વૈદ્યની જરૂર સાજાને નહિ, માંદાને હોય છે

વૈદ્યની જરૂર સાજાને નહિ, માંદાને હોય છે“વૈદ્યની જરૂર સાજાને નથી હોતી, માંદાને હોય છે. હું પુણ્યશાળીઓને નહિ,
પણ પાપીઓને બોલાવવા આવ્યો છું” (માર્ક ૨, ૧૭).

માનવ કોણ છે? માનવની શી વ્યાખ્યા છે? ખ્રિસ્તી ધર્મના દર્શનની ર્દષ્ટિએ હું માનવની વ્યાખ્યા આપું છું કે, “માનવ પાપમાંથી મુક્તિ પામેલી ઈશ્વરની પ્રેમપાત્ર વ્યક્તિ છે.”

ખ્રિસ્તી લોકો પોતાના ધર્મગ્રંથ બાઇબલને મુક્તિનો ઇતિહાસ કહે છે. મુક્તિનો ઈતિહાસ એ પાપી માનવોનો ઈતિહાસ છે. પોતાના પાપમાંથી મુક્તિ પામેલા માનવોનો ઈતિહાસ છે, બાઇબલ એ પોતાના પાપથી માફી મેળવેલા માનવોનો ઈતિહાસ છે.

આ વાતને સમજવા માટે બાઇબલના ‘નવા કરારમાં’માં પ્રભુ ઈસુ આપણી મદદે આવે છે. એક વાર ઈસુના આચારવિચારની વારેઘડીએ ટીકા કરતા ફરોશી સંપ્રદાયના (કાયદા)ના શાસ્ત્રીઓને ઈસુએ કહ્યું, “વૈદ્યની જરૂર સાજાને નથી હોતી, માંદાને હોય છે. હું પુણ્યશાળીઓને નહિ, પણ પાપીઓને બોલાવવા આવ્યો છું” (માર્ક ૨, ૧૭).

પ્રભુ ઈસુની આ વાત સમજવા માટે એના સમગ્ર સંદર્ભને ધ્યાનમાં લઈએ. ઈસુના જાહેરજીવનની શરૂઆતના દિવસો હતા. એક દિવસ ઈસુ ગાલીલના સરોવરકાંઠે ગયા. ત્યાં ભેગા થયેલા લોકોને ઈસુએ ઈશ્વરના રાજ્યનો ઉપદેશ આપ્યો.

ગાલીલના સરોવરકાંઠેથી જતાં જતાં ઈસુએ અલ્ફીના દીકરા લેવીને (એટલે કે માથ્થીને) જકાતનાકમાં બેઠેલો જોઈને તેને કહ્યું, “મારી પાછળ પાછળ આવ.” લેવી તરત જ જકાતનાકું છોડીને ઈસુની પાછળ પાછળ ચાલી નીકળ્યો. પછી લેવીએ પોતાને ત્યાં ઈસુ અને તેમના શિષ્યો માટે તેમ જ પોતાના જકાતદાર મિત્રો માટે એક ભોજનસમારંભ ગોઠવ્યો.

ઈસુ અને એમના શિષ્યો પર ચાંપતી નજર રાખતા યહૂદી ધર્મના ફરોશી સંપ્રદાયના શાસ્ત્રીઓને ઈસુનું આ વર્તન યોગ્ય લાગ્યું નહીં. એટલે એ શાસ્ત્રીઓએ ઈસુના શિષ્યોને પૂછ્યું, “એ જકાતદારો અને પાપીઓ સાથે કેમ જમે છે?”

શાસ્ત્રીઓનો આ પ્રશ્ન શિષ્યો સાથે ભાણે બેઠેલા ઈસુના કાને પડ્યો અને તેમણે કહ્યું, “વૈદ્યની જરૂર સાજાને નથી હોતી, માંદાને હોય છે. હું પુણ્યશાળીઓને નહિ, પણ પાપીઓને બોલાવવા આવ્યો છું.” શાસ્ત્રીઓની ટીકાનું હાર્દ ઈસુને તરત જ સમજાઈ ગયું. એટલે લોકો વચ્ચે પ્રચલિત એવી એક કહેવતનો – “વૈદ્યની જરૂર સાજાને નથી હોતી, માંદાને હોય છે”નો ઉપયોગ કરીને શાસ્ત્રીઓને સચોટ જવાબ આપવા સાથે ઈસુએ પોતાના જીવનનો ઉદ્દેશ પણ જણાવ્યો.

યહૂદી આગેવાનો અને શાસ્ત્રના પંડિતો ઈસુને નીતિન્યાયનો ઉપદેશ આપતા એક ગુરુ તરીકે જુએ છે. પરંતુ તેમની ર્દષ્ટિએ ઈસુ એક યહૂદી ગુરુને શોભે એ રીતે ગુરુનો દરજ્જો જાળવતા નથી. ઊલટું, તેઓ પરદેશીઓની સેવામાં જકાત ઉઘરાવતા જકાતદારો અને અન્ય પાપીઓની સોબત રાખે છે. એટલું જ નહિ પણ એમની સાથે ભાણે બેસે છે. હદ થઈ ને!

