બિનસાંપ્રદાયિકતા અને ધાર્મિક સ્વતંત્રતાના પડકારો

બિનસાંપ્રદાયિકતા અને ધાર્મિક સ્વતંત્રતાના પડકારો

અંગ્રેજીમાં એક કહેવત એ છે કે એક ખોરાકની ચકાસણી ચાખીને પુરવાર કરવામાં છે.

મોદીની સરકાર સત્તા પર આવ્યા પછી લધુમતીઓ ઉપર, વિશેષ તો ખ્રિસ્તીઓ અને મુસ્લિમો ઉપર કોમી હિન્દુત્વવાદીઓનો હુમલો કોઈ રોકટોક વગર ચાલતા જ રહ્યા છે. ઘરવાપસીને નામે સંઘ પરિવારના લોકો ગરીબ અને દલિત મુસ્લિમો અને ખ્રિસ્તીઓને ધર્મપલટો કરાવી હિન્દુ બનાવવાના કાર્યક્રમો જાહેરમાં ચલાવે છે. એમાં આપણા બંધારણ વિરુદ્ધ લાલચ આપીને, પ્રલોભનથી, લોભાવીને કે બળજબરી પણ વાપરીને આર્ય સમાજના લોકો ધાર્મિક વિધિથી હિન્દુ બનાવ્યાના અહેવાલો છે.

વળી, ખ્રિસ્તીઓને હિન્દુ બનાવવા માટે અમુક રકમ અને મુસ્લિમોને હિન્દુ ધર્મમાં લાવવા માટે બમણી રકમનું ભંડોળ જાહેરાતો દ્વારા એકઠા કરવમાં આવે છે ! વડાપ્રધાન નરેન્દ્રમોદીની આંખો આગળ બે જ મહિનાના ગાળામાં રાજધાની નવી દિલ્હીમાં પાંચ ખ્રિસ્તી દેવળો અને શૈક્ષણિક શાળા ઉપર હુમલાઓ થયા છે !

આમ તો લોકસભાની ચૂંટણીની તૈયારા સમયથી જ ઉત્તરપ્રદેશથી માંડી દેશમાં ખાસ તો ભાજપ શસિત રાજ્યોમાં ઠેરઠેર લવ જેહાદના સૂત્રો પોકારી રહ્યાં છે. નવી દિલ્હીમાં ભાજપની મોદી સરકાર આરૂઢ થયા પછી બિનસાંપ્રદાયિકતા અને ધાર્મિક સ્વતંત્રતા વિરુદ્ધના આવાં બધાં પરિબળો અને કાર્યક્રમો દેશભરમાં જોરદાર બન્યા છે. છતાં વડાપ્રધાન છેલ્લા નવેક મહિનામાં કુંભકર્ણની ઊંઘમાં હોય તેમ મૌન પાળી રહ્યા છે.

વડાપ્રધાન મોદીના મૌનથી હિન્દુ ધર્મની કેટલાક સાધુઓ, ધર્મગુરુઓ, સાધ્વીબહેનો તથા રાજકારણીઓને જાણે લધુમતીઓ સામે વેર અને ધિક્કારની ઝેરીલી વાતો ઓખવાની છૂટ મળી ગઈ. તેઓ પોતાના શિષ્યો અને અનુયાયીઓ દ્વારા લધુમતીઓની સત્તામણી કરવા માટે મેદાને પડયા છે ! આ અરાજકતા અને અસહિષ્ણુતા પ્રત્યે મોદી સરકાર આંખ આડા કામ કરે છે.

મિત્ર રાષ્ટ્ર ભારતની આવી બધી અરજાકતાના નામે લધુમતીઓની સત્તામણીના સમાચારો જાણીને અમેરિકાના પ્રમુખ બારાક ઓબામાએ સીરી ફોર્ટ ઓડિટોરિયમ ખાતે કરેલી વાત દેશવિદેશના સમાચાર-માધ્યોમાં ચમકી છે. ઓબામાને કહ્યું, દરેક વ્યક્તિને કોઈ પણ પ્રકારના જુલમ, ભય કે ભેદભાવ વિના પોતાનો ધર્મ પાળવાનો અધિકાર છે અને જ્યાં સુધી ભારત ધર્મના આધારિ વિભાજિત થશે નહિ ત્યાં સુધી સફળ થતું જ રહેશે... વિવિધતામાં એકતા જ ભારત અને અમેરિકાને એકબીજા સાથે જોડતી તાકાત છે અને બન્ને દેશોએ વંશીય આધાર પર વિભાજનના પ્રયાસો સામે સતત સાવચેત રહેવાનું છે. આ બાબત જ આપણને વર્લ્ડ લીડર્સ બનાવે છે, નહિ આપણા અર્થતંત્રનું કદ કે પછી આપણો શસ્ત્રસરંજામ કાફલો. (નયા માર્ગ, ફેબ્રુઆરી 1, 2015).

