અપકાર ઉપર ઉપકાર

અપકાર ઉપર ઉપકાર



"તમારું બુરું કરનારનો સામનો કરશો નહિ. બલકે, જો કોઈ તમારા જમણા ગાલ
ઉપર તમાચો મારે, તો તેની આગળ બીજો ધરવો”
(માથ્થી ૫, ૩૯; ૬, ૨૮-૨૯).
ઈસુના બોધને આધારે કવિશ્રી ચીનુ મોદીએ રચેલું અને ખ્રિસ્તી દેવળોમાં ગવાતું એક સુંદર ભજન છે.
"એક ગાલ ઉપર તમાચો મારે, ધરજે બીજો ગાલ.
અપકારે ઉપકાર કરી વેરીને કરજે વ્હાલ.”

ઈસુના બોધનો ઈસુના વખતથી આવકાર કે વિરોધ થતો આવ્યો છે. ઈસુના એક શિષ્ય અને શુભસંદેશકાર યોહાન લખે છે કે, ઈસુનો બોધ સાંભળીને "તેમના ઘણા શિષ્યો બોલી ઊઠ્યા, 'આ તો ગળે ઉતારવું કઠણ છે! આવું તો કોણ સાંભળી શકે?'... આ પછી તેમના ઘણા શિષ્યો પાછા જતા રહ્યા” (યોહાન ૬, ૬૦-૬૬).

ઈસુનો આ બોધ ઈસુના જાતભાઈ યહૂદી લોકોના ધર્માચરણ અને જીવન સાથે બંધબેસતો નહોતો. કારણ, યહૂદી પ્રજા માટે પયગંબર મોશેની ધર્મસહિંતા સર્વોપરી હતી. મોશેએ એમના આપેલા શિક્ષણમાં સ્પષ્ટ લખ્યું હતું કે, "ઈજા થઈ હોય તો જાનને સાટે જાન, આંખને સાટે આંખ, દાંતને સાટે દાંત, હાથને સાટે હાથ, પગને સાટે પગ, ડામને સાટે ડામ...એ રીતે બદલો લેવો” (મહાપ્રસ્થાન ૨૧, ૨૩-૨૪).

આ જ સંદર્ભમાં લોકો કહે છે કે, ઈસુનો બોધ પ્રાયોગિક નથી. શત્રુ તમારા ઉપર હુમલો કરે ત્યારે તમે બિલકુલ નિષ્ક્રિય રહેશો તો કેવી પરિસ્થિતિ સર્જાશે? તો ઈસુના બોધનો અર્થ શો છે? "જો કોઈ તમારા જમણા ગાલ ઉપર તમાચો મારે, તો તેની આગળ ડાબો ધરવો” એમ કહેવામાં હિંસા આગળ અહિંસક રહેવાની વાત છે? ઉપછલ્લી રીતે એવું જ લાગે છે. પરંતુ ઈસુના આ બોધના ઊંડાણમાં ઊતરીએ તો આપણને એમાં એક નવી ર્દષ્ટિ જોવા મળે છે. ઈસુના સમયમાં યહૂદીઓ પાળતા હતા તે જૂના નિયમો (જૂનો કરાર) અને ઈસુએ પ્રબોધેલો નવો નિયમ (નવો કરાર) વચ્ચેનું અંતર તથા નવો ચીલો અહીં આપણે જોઈ શકીએ છીએ.

"આંખ સાટે આંખ અને દાંત સાટે દાંત”ના જૂના નિયમોનો ઉલ્લેખ કરીને પ્રભુ ઈસુ એનાથી ભિન્ન નિયમ અને બોધ લોકોને આપે છે. બદલો વાળવાની કે વેર વાળવાની વાત પૌરસ્ત્ય સંસ્કૃતિમાં હતી. કોઈને હાનિ પહોંચાડનાર કે કોઈનું નુકસાન કરનાર વિરોધીનો સામનો કરી પોતાના બંધુને બચાવવા માટે બદલો લેવાનો પૌરસ્ત્ય સંસ્કૃતિમાં રિવાજ હતો.

યહૂદી પ્રજા માટે મોશેએ આપેલા આ બદલો લેવાના નિયમોનો સ્પષ્ટ હેતુ હતો. વેરનો બદલો વાળવામાં દુશ્મને તમને કરેલા નુકસાનથી વધારે નુકસાન તમારે વેરીને પહોંચાડવું ન જોઈએ એમ મોશેનો નિયમ યહૂદીઓને શીખવતો હતો.

આ સંદર્ભમાં ઈસુ પોતાના બોધમાં કે પોતે પ્રબોધેલા નવા નિયમમાં જૂના નિયમની પરિપૂર્તિ બતાવે છે. જૂનો નિયમ વેર કે બદલો વાળવાની વાત પર મર્યાદા બાંધતો હોય તો પ્રભુ ઈસુનો નવો બોધ બદલો લેવાનો નહિ પણ વિરોધી સાથે સંપસમજૂતી સ્થાપવાની વાત કરી છે. અહીં દુશ્મનનો વિરોધ કરવા કે બદલો લેવાને બદલે સંપસુમેળની ભાવના કેળવવાની વાત છે. એટલે જ ઈસુ કહે છે કે, તમારું બુરું કરનારનો સામનો કરશો નહિ, બલકે, "જો કોઈ તમારા જમણા ગાલ ઉપર તમાચો મારે, તો તેની આગળ બીજો ધરવો.”