ફરોશી સંપ્રદાયના શાસ્ત્રીઓનો ઈસુ સામેનો વિરોધ સમજવા માટે ઈસુના વખતની પરિસ્થિતિને ધ્યાનમાં લઈએ. ઈસુના જમાનામાં યહૂદી પ્રજામાં બે વર્ગો હતા. એમાં ફરોશીઓ, શાસ્ત્રીઓ અને અન્ય આગેવાનો એક વિભાગમાં હતા. તેઓ યહૂદી ધર્મના કાયદાકાનૂનોને કાનોમાત્રને પણ તોડ્યા વિના અનુસરનારા હતા. તો બીજા વિભાગમાં આપણને જેમને આમજનતા કહીએ તેવા સામાન્ય લોકો હતા. આ લોકો તેમના ધાર્મિક આગેવાનોની જેમ ધાર્મિક નીતિનિયમો પ્રત્યે ખાસ ઝીણવટભર્યુંધ્યાન આપતા નહોતા. એટલે યહૂદી આગેવાનો આમજનતાથી છેટે રહેતા હતા. તેમની સાથે રોટી-બેટીના વ્યવહાર રાખતા નહોતા. યહૂદી આગેવાનો પોતાની દીકરીને આમજનતાને લગ્નમાં આપવાની ક્રિયાને દીકરીને જંગલી પ્રાણીઓ આગળ ફેંકી દેવા કરતાં પણ બદતર માનતા હતા.

એક ધર્મગુરુની જેમ નીતિન્યાયનો ઉપદેશ આપતા ઈસુ ધર્મ અને સમાજની ર્દષ્ટિએ તિરસ્કૃત હોય એવા નિમ્ન કક્ષાના અને પાપી ગણાતા લોકો સાથે કેવી રીતે ભાણે બેસી શકે?

ઈસુ પોતાના બચાવમાં પુણ્યશાળીઓ અને પાપીઓની વાત કરે છે. અહીં ‘પાપીઓ’ એટલે મૂળ ગ્રીક શબ્દ પ્રમાણે બે અર્થમાં સમજી શકાય: એક, ધાર્મિક નીતિનિયમોનું ઉલ્લંઘન કરી ચોરી, વ્યભિચાર, ખૂન જેવા અધર્મો કરનાર લોકો અને બે, ધાર્મિક આગેવાનોના નિયમોની અવગણના કરીને જીવનાર લોકો. લેવી સાથે ભોજનસમારંભમાં ભાણે બેઠેલા લોકો મોટે ભાગે ફરોશીઓ અને શાસ્ત્રીઓના નિયમોની અવગણના કરનાર લોકો હતા.

‘પુણ્યશાળીઓ’ એટલે નીતિન્યાયને રસ્તે ઈશ્વર રસ્તે ઈશ્વર સાથે અને બીજા માનવો સાથે તેમ જ પોતાની જાત સાથે સમગ્રપણે કર્તવ્યપરાયણ જીવન ગાળતા માનવો. પ્રભુ ઈસુ બરાબર જાણે છે કે, પોતાની સાથે વાત કરનાર ધાર્મિક આગેવાનો એટલે કે ફરોશીઓ અને શાસ્ત્રીઓને ધર્મની કંઈ પરવા નથી. તેઓ દંભીપણે પોતાની જાતને ઈશ્વરના પ્રીતિપાત્ર માનવો માને છે. પોતાની મુક્તિ માટે પોતાને કોઈની જરૂર નથી એવી તેમની માન્યતા છે.

પોતાની જાતને સંપૂર્ણ માનતા આવા ‘પુણ્યશાળીઓને’ ઈસુ ગણકારતા નથી. પણ પોતાની જાતને એક યા બીજી રીતે નમ્રતાથી પાપી ગણતા લેવી જેવા બધા જકાતદારોને ઈસુ આવકારે છે.

ઈસુ ‘સાજા’ અને ‘માંદા’, ‘પુણ્યશાળી’ અને ‘પાપી’ની વાત કરીને પોતાના આચારવિચારથી ઘોષણા કરે છે કે, પોતે બધા માનવોની મુક્તિ માટે આવ્યા છે. “હું પુણ્યશાળીઓને નહિ, પાપીઓને બોલાવવા આવ્યો છું” એમ કહેવાનો અર્થ એ નથી કે ઈસુ પુણ્યશાળીઓને ધિક્કારે છે કે ઈસુને પુણ્યશાળીઓની જરૂર નથી. ઊલટું, ‘પુણ્યશાળી’ હોવાનો દંભ કરતા લોકો જ ઘોષણા કરે છે કે, પોતાને ઈસુની જરૂર નથી. ઈસુ પોતાની પાસે નિખાલસપણે આવનાર સૌ કોઈને આવકારે છે. સૌ કોઈને મુક્તિ આપે છે.

Changed On: 01-09-2017
Next Change: 16-09-2017
Copyright Fr. Varghese Paul, SJ – 2017

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.