઠનું ખર્ચીને તેમની સેવા કરી છે. એટલું જ નહિ, પણ ઈસુને પકડવાનીં આવ્યા હતા ત્યારે તેમના લગભગ બધા શિષ્યો એમને છોડીને ભાગી ગયા હતા ત્યારે મગ્દલાની મરિયમ અને કેટલીક અન્ય શિષ્યાઓ ઈસુની સાથે ને સાથે રહી હતી. ઈસુની જેમ તેઓ સતામણી અને મૃત્યુના ભય સામે નીડર બની હતી. એટલે ઈસુના દુન્યવી જીવનના છેલ્લા ત્રણ દિવસોની વાત ઈસુની સાથે રહેલી સ્ત્રીઓના મોઢેથી સાંભળીને શુભસંદેશકારોએ પોતપોતાના શુભસંદેશમાં એનું આલેખન કર્યું હશે.
સંત લૂકે નોંધ્યું છે કે ઈસુના ક્રૂસારોહણને માર્ગે ઈસુની પાછળ લોકોનું મોટું ટોળું ચાલતું હતું. અને તેમાં તેમને માટે છાતી કૂટતી અને વિલાપ કરતી સ્ત્રીઓ પણ હતી. (લૂક ૨૩, ૨૭). ક્રૂસારોહણને માર્ગે ઈસુને અનુસરતી સ્ત્રીઓમાં લૂકે મગ્દલાની મરિયમનું નામ લીધું નથી; પરંતુ એ સ્ત્રીઓમાં મગ્દલાની મરિયમ ન હોય તો જ નવાઈ કહેવાય. એટલે ઈસુને પકડીને એમના વિરોધીઓ એમને સૂબા પિલાતના રાજભવનમાં લઈ ગયા ત્યારે ઈસુને અનુસરતી સ્ત્રીઓ સાથે ઈસુની માતા મરિયમ તથા મગ્દલાની મરિયમ હોય અને તેઓએ ઈસુ સામેની અદાલતી કાર્યવાહીનું દૂરથી નિરીક્ષણ કર્યું હોય એમ માની શકાય.
ધ પેશન ઓફ જિસસ ક્રાઈસ્ટ ફિલ્મમાં એના દિગ્દર્શક મેલ ગિબ્સને એક ચોટદાર દશ્ય મૂક્યું છે, પિલાતે, રાજભવનના પટાંગણમાં ઈસુને અત્યંત દારુણ રીતે કોરડા મરાવ્યા હતા. કોરડાના મારથી ઈસુના શરીરમાંથી વહેલા લોહીએ આંગણના પથ્થર ભીંજવી નાખ્યા હતા. મેલ ગિબ્સનના દશ્યમાં બે સ્ત્રીઓ દેખીતી રીતે ઈસુની મા મરિયમ અને મગ્દલાની મરિયમ પોતાના અંગવસ્ત્રોથી આંગણામાં પડેલું ઈસુંનું લોહી લૂછી નાખે છે.
ક્રૂસારોહણને માર્ગે ઈસુની પાછળ ગયેલી આ સ્ત્રીઓ, લૂક નોંધે છે તેમ, છાતી કૂટતી અને વિલાપ કરતી સ્ત્રીઓ તરફ ફરીને ઈસુએ તેમને કહ્યું, યરુશાલેમની દીકરીઓ, મારે માટે રડશો નહિ, તમારે પોતાને માટે અને તેમારાં સંતાનો માટે રડો (લૂક ૨૩, ૨૮). આખા ગાલીલ અને યહૂદિયામાં ઈશ્વરના રાજયની ઘોષણા કરતી વખતે ઈસુ સાથે ફરેલી મગ્દલાની મરિયમ ક્રૂસને માર્ગે પણ ઈસુને અનુસરી છે.
