શુભસંદેશકાર લૂક

શુભસંદેશકાર લૂક

ફાધર વર્ગીસ પોલ

મારી પાસે આવતાં સાહિત્યનાં અને પત્રકારત્વનાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને હું કહું છું કે, ગુજરાતી ભાષામાં પ્રભુત્વ મેળવવા માટે તમે બાઇબલના નવા કરારમાં સંત લૂકના બે ગ્રંથો વાંચો. લૂકના બે ગ્રંથો નવા કરારનો લગભગ ચોથો ભાગ રોકે છે. લૂકની ભાષા સરળ અને પ્રવાહી છે.

મૂળ ગ્રીકમાં લખાયેલી લૂકની બંને રચનાઓ આપણને શ્રેષ્ઠ કોટિના સાહિત્યનો ખ્યાલ આપે છે. ગુજરાતી ભાષા-સાહિત્યમાં પ્રથમ પંક્તિના અનુવાદકો ગણાતા સ્વ. નગીનદાસ ના. પારેખ અને ઈસુદાસ ક્વેલીએ બાઇબલનો અનુવાદ કર્યો છે. તેમણે લૂકની સાહિત્યિક રચનાઓની ગુણવત્તા જાળવી છે.

નવા કરારમાં લૂકે ત્રીજો શુભસંદેશ અને ‘પ્રેષિતોનાં ચરિતો’ એમ બે ગ્રંથો લખ્યા છે. સંત પાઉલે પોતાના કલોસ્સાના ધર્મસંઘ પરના પત્રમાં લૂક માટે ‘વહાલા વૈદ લૂક’ (કલોસ્સા ૪, ૧૪) કહ્યું છે. ચાર શુભસંદેશના લેખકોમાંના એક એવા લૂકના જીવન વિશે આપણે પ્રમાણમાં ઓછું જાણીએ છીએ. નવા કરારમાં લૂકનું નામ ફક્ત ત્રણ વાર જ આવે છે: કલોસ્સા પરના પત્રમાં ‘વહાલા વૈદ લૂક’ (કલોસ્સા ૪, ૧૪), તિમોથી પ્રત્યેના બીજા પત્રમાં ‘લૂક એકલો મારી સાથે છે’ (૨ તિમોથી ૪, ૧૧) અને, ફિલેમોન પરના પત્રમાં ‘લૂક પણ તમને વંદન પાઠવે છે’ (ફિલ. ૨૪) – આમ લૂક વિશે ત્રણ જ ઉલ્લેખ મળે છે.

આપણે લૂક વિશે એમણે લખેલા બે ગ્રંથોમાંથી તેમ જ પ્રથમ સદીના ઇતિહાસ તથા ખ્રિસ્તી પરંપરામાંથી થોડુંઘણું જાણીએ છીએ. પારંપરિક માન્યતા પ્રમાણે લૂકનો જન્મ સિરિયાની તે વખતની રાજધાની અંત્યોખમાં થયો હતો. લૂક વ્યવસાયે વૈદ હતા. બાઇબલના પંડિતો માને છે કે લૂક ધનિક હોવા જોઈએ. એટલે જ તેઓ પાઉલના ઉપયોગી સાથીદાર તરીકે એમની પ્રૈષિતિક કાર્યો માટે લાંબી મુસાફરી ખેડી શક્યા છે.

લૂકનું લખાણ દર્શાવે છે કે તેઓ ભણેલા અને જ્ઞાની માણસ હતા. તેમની નિરીક્ષણ શક્તિ તથા જોયેલી-સાંભળેલી વાતને ચોક્કસાઈથી રજૂ કરવાની વિએશ આવડત એમના લખાણમાં છતી થાય છે.

‘પ્રેષિતોનાં ચરિતો’માં લૂકે ઈસુના સંદેશની ઘોષણા કરવા માટે પાઉલ સાથે કરેલી મુસાફરીની વાત ‘અમે’ સર્વનામો ઉપયોગ કરીને કરી છે. બાઇબલના પંડિતો માને છે કે લૂકે ‘અમે’ સર્વનામો ઉપયોગ કરીને બધી વાતો એમણે પોતાની નોંધપોથીમાં નોંધેલી પાઉલ સાથે કરેલી મુસાફરીની વાતો છે. આ રીતે આપણને પ્રેષિતોનાં ચરિતોના ‘અમે’ વાળા ઉતારાઓમાં (૧૬, ૧૦-૧૭; ૨૦, ૫-૧૫; ૨૭, ૧-૩૭ અને ૨૮, ૧-૧૪) લૂકની પાઉલ સાથેની મુસાફરીનાં વર્ણનો મળે છે.

