માણસ એકલા રોટલા પર નથી જીવતો ફાધર વર્ગીસ પૉલ

માણસ એકલા રોટલા પર નથી જીવતો ફાધર વર્ગીસ પૉલ



ઈસુએ જવાબ આપ્યો, "શાસ્ત્રમાં લખ્યું છે કે, 'માણસ એકલા રોટલા પર નથી
જીવતો', પણ તે ઈશ્વરના ઉચ્ચારેલા પ્રત્યેક વચન ઉપર જીવે છે" (માથ્થી ૪, ૩-૪).

પ્રભુ ઈસુનું આ એક ખૂબ જાણીતું વાક્ય છે. ખ્રિસ્તી લોકો આ વાક્યને કહેવતનો દરજ્જો આપીને એને વારતહેવારે યોગ્ય સંદર્ભમાં વાપરે છે. વાક્ય છે, "માણસ એકલા રોટલા પર નથી જીવતો."

પ્રભુ ઈસુએ યર્દન નદીમાં સ્નાનસંસ્કાર લીધા પછી પોતાના જાહેરજીવનની તૈયારીરૂપે ચાલીસ દિવસ અને ચાલીસ રાત રણમાં ઉપવાસ કર્યા હતા. ઉપવાસ પછી ઈસુ ખૂબ ભૂખ્યા હતા ત્યારે તેમની કસોટી કરનાર સેતાને આવીને ઈસુને કહ્યું, "જો, તું ઈશ્વરનો પુત્ર હો તો, આ પથરાને રોટલો થઈ જવાનું કહે!"

ઈસુએ જવાબ આપ્યો, "શાસ્ત્રમાં લખ્યું છે કે, 'માણસ એકલા રોટલા પર નથી જીવતો,' પણ તે ઈશ્વરના ઉચ્ચારેલા પ્રત્યેક વચન ઉપર જીવે છે." (માથ્થી ૪, ૩-૪).

ઈસુએ યહૂદીને શોભે એ રીતે બાળપણથી શાસ્ત્રનો અભ્યાસ કર્યો હશે. એટલે પોતાની કસોટી કરનારને શાસ્ત્રના અવતરણ સાથે ઈસુ સચોટ જવાબ આપી શકે છે. ઈજિપ્તની ગુલામીમાંથી મુક્ત થયા પછી ઈશ્વરે વચન આપેલી પુણ્યભૂમિમાં પ્રવેશ કરતાં પહેલાં ઇસ્રાયલ પ્રજા ચાલીસ ચાલીસ વર્ષો સુધી રણપ્રદેશમાં રઝળતી હતી. તે રઝળપાટ દરમિયાન ઇસ્રાયલીઓને ભારે ભૂખમરો વેઠવો પડ્યો હતો. કારણ, ઈશ્વરે અનેક પરચાઓ કરીને ઇસ્રાયલીઓને ઈજિપ્તની ગુલામીમાંથી મુક્તિ અપાવી હતી. છતાં તેઓ ઈશ્વરને વફાદાર રહ્યા નહોતા; પણ અન્ય દેવોની પૂજા કરવા માંડ્યા હતા. તોપણ પ્રભુએ ભૂખે મરતા ઇસ્રાયલીઓને દયા ખાઈને માન્ના (એટલે કે આકાશમાંથી વરસેલી રોટલી) ખાવા આપ્યું હતું.

હવે, ઈશ્વરે વચન આપેલી ભૂમિમાં પ્રવેશતી વખતે ઇસ્રાયલીઓને એમના પૂર્વજોની વાત યાદ કરાવતાં મોશે એમને કહે છે, "માણસ કેવળ રોટલા ઉપર જીવતો નથી, પણ ઈશ્વરે ઉચ્ચારેલા પ્રત્યેક વચન ઉપર જીવે છે" (અનુસંહિતા ૮, ૩).

માનવજીવનમાં રોટલાનું મહત્વ છે. રોટલા વિના કોઈ માનવ લાંબેગાળે જીવી શકતો નથી. માનવના જીવનમાં રોટલાના મહત્વ વિશે આપણે ઘણી વાતો સાંભળીએ છીએ. દાખલા તરીકે, ફ્રાન્સના સમ્રાટ નેપોલિયને કહ્યું કે, "સૈન્ય પેટ પર આગેકૂચ કરે છે." ગુજરાતીમાં સુંદર કહેવત છે, "ભૂખ્યા પેટે ભોજન ન થાય" કે "ભૂખ ન જુએ ટાઢો ભાત."

પ્રભુ ઈસુ માનવના જીવનમાં રોટલાનું મહત્વ બરાબર સમજે છે. એટલે ઈસુએ પોતાના જાહેરજીવનમાં ચમત્કાર કરીને ભૂખ્યા લોકોને ખવડાવ્યું છે. પરંતુ ઈસુ ખૂબ ભૂખ્યા હોવા છતાં કસોટી કરનારની માગણી મુજબ ખુદ પોતાને માટે રોટલો સર્જવાનો ચમત્કાર નથી કરતા.

