સાચો શિષ્ય કોણ?

સાચો શિષ્ય કોણ?"તું મારી પાછળ આવ, અને મરેલાંને દફનાવવાનું મરેલાં ઉપર છોડી દે"
(માથ્થી ૮, ૨૧-૨૨).

પ્રથમ ર્દષ્ટિએ મરેલાંને દફનાવવાનું મરેલાં ઉપર છોડી દેવાની ઈસુની વાત વિચિત્ર લાગે છે. મરેલાંઓને દફનાવવાનું કામ યહૂદી પ્રજા માટે પવિત્ર ફરજ છે, પુણ્યનું કામ છે. માબાપ અને વડીલોના મૃત્યુ વખતે એમને દફનાવવાના કામને એમનાં સંતાનો પોતાની જવાબદારી માને છે.

આવા સંદર્ભમાં એક શિષ્યે ઈસુને કહ્યું, “પ્રભુ, પહેલાં મને મારા પિતાને દફનાવી આવવા દો.”

પણ ઈસુએ તેને કહ્યું, “તું મારી પાછળ આવ, અને મરેલાંઓને દફનાવવાનું મરેલાં ઉપર છોડી દે” (માથ્થી ૮, ૨૧-૨૨). અહીં પ્રશ્ન થાય કે, “મરેલાંઓને દફનાવવાનું મરેલાં ઉપર છોડી દે” એટલે શું?

બાઇબલના પંડિતો ઉપરોક્ત વાક્યોનું વિવિધ અર્થઘટન કરે છે. અહીં મને વિલિયમ બારકલેનું અર્થઘટન બીજા કરતાં વધારે યોગ્ય લાગે છે.

પ્રભુ ઈસુ પોતાને અનુસરવા પેલા શિષ્યને આમંત્રણ આપે છે; ત્યારે એ શિષ્ય કહે છે કે, “પ્રભુ પહેલાં મારા પિતાને દફનાવી આવવા દો.”

અહીં પિતાને દફનાવી આવવાની વાતમાં મરેલા પિતાને દફનાવવાની વાત નથી. એના પિતા તો હયાત છે. પણ જયારે પિતા મરી જાય ત્યારે એમને દફનાવવાની પવિત્ર ફરજ અદા કરીને ઈસુને અનુસરવાની વાત છે.

ઈસુ તો માણસ-પારખુ છે. ઈસુ માનવના દિલને જાણે છે. અનુભવે આપણે જાણીએ છીએ કે, કોઈકવાર કંઈક સારું કરવાની આપણને પ્રેરણા મળે છે, તક મળે છે. પરંતુ આળસ કે બેદરકારીને કારણે આપણે એવી તકો જતી કરીએ છીએ. પાછળથી એવી તક ગુમાવ્યાનો આપણને અફસોસ થાય છે. વીતેલો સમય આપણને પાછો મળતો નથી. એ જ રીતે ચૂકી ગયેલી તક કદી પાછી મળતી નથી.

પ્રભુ ઈસુ અને એ શિષ્ય વચ્ચેના સંવાદમાંથી આપણે ઈસુની વાતનું અર્થઘટન કરવા પ્રયત્ન કરીએ. અહીં વાત એક શિષ્યની છે. ઈસુ એ યુવાનને શિષ્ય તરીકે ઓળખે છે. ઈસુના એક શિષ્ય તરીકે એ યુવાન ઈસુને વધુ નિકટથી અનુસરવા ઈચ્છે છે. પોતાની ઇચ્છા અને ભલમનસાઈ એ યુવાને ઈસુ અને એમના બીજા શિષ્યો આગળ પ્રગટ કરી હશે. વળી, એક આજ્ઞાંકિત અને કર્તવ્યનિષ્ઠ સંતાન તરીકે એ યુવાનની ઇચ્છા છે. ઘરબાર બધું જ ત્યજી દેવા તે તૈયાર છે. પરંતુ ઈસુને અનુસરતાં પહેલાં વહેલાંમોડાં પોતાનાં માબાપનું મૃત્યુ થાય ત્યારે તેમની દફનવિધિ પોતાના ધર્મ અને સમાજને શોભે એ રીતે કરવા એની ઝંખના છે.

ઈસુની હાકલ સાંભળીને એ શિષ્ય કહે છે, “પ્રભુ પહેલાં મારા પિતાને દફનાવી આવવા દો.”

