પ્રલોભનમાં પડવા દેશો નહિ

પ્રલોભનમાં પડવા દેશો નહિ



"અમને પ્રલોભનમાં પડવા દેશો નહિ"
(માથ્થી ૬, ૧૩).

દરેક ખ્રિસ્તીજન રોજેરોજ "હે અમારા બાપ..." નામે એક પ્રાર્થના કરે છે. એમાં ઈશ્વર પ્રભુને એક વિનંતી કરે છે કે, "અમને પ્રલોભનમાં પડવા દેશો નહિ" (માથ્થી ૬, ૧૩; લૂક ૧૧, ૪). ઈસુએ પોતાના શિષ્યોને શિખવાડેલી પ્રાર્થનાની ત્રીજી વિનંતી બંને શુભસંદેશકારો માથ્થીએ અને લૂકે એના એ જ શબ્દોમાં આપી છે. જોકે રોજની પ્રાર્થનામાં જૂના અનુવાદના શબ્દોમાં પ્રાર્થના બોલાય છે કે, "અમને પરીક્ષણમાં ન લાવ, પણ ભૂંડાઈથી અમને બચાવ."

'પ્રલોભન' શબ્દનો અર્થ સાર્થ ગુજરાતી જોડણીકોશ મુજબ 'ભારે લાલચ' છે. 'પ્રલોભન' શબ્દમાં લાલચ કે કંઈક ખોટું હોવાની ધારણા છે, સમજણ છે. એટલે ખ્રિસ્તી લોકો પ્રાર્થનામાં બોલે છે કે, "અમને પ્રલોભનમાં પડવા દેશો નહિ" કે "અમને પરીક્ષણમાં ન લાવ."

પ્રલોભન અને પ્રલોભનમાં પડવું – એ બે ભિન્ન બાબતો છે. પ્રલોભનને આપણે માનવપ્રકૃતિ કહીએ. પ્રલોભનમાં કશુંય ખોટું નથી. પરંતુ પ્રલોભનમાં પડવું એ ખોટી બાબત છે; એ પાપ છે. પ્રલોભન શબ્દને સ્થાને અમુક અનુવાદકો 'પરીક્ષા' કે 'કસોટી' જેવા શબ્દો વાપરે છે. દાખલા તરીકે, ઈસુના સ્નાનસંસ્કાર પછી એમની કસોટીની વાત માથ્થીએ કરી છે. "એ પછી સેતાન પોતાની કસોટી કરે એટલા માટે પવિત્ર આત્માના પ્રેર્યા ઈસુ રણમાં ગયા" (માથ્થી ૪, ૧).

પ્રથમ ત્રણેય શુભસંદેશકારોએ ઈસુની કસોટીની વાત વિગતવાર કરી છે. એટલે હિબ્રૂઓ પરના પત્રના લેખક ઈસુ વિશે કહી શકે છે, "એ પોતે કસોટીની વેદનામાંથી પસાર થયેલા હોઈ જેમની કસોટી થઈ રહી હોય તેમને મદદ કરી શકે છે" (હિબ્રૂઓ ૨, ૧૮). વળી, "આપણા વડાપુરોહિત એવા નથી કે જે આપણી દુર્બળતાઓ પ્રત્યે સહાનુભૂતિ ન રાખી શકે; બલકે, એવા છે જેમને આપણા જેવી બધી જ કસોટીઓનો અનુભવ થયો છે – સિવાય એક પાપનો" (હિબ્રૂઓ ૪, ૧૫).

ઈસુની કસોટીમાં કે પ્રલોભનમાં પ્રલોભનકર્તા સેતાન છે. મતલબ કે પ્રલોભન સેતાન દ્વારા આવે છે. સંત પીતરે પોતાના પત્રમાં આ વાત સ્પષ્ટપણે કહી છે, "સાવધ રહેજો, જાગતા રહેજો, કારણ, તમારો દુશ્મન સેતાન ગર્જના કરતા સિંહની પેઠે કોનો કોળિયો કરવો એની શોધમાં આંટા માર્યા કરે છે" (૧ પીતર ૫, ૮).

અહીં પ્રશ્ન ઊભો થાય છે કે, માનવની કસોટી કરનાર કે પ્રલોભનમાં પાડનાર કે પરીક્ષણમાં લાવનાર પ્રલોભનકર્તા આ સેતાન કોણ છે? કેવી રીતે આ સેતાનને ઓળખીએ? આપણા જીવનમાં સેતાન એક માનવના રૂપમાં આપણી પાસે આવીને આપણને પ્રલોભન આપી શકે છે; પ્રલોભનમાં પડવા પ્રેરી શકે છે. માનવનો સ્વાર્થ, એનો ગર્વ, એનો અંહકાર, એની અશ્રદ્ધા, આ સઘળાના મૂળમાં સેતાન છે. એટલે આપણી કસોટી કરનાર આપણામાં હોઈ શકે કે આપણી બહાર પણ હોઈ શકે.

