બાઈબલ એટલે શું?

બાઈબલ એટલે શું?

બાઈબલ વિશે ફાધર વર્ગીસનાં બે પુસ્તકો છે (જૂનો કરાર બાઈબલનાં પાત્રો અને નવો કરાર બાઈબલનાં પાત્રો.) અહીં આ બે પુસ્તકોના ફાધરે લખેલા આમુખ રજૂ કરીએ છીએ. એક "ઓ માણસ તું જ છે" અને "ચરિત્રચિત્રણ દ્વારા શુભસંદેશની સમજૂતી" બંને પુસ્તકો આર.આર.શેઠની કંપની, અમદાવાદ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા છે.

(ફાધર વર્ગીસ પોલ – "એ માણસ તું જ છે" લેખ ફાધર વર્ગીસ પોલના પુસ્તક "બાઈબલનાં પાત્રો" ની પ્રસ્તાવનાનો ભાગ છે.)

“સમગ્ર બાઈબલની ભૂમિકા” લખાણ સ્વ. નગીનદાસ ના. પારેખ અને ઈસુદાસ કવેલીએ કરેલા અનુવાદ બાઈબલ માંથી લેવામાં આવ્યું છે.

એ માણસ તું જ છે.

બાઈબલના એક ગ્રંથ બીજો શમુએલ માં એક ખૂબ જાણીતી દ્રષ્ટાંત કથા છે. ખૂબ રૂપાળી સ્ત્રી બાથશેબાની સાથે પ્રેમકિસ્સા થયા પછી રાજા દાવિદને પયગંબર નાથાન એક સુંદર દ્રષ્ટાંતકથા કહી સંભળાવે છે.

“પ્રભુએ નબી નાથાનને દાવિદ પાસે મોકલ્યો, અને તેની પાસે પહોંચ્યા પછી નાથાન બોલ્યે, કોઈ એક શહેરમાં બે માણસો રહેતા હતા. એક પૈસાદાસ અને બીજો ગરીબ, પૈસાદાર માણસ પાસે ઘેટાંબકરાંનાં મોટાં મોટાં ટોળાં અને ઢોરોનાં મોટાં મોટાં ઘણ હતાં, પણ પેલા ગરીબ માણસ એક નાની ઘેટી સિવાય કંઈ નહોતું. તેણે પોતે જ એને ખરીદી હતી અને તે પોતે જ તેને ઉછેરતો હતો. તે તેના ઘમાં તેનાં છોકરાંઓ ભેગી જ મોટી થતી હતી. તે તેની થાળીમાંથી જમતી. તેના પ્યાલામાંથી પાણી પીતી અને તેની ગોદમાં સૂતી હતી. તે તેની દીકરી જેવી જ હતી. એક દિવસ કોઈ મુસાફર પેલા પૈસાદાર માણસને ત્યાં આવ્યો, પણ તે તેની દીકરી જેવી જ હતી. એક દિવસ કોઈ મુસાફર પેલા પૈસાદાર માણસને ત્યાં આવ્યો, પણ પોતાનાં ઘેટાંબકરાંમાંથી અથવા ઢોરોમાંથી કોઈને લઈને રાંધવાનો તેનો જીવન ન ચાલ્યોઃ એટલે તેણે પેલા ગરીબ માણસની ઘેટી લઈને પોતાને ત્યાં આવેલા મહેમાન માટે રાંધી.”

“આ સાંભળીને દાવિદ તે માણસ ઉપર અકદમ ગુસ્સે થઈ ગયો અને બોલી ઊઠયો, પ્રભુના કસમ, આવું કરનાર માણસ તો મરવો જ જોઈએ! તે આવી ક્રૂર રીતે વર્ત્યો છે એટલે તેણે એ ઘેટીનો ચારગણો બદલો આપવો જ પડશે.”

“ત્યારે નાથાને દાવિદને કહ્યું, એ માણસ તું જ છે.”

