પાપીઓને તેડું

પાપીઓને તેડું



"હું તો પુણ્યશાળીઓને નહિ, પણ પાપીઓને બોલાવવા આવ્યો છું"
(માથ્થી ૯, ૧૩).

ઈસુ ક્રાન્તિકારી હતા. ઈસુના સમયમાં સ્પષ્ટ ધાર્મિક અને સામાજિક વ્યવસ્થા હતી. બધા લોકો ચોક્કસ ધાર્મિક અને સામાજિક પરંપરા મુજબ જીવન જીવતા હતા. પુરોહિતો, ફરોશીઓ અને શાસ્ત્રીઓ આમજનતાથી દૂર રહેતા. દાખલા તરીકે, ફરોશી લોકો પોતાને સર્વોત્તમ ગણતા. કારણ, તેઓ મોશેના નીતિ-નિયમો અક્ષરશ: પાળતા હતા અને એમાં ગર્વ લેતા હતા. એટલે તેઓ સામાન્ય સ્થાનિક લોકો સાથે રોટી-બેટીનો વ્યવહાર રાખતા નહતા. સામાન્ય લોકો તો યહૂદી કાયદા જાણતા પણ નહોતા; નીતિનિયમો પાળતા નહોતા, એક જ શબ્દમાં કહેવું હોય તો તેઓ 'પાપીઓ' હતા.

આવી ધાર્મિક પરંપરા અને સામાજિક પરીસ્થિતિમાં ઈસુ પ્રવેશે છે. એક રખડતા ધર્મગુરુ કે ઉપદેશક તરીકેના ઈસુનું જીવન નિહાળીને એમના વિરોધીઓ કહેતા હતા કે ઈસુ 'ખાઉધરો' કે 'પાપીઓનો ગોઠિયો' છે. આવા સંદર્ભમાં પ્રથમ ત્રણ શુભસંદેશકારોએ નોંધેલા એક પ્રંસગમાં ઈસુ કહે છે કે, "હું તો પુણ્યશાળીઓને નહિ, પણ પાપીઓને બોલાવવા આવ્યો છું." પ્રસંગ ભોજન સમારંભનો છે. જકાતદાર માથ્થી અને એમના મિત્રો સાથે ઈસુ એક ભોજનસમારંભમાં બેસે છે. ઈસુનો ઉપદેશ છે, "સમય પાકી ગયો છે. ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે. હૃદયપલટો કરો અને શુભસંદેશ ઉપર શ્રદ્ધા રાખો" (માર્ક ૧, ૧૫). ઈસુના આવા સંદેશથી પ્રભાવિત થઈને સેંકડો લોકો એમને અનુસરે છે.

બધું બરાબર છે. ઈસુ તરફ આંગળી ચીંધનાર છડીદાર સ્નાનસંસ્કારક યોહાને પણ ઘોષણા કરી હતી કે, "હૃદયપલટો કરો અને સ્નાનસંસ્કાર પામો, એટલે તમને પાપની માફી મળશે" (માર્ક ૧, ૪). પણ હવે બધું બરાબર હોય એવું લાગતું નથી. ઈસુનું વર્તન એમના ઉદાત્ત સંદેશ સાથે બંધબેસતું નથી. એમણે માથ્થી જેવા જકાતદારને પોતાના એક શિષ્ય તરીકે પસંદ કર્યા છે! જકાતદાર તો યહૂદી લોકોની ર્દષ્ટિએ પાપી છે. તેઓ વિદેશી સત્તા રોમના સમ્રાટની સેવામાં લોકો પાસેથી જકાત ઉઘરાવે છે. ઈસુ એક ગુરુ અને ઉપદેશક હોવા છતાં આવા પાપી લોકો જોડે સંબધ રાખે છે! હવે તો ઈસુએ હદ કરી, મર્યાદા તોડી, વિવેક ગુમાવ્યો. તેઓ પાપીઓ અને તરછોડાયેલા લોકો સાથે ભાણે બેઠા! એ બધા લોકો ઈસુના અનુયાયીઓ હતા. જકાતદારો અને પાપીઓ સાથે ભાણે બેસી ભોજન લેવાનું ઈસુનું આ કાર્ય ચોંકાવનારું છે. ધાર્મિક આગેવાનો માટે લજ્જાસ્પદ છે. એટલે ફરોશી સંપ્રદાયના શાસ્ત્રીઓ ઈસુના શિષ્યોને પૂછે છે, "એ જકાતદારો અને પાપીઓ સાથે કેમ જમે છે?" (માર્ક ૨, ૧૬).