પ્રભુ ઈસુના આ નવા શિક્ષણને અનુસરતા એમના અનુયાયીઓના અનેક દાખલાઓ ઈતિહાસના પાને નોંધાયા છે. નિવૃત્ત વડાધર્મગુરુ બેનેદિક્ત સોળમાના એક પુરોગામી વડાધર્મગુરુ બેનેદિક્ત પંદરમાં (૧૮૫૪-૧૯૨૨) એક રવિવારને દિવસે સંત પીતર મહાદેવળના વિશાળ પટાંગણમાં ભેગા થયેલા લોકોને રાબેતા મુજબ પોતાનો સંદેશ પાઠવીને આશીર્વાદ આપવા માટે વૅટિકન મહેલની એક બારીએ આવ્યા. એ જ સમયે જનમેદની વચ્ચે એક આદમીએ પોતાની બંદૂક વડાધર્મગુરુ સામે તાકીને ચાંપ દબાવી. પણ કોઈ કારણસર બંદૂકમાંથી ગોળી છૂટી નહિ. એટલામાં લોકો અને પોલીસોએ મળીને એ આદમીને પકડીને એના હાથમાંથી બંદૂક લઈ લીધી.

વડાધર્મગુરુના સંદેશ અને આશીર્વાદ પછી પોલીસે પેલા આદમીને વૅટિકન ખાતે વડાધર્મગુર બેનેદિક્ત પંદરમાં આગળ રજૂ કર્યો. બેનેદિક્ત પંદરમાએ એને કહ્યું, "વડાધર્મગુરુ ઉપર ગોળી છોડીને તેમને મારી નાખવાના હુમલામાં નિષ્ફળ પ્રયત્ન કરનારના સમાચાર હવે સર્વત્ર ફેલાઈ ગયા છે. એ સમાચારથી તારી પત્ની અને તારાં બાળકો ખૂબ દુઃખી થયાં હશે. તો હું તને સંપૂર્ણ માફી આપું છું. તું જલદી શાંતિથી તારે ઘેર જા.”

વડાધર્મગુરુ બેનેદિક્ત પંદરમા પોતાને ગોળીથી વીંધીને મારી નાખવાનો પ્રયત્ન કરનાર ગુનેગારને કેદ કરી શિક્ષા કરવાને બદલે એટલે કે વેરથી બદલો લેવાને બદલે હમદર્દીથી એને મુક્ત કરે છે અને એનાં પત્ની અને બાળકો પાસે ઘેર મોકલે છે.

અહીં ઈસુનો બોધ "તમારા જમણા ગાલ ઉપર તમાચો મારે તો તેની આગળ બીજો ધરજો”નો અર્થ આપણને બરાબર સમજાય છે. ઈસુના બોધને એના શબ્દાર્થમાં નહિ, પણ એના ભાવાર્થમાં લેવો જોઈએ. એક ગાલ ઉપર તમાચો મારનાર આગળ બીજો ગાલ ધરવો એટલે એની સામે વેરભાવથી વર્તવાને બદલે એના ગુનાની અવગણના કરીને એની સાથે સંપસુમેળ સાધવાનાં પગલાં લેવાં. પોતાના ગુનેગાર કે પ્રતિસ્પર્ધી સાથે બદલો લેવાના વૈમનસ્યથી વર્તવાને બદલે એની સાથે પ્રેમથી સમાધાન કરી સંબંધ બાંધવા ઈસુનો બોધ આપણને હાકલ કરે છે.

માનવો વચ્ચે, સમાજો વચ્ચે કે ધર્મો વચ્ચે સંઘર્ષ અને હિંસા થાય તો સત્તાને જોરે સામો હુમલો કરીને દુશ્મનનો વિનાશ કરવાની અહીં વાત નથી, ભાવના નથી. પણ દુશ્મનો અને વિરોધીઓ સાથે હમદર્દી અને પ્રેમથી વર્તવાનો અહીં આદેશ છે.

બીજા શબ્દોમાં કહીએ તો, ઈસુના આ બોધને એમના એક શિષ્ય સંત પાઉલે ખૂબ સુંદર રીતે રજૂ કર્યો છે. સંત પાઉલ રોમના ધર્મસંઘ પરના પત્રમાં લખે છે: "બૂરાઈને તારા ઉપર વિજય પામવા દઈશ નહિ, પણ ભલાઈથી બૂરાઈનો પરાજય કર” (રોમ ૧૨, ૨૧).

દુશ્મનને જીતવાનો સૌથી શ્રેષ્ઠ માર્ગ એને મિત્ર બનાવવાનો છે. એટલે જ બાઇબલનો એક ગ્રંથ 'સુભાષિતો' કહે છે, "તારો દુશ્મન ભૂખ્યો હોય તો તેને ખાવા રોટલો આપ, તરસ્યો હોય તો પીવા પાણી આપ. આમ કરવાથી તું તેને શરમથી ભોંઠો પાડશે, અને પ્રભુ તને તેનો બદલો આપશે” (સુભાષિતો ૨૫, ૨૧-૨૨).

Last change : 16-02-2017
Next change on : 01-03-2017
Copyright Fr. Varghese Paul, SJ 2017

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.