એક દિવસ રાજા દાવિદે પોતાના મહેલના ઘાબા પર આટાં મારતાં નીચે એક રૂપાળી સ્ત્રીને નાહતી જોઈ. તપાસ કરતાં દાવિદે જાણ્યું કે સ્ત્રી એલિયામની દીકરી અને હિત્તી ઉરિયાની વહુ બાથશેબા છે. દાવિદે તેને બોલાવડાવીને તેની સાથે સંભોગ કર્યો, પછી દાવિદને તે બાઈએ જણાવ્યું કે, મને ગર્ભ રહ્યો છે. આ વાતથી ગભરાયેલા દાવિદે પોતાનો ગુનો છુપાવવાનો પ્રયત્ન કર્યો. રાજા દાવિદે સૈન્ય સાથે યુદ્ધને મોરચે ગયેલા બાથશેબના ઘણી હિત્તી ઉરિયાને કાવતરું રચીને મારી નખાવ્યો. પછી દાવિદે બાથશેબાને પોતાના ઘરમાં તેડાવી લીધી. તે તેની પત્ની થઈને રહી. દાવિદના આ કૃત્ય પછી જ પ્રભુએ નાથાનને દાવિદ પાસે મોકલ્યો. અને દષ્ટાંતને અંતે નાથાને દાવિદને કહ્યું, એ માણસ તું જ છે.

એ માણસ તું જ છે. આ વાક્ય બાઈબલના જૂના કરારની દરેક વાર્તા અને દરેક કથાપાત્રની વાંતને અંતે આવી શકે છે. બાઈબલના દરેક વાચકને કહી શકાય છે કે, એ માણસ તું જ છે.

આ તમારી-મારી વાત છે. બાઈબલના વાંચનથી તમને ખ્યાલ આવશે કે એમાં ઈશ્વર સાથેના સંબંધની માણસની રોજનીશી છે. એમાં એક બાજુ ઈશ્વરના માણસ માટેના પ્રેમની પહોળાઈ, લંબાઈ, ઊંચાઈ અને ઊંડાઈનો તમને ખ્યાલ આવશે. તો બીજી બાજુ એ પ્રેમને ઓળખવાની અને અપનાવવાની માણસની નિષ્ફળતાનું તમને ભાન થશે.

બાઈબલમાં ઈશ્વરના માણસ માટેની પ્રેમની કથા છે. ઈશ્વર અને માણસ વચ્ચે તથા માણસ અને માણસ વચ્ચેના સંબંધની એ કથા છે. બાઈબમાં ઈશ્વરે પસંદ કરેલી યહૂદી પ્રજાના ઈતિહાસના બનાવો આલેખાયા છે. એટલે આપણે બાઈબલને યહૂદી પ્રજાની શ્રદ્ધાની તવારીખ કે કથા પણ કહી શકીએ છીએ.
શ્રદ્ધાની એ કથામાં એક તરફ ઈશ્વરના નિકટના સંબંધમાં રહીને ઈશ્વરી પ્રજાને પોતાના ઈશ્વર તરપ દોરતા મહામાનવો અને શ્રદ્ધાવીરોની વાત છે, તો બીજી તરફ માનવ માટેની ઈશ્વરની યોજાનાને પ્રતિબદ્ધ કરતાં પાત્રોનું પણ આલેખન છે. બાઈબલમાં આ વીરપુરુષોની આગેવાની અને ખલનાયકોના પરાક્રમો દ્વારા ઈશ્વર પ્રભુ માનવ વચ્ચે કાર્યરત રહીને પોતાની માનવ માટેની મુક્તિ યોજનો પાર પાડે છે. આમ તો બાઈબલનો પહેલો ભાગ જૂનો કરાર સમજવો જરાક અઘરો છે. એમાં ઈશ્વરે અને માનવ વચ્ચેના હજારો અને અબજો વર્ષના ગાળાના સંબંધ અને વ્યવહારની વાત છે.

