ઈસુનો ઈશ્વર હોવાનો દાવો

ઈસુનો ઈશ્વર હોવાનો દાવો



"હું યુગના અંત સુધી સદા તમારી સાથે છું" (માથ્થી ૨૮, ૨૦).

ઈસુનો ઈશ્વર હોવાનો દાવો “હું યુગના અંત સુધી સદા તમારી સાથે છું” (માથ્થી ૨૮, ૨૦).

વર્ષો પહેલાં મેં ઈસુનો ઊંડાણથી અભ્યાસ કરવા માંડ્યો ત્યારે મારે એક પ્રશ્નનો સામનો કરવો પડ્યો હતો. આજે લગભગ અડધી સદીના ઈસુના મારા અભ્યાસ અને ધ્યાનમનન પછી પણ મારી પાસે એ પ્રશ્નનો સ્પષ્ટ જવાબ નથી. બધા ખ્રિસ્તી લોકો પ્રભુ ઈસુને ઈશ્વરપુત્ર, ખુદ પ્રભુ માને છે. પરંતુ મારો પ્રશ્ન એ છે કે, ઈસુ આપણી આ ફાની દુનિયામાં માનવ વચ્ચે જન્મ લઈને એક સંપૂર્ણ માનવ તરીકે જીવ્યા હતા ત્યારે શું તેમને શરૂઆતથી જ પોતે ખુદ પ્રભુ હોવાનું જ્ઞાન હતું કે એ જ્ઞાન એમનામાં દુન્યવી જીવન દરમિયાન ધીરે ધીરે વિકસ્યું હતું?

બાઇબલના જૂના કરારમાં એક ખૂબ નોંધપાત્ર પ્રંસગ છે. મોશે જૂના કરારનું એક મુખ્ય અને અનન્ય પાત્ર છે. પોતાની યહૂદી પ્રજાને મિસરીઓના જુલમથી બચાવવા અને મિસરમાંથી બહાર લઈ જવા મોશેને ઈશ્વરની હાકલ મળે છે. મોશે પોતાના જાતભાઈઓને જણાવવા માટે ઈશ્વર પાસે ઓળખ માગે છે. ત્યારે બાઇબલના મહાપ્રસ્થાન ગ્રંથમાં આપણે વાંચીએ છીએ તેમ, “ઈશ્વરે તેને (મોશેને) કહ્યું, ‘હું તો જે છું તે છું.’ ઇસ્રાયલના લોકોને એમ કહેજો કે, ‘હું છું’ એ મને તમારી તમારી પાસે મોકલ્યો છે” (મહાપ્રસ્થાન ૩, ૧૪).

અહીં ઈશ્વર પોતાની ઓળખ “હું છું” તરીકે આપે છે. પ્રભુ ઈસુએ પણ શુભસંદેશમાં પોતાની ઓળખ માટે “હું છું” કેટલીય વાર કહ્યું છે. પણ હું માનું છું કે, ઈસુએ એક સંપૂર્ણ માનવ તરીકે “હું છું”નું જ્ઞાન ધીરે ધીરે થયું હશે. જો કોઈ પંડિત મને પુરવાર કરી આપે કે પોતાના માનવ અસ્તિત્વની પ્રથમ પળથી જ ઈસુને “હું છું”નું જ્ઞાન હતું તો મને એ વાત સ્વીકારવામાં કોઈ વાંધો નથી.

દુનિયાના ઇતિહામાં ઘણા મહાત્માઓ થઈ ગયા છે. એમાં ભગવાન રજનીશ, ભગવાન સાંઈબાબા જેવા ઘણા મહામાનવોને આપણે ભગવાનનો દરજ્જો આપ્યો છે. આમાંના કોઈએ પણ ખુદ પોતે ઈશ્વર કે દેવ હોવાનો દાવો કર્યો નથી. ફક્ત પ્રભુ ઈસુએ પોતે ઈશ્વર હોવાનો કર્યો છે, “હું છું” કહ્યું છે. એટલે જ અમુક યહૂદી આગેવાનો ઈસુ સામે આક્ષેપો મૂકતા હતા કે, “ઈશ્વર પોતાના પિતા છે, એમ કહીને તેઓ પોતે ઈશ્વરના બરોબરિયા હોવાનો દાવો કરતા હતા” (યોહાન ૫, ૧૮). યોહાનકૃત શુભસંદેશમાં ઈસુના વહાલા શિષ્ય યોહાને સાક્ષી પૂરી છે કે, “ઈસુ એ બરાબર જાણતા હતા કે, ....હું ઈશ્વર પાસેથી આવેલો છું અને ઈશ્વર પાસે પાછો જાઉં છું” (યોહાન ૧૩, ૩).