મુસાફરીનાં આ વર્ણનોમાંથી આપણે જાણીએ છીએ કે લૂકે પાઉલની બીજી પ્રેષિતિક મુસાફરી દરમિયાન ત્રોઆસથી નીકળી વહાણમાર્ગે સીધા સામુથ્રાસ ગયા. અને ત્યાંથી નિયાપોલિસ ગયા, અને ત્યાંથી મકદોનિયા પ્રાન્તના મુખ્ય શહેર ફિલિપ્પી ગયા. (જુઓ પ્રે.ચ. ૧૬, ૧૧-૧૨).

છએક વર્ષ પછી પાઉલની ત્રીજી પ્રૈષિતિક-મુસાફરી દરમિયાન લૂક પાઉલ સાથે ફિલિપ્પીમાંથી યરુશાલેમ પરત આવ્યા અને પાઉલની છેલ્લી મુસાફરી દરમિયાન લૂક પાઉલ સાથે કૈસરિયાથી છેક રોમ ગયા. રોમ ખાતે પાઉલ બંધનમાં રહ્યા તે સમગ્ર સમય દરમિયાન લૂક પાઉલ સાથે રોમમાં રહ્યા.

લૂકના શુભસંદેશમાં કે ‘પ્રેષિતોનાં ચરિતો’માં પાઉલની શહાદત (ઈ.સ. ૬૪)ની વાત નથી. એટલે બંને ગ્રંથ પાઉલની શહાદત પહેલાં લખાયા હશે એવું મનાય છે. છતાં શુભસંદેશમાં યરુશાલેમના વિનાશ (ઈ.સ. ૭૦)ની વાત (લૂક ૧૯, ૪૧-૪૪) સૂચવે છે કે કદાચ યરુશાલેમના વિનાશ પછી લૂકે પોતાના શુભસંદેશનું લખાણ પૂરું કર્યું હશે. બંને ગ્રંથોના લેખક લૂક હોવા અંગે કોઈ ખાસ વિવાદ નથી. પ્રથમ સદીના ખ્રિસ્તી ઇતિહાસને લગતા કેટલાક દસ્તાવેજો તેમ જ પારંપરિક માન્યતાઓ મુજબ લૂકે મૂળ ગ્રીક ભાષામાં બંને ગ્રંથો રચ્યા અને ૮૪ વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા.

લૂકના બંને ગ્રંથોમાંથી આપણે જાણીએ છીએ કે એક વૈદ તરીકેનું શિક્ષણ અને તબીબી સેવા લૂકને પ્રથમ પંક્તિના ઇતિહાસકાર પણ બનાવે છે. તેમની પંડિતાઈ અને સમગ્ર પરિસ્થિતિને પામવાની વિદ્વતા લૂકનાં લખાણોમાં પ્રગટ થઈ છે. નવા કરારનાં બીજાં લખાણોની સરખામણીમાં ‘લૂકકૃત શુભસંદેશ’ અને ‘પ્રેષિતોનાં ચરિતો’માં આપણને ઉચ્ચ કોટિનું સાહિત્ય મળે છે. એટલે લૂકકૃત શુભસંદેશને દુનિયાનાં બધાં પુસ્તકોમાં સર્વશ્રેષ્ઠ ગ્રંથ ગણવામાં આવે છે.