આ વાત ઈસુના કાન સુધી પહોંચે છે અને પ્રશ્ન પૂછનારને સચોટ જવાબ આપતાં ઈસુ કહે છે, "વૈદ્યની જરૂર સાજાને નથી હોતી, માંદાને હોય છે. હું તો પુણ્યશાળીઓને નહિ, પણ પાપીઓને બોલાવવા આવ્યો છું" (માર્ક ૨, ૧૭).

અહીં 'પાપીઓ' સામાન્ય આમજનતા છે. કારણ, તેઓ ફરોશીઓ, શાસ્ત્રીઓ અને અન્ય યહૂદી આગેવાનોની જેમ કાયદા જાણતા નથી, યહૂદી ધર્મના નીતિનિયમો પાળતા નથી. પણ ઈસુ 'પુણ્યશાળી' કોને કહે છે? બાઇબલમાં પુણ્ય એટલે પવિત્ર. કોઈ-પણ માનવ પવિત્ર નથી. ફક્ત ઈશ્વર જ પવિત્ર છે અને કેવળ ઈશ્વર જ માનવને પવિત્ર બનાવી શકે છે. સંપૂર્ણ બાઇબલની સૂચિમાં જણાવ્યું છે તેમ, પુણ્ય માણસનાં પુણ્યકર્મોનું ફળ નહિ, પણ ઈશ્વરની કૃપાની ભેટ છે.

માર્ક કે બીજા શુભસંદેશકારો 'પુણ્યશાળી'માટે ગ્રીક ભાષામાં જે મૂળ શબ્દ વાપરે છે તે 'મીષપાત્ત' છે. બાઇબલના 'સુભાષિતો' ગ્રંથમાં એ 'મીષપાત્ત' શબ્દનો અનુવાદ 'સદાચારી' કરવામાં આવ્યો છે.

"સદાચારી ઉપર આશીર્વાદ વરસે છે" (૧૦, ૬).
"સદાચારીને સૌ આશીર્વાદ સાથે સાંભરે છે" (૧૦, ૭).
"સદાચારીની વાણી જીવનદાયિની હોય છે" (૧૦, ૧૧).
'મીષપાત્ત' શબ્દ 'સ્તોત્રસંહિતા'ના ગ્રંથમાં પણ આવે છે. ત્યાં એ શબ્દ ઈશ્વરનો સંકેત આપે છે.
"કાજી બનીને ન્યાયાસન પર થયો તું બિરાજમાન,
મારે પક્ષે કીધો ચુકાદો, કર્યો અદલ ઇન્સાફ." (સ્તોત્રસંહિતા ૯, ૪)

સંપૂર્ણ બાઇબલમાં 'પુણ્યશાળી' શબ્દ સાથે 'પુણ્યજન' (મીષપાત્ત) જોવા મળે છે. રોમના ધર્મસંઘ પરના પત્રમાં પાઉલ ઈસુના અનુયાયીઓ માટે 'પુણ્યજન' શબ્દ વાપરે છે (જુઓ રોમ ૧, ૧). એની પાદટીપમાં પુણ્યજનનો ખુલાસો છે, "ઈસુના અનુયાયીઓને સંત પાઉલ પવિત્ર લોકો, પુણ્યજનો કહીને ઓળખાવે છે... ઈસુના અનુયાયીઓને ઈશ્વરે હાકલ કરીને અલગ કર્યા છે અને પોતાની સેવા અર્થે અભિષિક્ત કર્યા છે. એટલે સંત પાઉલ એમને પવિત્ર લોકો, 'પુણ્યજન' કહે છે" (જુઓ, સંપૂર્ણ બાઇબલ, નવો કરાર, રોમ ૧, ૧; પૃ.૨૫૫).

