ઈસુ અને ક્રૂસ

ઈસુ અને ક્રૂસ"જો કોઈ મારો અનુયાયી થવા માગતો હોય. તો તેણે પોતાનો ત્યાગ કરવો જોઈશે
અને પોતાનો ક્રૂસ ઉપાડી મારી પાછળ આવવું જોઈશે" (માથ્થી ૧૬, ૨૪).

ઈસુ અંગેની કોઈપણ વાત ક્રૂસનો ઉલ્લેખ વિના અધૂરી ગણાશે. નવા કરારમાં માથ્થી, માર્ક અને લૂકે ઈસુનું ખાસ નોંધેલું એક કથન છે, "જો કોઈ મારો અનુયાયી થવા માગતો હોય, તો તેણે પોતાનો ત્યાગ કરવો જોઈશે અને પોતાનો ક્રૂસ ઉપાડી મારી પાછળ આવવું જોઈશે" (માથ્થી ૧૬, ૨૪; માર્ક ૮, ૩૪; લૂક ૧૪, ૨૭).

બધા લોકો જાણે છે કે, ઈસુ ખ્રિસ્ત ક્રૂસ પર મૃત્યુને વર્યા છે અને ક્રૂસ ખ્રિસ્તી ધર્મનું ખાસ નિશાન છે. હિન્દી ફિલ્મોમાં ખ્રિસ્તીઓને દર્શાવવા માટે નટ કે નટીના ગળામાં ક્રૂસ લટકતો બતાવવામાં આવે છે.

કોઈકવાર અન્ય ધર્મોના લોકો પણ પોતાના ગળે પહેરવા માટે મારી પાસે ક્રૂસની ભેટ માગે છે. મને લાગે છે કે, ક્રૂસ પ્રત્યે આદરમાન રાખનાર લોકો પણ ક્રૂસનો ખરો અર્થ સમજતા નથી. ક્રૂસ વિશે થોડુંઘણું જાણનાર માનવો પણ મને કોઈકવાર પૂછે છે કે ક્રૂસ પર લખેલા ચાર અક્ષરો - આઈ. એન. આર.આઈ. - નો શો અર્થ થાય છે!

રોમન લોકોમાં જેમને ક્રૂસે લટકાવીને મારી નાખવાના હોય તેવા ગુનેગારોના ગુનાના ઉલ્લેખનું પાટિયું ક્રૂસ પર લટકાવવાનો રિવાજ હતો. ઈસુના ક્રૂસ પર લટકાવેલા ચાર અક્ષરોના પાટિયામાં ઈસુની વધશિક્ષાનું કારણ સમાયેલું છે. સુબા પિલાતે ફરમાવ્યા મુજબ ઈસુનો ગુનો હતો ઈસુ યહૂદીઓના રાજા. એટલે તેમણે ક્રૂસ પર પાટિયું લખાવડાવેલું: "નાઝરેથનો ઈસુ, યહૂદીઓનો રાજા"એને ટૂંકમાં આઈ.એન.આર.આઈ લખાય છે.

યહૂદીઓના રાજા તરીકે નાઝરેથના ઈસુને ક્રૂસ પર મારી નાખવાનો હુકમ કરનાર રોમન સૂબા પોન્તિયસ પિલાત બરાબર જાણતા હતા અને માથ્થીએ નોંધ્યું પણ છે કે, "લોકોએ કેવળ અદેખાઈને લીધે જ ઈસુને હવાલે કર્યા હતા" (માથ્થી ૨૭, ૧૮). છતાં પિલાતે લોકોની બીકે "ઈસુને કોરડા મરાવી ક્રૂસે ચડાવવા માટે સોંપી દીધા" (માથ્થી ૨૭, ૨૬).