નવા કરારમાં વિશેષ તો યોહાકૃત શુભસંદેશમાં ઈસુનાં “હું છું”નાં ઘણાં વિધાનો મળે છે. ફક્ત ઈસુએ જ કહ્યું છે કે, યુગના અંત સુધી સદા તમારી સાથે ‘હું છું’ (માથ્થી ૨૮, ૨૦). માર્કકૃત શુભસંદેશમાં વડા પુરોહિત ઈસુને પૂછે છે કે, “તું ખ્રિસ્ત છે? પરમપૂજ્ય પરમેશ્વરનો પુત્ર છે?” ત્યારે ઈસુએ કહ્યું, “હા, હું છું” (માર્ક ૧૪, ૬૧-૬૨).

ઈસુનાં “હું છું”નાં સૌથી વધારે વિધાનો આપણને યોહાનકૃત શુભસંદેશમાં મળે છે. “હું જ જીવનદાયી રોટી છું” (યોહાન ૬, ૩૫). “સ્વર્માંથી ઊતરી આવેલી રોટી હું છું” (યોહાન ૬, ૪૧). “હું જગતનો પ્રકાશ છું” (યોહાન ૮, ૧૨). “હું ઊર્ધ્વલોકનો છું” (યોહાન ૮, ૫૮). “દરવાજો હું છું” (યોહાન ૧૦, ૯). “હું સાચો ગોવાળ છું” (યોહાન ૧૦, ૧૧). “હું ઈશ્વરનો પુત્ર છું” (યોહાન ૧૦, ૩૬). “ઈશ્વર પિતા મારામાં છે અને હું પિતામાં છું” (યોહાન ૧૦, ૩૮).

ચાર દિવસ પછી કબરમાં પોઢી રહેલા ઈસુના મિત્ર લાઝરસને સજીવન કરતાં પહેલાં ઈસુએ લાઝરસની બહેન માર્થાને કહ્યું, “હું જ પુનરુત્થાન છું અને હું જ જીવન છું” (યોહાન ૧૧, ૨૫). એક વાર પોતાના શિષ્યો થોમા અને ફિલિપ સાથે સંવાદ કરતાં ઈસુએ કહ્યું, “હું જ માર્ગ છું, હું જ સત્ય છું અને હું જ જીવન છું” (યોહાન ૧૪, ૬). બીજી એક વાર પોતાના શિષ્યો સાથેના સંબંધ અંગે વાત કરતાં ઈસુએ કહ્યું, “હું સાચો દ્રાક્ષનો વેલો છું... અને તમે ડાળીઓ છો” (યોહાન ૧૫, ૧ અને ૫).

ઈસુનાં આ બધાં વિધાનોના કેટલાક ગુણધર્મો આપણે નોંધી શકીએ. ઈસુની પોતાની ઓળખનું આ દરેક વિધાન હકારાત્મક છે. એમાં લેશમાત્ર પણ નકારાત્મકતા નથી. પોતાના વિશેનું ઈસુનું એકેક વિધાન દુનિયાનો કોઈ માનવ ઉચ્ચારી નશકે એવું અનોખું છે. માનવ ઈતિહાસમાં આપણે ઘણા મહામાનવો અને મહાત્માઓને ઓળખીએ છીએ, પણ ઈસુનાં જેવાં હકારાત્મક વિધાનો કોઈએ કર્યાં નથી.

ઈસુએ પોતાની ઓળખ આપતાં આ વિધાનો ખૂબ નીડરતાથી અને નિખાલસતાથી કર્યા છે. ઈસુને ખબર હતી કે તેમનો વિરોધ કરનાર ઘણા લોકો હતા. એમના વિરોધીઓમાં ધાર્મિક અને રાજકીય સત્તા ધરાવતા લોકો હતા, કાયદાકાનૂના જાણકાર શાસ્ત્રીઓ હતા. પણ એવા કોઈ વિરોધીઓને ગણકાર્યા વિના ઈસુએ પોતાની ‘હું છું’ ઓળખાણ નીડરતાથી આપી છે.