પ્રજાસત્તાક દિન 2015માં પ્રધાનમંત્રી મોદીની મહેમાનગીરી માણ્યા પછી પાછા અમેરિકા જઈને ઓબામાએ ફરી એક વાર ભારતની ધાર્મિક અસહિષ્ણુતા અને ખ્રિસ્તીઓની અને મુસ્લિમોની સત્તામણીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ગાંધીજીને લધુમતીઓ પરના હુમલાથી આઘાત લાગ્યો હોત.

ઓબામાએ 9 દિવસની અંદર કરેલી બે ટિપ્પણીનો દેશવિદેશમાં પ્રતિભાવ થયો. પડઘો પડયો. ઓબામાની વાતથી ચોંકાવી જઈને પ્રધાનમંત્રી મોદીએ આખરે મૌન તોડયું. તેમણે ભારતના કેટલાક ધર્માધ્યક્ષો અને અન્ય ખ્રિસ્તી આગેવાનોની બેઠકમાં નવી દિલ્હી ખાતે ફેબ્રુઆરીની 17મીના રોજ અંગ્રેજીમાં જાહેર વાત કરી કે, તેમની સરકાર કોઈ પણ પ્રકારની ધાર્મિક હિંસાને કયારેય પણ ચલાવી લેશે નહિ. આવા કૃત્યો સામે કઠોર કાર્યવાહી કરવામાં આવશે. અખબારી અહેવાલો મુજબ મોદીએ વધુમાં કહ્યું કે, મારી સરકાર બધા ધર્મોને સમાન આદરમાન આપશે. બધા ધર્મો પ્રત્યે સમાન આદરમાન દરેક નાગરિકના DNA માં હોવું જોઈએ. હવે પ્રધાનમંત્રી મોદીની આ કહેણી સંઘપરિવારની કરણીમાં પરિણમશે એવી આશા રાખીએ. કારણ, ખોરાકની ચકાસણી એને ચાખીને પુરવાર કરવામાં આવે છે.

સંઘ પરિવારના કેટલાક આગેવાનોનો પ્રતિભાવ હતો કે ઓબામા ભારતની આંતરિક બાબતોમાં ચંચુપાત કરવાને બદલ ખુદ અમેરિકાની શ્વત-અશ્વેત પ્રજા વચ્ચેની અસહિષ્ણુતા અને અસમાનતા પ્રત્યે ધ્યાન આપવા જોઈએ. જેમ હાથીના દેખાડવાના અને ચાવવાના દાંતો અલગ છે, તેમ આપણા રાજકારણીઓની કહેણી અને કરણીમાં અંતર રહે છે. ઓબામાનાં અમેરિકામાં ધર્મને નામે કે વંશને નામે કોઈ ભેદભાવ નથી. ત્યાં ફક્ત અમેરિકાના શ્વેત-અશ્વેત નાગરિકોને જ નહિ પણ પરદેશમાંથી દેશાંતર કરીને અમેરિકાના નાગરિક બનેલા વિદેશોનાં ભાઈબહેનો પણ સમાન તક અને સમાન અધિકારો ભોગવે છે. કોઈક વાર આ સમાન તક અને અધિકાર સામે અપવાદરૂપ ભેદભાવ અને ગુનાઓ ત્યાં થાય છે, ખરા.

અમેરિકાથી ધ એશિયન ઈરા નામે અંગ્રેજીમાં એક સામયિક નીકળે છે. એના 2013 ઓક્ટોબર-નવેમ્બર અંકમાં Challenges to Journalists in Digitalizes World ના શીર્ષક હેથળ મારો એક લેખ આવ્યા પછી એના તંત્રી અજય ઘોષ મને ઈ-મેલ દ્વારા એના અંકો મોકલે છે. એમાં ભારત અને એશિયામાંથી દેશાતંર કરી અમેરિકામાં રહેતા લોકોની સિદ્ધિઓની વાત મને ખૂબ પ્રભાવિત કરી મૂકે છે.

રાજીવ ગાંધી સાથે લગ્ન કરીને ભારતના નાગરિક અને વહુ બનેલાં સોનિયા ગાંધીને ઈટલીની બેટી કહેનાર કદી સમજી ન શકે કે કેવી રીતે મૂળ ભારતના રિચાર્ડ રાહુલ વર્મા નવી દિલ્હી ખાતે અમેરિકાના નવા એમ્બેસેડર (એલચી) બની શકે છે. વળી મૂળ ભારતના બોબી જિન્દાલ અને નિક્કી હેઈલી યથાક્રમે અમેરિકાનાં લૂસિયાના અને સાઉથ કારોલિના રાજ્યોના ગવર્નરો (રાજ્યપાલો) બની શકે છે. હું માનું છું કે, હિન્દુ ધર્મ અને સંસ્કૃતિમાં ઉછરેલા આ ત્રણ મહાનુભાવોએ અમેરિકાના ખ્રિસ્તીઓથી પ્રભાવિત થઈને પ્રભુ ઈસુ પરની ઊંડી શ્રદ્ધાથી ધર્મપલટો કરી ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હશે.