માણસ અને ઈશ્વર વચ્ચેના આ પ્રેમ સંબંધ અને વ્યવહાર સમવા માટે બાઈબલની પૂર્વભૂમિકાનો ખ્યાલ આપણને મદદરૂપ થાય છે. મૂળ ગ્રીકમાંથી આવતા બાઈબલ શબ્દનો અર્થ ગ્રંથો થાય છે. બાઈબલ એક સળંગ ગ્રંથ નથી. પણ ઘણા ગ્રંથોની સંહિતા છે. બાઈબલનો પહેલો ભાગ જૂના કરારમાં ઈ.સ. પૂર્વેના બે હજાર વર્ષ દરિયાનની ઈસ્રાયલી પ્રજાની વાત છે. એમાં દૈવી પ્રેરણાથી ઘણા જ્ઞાત અને અજ્ઞાત લેખકો જુદા જુદા તબક્કે અને ભિન્ન ભિન્ન શેલીમાં તથા વિવિધ સાંસ્કૃતિક સંદર્ભમાં રચેલાં નાનાં મોટાં લખાણોનાં છૈતાલીસ ગ્રંથો છે.

બાઈબલનો ગ્રંથ તો એક નાના પુસ્તકાલય જેવો છે. એમાં ગધ્યખંડો ને પધ્યખંડો પણ છે. એમાં મહાકાવ્યો અને અંગત રોજનીશીની વાતો છે. ઈતિહાસનાં વૃતાંતો અને દંતકથાઓ છે, ભક્તિ-પ્રાર્થના અને કાયદાશાસ્ત્રના સંગ્રહો છે. વ્યક્તિચિત્રો અને સાહિત્યનાં અન્ય રૂપો છે. એમાં સંતો અને પાપીઓનાં રેખાચિત્રો પણ છે.

ખ્રિસ્તી લોકો ઈશ્વરને જ બાઈબલના કર્તા માને છે અને એ યોગ્ય છે. પણ એક લેખકને આપણે એમના પુસ્તકના કર્તા કહીએ છીએ એ અર્થમાં ઈશ્વર બાઈબલના કર્તા નથી. પણ ઈશ્વર-પ્રેરિત ગ્રંથ તરીકે ઈશ્વર બાઈબલના કર્તા છે.

બાઈબલના અમુક ગ્રંથોના માનવ-કર્તાઓ વિશે આપણે ચોક્કસપણે જાણીએ છીએ. પરંતુ મોટાભાગના ગ્રંથોના કર્તાઓ કોણ હતા એ આપણે જાણતા નથી. પણ એક વાત તો સ્પષ્ટ છે કે બાઈબલનો એકેક ગ્રંથ ઈશ્વરની વિશેષ પસંદગી પામેલી ઈસ્રાયલી પ્રજામાંથી ઉદભવ્યો છે અને એમાં ઈશ્વરની પ્રેરણા હેઠળ ઈસ્રાયલી પ્રજાની ધાર્મિક શ્રદ્ધા વાચા પામી છે, આ રીતે, ઈશ્વર પ્રેરિત રચના તરીકે ખ્રિસ્તી લોકો બાઈબલને ઈશ્વરની વાણી કહે છે અને ઈશ્વરને જ બાઈબલના કર્તા માને છે.

બાઈબલમાં સંગ્રિહત થયેલી બધી વાતો જુદા જુદા તબક્કામાંથી પસાર થઈને આખરે ગ્રંથસ્થ થઈ છે. પ્રથમ તબક્કામાં બીજા ઘણા ધાર્મિક સાહિત્યની જેમ બાઈબલની વાતો મૌખિક રીતે કંઠોપકંઠ પેઢી ઊતરી આવી છે. એમાં સૌ શ્રદ્ધાળુઓના આદ્યપિતા અબ્રાહમની વાતથી માંડી ઈશ્વરની પસંદ કરેલી પ્રજાઓની શ્રદ્ધા અને ભક્તિના અનુભવોને લોકકથાઓ, વીર પ્રબંધો, આચારસંહિતાઓ, કાવ્યો, સુભાષિતો વગેરે પ્રચલિત લોકસાહિત્યના રૂપમાં કંઠોપકંઠ સગ્રહિત કરવામાં આવ્યું હતું.

