પ્રભુ ઈસુની વંશાવળી

પ્રભુ ઈસુની વંશાવળી

"આ પ્રભુનાં વચન છે. એવો સમય આવી રહ્યો છે જ્યારે હું ઇસ્રાયલના અને યહૂદાના
લોકોને આપેલું શુભ વચન પૂરું કરીશ. એ સમયે હું દાવિદના કુળનો એક સાચો વંશજ પેદા કરીશ,
જે દેશમાં ન્યાય અને ધર્મની આણ વર્તાવશે. તેના જમાનામાં યહૂદા
અને યરુશાલેમના લોકોનો ઉદ્ધાર થશે." (ઇર્મિયા ૩૩, ૧૪-૧૬).

બાઇબલનો બીજો ભાગ 'નવો કરાર' માં પ્રભુ ઈસુના જીવન અને સંદેશનો વૃત્તાંત છે. 'નવો કરાર'નો પ્રથમ ગ્રંથ સંત માથ્થીકૃત શુભસંદેશ છે. એની શરૂઆતમાં ઈસુના પૂર્વજોની વંશાવળીથી શરૂ થાય છે. ઈસુની વંશાવળીના વર્ણનમાં અન્ય ભાષા અને સંસ્કૃતિનાં અટપટા અને નીરસ લાગે એવાં નામોની યાદીનું વાંચન અણસમજુ વાચક માટે કસોટીરૂપ છે.

સંત માથ્થીકૃત શુભસંદેશની શરૂઆતમાં આપેલી ૪૨ પેઢીઓનાં નામોની યાદી મુખ્યત્વે એક જ વાતની ઘોષણા કરે છે કે, પ્રભુ ઈસુ આદ્યપિતા અબ્રાહામ અને જૂના કરારના મહાન રાજા દાવિદના વંશજ છે.

બીજું, યહૂદી પ્રજા પોતાની વંશાવળી જાણવામાં ગર્વ લેતી હતી. પોતાની વંશાવળી જાણવાની વાત યહૂદી લોકો માટે આજે પણ ખૂબ મોટી અને અગત્યની છે. પ્રભુ ઈસુની વંશાવળી ઘોષણા કરે છે કે, લોકો જેની આતુર નજરે પ્રતીક્ષા કરતા હતા તે તારણહાર પ્રભુ ઈસુ પોતે છે.

યહૂદી પ્રજા એટલે ઇસ્રાયલી લોકો એક તારણહારની રાહ જોતા હતા. ઈસુના જન્મ પહેલાં તે વખતના યહૂદી ઇતિહાસકાર ક્લાવિયૂસ જોસેફે લખ્યું છે કે, "આ અરસામાં આ રાજ્યમાંથી એક માણસ રાજા બનશે. તે સમગ્ર ધરતી પર રાજ્ય કરશે." તારણહાર અંગેની યહૂદીઓની માન્યતા પાછળ પયગંબરી વાણીનો ટેકો હતો. યહૂદી બાઇબલ એટલે જૂના કરારમાં પયગંબર ઇર્મિયા અને પયગંબર યશાયાએ મુક્તિદાતાનું આગમન ભાખ્યું હતું. પયગંબર ઇર્મિયા કહે છે:

"આ પ્રભુનાં વચન છે. 'એવો સમય આવી રહ્યો છે જ્યારે હું ઇસ્રાયલના અને યહૂદાના લોકોને આપેલું શુભ વચન પૂરું કરીશ. એ સમયે હું દાવિદના કુળનો એક સાચો વંશજ પેદા કરીશ, જે દેશમાં ન્યાય અને ધર્મની આણ વર્તાવશે. તેના જમાનામાં યહૂદા અને યરુશાલેમના લોકોનો ઉદ્ધાર થશે." (ઇર્મિયા ૩૩, ૧૪-૧૬)

એ જ રીતે પયગંબર યશાયા મુક્તિદાતાની આગાહી કરતાં કહે છે:

"દાવિદના વંશરૂપી ઠૂંઠામાંથી એક ફણગો ફૂટશે. કપાયેલા થડમાંથી એક નવી ડાળ ફૂટે છે તેમ એ વંશમાં એક નવો રાજા પાકશે. પ્રભુના પ્રાણનો એનામાં સંચાર થશે...

"એ દિવસે દાવિદના રાજવંશમાં જન્મેલો નવો રાજા લોકોને એકત્ર કરવા રાખેલી ધજારૂપ બની રહેશે. દેશ-વિદેશની પ્રજાઓ તેની આસપાસ ભેગી થશે, અને તેના નિવાસસ્થાનનો મહિમા થશે." (યશાયા ૧૧, ૧-૧૦).

ફફ્ત યહૂદી પ્રજા નહિ પણ ગ્રીક લોકો પણ તારણહારની રાહ જોતા હતા. દાખલા તરીકે, ગ્રીક ફિલસૂફ સોક્રેટિસે પોતાના શિષ્ય અલસીબિયાડસને લખ્યું હતું કે, "પ્રતીક્ષા કરો, આવનાર સાર્વત્રિક જ્ઞાનીની રાહ જુઓ. તેઓ આપણને ઈશ્વર અને માનવ વચ્ચે કેવો વ્યવહાર રાખવો જોઈએ તે શિખવાડશે."

રોમન પ્રજા અને ચીનના લોકો પણ એક તારણહારની પ્રતીક્ષા કરતાં હતાં તે ઇતિહાસના પાને નોંધાયું છે. રોમના ઇતિહાસકાર ટાસીટસે પોતાના "હિસ્તોરિયા" ગ્રંથમાં નોંધ્યું છે કે, "યહૂદીઓના દેશમાંથી સમગ્ર દુનિયાના પ્રભુ અને રાજકર્તા કોઈ વિલંબ કર્યા વિના આવશે, એમ પ્રાચીન પયગંબરોની આગાહીઓને આધારે લોકો દ્રઢપણે માનતા હતા."

ચીનના ફિલસૂફ અને દ્રષ્ટા કન્ફયુશિયસે (ઈસવીસન પૂર્વે ૫૫૧-૪૭૯) લખ્યું છે કે, "સ્વર્ગમાંથી એક પવિત્ર પુરુષ આવવા જોઈએ. તેઓ સર્વજ્ઞ હશે. તેઓ સ્વર્ગ અને ભૂમિ ઉપર સત્તા ભોગવશે."

પ્રાચીન ભારતીય ઋષિમુનિઓ પણ તારણહારની રાહ જોતા હતા. એટલે જ 'ગીતા' માં ભગવાન કૃષ્ણ કહે છે કે, અત્યાચારોનો વિનાશ કરવા અને સત્યને પ્રસ્થાપિત કરવા હું યુગે યુગે અવતાર ધારણ કરું છું.

સંત માથ્થીકૃત શુભસંદેશમાં પૂર્વમાંથી જ્ઞાનીઓ કે માગીઓ તારણહારની શોધમાં યહૂદીઓના દેશમાં પહોંચ્યાની વાત છે. સંત માથ્થી પ્રભુ ઈસુની વંશાવળી તથા જન્મની વાતમાં તેમ જ પોતાના સમગ્ર શુભસંદેશમાં પુરવાર કરવા મથે છે કે, બધી આગાહી અને પ્રતીક્ષાઓની પરિપૂર્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે.

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.