બોબી જિન્દાલ અને રિચાર્ડ રાહુલ જેવા સવર્ણ હિન્દુમાંથી ધર્મપલટો કરી ખ્રિસ્તી ધર્મ અપનાવનાર ધણા મૂળ ભારતવાસીઓ અમેરિકામાં છે. જેમ તેઓ અમેરિકાની સંસ્કૃતિ અને ખ્રિસ્તી ધર્મ સાથે ઓતપ્રોત થયા તેમ અમેરિકાના લોકોએ તેમને પોતના ગણીને અપનાવ્યા. અમેરિકાની બહુમતી ધરાવતી ખ્રિસ્તી પ્રજાએ તેમના પ્રત્યે કોઈ ભેદભાવ રાખ્યા વિના પોતનામાંનો જ એક નાગરિક ગણીને રાજકારણમાં પણ તેમને ઉચ્ચ હોદ્દાઓ પર ચૂંટી કાઢયા છે.

આવા સંદર્ભમાં 2015 પ્રજાસત્તાક દિન પહેલાં મોદી સરકારે બહાર પાડેલી એક જાહેરાતમાંથી સામાજિક સમાનતા અને બિનસાંપ્રદાયિકતા (Socialism & Secularism) શબ્દો ગુમ થયા છે, એ ખાસ નોંઘપાત્ર છે. ભારતીય બંધારણના આમુખમાંથી આ બે શબ્દો સરકાર કાઢી નાખે ત્યારે બંધારણમાં માનતા સૌ નાગરિકોને ચિંતા અને ભય થાય એ સ્વાભાવિક છે.

ખરું છે કે મૂળ બંધારણમાં આ બે શબ્દો નહોતા. પણ બંને શબ્દોની ભાવનાથી બંધારણ સભર છે. છતાં ઈમરજન્સી વખતે આ બે શબ્દો બંધારણમાં સમાવેશ કરવામાં આવ્યા. આ રીતે બંને નોંઘપાત્ર શબ્દો દ્વારા બંધારણની ભાવનાને શબ્દબદ્ધ કરીને બંધારણ પ્રત્યેની આપણી પ્રતિબદ્ધા જાહેર કરવામાં આવી અને સાથે આ બે શબ્દોમાં સમાયેલાં મૂલ્યો અને આદર્શોને પડકારનારાં પરિબળો સામે લાલબત્તી પણ ધરાવવામાં આવી. સૌ લોકો જાણે છે કે ભારતની ધાર્મિક વૈવિધ્ય, સાંસ્કૃતિક વિવિધતા અને લઘુમતીઓના હક્કોનું ખાસ સંરક્ષણ સંઘપરિવારને સ્વીકાર્ય નથી. એટલે તેઓ આ આદર્શો આને મૂલ્યોની સામે જઈને ભારતને હિન્દુરાષ્ટ્ર બનાવવા માગે છે. તેઓ એ દિશામાં પ્રયત્નશીલ પણ છે.

હવે ભારતને એક હિન્દુત્વ રાષ્ટ્રબનાવવાના સ્વપ્ન સેવતા લોકોએ બંધારણના આ બે શબ્દો કાઢી નાખવાનો પ્રયાસ કર્યો છે. એની સામે દેશભમાં કરવામાં આવેલા વિરોધથી સરકારને પોતાના ગુનાનો ખ્યાલ આવ્યો છે. એટલે મોદી સરકારના અરુણ જેટલીએ વિરોધીઓને ખાતરી આપી છે કે હવે પછી બંધારણનું આમુખ આ બંને શબ્દો સાથે વાપરવામાં આવશે. છતાં બંધારણનાં આવાં બધાં ઉદાત્ત મૂલ્યો અને આદર્શો સાચવવા માટે સૌ નાગરિકોને સાવચેતી રાખવાની તાતી જરૂર છે. અંગ્રેજીમાં કહેવાય છે કે શાશ્વત સાવચેતી જ સ્વતંત્રતાની કિંમત છે. (The price of freedom is eternal vigilance).

#
(છેલ્લે બદલ્યા તારીખ 16-05-2015)
(ફરી બદલવાની તારીખ 01-06-2015)
ફાધર વર્ગીસ પોલ કોપીરાઈટ 2015

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.