બાળકોને મારી પાસે આવવા દો

બાળકોને મારી પાસે આવવા દો



'બાળકોને મારી પાસે આવવા દો. એમને રોકશો નહિ; કારણ, ઈશ્વરનું રાજ્ય
એમના જેવાઓનું જ છે.' (માથ્થી ૧૯, ૧૪).

બાઇબલના નવા કરારમાં માથ્થી, માર્ક અને લૂકે નોંધેલો એક રસપ્રદ પ્રંસગ છે. "ઈસુ બાળકોને માથે હાથ મૂકીને દુઆ માગે એવી ઇચ્છાથી લોકો બાળકોને તેમની આગળ લઈ આવ્યા. શિષ્યોએ તેમની વઢી નાખ્યા. પણ ઈસુએ કહ્યું, 'બાળકોને મારી પાસે આવવા દો. એમને રોકશો નહિ; કારણ, ઈશ્વરનું રાજ્ય એમના જેવાંઓનું જ છે.'

"પછી બાળકોને માથે હાથે મૂકી પોતે ત્યાંથી ચાલી નીકળ્યા" (માથ્થી ૧૯, ૧૩-૧૫; માર્ક ૧૦, ૧૩-૧૬; લૂક ૧૮, ૧૫-૧૭).

અહીં ઈસુનાં વાણી અને વર્તન બતાવે છે કે, તેઓ એક ક્રાન્તિકારી ધર્મગુરુ તરીકે પોતાની યહૂદી પ્રજા વચ્ચે જીવ્યા છે. ઈસુના વખતમાં યહૂદી પ્રજામાં સ્ત્રીઓ અને બાળકોને સમાજમાં કોઈ સ્થાન નહોતું. તેમના મતનું કોઈ મૂલ્ય નહોતું. યહૂદી સમાજમાં ગણના પામતાં ન હોય એવાં સ્ત્રીઓ અને તેમનાં બાળકોને ઈસુ જાહેરમાં આવકારે છે અને બાળકોના માથા પર હાથ મૂકીને એમને આશીર્વાદ આપે છે.

એટલું જ નહી, પણ આ પ્રંસગમાં માર્કે નોંધ્યા મુજબ ઈસુ પોતાની પાસે ટોળે વળેલા લોકોને કહે છે, "હું તમને ખાતરીથી કહું છું કે, જે કોઈ બાળક જેવો બનીને ઈશ્વરના રાજ્યનો સ્વીકાર નથી કરતો તે કદી તેમાં પ્રવેશ પામવાનો નથી" (માર્ક ૧૦, ૧૫).

ઈસુના શિષ્યો વઢીને જેમને ઈસુથી દૂર રાખે છે એ સ્ત્રીઓને એમનાં બાળકો સાથે ઈસુ પોતાની પાસે બોલાવે છે. તેઓ બાળકોના માથા પર હાથ મૂકી આશીર્વાદ આપે છે અને તેમને બીજા બધા લોકો માટે નમૂનારૂપ બતાવે છે.

ભલે, ઈસુના સમયમાં સ્ત્રીઓ અને બાળકોને કોઈ ગણકારતા ન હોય, પણ તેમનાં માબાપ માટે પોતાનાં બાળકો ખૂબ પ્રિય છે. વળી, ઈસુના સમયમાં યહૂદી માબાપ પોતાનાં બાળકોને પોતાના ધર્મગુરુ પાસે લઈ જઈ તેમના આશીર્વાદ માગતાં. એટલે જ લોકો એમના માનીતા ધર્મગુરુ આગળ પોતાનાં બાળકોને લઈને આવે છે. પરંતુ ઈસુ કોઈ એક માબાપનાં અમુક બાળકોને નહિ પણ બધાં જ બાળકોને પોતાની પાસે બોલાવીને આશીર્વાદ આપે છે. આપણા સાંપ્રત સમયની વાત કરીએ તો આપણે આપણાં બાળકો સાથે સારી રીતે વર્તીએ છીએ. તેમની સારી સારસંભાળ ચાહીએ છીએ. વધુમાં આપણાં સગાંસંબંધીઓનાં બાળકો પ્રત્યે પણ થોડું ધ્યાન આપીએ છીએ. પરંતુ આપણે સામાન્ય રીતે બીજાં બાળકોની અવગણના કરીએ છીએ. એટલે જ ઘણાં બાળકો શહેરોના ચારરસ્તા પર ભીખ માગતાં જોવા મળે છે ને!