ઈસુને ક્રૂસે ચડાવ્યો ત્યારે ઘણી સ્ત્રીઓ દૂરથી બધું જ નિરીક્ષણ કરતી હતી. માથ્થી અને માર્કે લગભગ સરખા શબ્દોમાં નોંધ્યું છે કે, ઘણી સ્ત્રીઓ પણ દૂરથી રહી રહી જોતી હતી. તેઓ ગાલીલથી ઈસુની પાછળ પાછળ તેમની સેવા કરતી આવી હતી. એમાં મગ્દલાની મરિયમ, યાકોબ અને યોસેફની મા મરિયમ અને ઝહદીના પુત્રોની મા પણ હતી (માત્થી ૨૭, ૫૫-૫૬). ઈસુના જીવનમાં એમની સાથે સાયુજ્ય અનુભવનારી સ્ત્રીઓ એમની ક્રૂસ પરની મહાવ્યથા અને મૃત્યુ વખતે એમનાથી દૂર રહી શકે ખરી ?
લૂકે તો ખાસ નોંધ્યું છે કે, ઈસુના ઓળખીતાઓ અને ગાલીલથી ઈસુ સાથે આવેલી સ્ત્રીઓ દૂર ઊભાં રહ્યાં રહ્યાં આ બધું જોતાં હતાં (લૂક ૨૩, ૪૯). આથી આપણે માની શકીએ કે મગ્દલાની મરિયમે બીજી બધી સ્ત્રીઓ સાથે ગુલગથા નામની જગ્યાએ ઈસુને ક્રૂસે જડી દીધાનું દશ્ય જોયું છે અને તેમણે ક્રૂસ પરથી ઈસુએ કરેલી હૃદયસ્પર્શી વાતો સાંભળી છે. પ્રિયજની મહાવ્યથા અને કોઈ પણ રીતે મદદ ન કરી શકવાની નિઃસહાયતામાં મગ્દલાની મરિયમ, ઈસુની માતા મરિયમ અને અન્. સ્ત્રીઓએ પોતે કેવી વેદના અને લાગણી અનુભવી હશે ત્ તો કલ્પવી જ રહી!
શુભસંદેશમાં ઈસુના બે છૂપા શિષ્યો અરમથાઈના જોસેફ અને નિકોદેમસે ઈસુનું શબ ક્રૂસથી ઉતારીને દફનવિધિ માટે સુગંધી દ્રવ્યો સાથે શણના કપડામાં વીંટાળ્યાની વાત છે. ઈસુની માતા મરિયમ, મગ્દલાની મરિયમ અને અન્ય ભાવુક સ્ત્રીઓએ બંને શિષ્યોને ઈસુના શબને દફનાવવામાં મદદ કરી હશે. લૂકે તો નોંધ્યું છે કે, જે સ્ત્રીઓ ગાલીલથી ઈસુની સાથે સાથે આવી હતી તેઓ યોસેફની પાછળ પાછળ ગઈ. તેમણે કબર અને શબની ગોઠવણી ધ્યાનથી જોઈ. પછી તેઓએ ઘેર જઈને સુગંધી દ્રવ્યો અને અત્તર તૈયાર કર્યા (લૂક ૨૩, ૫૫-૫૬).
વિશ્વવિખ્યાત ચિત્રકલાકાર પીટર પોલ રુબેન્સે ધ ડિસેન્ટ ઓફ ધ ક્રોસ નામે એક ખૂબ પ્રસિદ્ધ ચિત્ર દોર્યું છે. એમાં ચિત્રકારે ક્રોસ પરથી ઈસુના શબને ઉતારવામાં અરમથાઈના જોસેફ અને નિકોદમસને મદદ કરનારી મગ્દલાની મરિયમ અને કિલયોપાસની પત્ની મરિયમનું દશ્ય પણ ખૂબ કૌશલ્યથી આલેખ્યું છે. રૂબેન્સના ચિત્રે ગાલીલથી ઈસુ સાથે આવેલી સ્ત્રીઓમાં મગ્દલાની મરિયમ ક્રૂસ પરના ઈસુના મૃત્યુ વખતે હાજર હતી એવી પરંપરાગત માન્યતાને દશ્યરૂપ આપ્યું છે.