અહીં, ઈસુ જે પુણ્યશાળીઓની વાત કરે છે તે સદાચારી નથી, મરિયના પતિ સંત યોસેફ જેવા ધર્મિષ્ઠ માણસો નથી. પરંતુ જેઓ ધાર્મિક હોવાનો અને નીતિન્યાયને રસ્તે ચાલતા હોવાનો દેખાવ કરે છે, તેઓને ઈસુ 'પુણ્યશાળી' કહે છે. આવા લોકોને ઈસુના ઉપદેશની જરૂર નથી. એમને માટે ઈસુનો સંગાથ કે ઈસુનો સંદેશ ઊંધા મૂકેલા માટલા ઉપર પાણી રેડવા સમાન છે. એટલે આવા લોકોને ઈસુ ધ્યાનમાં લેતા નથી.

જે માનવ માંદો હોય પણ તંદુરસ્ત કે નીરોગી હોવાની માન્યતા ધરાવતો હોય તો તેની સારવાર દુષ્કર છે, અઘરી છે. પરંતુ જે લોકો પોતાની માંદગી વિશે જાણે છે, સ્વીકારે છે કે, પોતાને દવાદારૂની જરૂર છે, એવા નિખાલસ લોકોની સારવાર કરીને તેમને સાજા-સમા કરી શકાય. એ જ રીતે જે માનવ પોતાની જાતને ઓળખે છે, પોતાને પાપી તરીકે જાણે છે, પોતાનાં પાપો અને બધી નબળાઈઓથી મુક્ત થવા ઈચ્છે છે, એવા લોકો માટે ઈસુ આવ્યા છે.

મંદિરમાં પ્રાર્થના કરતી બે વ્યક્તિઓની વાત ઈસુએ કરી છે. એમાં એક ફરોશી પોતાની જાતને પુણ્યશાળી માનીને બીજા જણને પાપી ગણીને પ્રાર્થના કરે છે. પણ બીજો જણ તો મંદિરમાં ઈશ્વરની આગળ પોતાનો પાપી એકરાર કરીને ઈશ્વરની દયા અને કરુણા માગે છે. ઈસુ કહે છે કે, આ બીજો જણ ઈશ્વરની આગળ ખરો "પુણ્યશાળી" ઠરીને ઘેર ગયો, ફરોશી નહિ.

પરંતુ ફરોશીઓ, શાસ્ત્રીઓ અને અન્ય ધાર્મિક આગેવાનો ઈસુનો સંદેશ સાંભળવા કે ઈશ્વરના મુક્તિકાર્યની પોતાને જરૂર છે એવું સ્વીકારવા તૈયાર નથી. એટલે જ ઈસુ જકાતદાર જેવા બહિષ્કૃત અને પાપી લોકો પાસે જાય છે. એમનો સંગાથ કરે છે. કારણ, તેઓ પોતાનાં પાપો માટે પશ્ચાત્તાપ કરે છે, મુક્તિનો માર્ગ શોધે છે. ઈસુનો સંદેશ સાંભળીને એમને અનુસરે છે.

ઈસુનો સંદેશ બધા લોકો માટે છે. મુક્તિનો એ સંદેશ જેમ પાપીઓ માટે છે તેમ પોતાની જાતને 'સદાચારી' માનતા કે સદાચારી હોવાનો દેખાવ કરતા લોકો માટે પણ છે. પોતાની જાતને બરાબર ઓળખીને, મુક્તિની પોતાને જરૂર છે એ વાત સ્વીકારીને, ઈસુ પાસે આવનાર સૌને તેઓ આવકારે છે. એમાં ઘણાંખરાં પાપી લોકો છે, જકાતદારો છે, ધર્મ અને સમાજની ર્દષ્ટિએ બહિષ્કૃત લોકો છે. ઈસુ એવા સૌ લોકોના મિત્ર છે, પાપીઓના ગોઠિયા છે.

Changed On: 1-04-2017
Next Change: 16-04-2017
Copyright Fr. Varghese Paul, SJ – 2017

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.