બાળ ઈસુની હત્યાનો હુકમ

બાળ ઈસુની હત્યાનો હુકમ



“રામામાં રોકકળ અને વિલાપ સંભળાય છે; રાહેલ પોતાનાં બાળકો પાછળ રડે છે;
કેમે કરી શાંત થતી નથી, કારણ, તેનાં બાળકો રહ્યાં નથી” (માથ્થી ૨, ૧૮).


બે હજાર વર્ષ પહેલાં પૂર્વમાંથી આવેલા કેટલાક પંડિતોએ યરુશાલેમમાં રાજા હેરોદના મહેલે પહોંચીને પૂછ્યું: “યહૂદીઓનો નવો જન્મેલો રાજા ક્યાં છે? કારણ, અમે તેના તારાને ઊગતો જોયો છે અને તેને પગે લાગવા આવ્યા છીએ.”

શુભસંદેશકાર માથ્થી નોંધે છે કે, ‘આ સાંભળીને રાજા હેરોદ તેમ જ બધા યરુશાલેમવાસીઓ ચિંતામાં પડી ગયા” (માથ્થી ૨, ૩). રાજા હેરોદે યહૂદીઓના બધા મુખ્ય પુરોહિતો અને શાસ્ત્રીઓને ભેગા કરીને જાણી લીધું કે, પયગંબરે ભાખેલી આગાહી મુજબ ખ્રિસ્તનો જન્મ યહૂદીયા પ્રાંતમાં આવેલા બેથલેહેમમાં થવાનો છે.

એટલે હેરોદે પૂર્વના પંડિતોને બેથલેહેમ મોકલ્યા કે, “જાઓ, અને એ બાળકની કાળજીથી ભાળ મેળવો; ભાળ મળે એટલે મને ખબર આપો. જેથી હું પણ જઈને તેને પગે લાગું” (માથ્થી ૨, ૮). પંડિતોએ બાળ ઈસુને તેનાં માતા મરિયમ પાસે જોયા. તેમણે તેને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને પોતાની ગાંઠડી છોડીને એક રાજાને શોભે એવાં સોનું, ધૂપ અને બોળ ભેટ ધર્યાં.

બાળકને મળ્યા પછી હેરોદના મહેલે પાછા જવાને બદલે પૂર્વના પંડિતો દિવ્ય પ્રેરણાથી બીજે રસ્તે પોતાના દેશ પાછા ગયા. જ્યારે હેરોદે જોયું કે પંડિતો તેને છેતરી ગયા છે ત્યારે તેનો રોષ એકદમ ભભૂકી ઊઠ્યો, અને તેણે પંડિતો પાસેથી જે સમય ખાતરીપૂર્વક જાણી લીધો હતો તેને આધારે બેથલેહેમ અને તેની આસપાસના પ્રદેશમાં બે વર્ષનાં અને તેથી નાનાં બધાં બાળકોનો વધ કરવાનો હુકમ છોડ્યો.

એટલામાં ઈસુના પાળકપિતા યોસેફને દિવ્યસંદેશ મળ્યો કે, હેરોદ બાળ ઈસુને શોધી કાઢીને મારી નાખવાની પેરવીમાં છે. એટલે રાતોરાત યોસેફ બાળકને અને તેની માતાને લઈને મિસર ભાગી ગયા અને હેરોદના મૃત્યુ સુધી મિસરમાં રહ્યા.

રાજા હેરોદના હુકમ મુજબ બેથલેહેમ અને આસપાસના પ્રાંતના બે વર્ષનાં અને તેથી નાનાં બધાં બાળકોની કતલ કરવામાં આવી. સંત માથ્થી બાળકોની આ હત્યામાં ઈર્મિયા પયગંબરની ભવિષ્યવાણી સાચી પડતી જુએ છે:

“રામામાં રોકકળ અને વિલાપ સંભળાય છે;
રાહેલ પોતાનાં બાળકો પાછળ રડે છે;
કેમે કરી તે શાંત થતી નથી,
કારણ, તેનાં બાળકો રહ્યાં નથી.” (માથ્થી ૨, ૧૮)

પયગંબર ઈર્મિયા ઈસ્વીસન પૂર્વે ૬૨૬ અને ૫૮૬ વચ્ચે જીવી ગયા. એમણે ભવિષ્યવાણી ભાખી હતી કે, “પ્રભુ કહે છે, ‘રામામાં રોકકળ અને વિલાપ સંભળાય છે; રાહેલ પોતાનાં બાળકો પાછળ રડે છે; કેમે કરી તે શાંત થતી નથી, કારણ, તેનાં બાળકો રહ્યાં નથી” (ઈર્મિયા ૩૧, ૧૫).

છેલ્લાં બે હજાર વર્ષના ઈતિહાસમાં ઈસુ ખ્રિસ્ત અને તેમના શિષ્યોના સર્વનાશ કરવા નીકળી પડેલા હેરોદના અનુયાયીઓનો તોટો નથી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન દુનિયાને થરથરાવનાર જર્મન રાજનેતા અડોલ્ફ હિટલરે કહ્યું હતું કે,

“સમયના પ્રવાહમાં સમાજવાદ અને ધર્મ કેદી એકસાથે જીવી શકશે નહિ. આપણા રાષ્ટ્રના વિકાસમાં આડે આવનાર પુરોહિતો છે. એમની સામે બદલો લેવાનો મારો પાસે સમય છે. ખ્રિસ્તી ધર્મને એના જડમૂળથી ઉખેડીને હું જર્મનીમાંથી ભૂંસી નાખીશ.”