ઈસુને ક્રૂસ પર મારી નાખવામાં આવવાથી ઘણા લોકો ક્રૂસને મૃત્યુનું ચિહ્ન કે નિશાન સમજે છે. પણ ક્રૂસ તો મૃત્યુનું નહિ પણ જીવનનું નિશાન છે. કેટલાક લોકોની ર્દષ્ટિએ ઈસુ ક્રૂસ પર પોતાનું જીવન ખોઈ બેઠા. એટલે ક્રૂસ હારનું નિશાન છે. પણ ક્રૂસનો અર્થ બરાબર સમજનાર માનવો જાણે છે કે ક્રૂસ પરાજય કે નિરાશાનું નહિ, પણ જીત અને જીવનનું નિશાન છે.

ક્રૂસનો અર્થ સમજવા માટે નવા કરારમાં યોહાનના શબ્દો આપણી મદદે આવે છે. ઈસુ પોતાના જીવન વિશે પોતાના શિષ્યોને કહે છે, "પિતા મારા ઉપર પ્રેમ રાખે છે, કારણ, હું મારું જીવન અર્પી દઉ છું; અર્પી દઉં છું ખરો, પણ પાછું મેળવવા માટે; કોઈ એને મારી પાસેથી લઈ લેતું નથી, પણ હું જ એને મારી મેળે અર્પી દઉં છું. મને એને છોડી દેવાની સત્તા છે, તેમ એને પાછું લેવાની પણ સત્તા છે. આ આજ્ઞા મને મારા પિતા તરફથી મળેલી છે" (યોહાન ૧૦, ૧૭-૧૮).

ઈશ્વરી યોજનામાં ઈસુ પોતે જ ક્રૂસ પર પોતાનું જીવન અર્પી દે છે. ઈસુને ક્રૂસ તરફ દોરી જનાર એક જ બાબત છે" ઈસુનો માનવ પ્રત્યેનો પ્રેમ. ઈસુનો મારા-તમારા પ્રત્યેનો પ્રેમ. ઈશ્વર પિતાના પ્રેમથી પ્રેરાઈને માનવમાત્ર પ્રત્યેના પ્રેમથી ઈસુ એ ક્રૂસને ભેટ્યા છે.

ક્રૂસ પરના મૃત્યુને ભેટવાનો ઈસુનો પ્રેમ અનાદિ પ્રેમ છે, સનાતન પ્રેમ છે, અનંત પ્રેમ છે. એટલે ખ્રિસ્તી લોકો માને છે કે, ક્રૂસને ભેટતા ઈસુના પ્રેમમાંથી કોઈ માનવ બાકાત નથી. એટલે ઈશ્વરે સર્જેલા પ્રથમ માનવથી માંડી આવનાર પેઢીના છેલ્લામાં છેલ્લા માનવને ક્રૂસને ભેટેલા ઈસુ પોતાના પ્રેમપાશમાં સમાવી લે છે. એનો અર્થ એ કે, ક્રૂસ પરના મૃત્યુ દ્વારા એક ઈસુ દરેક માનવને જીવવાની ભેટ ધરે છે. એટલે ક્રૂસ ખરેખર માનવના જીવન અને મુક્તિનું નિશાન છે.

ઈસુના એક શિષ્ય પાઉલ કરિંથના પહેલા પત્રમાં લખે છે કે, ક્રૂસ "ઈશ્વરી શક્તિ સ્વરૂપ" છે. ઈટાલીના સંત બ્રિનડીસીની જેમ ખ્રિસ્તીઓ ક્રૂસને શક્તિનો સ્ત્રોત અને દુઃખમાં આશરો ગણે છે. લોરેન્સ બ્રિનડીસીનો જન્મ એક ધનિક કુટુંબમાં થયો હતો. તેઓ યુવાનીમાં એક ખ્રિસ્તી સંન્યાસી બનવાની ઇચ્છાથી કપ્પુચિન સંન્યસ્ત સંઘના એક આશ્રમમાં પહોંચ્યા. આશ્રમના વડીલ ધર્મગુરુએ આશ્રમના ત્યાગભર્યા અને ખૂબ સંયમભર્યા જીવન વિશે સમજાવીને જુવાનજોધ લોરેન્સને કહ્યું કે "દીકરા, આશ્રમજીવન તારા જેવા સુખ-સાહ્યબીમાં ઊછરેલા યુવાનો માટે નથી. તમારા જેવા યુવાનોને આશ્રમનું જીવન માફક નહિ આવે." આશ્રમના વડીલની વાત ધ્યાનથી સાંભળીને લોરેન્સે પૂછ્યું, "પૂજ્ય ગુરુજી, આપ આશ્રમમાં મને આપી શકો એવી કોઈ નાની ઓરડીમાં ક્રૂસ છે ખરો?"

