તમે ધરતીનું લૂણ છો.

તમે ધરતીનું લૂણ છો.



તમે ધરતીનું લૂણ છો. પણ લૂણજ જો અલૂણ થઈ જાય તો એને સલૂણું કરવું
શાથી? એ કશા કામનું રહેતું નથી. એને ફગાવી દેવું જ રહ્યું અને લોકોના પગ
તળે રોળી નાખવું જ રહ્યું." (માથ્થી ૫, ૧૩)

પ્રભુ ઈસુના સંદેશમાં 'ગિરિપ્રવચન' નામે એક ખૂબ જાણીતો બોધ છે. એમાંથી અહીં લૂણની વાત લઈએ. ઈસુએ પોતાની આસપાસ ભેગા થયેલા પોતાના શિષ્યોને તથા લોકોનાં ટોળાંને કહ્યું: "તમે ધરતીનું લૂણ છો. પણ લૂણ જ જો અલૂણું થઈ જાય તો એને સલૂણું કરવું શાથી? એ કશા કામનું રહેતું નથી. એને ફગાવી દેવું જ રહ્યું અને લોકોના પગ તળે રોળી નાખવું જ રહ્યું" (માથ્થી ૫, ૧૩).

ઈસુ એક મહાન ગુરુ છે. કારણ, ઈસુએ કરેલી લૂણની વાત નાનું બાળક પણ સમજી શકે છે, છતાં મોટા પંડિતોય પૂરેપૂરું સમજી ન શકે એવો ઊંડો ધ્વન્યાર્થ પણ લૂણની વાતમાં સમાયેલો છે.

લૂણ એટલે કે મીઠું તો ખુબ સામાન્ય વસ્તુ છે અને સાથોસાથ અંત્યંત જરૂરી વસ્તુ પણ છે. ગરીબ માણસો પણ ખરીદી શકે એટું એ સસ્તું છે. ગરીબ-તવંગર-સૌના રસોડામાં નમક હોય છે. બ્રિટનની સરકારે લૂણ પર વેરો નાખીને એને સામાન્ય માનવ માટે મોંધુ બનાવ્યું ત્યારે ગાંધીજીએ મીઠાનો સત્યાગ્રહ કર્યાની વાત ભારતના સૌ નાગરિકો જાણે છે.

લૂણ મુખ્યત્વે બે કામ કરે છે. એ ખોરાકને સ્વાદિષ્ટ બનાવે છે. ભાતમાં મીઠું ન હોય કે શાકભાજી મીઠું નાખ્યા વિના તૈયાર કરવામાં આવી હોય તો એવી વાનગી ખાવાની કોઈનેય ન ગમે. જુદા જુદા વિસ્તારના લોકો પોતપોતાની રસોઈ ખૂબ ભિન્ન રીતે કરે છે. પરંતુ રસોઈ કરવામાં બધા લોકો મીઠું વાપરે છે. ઉત્તમ વાનગીમાં પણ મીઠું ન હોય તમને એવી વાનગી ખાવાની ગમશે નહિ.

નમકનું બીજું કામ ખોરાકને સડતો અટકાવવાનું છે. મીઠું ભરી મૂકેલો પદાર્થ સડ્યા વિના લાંબાગાળા સુધી રહે છે. હાલ પણ ગામડાંઓમાં અનાજની કોઠીઓમાં મીઠું નાખવામાં આવે છે.

ઈસુનો સંદેશ "તમે ધરતીનું લૂણ છો" કાને ધરનાર માનવે પોતાના કુટુંબ, સમાજ, દેશ અને ધર્મમાં લૂણનાં જેવાં કામો કરવાનાં છે. ઈસુનો સંદેશ માણસના જીવનને અર્થબુદ્ધ બનાવે છે.

લૂણની વાત દ્વારા ઈસુ દરેક માનવને કહે છે કે, તમારા જીવનને અર્થબદ્ધ બનાવવા માટે તમારંા જીવન બીજાને માટે જીવવાનું છે. જેમ લૂણ ખોરાકને રુચિ બક્ષે છે, સ્વાદ આપે છે, એ રીતે માનવે પોતાનાં હાજરી અને કામકાજોથી બીજાના જીવનને આનંદમય અને સુખી બનાવવાનું છે.

ઈસુએ પોતાના શિષ્યો અને પોતાની આસપાસ ટોળે વળેલાં લોકોને 'ધરતીનું લૂણ' કહ્યાં છે. ઈસુની ર્દષ્ટિમાં માનવ આગળ કેવળ એનું કુટુંબ, સમાજ કે ધર્મ જ નથી પણ સમગ્ર ધરતી છે. એટલે માનવે સમગ્ર ધરતીના લૂણ તરીકે જીવવાનું છે.