આ પ્રથમ મૌખિક પરંપરાના તબક્કામાં કશુંય લખેલું ન હતું. બીજા તબક્કામાં બાઈબલની બધી વાતો લેખિતરૂપ પામવા માંડી હતી. ચાર હજાર વર્ષ ઉપર શરૂ થયેલી બાઈબલની મૌખિક પરંપરાનું પ્રચલિત લોકસાહિત્ય જ્યારે ઈસ્રાયલની પ્રજા ઈશ્વરે એમને વચનથી પક્ષેલી પુણ્યભૂમિમાં ઠરીઠામ થવા લાગી ત્યારે ધીરે ધીરે લેખિત સ્વરૂપ પામવા લાગ્યું હતું.

બાઈબલ રચનાના ત્રીજા તબક્કામાં આગળ છૂટક છુટક લેખિત રૂપ પામેલાં જુદાં જુદાં, નાનાંમોટાં પુસ્તકોનું સંકલન કરવામાં આવ્યું. બે હજાર વર્ષ ઉપર આ રીતે લેખિત પરંપરાઓનું સંકલન કરી એક ગ્રંથ રચવામાં આવ્યો. તે જ છે બાઈબલનો પહેલો ભાગ. તેને જૂનો કરાર નામે ઓળખવામાં આવે છે.

બાઈબલના જૂના કરારમાં સંગ્રહિત થયેલી વાતો જ્યારે લોકસાહિત્ય રૂપે મૌખિક રૂપ પામી અને ત્યાર પછી લેખિતરૂપ લીધાં અને છેલ્લે ગ્રંથસ્થ થઈ હતી. એ ત્રણેય તબક્કામાં બાઈબલની રચનાઓ જુદા જુદા સમયકાળના અને ભિન્ન ભિન્ન સંસ્કૃતિના અને વિવિધ સામાજિક અને ધાર્મિક કક્ષાના લોકોએ રચી છે. બાઈબલની એકેક રચના પર સ્વાભાવિક રીતે એને રચનાર માનવ, સમયકાળ અને સંસ્કૃતિની ઊંડી અસર પડેલી છે. આમ, બાઈબલ માનવ-રચિત હોવાથી તેમાં જે તે જમાનો અને સંસ્કૃતિનાં માનવ સહજ લક્ષણો અને મર્યાદાઓ જોવા મળે છે.

આપણે આવી બધી વાતનો ધ્યાનમાં લઈએ તો બાઈબલમાં ચીતરેલાં કેટલાંક નિમ્ન અને નિષ્ઠુર કયાપાત્રોથી આપણને આઘાત ન લાગે. બાઈબલમાં આપણને બધા જ પ્રકારના આદર્શ અને હલકા માણસોનો ભેટો થાય છે. એમાં આદમ અને હાવા છે. જ્યારે એમના ગુનાને પકડવમાં આવે ત્યારે એમનો પ્રથમ પ્રતિભાવ બહાનું કાઢીને બીજા ઉપર આરોપ મૂકવાનો છે. એમાં આદ્યપિતા અબ્રાહમના અને મહામાનવો અને ઈસ્રાયલી પ્રજાના પૂર્વજો તરીકે ઈસહાક, યાકુબનાં પાત્રો મળે છે. પણ તમે જોઈ શકો છે કે તેઓ રખડતી ભરવાડ ટોળકીની વડીલોથી કંઈક વિશેષ લાગતા નથી. એમાં યાકુબ તો પોતાના મોટા ભાઈના હક્ક અને હોદ્દો છીનવી લેવા માટે જુઠ્ઠાણું બોલતાં પણ અચકાતો નથી.