આશ્રમના વડીલ ધર્મગુરુએ કહ્યું કે, આશ્રમની એકેએક નાની ઓરડીની દીવાલ પર ક્રૂસ લટકાવેલો છે.

લોરેન્સે તરત જ આશ્રમના વડીલ ધર્મગુરુને કહ્યું, "પૂજ્ય ગુરુજી, મારા માટેની નાની ઓરડીમાં ક્રૂસ હોય તો મારે માટે એ પૂરતું છે. ક્રૂસ મારી સામે હોય તો કોઈપણ પ્રકારનો ત્યાગ વેઠવા અને સંયમભર્યું જીવન ગાળવા માટે મને શક્તિ મળશે." લોરેન્સ બ્રિનડીસીનું જીવન (ઈસવીસન ૧૫૫૯-૧૬૧૯) આલેખનાર જણાવે છે કે, તેઓ દેશ-પરદેશમાં ઈસુના ક્રૂસ અને સંદેશની ઘોષણા કરનાર એક પંડિત સંત બની ગયા.

અનુયાયીઓ માટેનો ઈસુનો સંદેશ "પોતાનો ક્રૂસ ઉપાડીને મારી પાછળ આવવું જોઈશે" પોતાના જીવનના કંટકછાયા પંથમાં પૂરેપૂરો અમલમાં મૂકનાર સંત પૉલ ઉપરોક્ત કરિંથના પત્રમાં લખે છે, "યહૂદીઓ પરચા-રૂપી પુરાવા જોવા માગે છે, અને ગ્રીકો જ્ઞાનની શોધમાં હોય છે; પણ અમે ખ્રિસ્તની ઘોષણા કરીએ છીએ, અને તે પણ ક્રૂસે જડાયેલા ખ્રિસ્તની" (૧ કરિંથ ૧, ૨૨-૨૩)

ઈસુના ક્રૂસ અને ક્રૂસના સંદેશ વિશે ઘણા ગુજરાતી કવિઓએ કાવ્યો લખ્યાં છે. કવિ યૉસેફ મૅકવાને "ક્રૉસ અને કવિ" નામે ક્રૉસ વિશે જાણીતા કવિઓની રચનાઓનો એક સમીક્ષા ગ્રંથ બહાર પાડ્યો છે. પ્રવીણા જોશી એક કાવ્યમાં સાચું જ કહે છે:
"મૅરીના ગર્ભથી
વધસ્તંભના ખીલાઓ સુધી જિવાડેલ
ઈસુ -
આજે ક્રૉસ પરથી ઊતરી
આપણી પ્રાર્થનામાં જોડાઈ ગયો."
અંતે, "ક્રૉસ અને ખીલા" નામે કવિ શેખાદમ આબુવાલાએ લખેલી સુંદર ગઝલના ચાર શેરો અહીં ટાંકું છું:
ક્રૉસ પર એને જડી દેવો પડ્યો;
માનવીઓ કેટલા ઢીલા હતા.

જિંદગી દેનાર પોતે ક્રૉસ પર
એ તો અમથા મોતના હિલા હતા.

યાદ શું આવી હશે એની વ્યથા
શ્વાસ આજે કેમ દર્દીલા હતા?

એ જ છે આદમ, કહાની એ જ છે,
પ્રેમ પહેલાં ક્રૉસ ને ખીલા હતા.

Changed On: 16-06-2017
Next Change: 01-07-2017
Copyright Fr. Varghese Paul, SJ - 2017

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.