પ્રભુ ઈસુનાં કુટુંબીજનો

પ્રભુ ઈસુનાં કુટુંબીજનો



ફરી લોકોનું એવું મોટું ટોળું જામ્યું કે તેઓ ખાવા પણ ન પામ્યા. ઈસુનાં
સગાંવહાલાંઓને જાણ થતાં તેઓ તેમને સંભાળવા માટે આવવા નીકળ્યાં,
કારણ, લોકો એમ કહેતા હતા કે, એ ભાનમાં નથી" (માર્ક ૩, ૨૦-૨૧).

પ્રભુ ઈસુએ પોતાના જાહેર જીવનની શરૂઆત કરી ત્યારે તેમને ઘણી વિચિત્ર પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે. એમનાં સગાંવહાલાંઓ તો કહેતાં હતાં કે ‘એ ભાનમાં નથી.’

ઈસુ જ્યાં જ્યાં જતા હતાં ત્યાં ત્યાં પુષ્કળ લોકો તેમને સાંભળવા માટે ભેગા થતા હતા. એક દિવસ સંત માર્કે પોતાના શુભસંદેશમાં નોંધ્યું છે તેમ, “ફરી લોકોનું એવું ટોળું જામ્યું કે તેઓ ખાવા પણ ન પામ્યા. ઈસુનાં સગાંવહાલાંઓને જાણ થતાં તેઓ તેમને સંભાળવા માટે આવવા નીકળ્યાં. કારણ, લોકો એમ કહેતા હતા કે, ‘એ ભાનમાં નથી’” (માર્ક ૩, ૨૦-૨૧).

ઈસુને પોતાના જાહેર જીવનનો આરંભ થતાં સુધી પોતાનાં સગાંસંબંધીઓ સાથે ખૂબ સારો સંબંધ હતો. એટલે જ તેઓ ઈસુને શોધતાં આવે છે. તેઓ સમજી શકતા નહોતા કે એક યુવાન સુથાર તરીકે તેમની સાથે રહેનાર ઈસુ હવે ઘરે પરત ફર્યા વિના કે ભોજનની પણ ચિંતા કર્યા વિના દિનરાત ટોળાં વચ્ચે કેમ રહે છે.

આ સંદર્ભમાં સંત માથ્થી અને સંત લૂકે નોંધેલી ઈસુની દિનચર્યાનો ખ્યાલ કરીએ. “હવે ઈસુ યહૂદીઓનાં સભાગૃહોમાં ઉપદેશ આપતા, ઈશ્વરના રાજ્યના શુભ સમાચાર ફેલાવતા, અને લોકોની બધી જાતની માંદગી અને રોગો મટાડતા આખા ગલીલ પ્રાંતમાં ફરવા લાગ્યા. તેમની કીર્તિ આખા સિરિયામાં ફેલાઈ ગઈ, અને લોકો માંદાંઓને, બધી જાતનાં રોગીઓને, પીડિતોને, અપદૂત વળગેલાંઓને, ફેફરાંવાળાંઓને અને લકવાવાળાંઓને તેમની પાસે લઈ આવતાં, અને તેઓ તેમને સાજાં કરતાં” (માથ્થી ૪, ૨૩-૨૪).

ઈસુની આ દિનચર્યાના બે તદ્દન ભિન્ન પ્રતિભાવો આપણે જોઈ શકીએ છીએ. એક તરફ, ઈસુની કીર્તિ ચોમેર ફેલાઈ જવાથી “ગાલીલ, દશનગર, યરુશાલેમ અને યહૂદિયામાંથી તેમ જ યર્દન પારના પ્રદેશમાંથી માણસોનાં ટોળાંનાં ટોળાં તેમની પાછળ ફરવા લાગ્યાં” (માથ્થી ૪, ૨૫). અને ઈસુ તેમને ઈશ્વરના રાજ્યનો સંદેશ આપે છે. તો બીજી તરફ, ઈસુનાં સગાં-સંબંધીઓ ‘એ ભાનમાં નથી’ એમ કહેતા એમને ઘેર લઈ જવા માટે આવે છે. ઈસુનાં મા અને એમના ભાઈઓને ચિંતા થઈ હશે કે જરૂરી ભોજન અને યોગ્ય ઊંઘ વિના ઈસુ આ રીતે લોકો માટે જીવશે તો તેઓ પોતાની તબિયત બગાડશે; એક યુવાન સુથાર તરીકેની એમની આશાસ્પદ કારકિર્દીનો અંત આવશે.