પરંતુ ઈસુની હાકલ, એટલે કે ઈસુને અનુસરવા અને એમના સંદેશની ઘોષણા કરવાની હાકલ, સૌ પ્રથમ સ્થાને છે. બીજી બધી બાબતોની સરખામણીમાં ઈસુની હાકલ પ્રાથમિકતા છે, અગ્રિમતા છે. બીજા શબ્દોમાં કહીએ તો ઈસુને અનુસરવા ઇચ્છનારે પ્રભુ ઈસુને પ્રથમ સ્થાને સ્થાપવા જોઈએ. ઈસુએ કહ્યું છે કે, “જો કોઈ મારો અનુયાયી થવા માગતો હોય, તો તેણે પોતાનો ત્યાગ કરવો જોઈશે અને પોતાનો ક્રૂસ ઉપાડી મારી પાછળ આવવું જોઈશે” (માથ્થી ૧૬, ૨૪).

વળી, સત્કર્મ કરવામાં કોઈ વિલંબ યોગ્ય નથી. ઈસુને અનુસરવાની હાકલને મુલતવી રાખવાથી કદાચ એ તક ફરી ન મળે. સમજીવિચારીને ઈસુને અનુસરવાના નિર્ણયની બાબતમાં બીજી કોઈ શક્તિ આડે આવવી ન જોઈએ. માબાપને દફનાવવા જેવી પવિત્ર ફરજ પણ વચ્ચે આવવી ન જોઈએ. ઈસુને અનુસરવા માટે સંપૂર્ણ ત્યાગ જોઈએ. દુનિયની બધી મોહમાયાથી માનસિક રીતે સંપૂર્ણ મુક્તિ જોઈએ.

બાઇબલ કહે છે કે, “બધું નિયત સમયે થાય છે, દુનિયાની એકેએક ઘટના માટે સમય નક્કી થયેલો હોય છે” (તત્વદર્શી ૩, ૧). ઈસુ હાકલ કરે ત્યારે જ પેલા યુવાન શિષ્ય માટે ઈસુને અનુસરવાનો યોગ્ય સમય છે પછી નહિ.

આ વાતના સમર્થનમાં બાઇબલના પંડિત વિલયમ બારકલે અંગ્રેજી લેખક એચ. જી. વેલ્સનો દાખલો આપે છે. પોતાની આત્મકથામાં વેલ્સે પોતાની યુવાનીનો એક પ્રંસગ નોંધ્યો છે. તે વખતે વેલ્સ કાપડના એક વેપારી સાથે ધંધો કરતા હતા. બધું જ બરાબર ચાલતું હતું. પરંતુ વેલ્સને લાગ્યું કે કાપડના વેપારમાં જ પડ્યા રહેવામાં એમની કોઈ સિદ્ધિ કે ભવિષ્ય નથી. એક દિવસ એમને લાગ્યું કે ગમે તે ભોગે આ કામમાંથી મુક્ત થવું જોઈએ. અંતરાત્માની આ પ્રેરણાને અનુસરીને વેલ્સે કાપડ-વેપાર શીખવાનું કામ છોડી દીધું. નિયમિત આવકવાળી નોકરી છોડવાનું વેલ્સે સાહસ કર્યું. પરિણામે, વેલ્સ સમય જતાં ખૂબ લોકપ્રસિદ્ધ અંગ્રેજી લેખક અને સાહિત્યકાર બન્યા.

મરેલાંઓને દફનાવવાનું મરેલાં ઉપર છોડી દેવાની ઈસુની વાતમાં ઈસુ પેલા શિષ્યને કહે છે કે, મને અનુસરવાની તારી પ્રેરણા, તારા અંતરનો અવાજ બરાબર છે. તે પ્રમાણે તું અત્યારે કર અને બીજી બધી ચિંતાઓ છોડી દે. ઈસુને અનુસરવા અને એમના સંદેશની ઘોષણા કરવાના કામ આગળ બીજી બધી બાબતો ગૌણ બને છે.

છેલ્લે, વિલયમ શેક્સપિયરની વાત યાદ કરીએ:
માનવજીવનમાં આવતી ભરતી ધસમસતી,
એ ક્ષણોમાં જે જિંદગી એમાં ધસતી,
સફળતા તેને વરતી,
કિન્તુ એ પળે કરેલી પાછીપાની,
કંગાળ કરતી, કિનારે ડુબાવતી!

“There is a tide in the affairs of men
Which taken at the flood, leads on to fortune
Omitted, all the voyage of their life
Is bound in shallows and in miseries.”

-William Shakespeare

Changed On: 01-03-2017
Next Change: 16-03-2017
Copyright Fr. Varghese Paul, SJ–2017

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.