શુભસંદેશમાં મગ્દલાની મરિયમને વિશિષ્ટ સ્થાન અમે માન મળ્યાં છે. કારણ, સંત માર્કે નોંધ્યું છે તેમ, રવિવારને દિવસે વહેલી સવારે સજીવન થઈને ઈસુએ સૌ પ્રથમ મગ્દલાની મરિયમને દર્શન દીધાં ! ઈસુએ પોતાના દુન્યવી જીવન અને ઈશ્વરના રાજ્યની ઘોષણા દરમિયાન લોકોની ઘણી રૂઢિચુસ્ત માન્યતાઓ તોડી હતી. તેમણે પાપીઓ તથા જકાતદારો સાથે જમવા જેવી યહૂદીઓની રીતભાતની વિરુદ્ધ ક્રાન્તિકારી પગલાં ભર્યાં હતાં. યહૂદી સમાજમાં સ્ત્રીઓનું સ્થાન ગુલામ કે દાસ જેવું હતું. પરંતુ ઈસુએ પોતાના આચારવિચારમાં તથા સ્ત્રીઓ સાથેના વર્તનમાં તેમને પુરુષ જેટલી સમાનતા અને આત્મગોરવ બક્ષ્યાં છે. ઈસુનાં એ બધાં ક્રાન્તિકારી પગલાં અધૂરાં હોય તેમ પુનરુત્થાન પામેલા ઈસુ સૌ પ્રથમ એક સ્ત્રીને મગ્દલાની મરિયમને દર્શન આપે છે અને એને જ પોતાના પુનરુત્થાનની સંદેશવાહક બનાવી દે છે!
સંત યોહાનને મગ્દલાની મરિયમને ઈસુએ આપેલા દર્શનને ખૂબ સુન્દર રીતે, સચોટ ચિત્રાત્મક ભાષામાં આલેખ્યું છે. પણ મરિયમ બહાર કબર પાસે રડતી ઊભી રહી. રડતાં રડતાં તેણે કબરમાં નીચા નમીને જોયું તો ઈસુનું શબ જ્યાં મૂકેલું હતું ત્યાં સફેદ વસ્ત્રધારી બે દેવદૂતો બેઠેલા હતા, એક ઓશીકે અને બીજો પાંગતે. તેમણે તેને પૂછયું, બાઈ, તું કેમ રડે છે?
તેણે કહ્યું, કારણ, તેઓ મારા પ્રભુને લઈ ગયા છે અને તેમને ક્યાં રાખ્યા છે તેની મને ખબર નથી.
એટલું કહીને પાછું ફરીને જોતાં તેને ઈસુ ઊભેલા દેખાયા; પણ એ ઇસુ છે એમ તે ઓળખી ન શકી. ઈસુએ તેને કહ્યું, બાઈ, તું કેમ રડે છે? તું કોને શોધે છે?
આ માળી છે એમ ધારીને તેણે કહ્યું, ભાઈ, તમે જો એમને ઉપાડી ગયા હો તો મને કહો કે તમે તેમને ક્યાં રાખ્યા છે, એટલે હું તેમને લઈ જઈશ.
ઈસુએ તેને કહ્યું, મરિયમ !
એટલે તે તેમના તરફ ફરીને હિબ્રૂમાં બોલી, રબ્બુની! (અર્થાત્ ગુરુજી!)
ઈસુએ તેને કહ્યું, મને વળગીશ નહિ; હજી હું પિતા પાસે ઉપર ચાલ્યો ગયો નથી; પણ મારા ભાઈઓને કહેજે કે, હું મારા પિતા અને તેમા પિતા, મારા ઈશ્વર પાસે ઉપર જઈ રહ્યો છું.
મગ્દલાની મરિયમે આવીને શિષ્યોને જાણ કરી કે, મને પ્રભુનાં દર્શન થયાં છે, અને તેમણે મને આમ આમ કહ્યું છે, (યોહાન ૨૦, ૧૧-૧૮)
ઈસુના સમયનો અભ્યાસ કરતાં આપણે નિઃશંકપણે કહી શકાય કે તે જમાનામાં કોઈ માણસ સ્વપ્નમાં પણ વિચાર ન કરે એવું કામ નવજીવન પામેલા ઈસુ કરે છે ! તેઓ એક સ્ત્રીને મગ્દલાની મરિયમને પોતાની સંદેશવાક બનાવે છે ! ગાલીલની બીજી સ્ત્રીઓ સાથે ઈસુને અનુસરીને મગ્દલાની મરિયમે ઈસુનાં મૂલ્યો, આદર્શો અને વલણોને આત્મસાત્ કર્યા છે. એટલે મરિયમ કોઈ આનાકાની કર્યા વિના તરત જ હિંમતથી પોતાને સોંપાયેલો સંદેશ ઈસુના શિષ્યોને પહોંચાડે છે.
