તણાવમુક્ત જીવન

તણાવમુક્ત જીવન



“એક વાર ઈસુએ સરોવરકાંઠે ઉપદેશ આપવા માંડ્યો ત્યારે તેમની આસપાસ
એટલા બધા લોકો ભેગા થઈ ગયા કે તેઓ સરોવરમાં એક હોડીમાં જઈને બેઠા,
અને બધા લોકો પાણીની ધાર સુધી કાંઠા ઉપર ઊભા રહ્યા. તેમણે ર્દષ્ટાંતો દ્વારા
તેમને ઘણી વાતો સમજાવી” (માર્ક ૪, ૧-૨).

બાઇબલના નવા કરારમાં માર્કકૃત શુભસંદેશમાં ઈસુનું એક સાદુંસીધું વાક્ય આજના તણામુક્ત માનવીને તણાવમુક્ત જીવન ગાળવા માટે જડીબુટ્ટી સમાન છે. ઈસુના જાહેર જીવનની શરૂઆતના સમયની વાત છે. ચારેય શુભસંદેશમાં ફક્ત માર્કે જ આ વાત નોંધી છે. “ઈસુએ શિષ્યોને એક હોડી તૈયાર રાખવા જણાવ્યું” (માર્ક ૩, ૯).

ઈસુનું આ વાક્ય સમજવા માટે આપણે એનો સંદર્ભ સમજવાની જરૂર છે. ઈસુ પોતાના જાહેરજીવનની શરૂઆતમાં યહૂદી મંદિરમાં પોતાના સંદેશની ઘોષણા કરતા હતા. પછી તેઓ ટેકરીઓ પર અને સરોવરના કિનારે પોતાના સંદેશની ઘોષણા કરવા લાગ્યા.

‘પશ્ચાત્તાપ કરો’, ‘હૃદય પલટો કરો’ જેવાં વિધાનોથી તેમણે લોકોને સંબોધવાની શરૂઆત કરી હતી. પછી તેઓ પ્રકૃતિના દાખલાઓથી અને ર્દષ્ટાંતબોથી લોકોને પોતાનો સંદેશ સંભળાવતા હતા.
દિવસે દિવસે વધુ ને વધુ લોકો ઈસુને સાંભળવા આવતા હતા. ઈસુને સાંભળવા અને એમના સાંનિધ્યમાં સાજા થવા આવેલા લોકોની મેદની એટલી વધતી રહી કે મંદિર અને જાહેર ચોક એમને માટે નાનાં પડવા લાગ્યાં. એટલે ઈસુ લોકોને સંબોધવા માટે સરોવરના વિશાળ કાંઠે જવા લાગ્યા.

આગળ જતાં સરોવરકાંઠે વિશાળ જગ્યા પણ જનમેદનીને સંબોધવા માટે નાની પડવા લાગી. આ વાત શુભસંદેશકારોએ નોંધી છે. માર્ક કહે છે, “એક વાર ઈસુએ સરોવર કાંઠે ઉપદેશ આપવા માંડ્યો ત્યારે તેમની આસપાસ એટલા બધા લોકો ભેગા થઈ ગયા કે તેઓ સરોવરમાં એક હોડીમાં જઈને બેઠા, અને બધા લોકો પાણીની ધાર સુધી કાંઠા ઉપર ઊભા રહ્યા. તેમણે ર્દષ્ટાંતો દ્વારા તેમને ઘણી વાતો સમજાવી” (માર્ક ૪, ૧-૨).

સરોવર કાંઠે ઈસુને સાંભળવા અને એમનો સપર્શ કરીને રોગમુક્તિ મેળવવા માટે લોકો ધસારો કરતા હતા. એવા એક પ્રંસગની વાત માર્ક અને લૂકે નોંધી છે, “ભીડમાં પોતે કચડાઈ ન જાય એટલા માટે ઈસુએ શિષ્યોને એક હોડી તૈયાર રાખવા જણાવ્યું” (માર્ક ૩, ૯).

મારી ર્દષ્ટિએ “એક હોડી તૈયાર રાખવાની” આ વાત આપણને ઈસુ વિશે ઘણું બધું કહી જાય છે. ઈસુ જુએ છે કે પોતાને સાંભળવા અને પોતાને સ્પર્શવા લોકો પડાપડી કરતા હતા. ઈસુ જાણે છે કે, તેઓ ચોવીસ કલાક લોકો વચ્ચે રહે તોપણ લોકોનો ધસારો અને પડાપડી ચાલુ રહેશે. એટલે ઈસુ બને તેટલો સમય લોકો સાથે ગાળે છે અને ઈશ્વરના રાજ્યનો સંદેશો સંભળાવે છે અને માંદાઓને સાજા કરે છે.