“હું ઊર્ધ્વલોકનો છું”, “હું ઈશ્વરનો પુત્ર છું”, “હું અને પિતા અમે એક છીએ” કે “પિતા મારામાં છે અને હું પિતામાં છું” એવા ઈસુનાં વિધાનોને ઈશ્વરનિંદા માનીને વિરોધીઓએ ઈસુને મારી નાખવા પથરા ઉપડ્યાની વાત યોહાનકૃત શુભસંદેશના દસમાં પ્રકરણમાં આવે છે. પરંતુ ઈસુનાં વિધાનોની સચ્ચાઈ અને એમની નીડરતા જોઈને “ઘણા માણસોની ઈસુ ઉપર શ્રદ્ધા બેઠી” (યોહાન ૧૦, ૪૨).

ઈસુનાં ‘હું છું’નાં વિધાનો પાછળનો એક વિશિષ્ટગુણ આપણું ખાસ ધ્યાન ખેંચે છે. એ છે ઈસુનો એમના ઈશ્વરપિતા સાથેનો અનોખો સંબંધ. ઈશ્વરપિતાના પુત્ર હોવાના ઈસુના દાવા સાથે એમના આચારવિચાર પણ એ જ વાતની ઘોષણા કરે છે. નિયમિત પ્રાર્થના, ધ્યાનમનન અને બાઇબલના જૂના કરારના અભ્યાસ દ્વારા ઈસુ સતત પોતાના ઈશ્વરપિતાના સંપર્કમાં રહ્યા છે. એટલે જ ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું હતું કે, “જેણે મને મોકલ્યો છે તેની ઇચ્છા પૂર્ણ કરવી અને તેનું કામ પાર પાડવું એ જ મારો આહાર છે” (યોહાન ૪, ૩૪). ઈસુએ પોતાના પિતા સાથેના સંબંધ વિશે એક વાર કહ્યું છે, “હું મારી નહિ પણ મને મોકલનારની ઇચ્છા પૂર્ણ કરવા તાકું છું” (યોહાન ૫, ૩૦).

ઈસુનાં આ બધા વિધાનો બતાવે છે કે, પોતે ઈશ્વરપુત્ર અને ઈશ્વર સાથે એક હોવાનું એમનું જ્ઞાન હતું. “હું છું” વિધાન એમના આ જ્ઞાનનો પુરાવો છે. એમના માનવ-અસ્તિત્વની શરૂઆતમાં એમનામાં આ જ્ઞાન સંપૂર્ણપણે હોત તો તે જ્ઞાન એમનામાં સુષુપ્તાવસ્થામાં હોવું જોઈએ. પણ હું માનું છું કે, એક સામાન્ય માનવ પોતાના સમયસંયોગ પ્રમાણે જે રીતે જ્ઞાન મેળવે છે અને જ્ઞાનમાં વિકાસ પામે છે તે જ રીતે ઈસુ ધીરે ધીરે સંપૂર્ણ જ્ઞાની બન્યા છે. લૂકકૃત શુભસંદેશ જણાવે છે કે, “ઈસુ જ્ઞાનમાં અને ઉંમરમાં વધતા ગયા અને ઈશ્વરના અને માણસના વધુ ને વધુ પ્રીતિપાત્ર બનતા ગયા.” (લૂક ૨, ૫૨).

ઈસુની આ સ્વઓળખના વિકાસમાં એમનાં માબાપે નોંધપાત્ર ફાળો આપ્યો હશે. માતા મરિયમે બાળ ઈસુને એમના ગર્ભધારણથી માંડી, એમનો જન્મ, માગી રાજાઓની ભેટ, મિસર તરફનું પ્રયાણ, પેલેસ્ટાઇનમાં પરત આવીને ગાલીલના નાસરેથ ગામે વસવાટ જેવી વાતો કરી હશે. યોસેફ પાસેથી ઈસુ પોતાના વંશ દાવિદના વંશ વિશે વાતો સંભાળવા પામ્યા હશે અને સુથારીકામનો વ્યવસાય સંભાળી લીધો હશે. માનવ તરીકેના આવા બધા અનુભવો મેળવવા સાથે ઈસુ સતત પોતાના ઈશ્વરપિતાના સંપર્કમાં રહીને જ આધ્યાત્મિક રીતે પણ ખૂબ પ્રગતી કરી શક્યા હશે. સમય જતાં જતાં ઈસુને ધીરે ધીરે ‘હું છું’નું સંપૂર્ણ જ્ઞાન લાધ્યું હશે.

Changed On: 16-08-2017
Next Change: 01-09-2017
Copyright Fr. Varghese Paul, SJ – 2017

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.