આપણે જાણીએ છીએ કે પ્રલોભન ખોટું નથી. એમાં પાપ નથી. પરંતુ પ્રલોભનમાં પડવામાં પાપ છે. બીજી બાજુ, પ્રલોભનનું સારું પાસું પણ છે. ધર્મભીરુ લોકો વિશે બાઇબલનો 'જ્ઞાનવાણી' ગ્રંથ કહે છે કે, "ઈશ્વરે તેમની કસોટી કરી છે, અને તેઓ તેના થવાને લાયક સિદ્ધ થયા છે. સોનાને અગ્નિમાં તાવે તેમ ઈશ્વરે તેમને તાવી જોયા છે, અને વેદી પર ધરાયેલા હવિના જેવા તેઓ સ્વીકારપાત્ર નીવડ્યા છે" (જ્ઞાનવાણી ૩, ૫-૬).

દાખલા તરીકે, બાઇબલના પ્રથમ ગ્રંથ 'ઉત્પત્તિ'માં આદ્યપિતા અબ્રાહામની ઈશ્વરે કસોટી કર્યાની વાત છે. "ઈશ્વરે અબ્રાહામની કસોટી કરવા તેને કહ્યું" (ઉત્પત્તિ ૨૨, ૧). અહીં અબ્રાહામની કસોટીમાં એમને પાપ કરવાની લાલચ નથી, પણ એમની શ્રદ્ધાની પરીક્ષા છે. બાઇબલ વાંચનાર જાણે છે કે, અબ્રાહામ એમની કસોટીમાંથી હેમખેમ પાર ઉતર્યા. ઈશ્વર પરનાં એમનાં ભરોસા અને શ્રદ્ધા અડગ પુરવાર થયાં.

અગ્નિમાં તપાવીને સોનાને શુદ્ધ કરવામાં આવે છે. એ રીતે પ્રલોભન માનવને નિર્મળ અને તેજસ્વી બનાવે છે. ખ્રિસ્તી લોકો માને છે કે, ઈશ્વરની શક્તિ ઈસુના આત્મારૂપે માનવ સાથે છે અને માનવને હંમેશાં પ્રલોભનથી દૂર રહેવા કે પ્રલોભન પર જીત મેળવવા પ્રેર્યા કરે છે. આપણે એને અંતરાત્માનો અવાજ કહી શકીએ.

બાઇબલ સ્પષ્ટ કહે છે કે, માનવના જીવનમાં આવતાં પ્રલોભનો જીતવા માટે, પ્રલોભનોથી દૂર રહેવા માટે ઈશ્વર માનવને જરૂરી કૃપા કે શક્તિ આપે છે. યરુશાલેમ ખાતે આદિ ખ્રિસ્તીઓ કે પ્રથમ ધર્મસંઘના અગ્રણી યાકોબ બાઇબલમાં લખે છે, "મારા ભાઈઓ, જયારે જયારે તમારે જાતજાતની કસોટીઓનો સામનો કરવાનો આવે ત્યારે ત્યારે એને ભારે આનંદનો પ્રસંગ માનજો, કારણ, તમે જાણો છો કે, શ્રદ્ધાની કસોટીમાં પાર ઊતરવાથી ર્દઢતા જન્મે છે" (યાકોબ ૧, ૨-૩).

પોતાને હેરાનપરેશાન કરનાર પ્રશ્નમાંથી મુક્તિ મેળવવા માટે કરેલી પ્રાર્થનાના અનુભવ વિશે સંત પાઉલ લખે છે: "એ (પ્રશ્ન) દૂર થાય એ માટે મેં ત્રણ ત્રણવાર પ્રભુને આજીજી કરી; પણ તેમણે મને કહ્યું, 'મારી કૃપા પૂરતી છે. દુર્બળતા હોય છે ત્યાં જ મારી શક્તિ પૂર્ણપણે પ્રગટ થાય છે'" (૨ કરિંથ ૧૨, ૮-૯). કોઈપણ પ્રકારના પ્રલોભનમાં ઈશ્વર પ્રભુની કૃપા માનવ સાથે છે.

Changed On: 16-03-2017
Next Change: 01-04-2017
Copyright Fr. Varghese Paul, SJ – 2017

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.