પરંતુ ઈસુ પોતાની જરૂરિયાતોથી તથા માનવ તરીકેની પોતાની મર્યાદાઓથી પણ બરાબર વાકેફ છે. તેઓ બરાબર જાણે છે કે, રોજના જીવનમાં ખુદ પોતાને માટે અમુક સમય ફાળવાની જરૂર છે. એ જ રીતે પોતાના શિષ્યો અને મિત્રો સાથે પણ સમય ગાળવાની જરૂર છે. આવી વાતોને ધ્યાનમાં લઈને લોકોને ઈશ્વરના રાજ્યનો સંદેશ સંભળાવવા અને એમને રોગમુક્ત કરવાનાં સેવાકાર્યોની વચ્ચે ઈસુ પોતાના શિષ્યોને કહે છે કે, પોતાને માટે તેઓ એક હોડી તૈયાર રાખે છે.

લોકો ગમે તેટલો ધસારો કરે તોપણ ઈસુ જાણે છે કે, પોતાને અમુક સમય લોકોથી દૂર રહેવાની અને પોતાના પરમપિતા સાથે એકાંતમાં સમય ગાળવાની જરૂર છે. એ જ રીતે ઈસુ જુએ છે કે, પોતાને પોતાના શિષ્યો અને અન્ય મિત્રો સાથે આરામ કરવાની અને મિત્રોની સોબતમાં સમય ગાળવાની પણ જરૂર છે. એ માટે ઈસુને અમુક સમય માટે લોકોથી છૂટા પડવાની અને તેમનાથી દૂર રહેવાની જરૂર છે. એ જરૂરિયાતો ધ્યાનમાં લઈને ઈસુ પોતાના શિષ્યોને કહે છે કે, તેઓ તેમને માટે એક હોડી તૈયાર રાખે.

હું પોતે પણ ઘણી વાર રોજ કરવાના કામની યાદી સવારે કામની શરૂઆતમાં તૈયાર કરું છું. કોઈક વાર યાદી લાંબી હોય છે. પરંતુ, યાદીનું બધું કામ પતે કે ન પતે, સાંજે પોણા આઠ વાગ્યે બધું કામ આટોપી લઈને હું ઑફિસ બંધ કરી દઉં છું. એ જ રીતે રાત્રે અગિયાર વાગ્યે વાંચવા અને લખવાનું કામ બાકી હોય તોપણ એની પરવા કર્યા વિના હું સૂવા જાઉં છું. આમાં મને ઈસુનો દાખલો મદદરૂપ થાય છે. કાર્યબોજને મારા પર સવાર થવા દેવાને બદલે હું મારા માટે સમય ફાળવી શકું છું. મારી હોડી તૈયાર રાખી શકું છું.

ઈસુ પોતાના વર્તનથી ઘોષણા કરે છે કે, કોઈ કાર્ય નહીં, પણ પોતાના ઈશ્વર પિતાની ઇચ્છા જ પોતાને માટે સર્વોપરી છે. ઈશ્વરપિતાની ઇચ્છા જાણવા માટે ઈસુને એકાંતમાં ઈશ્વરપિતા સાથે નિયમિત સમય ગાળવાની જરૂર છે. એ જરૂરિયાત પૂરી પાડવા માટે ઈસુ મોડી સાંજે કે વહેલા પરોઢિયામાં એકાંતમાં પ્રાર્થના કરે છે. સ્નાનસંસ્કારક યોહાનની શહાદતના આઘાતજનક સમાચાર મળ્યા ત્યારે ઈસુનો પ્રતિભાવ “હોડીમાં બેસીને ત્યાંથી એકલા એકાંત જગ્યાએ ચાલ્યા” જવાનો છે (માથ્થી ૧૪, ૧૩). એક બીજા પ્રસંગે ઈસુના ચમત્કારોથી પ્રભાવિત થયેલા લોકો એમને રાજા બનાવવા માગે છે ત્યારે “તેઓ એકલા પાછા ડુંગરમાં ચાલ્યા ગયા” (યોહાન ૬, ૧૫).