બાઈબલમાં મોશે જેવા મોશે તો એને ઈશ્વરની હાકલ મળે ત્યારે તે પોતાની ખામો ગણી જવાબદારીથી છૂટવા મથે છે. રૂથ જેવી સ્ત્રીની અનન્ય સાસુ-ભક્તિનું તો એક આખું સ્વતંત્ર પુસ્તક બાઈબલમાં છે. શાઉલ જેવા રજાઓ ઈશ્વર વતી યુદ્ધ કરી શકે છે. પણ ઈશ્વરની આજ્ઞા માથે ચઢાવી શકતા નથી. રાજા દાવિદ તો બાળક જેવી ભક્તિથી ઈશ્વરની આગળ નાચગાન કરી શકે છે, પરંત પરસ્ત્રી પાછળ પાગલ બનીને હત્યા કરાવવાનો ઘોર અપરાધ આચરે છે. એક બાજુ અથાલિયા જેવી દુષ્ટ સ્ત્રીઓ હોય છે તો બીજી બાજુ ડાહીડમરી અબિગાઈલ અને વીરાંગના એસ્તેર પણ છે.

અહીં બાઈબલનાં પાત્રો માં આવાં એકાવન કથાપાત્રોમાં જીવન અને કાર્યનો પરિચય બાઈબલની દષ્ટિએ આપવામાં આવ્યો છે. બાઈબલમાં એ બધાં પાત્રો જે રીતે રજૂ થયાં છે એ જ રીતે, અને બને ત્યાં સુધી બાઈબલના જ શબ્દોમાં નિરૂપવામાં આવ્યાં છે. પાત્રો અંગે ટીકાટિપ્પણ બાઈબલના સંદર્ભ બાંધવા પૂરતી મર્યાદિત રાખીને વાચક બાઈબલનાં પાત્રો સાથે સીધા સંબંધમાં આવે એવો મારો પ્રયત્ન રહ્યો છે.

આખરે તો બાઈબલના જૂના કરારમાં કેવળ મધ્ય પૂર્વ એશિયાના એક કોમના લોકોની ચડતીપડતીની વાત નથી. પણ ઈશ્વર માનવ ઈતિહાસમાં કેવી રીતે કાર્યરત છે. ઈશ્વર કેવી રીતે શોધી શોધીને માણસ પાછળ આવે છે. એની જ વાત છે. બાઈબલની વાત તો તમારી અને મારી વાત છે. માણસ જેવા માણસની ચડતી અને પડતીની વિગતો છે. એમાં આપણાં આનંદ અને હતાશાની વાત છે. સિદ્ધિઓ અને ખામીઓનું નિરૂપણ છે. વિજય અને પરાજયનું વર્ણન છે. માણસની ઉદાત્તતા અને દુષ્ટતાનું નિરૂપણ છે.

આમ, બાઈબલ માણસને જેમ છે તેમ બધી રીતે ચીતરે છે. પણ બાઈબલમાં ફક્ત માણસનું ચિત્ર નહિ પણ ઈશ્વરનું ચિત્ર પણ છે. બાઈબલમાં ઈશ્વર તો કેવળ માણસની કલ્પનાના ખ્યાલ રૂપે રહેતો નથી. માણસના જીવન સાથે નિકટપણે સંકળાયેલા એના મિત્ર કે પિતા સરખા ઈશ્વરનો આપણને બાઈબલમાં ભેટો થાય છે. હું આશા રાખું છું કે આપણા માનવજીવનમાં આપને અને મને દોરતા ઈશ્વરના હાથ જોવામાં આ પુસ્તક આપને મદદરૂપ નીવડશે.