લૂકકૃત શુભસંદેશની કેટલીક વિશિષ્ટતાઓ ખાસ નોંધપાત્ર છે. એક, લૂકે ઈસુનાં કાર્ય અને શિક્ષણને વિશ્વવ્યાપક દ્રષ્ટિએ અને સાર્વત્રિકરૂપે રજૂ કર્યા છે. માથ્થીકૃત શુભસંદેશમાં ઈસુની વંશાવળી અબ્રાહમથી શરૂ થાય છે. પણ લૂકકૃત શુભસંદેશમાં લેખકે ઈસુની વંશાવળીને આદિમાનવ આદમ સુધી લઈ જવાનો પ્રયત્ન કર્યો છે. (જુઓ લૂક ૩, ૨૩-૨૮). ‘સમસ્ત માનવજાત ઈશ્વરને હાથે થયેલું ઉદ્ધારકાર્ય જોવા પામશે’ (લૂક ૩, ૬). એ વાતની લૂકે પોતાના સમગ્ર શુભસંદેશમાં ભારપૂર્વક ઘોષણા કરી છે.

બે, લૂકકૃત શુભસંદેશમાં આપણને ઈસુના વ્યક્તિત્વ અને એમની હૃદય-વિશાળતાનો ખાસ ખ્યાલ આવે છે. દાખલા તરીકે ફક્ત લૂકકૃત શુભસંદેશમાં જ આપણને ભલા શમરૂનીની વાત (લૂક ૧૦, ૨૫-૩૭), ખોવાયેલા દીકરાનું દ્રષ્ટાંત (લૂક ૧૫, ૧૧-૩૨) અને સાથે ક્રૂસે લટકાવાયેલા ગુનેગારને ઈસુએ આપેલી માફી (લૂક ૨૩, ૩૯-૪૩) વગેરે બાબતો મળે છે. તેમાં આપણને ઈસુનું આગવું વ્યક્તિત્વ તથા તેમના હૃદયની વિશાળતા જણાઈ આવે છે.

ત્રણ, લૂકકૃત શુભસંદેશમાં બાળકો અને સ્ત્રીઓ પ્રત્યેની ઈસુની વિશેષ સંવેદના જોઈ શકીએ છીએ. લૂકકૃત શુભસંદેશમાં આપણને ઘણાં સ્ત્રીપાત્રોની એટલે કે મરિયમ, એલિસાબેત, હાન્ના, મગ્દલાની મરિયમ, ખૂસાની વહુ યોહાન્ના, સુસાન્ના વગેરે નામો મળે છે. લૂકની બાળકો માટેની વિશેષ પસંદગી તેમણે કરેલા ઈસુનાં બાળપણનાં વર્ણનમાં તેમ જ બાળકો અંગેના ઘણા ઉલ્લેખમાં આપણે જોઈ શકીએ છીએ.

ચાર, લૂક ઈસુને ભીડભંજન પ્રભુ તરીકે રજૂ કરે છે. એમાં ગરીબગુરબાંઓ અને પાપીઓ પ્રત્યેની ઈસુની કરુણા અને માફીનાં આપણને દર્શન થાય છે. પતિત સ્ત્રીની વાત (લૂક ૭, ૩૬-૫૦) તથા જાખ્ખીનો પ્રસંગ (લૂક ૧૯, ૧-૧૦) આ વાતના પુરાવા છે.

પાંચ, ફક્ત લૂકકૃત શુભસંદેશમાં જ આપણને ત્રણ મુક્તિગાન મળે છે. મરિયમનું મહિમાગાન (લૂક ૧, ૪૬-૫૫), ઝખરીયાનું ગીત (લૂક ૧, ૬૮-૭૯) અને શિમયોને કરેલી ઈશ્વરની સ્તુતિ (લૂક ૨, ૨૯-૩૨). આ ત્રણ ગીતો દુનિયાભરની ધર્મસભામાં ઉપાસના વિધિ અને પ્રાર્થનાના ભાગરૂપે આપણે વાપરીએ છીએ.

ટૂંકમાં કહીએ તો પવિત્ર આત્મા પ્રેરિત લૂકકૃત શુભસંદેશમાં સાહિત્યકાર લૂકની આગવી છાપ આપણે જોઈ શકીએ છીએ.

ખ્રિસ્તી લોકો ધર્મસભામાં લૂકને તબીબોના અને તબીબી સેવામાં રોકાયેલાં સૌ લોકોના રક્ષક સંત માને છે.

Last change : 16-10-2016
Next change on : 01-11-2016
Copyright Fr. Varghese Paul, SJ 2016

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.