અહીં ઈસુ કહેવા માંગે છે કે, માનવના જીવનમાં 'રોટલો' સર્વસ્વ નથી. રોટલાથી અનેકગણી અધિક મહત્વની બાબત છે ઈશ્વરનું પ્રત્યેક વચન. ઈશ્વરનું આ વચન એટલે શું? ઈશ્વરનું વચન સમજવા માટે આપણે પયગંબર હઝકિયેલના દર્શનની વાત યાદ કરીએ.

બાઇબલના 'હઝકિયેલ' ગ્રંથની શરૂઆતમાં પયગંબર હઝકિયેલનાં દર્શનની વાત આવે છે. એક દિવસ ઈશ્વરે દર્શન દઈને હઝકિયેલને કહ્યું, "ઓ માટીના માનવી, હું તને ઇસ્રાયલઓ વચ્ચે - મારી સામે બળવો કરનાર ઇસ્રાયલીઓ વચ્ચે – મોકલું છું... તું તેમને મારી વાણી સંભળાવજે, પછી ભલે તેઓ તને સાંભળે કે ન સાંભળે. એ તો બળવાખોરોની જમાત છે..."

"ઓ માટીના માનવી, હું કહું છું તે સાંભળ. એ બળવાખોરોની પેઠે તું બળવાખોર થઈશ નહિ. તારું મોઢું ઉઘાડ, અને હું તને આપું તે ખાઈ જા."

હઝકિયેલે જોયું તો ઓળિયું પકડેલો એક હાથ તેના તરફ લંબાયો. તે ઓળિયું બંને બાજુએ લખેલું હતું. ઈશ્વરના વચનનું તે ઓળિયું હતું.

ઈશ્વરે ફરી હઝકિયેલને કહ્યું, "ઓ માટીના માનવી, તારી સામે છે તે ખાઈ જા. આ ઓળિયું ખાઈ જા. અને પછી ઇસ્રાયેલીઓ આગળ જઈને કહી સંભળાવ."

હઝકિયેલ ઓળિયું ખાઈને કહે છે, તે ઓળિયું મધ જેવું મીઠું હતું. (હઝકિયેલ ૨, ૩, ૩)

ઈશ્વરના વચન કે વાણી સાંભળીને માનવ એને અપનાવી પોતાના જીવનમાં ઉતારે છે ત્યારે માનવનું જીવન મધ જેવું મીઠું બને છે અને અર્થપૂર્ણ બને છે. આપણે જાણીએ છીએ કે, માનવની વાણી ખૂબ શક્તિશાળી અને અસરકારક હોઈ શકે છે. તો ઈશ્વરની વાણીનું શું કહેવું? હિબ્રૂઓ પ્રત્યેના પત્રનો લેખક કહે છે, "ઈશ્વરની વાણી જીવતીજાગતી છે, બેધારી તલવાર કરતાં પણ તે વધુ તીક્ષ્ણ છે."

પ્રભુ ઈસુ પોતાની કસોટી કરનારને કહે છે કે "માણસ એકલા રોટલા ઉપર જીવતો નથી. પણ તે ઈશ્વરના ઉચ્ચારેલા પ્રત્યેક વચન ઉપર જીવે છે," ત્યારે તેઓ આપણને જણાવે છે કે, ફક્ત આ દુન્યવી જીવનમાં જ રચ્યાપચ્યા રહેવાથી માનવને કદી સંપૂર્ણ સુખ કે સંતૃપ્તિ મળતી નથી; એના જીવનનો હેતુ કંઈક વિશેષ છે.

ફ્રાન્સના જાણીતા વૈજ્ઞાનિક અને ફિલસૂફ બ્લેઈસ પાસ્કલે (ઈસવીસન ૧૬૨૩-૧૬૬૨) કહ્યું હતું કે, "દરેક માનવમાં શૂન્યતાના રૂપમાં ઈશ્વર છે. એ શૂન્યતાને કોઈ સર્જેલી વસ્તુથી ભરી ન શકાય. પણ ફક્ત સર્જક ઈશ્વરથી માનવની અંદરની આ શૂન્યતા ભરી શકાય છે." આ જ વાત સંત અગુસ્તિને કહી છે કે, "હે ઈશ્વર, અમારું હૃદય તારા માટે સર્જાયું છે અને તને પામવાથી અમારા હૃદયને શાંતિ મળશે."

ઈશ્વરાભિમુખ જીવન માટે પેટપૂજા આવશ્કય છે, પણ એથીય વિશેષ રીતે માનવે પોતાના જીવનમાં ઈશ્વરે ઉચ્ચારેલા વચનથી સભર બનવાની જરૂર છે.

આ રીતે માનવજીવનમાં રોટલા અને ઈશ્વરના વચનની વાત દ્વારા પ્રભુ ઈસુ પોતાના જાહેરજીવનની શરૂઆતમાં જ જીવનની બધી બાબતોનું સાપેક્ષ મહત્વ સમજવા માનવને આહવાન કરે છે અને આપણા જીવનમાં ઈશ્વરને સર્વોપરી સ્થાન આપવા આપણને જણાવે છે.

Last change : 16-12-2016
Next change on : 01-01-2017
Copyright Fr. Varghese Paul, SJ 2016

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.