ઈસુનો સંદેશ સાંભળીને ઈસુ પર શ્રદ્ધા રાખનાર માનવની શ્રદ્ધા એને લૂણના જેવું કામ કરવા પ્રેરે છે. જાત પર અને પ્રભુ પર શ્રદ્ધા રાખનાર માનવને પોતાનું જીવન ભરપૂર જીવવા જેવું અને માણવા જેવું લાગે છે. ખરી શ્રદ્ધા માનવને ભમુક્ત કરે છે અને જીવનના પડકારોનો સમાનો કરવા હિંમતવાન બનાવે છે. નિરાશાજનક પરીસ્થિતિમાં પણ પ્રભુ પર શ્રદ્ધા રાખનાર માનવ આશાનાં કિરણો જોઈ શકે છે. કારણ, પ્રભુ પરની શ્રદ્ધા જ એને જાત પર અને બીજા માનવો પર શ્રદ્ધા રાખવા પ્રેરે છે.

શ્રદ્ધા વગરના માનવનું જીવન લૂણ વગરના ખોરાક જેવું છે.શ્રદ્ધા વગરના જીવનમાં સ્વાદ નથી, જીવન માણવા જેવું લાગતું નથી. શ્રદ્ધા વગરનો માનવ પોતાના જીવનનો કોઈપણ અર્થ જોઈ શકતો નથી. જીવનમાં લૂણરૂપી શ્રદ્ધા વગરના માનવ માટે જીવન કેવળ એક નૈસર્ગિક ઘટના છે. એમાં જીવનનો હેતુ કેવળ આનંદ લૂટવાનો છે. આ આનંદ લૂટવા માટે એને પૈસો અને સાધનસંપત્તિની જરૂર પડે છે. એથી વિશેષ કશું નહીં. પરંતુ વહેલોમોટો એ માનવ જાણશે કે અઢળક પૈસો અને માલમિલકત એને સુખી કરી શકતાં નથી. જીવનની મુશ્કેલીઓ સામે ટકાવી રાખે એવાં કોઈ પરિબળો નથી. કોઈ શક્તિ નથી.

એથી ઊલટું, પ્રભુ પર શ્રદ્ધા રાખનાર માનવ બરાબર જાણે છે કે, પૈસો અને સાધનસંપત્તિ જરૂરી વસ્તુઓ છે, પણ જીવનનું સર્વસ્વ નથી. એ જાણે છે કે, પ્રભુએ ચીંધેલા શ્રદ્ધા, પ્રેમ અને આશાને રસ્તે ચાલવાથી જીવનનો ખરો આનંદ માણી શકાય છે. પ્રભુ પર શ્રદ્ધા રાખનાર માનવની શ્રદ્ધા તથા ઉમંગ બીજા બધા માનવો માટે નમૂનારૂપ છે અને બીજા માનવો એના તરફ આકર્ષાય છે. એવા માનવો જ પ્રભુ ઈસુએ કહ્યું છે તેમ, ધરતીનું લૂણ છે.

પ્રભુ ઈસુએ આપણને ચેતવણી પણ આપી છે કે, લૂણ અલૂણું થઈ જાય તો તે નકામું છે, એને ફગાવી દેવું જ રહ્યું. એટલે માનવે લૂણરૂપી શ્રદ્ધાને સાચવવાની છે. સત્તાના મોહમાં કે દુનિયાની માયાના વશીકરણમાં માનવ પોતાની શ્રદ્ધા ખોઈ ન બેસે એ માટે એણે હંમેશાં સાવચેતી રાખવી પડશે. જેમ લૂણ વાનગીઓને સ્વાદિષ્ટ બનાવે છે અને ખોરાકને સડતો અટકાવે છે, તેમ માનવે પોતાની શ્રદ્ધાને બળે અને ખરી શ્રદ્ધાના નમૂનાથી બીજા માનવોને પ્રભુએ ચીંધેલા શ્રદ્ધા, પ્રેમ અને આશાના રસ્તે ચાલવા માટે પ્રેરણા અને પ્રોત્સાહન આપવાનાં છે. આ રીતે માનવ ધરતીનું લૂણ પ્રસ્થાપિત થાય છે.

પ્રભુ ઈસુએ તમને અને મને ધરતીનું લૂણ કહ્યાં છે. પણ જેમ લૂણ બધા જ પ્રકારની વાનગીઓને સ્વાદિષ્ટ બનાવે છે તેમ આપણે આપણા આચારવિચારથી આપણા પોતાના અને આપણા સંપર્કમાં હોય એવા બધા લોકોનાં જીવન સુખી અને સમૃદ્ધ બનાવીએ છીએ ખરા શું?

અંતે શેકસપિયર સાથે કેટલા જણ કહી શકે છે, "We have some salt of our youth in us", "અમારામાં અમારી યુવાનીનું કંઈક લૂણ છે?"

Last change : 16-01-2017
Next change on : 01-02-2017
Copyright Fr. Varghese Paul, SJ 2017

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.