ખ્રિસ્તી ધર્મનો વિનાશ કરવાના લાખ પ્રયત્નો પછી એકવાર હિટલરે એકરાર કર્યો હતો કે, “મેં ધારેલી દરેક બાબતમાં મને સો ટકા સફળતા મળી છે. પરંતુ ફક્ત ખ્રિસ્તી ધર્મનો સર્વનાશ કરવાના કામમાં જ મને ધરાર નિષ્ફળતા મળી.”

રોમના નિષ્ઠુર ચક્રવર્તી નીરો અને ફ્રાન્સના સમ્રાટ નેપોલિયને ખ્રિસ્તીઓને અને ખ્રિસ્તી ધર્મને પોતપોતાના રાજ્યમાંથી દૂર કરવા માટે દેશવ્યાપી સતામણી કરાવી હતી. છેલ્લે સર્વનાશ થયો તો નીરો અને નેપોલિયનનો, પણ તેમનાં રાજ્યોમાં ખ્રિસ્તી ધર્મ તો ફૂલ્યોફાલ્યો અને વિકાસ પામતો રહ્યો.

દારૂ પીને ઉન્મત્ત બનેલા નીરોએ એક દિવસ દારૂની પ્યાલી જોરથી જમીન પર ફેંકીને કહ્યું કે, જેમ આ ગ્લાસના ટુકડેટુકડા થાય છે તેમ હું ખ્રિસ્તી ધર્મનો સંપૂર્ણ નાશ કરીશ. પરંતુ ખ્રિસ્તી ધર્મનો નહિ પણ નીરોના સામ્રાજ્યનો સર્વનાશ થયો. કારણ, ઇટાલી પર ચડાઈ કરી રાજ્ય કરનાર મુસોલિનીએ એકવાર પોતાની માને કહ્યું હતું કે, ‘શહીદોના લોહીને પ્રતાપે ર્દઢપણે ઊભેલાં ખ્રિસ્તી ધર્મનો સામનો કરવા માટે કોઈ ચાર્જ કરવામાં સામર્થ્ય નથી.”

વડાધર્મગુરુ પોપ પીયૂષ સાતમાને કેદ પકડીને જેલભેગા કરનાર સમ્રાટ નેપોલિયને પોતે કેદી બનીને મૃત્યુ પામતાં પહેલાં કહ્યું હતું કે, ‘ખ્રિસ્તી ધર્મસભા અને વડાધર્મગુરુ સામે વિરોધનાં પગલાં લેવાં ના જોઈએ. તેમની સામેની પ્રવૃત્તિઓ એ પ્રવૃત્તિ આચરનારના સર્વનાશનું પણ નિમિત્ત બનશે.”

છેલ્લાં બે હજાર વર્ષનો ઇતિહાસ પુરવાર કરે છે કે, દુનિયામાં જ્યાં પ્રભુ ઈસુનો વિરોધ થયો છે, જ્યાં ખ્રિસ્તીઓની સતામણી કરવામાં આવી છે, ત્યાં બધે વિરોધીઓનો નાશ થયો છે અને ખ્રિસ્તી ધર્મ ફૂલ્યોફાલ્યો છે. કેટલાક સામ્યવાદી દેશોમાં નેતાઓએ ખ્રિસ્તી ધર્મને ભૂતળ પરથી ભૂંસી નાખવાના સ્વપ્નથી બધી સત્તાને કામે લગાડી હતી. પણ એવા બધા સરમુખત્યાર સત્તાધારીઓનો દારુણ અંત આવ્યો છે, ખ્રિસ્તી ધર્મનો નહીં.

ઈસુના જ બે શિષ્યોની વાત લઈએ તો તેમને દગો દેનાર યહૂદા “એક નિર્દોષ માણસને મોતને હવાલે કર્યો”ની નિરાશાની ગર્તામાં ગળાફાંસો ખાઈને મરી ગયો હતો (માથ્થી ૨૭, ૪-૫). પરંતુ “હું એ માણસને ઓળખતો નથી” એમ સોગંધ ખાઈને ઈસુનો ઇન્કાર કરનાર એમના બીજા શિષ્ય પીતરે પોતાના ગુનાનો ખ્યાલ આવતાં ‘છાતીફાટ રોઈને’ પસ્તાવો કર્યો હતો અને પુનરુત્થાન પામેલા ઈસુએ પીતરને દર્શન દઈને પોતાના પટ્ટશિષ્ય તરીકે નીમ્યા હતા.

પ્રભુ ઈસુએ સાચું જ કહ્યું છે કે, “જે કોઈ તલવાર ઉગામશે તે તલવારથી નાશ પામશે” (માથ્થી ૨૬, ૫૨).

"ફાધરના ઈસુબોધ પુસ્તકમાંથી ઉતારો"

Last change : 16-12-2016
Next change on : 01-01-2017
Copyright Fr. Varghese Paul, SJ 2016

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.