હું માનું છું કે, ઈસુને પોતાનાં મા અને ભાઈઓની ચિંતાની કદર હશે. પરંતુ તેઓ પોતાની જાતને તેમનાં કુટુંબીજનો કરતાં વધારે સારી રીતે ઓળખે છે. તેઓ બરાબર જાણે છે કે, પોતાને જિંદગીમાં શું શું કરવાનું છે. ઈસુ પોતાના મિશનથી બરાબર વાકેફ છે. એટલે જ એક વાર શિષ્યો તેમને ભોજન કરવા આગ્રહ કરતા હતા ત્યારે ઈસુએ તેમને કહ્યું હતું કે, “ખાવા માટે મારી પાસે એવું અન્ન છે જેનો તમને ખ્યાલ નથી” (યોહાન ૪, ૩૨).

શિષ્યોને ઈસુની વાતની કંઈ સમજણ ન પડી. એટલે તેઓ માંહોમાંહે કહેવા લાગ્યા, “કોઈ એમને માટે ખાવાનું લાવ્યું તો નહિ હોય ?”

ત્યારે ઈસુએ ફોડ પાડીને તેમને કહ્યું કે, “જેણે મને મોકલ્યો છે તેની ઇચ્છા પૂર્ણ કરવી અને તેનું કામ પાર પાડવું એ જ મારો આહાર છે” (યોહાન ૪, ૩૪).

પણ ઈસુને મળવા માટે આવેલાં એમનાં મા અને ભાઈઓને ઈસુની ઊંડી વાતનો ખ્યાલ નથી. એટલે તેઓ ટોળાંનાં ટોળાં વચ્ચે ફસાયેલા ઈસુને સંદેશ મોકલે છે. ટોળાંમાંથી કોઈક ઈસુને જણાવે છે કે, “જુઓ, આપનાં મા અને ભાઈઓ બહાર ઊભાં છે અને આપની સાથે વાત કરવા ઇચ્છે છે.”

એ સંદેશ લાવનારને અને પોતાની સામે બેઠેલા લોકોને ઈસુ તદ્દન અણધાર્યો જવાબ આપે છે. જાણે ઈસુ પોતાનાં મા અને ભાઈઓની અવગણના કરતા હોય કે તેમની હાંસી ઉડાડતા હોય એવો જવાબ આપે છે. તેમણે કહ્યું, “મારી મા કોણ? ને મારા ભાઈઓ કોણ?” અને પોતાના શિષ્યો તરફ હાથ લંબાવીને કહ્યું, ‘જો, આ રહ્યાં મારી મા અને મારા ભાઈ.’

પછી પોતાના આ જવાબ સાથે ઈસુએ જે ઉમેર્યું છે તે ખાસ નોંધપાત્ર છે. તેમણે વધુમાં કહ્યું, “જે કોઈ મારા પરમપિતાની ઇચ્છા પ્રમાણે ચાલે છે તે મારો ભાઈ, તે મારી બહેન અને તે મારી મા.” (માથ્થી ૧૨, ૪૬-૫૦).

પોતાના પ્રતિભાવમાં ઈસુ સ્પષ્ટ રીતે કહે છે કે, કેવળ લોહીના સંબંધથી કોઈ માનવ ખરો સંબંધી કે મિત્ર બની જતો નથી. જયારે લોહીનો સંબંધ આત્મીય સંબંધ બને છે ત્યારે લોકો ખરેખર માનવનાં સગાંસંબંધી બને છે.