બાઈબલનાં પાક્ષો લેખમાળામાં મારી દષ્ટિએ ગણનાપાત્ર હોય એવાં એકાવન કથાપાત્રોને મેં બાઈબલના જૂના કરારમાંથી પસંદ કર્યાં છે અને એ બધાં કથાપાત્રોને અહીં પ્રગટ કરીએ છીએ. તમે બાઈબલનાં પાત્રોનું વાચન કરો છો ત્યારે એક વાત ખાસ ધ્યાનમાં રાખજો કે આપણે અહીં ત્રણ-ચાર હજાર વર્ષ જૂના જમાનાની પૌરાણિક સંસ્કૃતિના લોકોની વાત કરીએ છીએ. આપણાં આધુનિક માનસ અને અદ્યતન મૂલ્યોથી બાઈબલનાં કથાપાત્રોને મૂલવવાં જોઈએ તો એમાં આપણે ગેરમાર્ગે ચઢી જઈએ એવી ઘણી બધી શક્યતાઓ રહેલી છે. હું આશા રાખું છું કે બાઈબલનાં પાત્રોના વાચનથી મારા માનવંતા વાચકો ઉદાત્ત માનવજીવનને પોષે એવી આગવી પ્રેરણા અને નવી દષ્ટિ મેળવી શકશે.

બાઈબલનાં પાત્રો નાં પાનાં ફેરવતાં તમને ખ્યાલ આવશે કે એના એકેક પાત્રને ચીતરવામાં મેં પરચુરણે બાઈબલમાં થી ઉતારો કર્યો છે. બાઈબલનાં બધાં અવતરણો સ્વ. શ્રી નગીનદાસ નાં. અને ફાધર ઈસુદાસ કવેલીએ અનુવાદ કરેલા અને ગુજરાત સાહિત્ય પ્રકાશે પ્રગટ કરેલા સંપૂર્ણ બાઈબલમાંથી લેવામાં આવ્યાં છે. અદ્યતન ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલા સંપૂર્ણ બાઈબલમાંથી લીધેલાં અવતરણો બદલ હું એના અનુવાદકો અને પ્રકાશકોનો ઋણી છું.

આ પુસ્તકના બધા ચરિત્રો મધ્યાંતર દૈનિકની મારી કોલમ બાઈબલનાં પ્રેરક પાત્રો માં પ્રગટ છે. આ પુસ્તકની રચનામાં મને મદદ કરનાર મારા કાર્યાલયનાં લીનાબહેન મેકવાન, સ્નેહલ મેકવાન અને બીજા સહકાર્યકરો, મધ્યાંતરના તંત્રીશ્રી જશવંત રાવલ અને સંપાદકશ્રી ભગવતભાઈ અને ચિંતનભાઈનો તથા ઝીણવટથી પ્રૂફ વાંચી સમગ્ર પુસ્તકને ક્ષતિરહિત કરનાર શ્રી ચન્દ્રકાન્ત ભટ્ટ અને શ્રી પ્રકાશ ચૌહાણ જલાલ નો હૃદયપૂર્વક આભાર માનું છું.

બાઈબલનાં પાત્રોનાં પાનાં ફેરવતાં સૌ પ્રથમ તમારી નજર પડે છે. એમાંનાં સુંદર રેખાચિત્રો પર. મારા મિત્ર અને સિદ્ધહસ્ત લલિત કલાકાર શ્રી વિલ્સન સોલંકીએ દોરેલાં 51 વૈવિધ્યપૂર્ણ રેખાચિત્રો માટે હું એમનો આભાર માનું છું. એ જ રીતે રોચક ચિત્રકલાથી આ પુસ્તકના મુખપૃષ્ઠને ખૂબ આકર્ષક બનાવનાર યુવાન કલાકાર શ્રી દીપક ઠાકોરનો પુણ આભાર માનું છું.

છેલ્લે ખૂબ અગત્યની વાત એ છે કે પ્રસ્તાવનારૂપે પરિચયનો આનંદ લખી આપનાર શ્રી પ્રકાશન ન. શાહનો તથા પુરોવચન દ્વારા ગ્રંથની વિશિષ્ટતાનો ખ્યાલ આપનાર ફાધર ઈસુદાસ કવેલીનો હું હૃયપૂર્વક આભાર માનું છું. બંને લેખકોએ પોતપોતાની આગવી દષ્ટિથી ખૂબ ઓછા શબ્દોમાં પુસ્તકની સુંદર રજૂઆત કરી છે.

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.