ઈસુ તો કોઈ ભેદભાવ વિના બધાં બાળકોને પોતાની પાસે બોલાવે છે. બધાં બાળકોને નાતજાત, જાતિ અને ધર્મના બેદભાવ વિના ઈસુ પોતાના રાજ્યમાં આવકારે છે. એવા મતલબથી એક સુંદર યુરોપિયન વાર્તા છે. એક વાર એક ગામના લોકો ગામમાં એક નવું દેવળ બાંધતા હતા. લોકોએ નક્કી કર્યું કે દેવળને ખૂબ સુંદર બનાવવા માટે ગ્લાસવાળી બારીઓ પર પવિત્ર ગાદી પર બેઠેલા ઈસુ અને આસપાસ ભેગાં થયેલાં નાનાં બાળકોનાં ચિત્રો મૂકીએ. એ ચિત્રો દોરવાનું કામ ગામના આગેવાનોએ રાજ્યના એક પ્રસિદ્ધ કલાકારને સોંપ્યું.

ચિત્રકલાના એ નિષ્ણાત કલાકારે ઈસુ અને બાળકોનું એક ખૂબ રમણીય ચિત્ર પોતાના સ્ટુડિયોમાં તૈયાર કર્યું. એક રાત્રે કલાકારે પોતાના સ્ટુડિયોમાં કોઈકની હલચલનો અવાજ સાંભળ્યો. તે બત્તી કરીને સ્ટુડિયમાં ગયો.

પોતાના સ્ટુડિયોનું ર્દશ્ય જોઈને ચિત્રકલાકાર અચંબો પામ્યો. પોતે પૂર્ણ કરીને મૂકેલાં ચિત્રો પર એક અજાણ્યો કલાકાર રંગ અને પીછાં લઈને નવેસરથી સુધારોવધારો કરતો હતો.

"રોકો. તમે આ શું કરો છો? મેં દેરેલાં ચિત્રને કેમ બગાડો છો?" કલાકારે તેને પૂછ્યું.
અપરિચિત ચિત્રકારે કહ્યું: "તમે ખોટી રીતે દોરેલા ચિત્રને હું સુધારી રહ્યો છું."
"શું? તમે શું કહો છો?"
"તમને કોણે કહ્યું કે, સ્વર્ગમાં ઈસુની ગાદીને ફરી વળેલાં બાળકો બધાં યુરોપનાં લોકોની જેમ ગોરાં છે? તમે કેમ ફક્ત ગોરાં બાળકોને જ તમારા ચિત્રમાં ચીતર્યાં છે?"
તે રાજ્યના કલાકારે કહ્યું કે, "મને કોઈએ કહ્યું નથી, પણ મને એવું લાગ્યું અને મેં જાતે જ એમ દોર્યું."
"એટલે જ મેં જુદા જુદા રંગના બાળકોનું ચિત્ર દોર્યું", અપરિચિત કલાકારે કહ્યું.
ત્યારે રાજ્યના પ્રસિદ્ધ કલાકારે પૂછ્યું: "પણ તમે કોણ છો?"
અજાણ્યા કલાકારે કહ્યું કે, હું સદીઓ પહેલાં આ દુનિયામાં આવ્યો. તે જમાનામાં મેં લોકોને કહ્યું હતું કે, "બાળકોને મારી પાસે આવવા દો. તેમને રોકશો નહિ. આ જ વાત આજે પણ હું તમને કહું છું." આટલી વાત કર્યા પછી પેલો અપરિચિત કલાકાર ત્યાંથી અર્દશ્ય થઈ ગયો.

આ વાર્તા જણાવે છે કે, પ્રભુ ઈસુ નાત-જાત, ધર્મ-સંસ્કૃતિ કે ભાષા-પ્રાન્તના કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના બધાં બાળકોને પોતાની પાસે આવકારે છે અને ઇચ્છે છે કે બધાં બાળકો પ્રેમથી પોતાની પાસે આવે. બાળકો સાથેનાં ઈસુનાં વાણીવર્તન દરેક માનવ માટે નમૂનારૂપ અને આદર્શરૂપ છે. આપણા જીવનમાં બાળકોને પ્રેમથી આવકારવાની જરૂર છે. ફક્ત સુકોમળ બાળકોને જ નહિ પણ બેડોળ બાળકોને પણ પ્રેમથી ઊંચકી લેવાની જરૂર છે. આપણે બાળકોને લાડ લડાવવાં જોઈએ. વડીલોના લાલનપાલનથી બાળકોને વડીલના પ્રેમની ખાતરી મળે અને વડીલોના હાથમાં બાળકો સુરક્ષા અનુભવે છે. વડીલોના આશીર્વાદમાં બાળકો આત્મવિશ્વાસ કેળવે છે. આવી બધી વાત બરાબર જાણનાર પ્રભુ ઈસુ આપણને કહે છે: "બાળકોને મારી પાસે આવવા દો".

"બાળકોને મારી પાસે આવવા દો" ની વાતથી ઈસુ આપણને પણ કહે છે તેમ બાળક જેવા બનો. બાળકોની જેમ નિષ્કલંક પ્રેમ, અટલ શ્રદ્ધા અને અનહદ માફીથી મારી પાસે આવો. એ જ ઈસુનો બોધ છે.

Changed On: 16-07-2017
Next Change: 01-08-2017
Copyright Fr. Varghese Paul, SJ – 2017

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.