યહૂદી સમાજમાં સ્ત્રીનું સ્થાન છેક તળિયે હતું. સ્ત્રીના મતને કોઈ ગણકારતું નહોતું. સ્ત્રીઓને તો ઘરની અંદર જ ભરાઈ રહેવાનું હતું. પરંતુ મગ્દલાની મરિયમ જાણે છે કે ઈસુએ આવી બધી રૂઢિચુસ્ત માન્યતાઓ અને રીતરીવાજોને દૂર કરીને દરેક માણસને, સ્ત્રી-પુરુષનો ભેદભાવ કર્યા વિના, સમાનતા, આત્મગૌરવ અને આદરમાન બક્ષ્યાં છે. એટલે મરિયમને ઈસુના શિષ્યોએ કલ્પ્યું ન હોય એવો સંદેશ એમને પહોંચાડવામાં ઉત્સાહ અને આનંદ સિવાય અન્ય કોઈ પ્રતિભાવ નથી.
ઈસુ સાથેનું મિલન અને અમની સાથેના લાંબા ગાળાના સંપર્કે મગ્દલાની મરિયમમાં અનોખું પરિવર્તન લાવી દીધું છે. ઈસુ સાથેનું મિલન અને એમનો સંપર્ક દરેક માણસમાં પણ આવું અનોખું પરિવર્તન લાવ્યા વિના રહે નહિ. આનો એક દાખલો પાઉલ છે. ગલાતિયાના પત્રમાં સંત પાઉલ કહે છે કે, ખ્રિસ્તની સાથે જ હું પણ ક્રૂસે જડાયેલો છું. એટલે હવે જે જીવે છે તે બું નથી જીવતો, પણ ખ્રિસ્ત મારામાં જીવે છે. (ગલાતિયા ૨, ૨૦) મગ્દલાની મરિયમ પણ સંત પાઉલની જેમ કહી શકે છે કે, હવે હું નહીં પણ ખ્રિસ્ત મારામાં જીવે છે. પોતાનાં સમર્પણ અને સેવાથી મરિયમ સંપુર્ણપણે ઈસુમય બની હતી.
ઈસુના પુનરુત્થાનની વાત પછી મરિયમની વાત શુભસંદેશ કે આખા બાઈબલમાં આવતી નથી. છતાં આપણે માની શકીએ કે ઈસુના સ્વર્ગરોહણ પછી ઈસુના બધા શિષ્યો યરુશાલેમ શહેરમાં માળ ઉપર એક ઓરડીમાં ભેગા મળીને બધા એકમેન થઈને સતત પ્રાર્થના કર્યા કરતા હતા. પ્રેષિતોનાં ચરિત વધુમાં કહે છે તેમ, એમની સાથે ઈસુનાં મા મરિયમ સુધ્ધાં, કેટલીક સ્ત્રીઓ અને ઈસુના ભાઈઓ પણ હતાં. ઇસુના શિષ્યો અને અનુયાયીઓમાં મગ્દલાની મરિયમ પણ હશે એમ માની શકાય.
ઈસુના મિલન અને એમની સાથેના સંપર્કથી મગ્દલાની મરિયમ અબળમાંથી સબળા બની હતી. એટલું જ નહિ, પણ સમસ્ત દુનિયા માટે ઈસુના પુનરુત્થાનની પ્રથમ સાક્ષી તથા ઈસુની સંદેશવાહ બને છે. ઈસુ સાથેના મિલન અને સતત જીવંત સંપર્કથી માણસ શું ન કરી શકે એનો એક સચોટ દાખલો મગ્દલાની મરિયમ છે.
|