ઈસુના જીવનના આવા પ્રંસગો બતાવે છે કે, બધી બાબતોમાં ઈશ્વરપિતાની ઇચ્છા જાણવી અને એ ઇચ્છા મુજબ જીવવાનો ઈસુના માનવ-અસ્તિત્વનો હેતુ છે એમ કહી શકાય. એ હેતુ આગળ બીજી બધી બાબતો ગૌણ બને છે. એટલે ઈસુ બધી બાબતોને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં જોઈ શકે છે, સમજી શકે છે અને ખૂબ સમતુલાથી વર્તી શકે છે. આપણે ઈસુના જીવનમાં સંપૂર્ણ સમતુલતા જોઈ શકીએ છીએ.

આપણી આસપાસ નજર ફેરવીએ ત્યારે સમતુલતાને બદલે થાક્યાપાક્યા ચહેરાઓ જોઈએ છીએ. કારણ, ઘણા લોકો કોઈ એક બાબત પાછળ પડેલા હોય છે. કોઈ માનવ નાણાં કમાવવા પાછળ રાતદિવસ એક કરી કામ કરે છે! કોઈ માનવ પોતાનો વ્યવસાય કે પ્રોફેશન વિકસાવવા પાછળ પોતાનો પૂરો સમય અને શક્તિ ખર્ચી નાખે છે. તો કોઈ માનવ સત્તા અને નામના મેળવવા પાછળ પોતાનું સર્વસ્વ હોમી દે. અહીં કોઈ એક ચોક્કસ હેતુ પાર પાડવા માટે એકનિષ્ઠાથી કામ કરવાની વાત નથી. પણ પત્ની, બાળકો, કુટુંબ, સગાંસંબંધીઓ અને મિત્રોને ત્યજી દઈને કે તેમની અવગણના કરીને કોઈ બાબત પાછળ પાગલપણાથી મંડ્યા રહીને પોતાની માનસિક અને શારીરિક શક્તિઓને વેડફવાની વાત છે. તણાવયુક્ત જીવન દ્વારા માનવ જાણ્યેઅજાણ્યે પોતાનું જીવન વેડફી નાખે છે.

આના સંદર્ભમાં “એક હોડી તૈયાર રાખો”ની ઈસુની વાતમાંથી આપણે યોગ્ય માર્ગદર્શન મેળવી શકીએ છીએ. ખૂબ વ્યસ્ત જીવન વચ્ચે પણ માનવજીવનની સમતુલા સાચવવાની જરૂર છે. નાણાં કમાવવાની જરૂર છે. નોકરી નિષ્ઠાથી કરવાની જરૂર છે. ધંધો અને વ્યવસાય વિકસાવવાની જરૂર છે. આવી બધી જરૂરિયાતો વચ્ચે માનવને ખુદ પોતાને માટે સમય ફાળવવાની જરૂર છે. માનવને પોતાના જીવનની સમતુલા સાચવવાની જરૂર છે તથા એ તેની ફરજ પણ છે.

આપણને દરેક જણને પણ ઈસુએ તૈયાર રાખવા કહેલી ‘હોડી’ની જરૂર છે. એ હોડી એટલે વ્યસ્ત જિંદગી વચ્ચે પોતાના કુટુંબ માટે સમય ફાળવાની વાત. એ હોડી એટલે પોતાનાં પત્ની અને બાળકો સાથે નિયમિત સમય ગાળવાની વાત. એ હોડી એટલે ગરીબો અને જરૂરિયાતમંદોને માટે દાનધર્મ કરવાની વાત. એ હોડી એટલે પ્રાર્થના અને ભક્તિમાં પ્રભુ સાથે સમય ગાળવાની વાત. એ હોડી એટલે આરામ અને નિષ્ક્રિયતામાં સમય ગાળવાની વાત. તો પ્રભુ ઈસુના દાખલાને અનુસરીને આપણી ‘હોડી’તૈયાર રાખીએ.

સાથોસાથ આપણે યાદ રાખીએ કે, ઈસુની જેમ એ ‘હોડી’ હંકારવા આપણને સ્વજનો અને મિત્રોની જરૂર છે. તો બધા સાથે સારો સંપર્ક રાખીને સમતુલતાભર્યું જીવન ગાળવા મથીએ. તો પ્રભુ ઈસુ આપણી સાથે આપણી હોડીમાં સહયાત્રી બનશે.

Changed On: 01-10-2017
Next Change: 16-10-2017
Copyright Fr. Varghese Paul, SJ – 2017

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.