ઈશ્વર પિતાની ઇચ્છા મુજબ ચાલનારા સૌ લોકો ઈસુના કુટુંબનાં સભ્ય બને છે અને ત્યારે લોહીના કુટુંબનાં સીમાચિહ્નો નષ્ટ થાય છે. ઈસુના કુટુંબમાં લોહીની સગાઈ જેવી મર્યાદાઓ અર્દશ્ય થાય છે. ઈસુના કુટુંબનું સભ્યપદ સમગ્ર માનવજાત માટે ખુલ્લું છે.

ઈશ્વર પિતાની ઇચ્છા મુજબ ચાલનારાઓથી ઈશ્વરનું રાજ્ય પ્રસ્થાપિત થાય છે. ઈસુના કહ્યા મુજબ ઈશ્વરપિતાની ઇચ્છા મુજબ ચાલનારા સૌ લોકો એમના કુટુંબના સભ્યો છે.

એટલે અંગ્રેજી ઈતિહાસકાર એચ.જી.વેલ્સ “ધ આઉટલાઈન ઑફ હિસ્ટરી”માં કહે છે કે, “ઈશ્વરના રાજ્યનો સિદ્ધાંત માનવ-વિચારોને પડકારનાર એને બદલનાર સૌથી વધારે ક્રાન્તિકારી સિદ્ધાંત છે.

” વેલ્સે વધુમાં કહ્યું છે કે, ઈશ્વર સર્વ માનવોના પિતા હોઈને તેઓ અમુક માનવો પૂરતો પક્ષપાત બતાવી ન શકે, જેમ સૂર્ય પણ અમુક મર્યાદિત લોકો માટે પ્રકાશ ફેલાવી ન શકે.

ઈસુએ પોતાના શિષ્યો એટલે પોતાની આસપાસ ભેગાં થયેલાં ટોળે ટોળાં તરફ હાથ લંબાવીને કહ્યું કે, “આ રહ્યાં મારી મા અને મારા ભાઈ”. ઈસુની આ વાત અને તેમના હાવભાવમાં અણસમજુ લોકો ટોળાંની પાછળ ઊભી રહેલી એમની માની ઉપેક્ષા જોઈ શકે છે. પરંતુ કોઈ સ્ત્રી ઈશ્વરપિતાની ઇચ્છા મુજબ આ દુનિયાના પટ પર ચાલી હોય તો તે સ્ત્રી ઈસુની મા છે, માતા મરિયમ છે. ઈશ્વર પિતાની ઇચ્છા મુજબ ચાલનારાઓમાં માતા મરિયમ મોખરે છે. એટલે પોતાના કુટુંબીજનો તરીકે ઈશ્વરની ઇચ્છા મુજબ ચાલનારોઓની ઓળખ આપીને ઈસુએ પોતાની માની ઉપેક્ષા નહિ પણ કદર કરી છે. અને સાથોસાથ સૌને માટે પોતાના કુટુંબનો દરવાજો ખુલ્લો મુક્યો છે.

છેલ્લે, એક અંગ્રેજી અમેરિકન કવિ જોન ઑક્સેનહામ (John Oxenham)ના એક શ્લોકનો અછાંદસમાં અનુવાદ કરી અહીં રજૂ કરું છું:
ખ્રિસ્તીમાં નથી પૂર્વ કે પશ્ચિમ,
એમનામાં નથી દક્ષિણ કે ઉત્તર
સમગ્ર વિશાળ ધરતી પર કેવળ
છે એક મહાન પ્રેમનો બંધુત્વભાવ

Changed On: 16-09-2017
Next Change: 01-10-2017
Copyright Fr. Varghese Paul, SJ – 2017

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.