વિધર્મી સ્ત્રી સાથે પ્રભુ ઈસુનું આશ્ચર્યજનક વર્તન

વિધર્મી સ્ત્રી સાથે પ્રભુ ઈસુનું આશ્ચર્યજનક વર્તન



વિધર્મી સ્ત્રી સાથે પ્રભુ ઈસુનું આશ્ચર્યજનક વર્તન “પહેલાં છોકરાંને ધરાવા દે. છોકરાંના મોઢામાંથી રોટલો લઈને ગલડિયાંને
નાખવો એ સારું નથી” (માર્ક ૭, ૨૭).

ઈસુનું કાર્યક્ષેત્ર મુખત્વે આખો યહૂદિયાનો પ્રદેશ અને ગાલીલ પ્રાંત છે. એમના જાહેરજીવનમાં એમના જીવન અને સંદેશથી આકર્ષાઈને સેંકડો લોકો એમને અનુસરતા હતા. એટલે જ શુભસંદેશકાર સંત માથ્થીએ નોંધ્યું છે કે, “ગાલીલ, દશનગર, યરુશાલેમ અને યહૂદિયામાંથી તેમ જ યર્દન પારના પ્રદેશમાંથી ટોળાંનાં ટોળાં તેમની પાછળ જવા લાગ્યાં” (માથ્થી ૪, ૨૫).

એક વાર ઈસુ લોકોનાં ટોળાંથી દૂર યહૂદિયા અને ગાલીલ પ્રાંતોની બહાર, તૂર પ્રદેશના એક ઘરમાં જઈ ઊતર્યા. શુભસંદેશકાર સંત માર્ક કહે છે તેમ, “તેમની ઇચ્છા તો એવી હતી કે કોઈને આની જાણ ન થાય; પણ વાત છૂપી રહી ન શકી” (માર્ક ૭, ૨૪). એટલે થોડી જ વારમાં ઈસુ આવ્યા છે એવું સાંભળીને એક બાઈ એ ઘરમાં આવી. એ બાઈની છોકરીને અશુદ્ધ આત્મા વળગ્યો હતો. એટલે એ બાઈએ ઈસુને પગે પડીને પોતાની છોકરીમાં રહેલા અશુદ્ધ આત્માને કાઢવા એમને વિનવણી કરી (જુઓ માર્ક ૭, ૨૬).

એ બાઈ વિધર્મી હતી અને સિરિયાના ફિનીકિયાની વતની હતી. યહૂદી લોકો વિધર્મીઓને ‘કૂતરા’ કહેતા. આપણા માટે કૂતરો વફાદારી અને સુરક્ષાનું પ્રતીક છે. પણ ઈસુના સમયમાં કૂતરો બેશરમ અને ગૌરવહીન માનવનું પ્રતીક હતો. ઈસુએ એક વાર લોકોને ઉપદેશ આપતાં કહ્યું પણ ખરું કે, “પવિત્ર વસ્તુ કૂતરાંને નાખશો નહિ; નહિ તો તેઓ સામાં થઈને તમને ફાડી ખાશે” (માથ્થી ૭, ૬). પણ લોકો ઈસુને પ્રેમ અને દયાની મૂર્તિ માનતા હતા. એટલે જ વિધર્મી પ્રત્યેનો ઈસુનો પ્રતિભાવ આપણને આશ્રય પમાડે છે અને વિચિત્ર પણ લાગે છે.

ઈસુ એ વિધર્મી બાઈને કહે છે, “પહેલાં છોકરાંને ધરાવા દે. છોકરાંનાં મોઢામાંથી રોટલો લઈને ગલૂડિયાંને નાખવો એ સારું નથી” (માર્ક ૭, ૨૭).

પેલી વિધર્મી બાઈ જાણતી હશે કે યહૂદી લોકો વિધર્મીઓ માટે તુચ્છકારમાં ‘કૂતરો’ શબ્દ વાપરે છે. લોકો જેને ‘ગુરુ’, ‘પયગંબર’ અને ‘પ્રભુ’ કહીને આદરમાન આપે છે, એવા ઈસુને મોઢે પોતાને માટે ‘ગલૂડિયા’ કે ‘કૂતરા’ના ઉલ્લેખથી એ વિધર્મી બાઈએ કેવો પ્રતિભાવ આપ્યો હશે? ગુસ્સાથી ધૂંઆપૂંઆ થઈને ત્યાંથી જતા રહેવાનો પ્રતિભાવ? કે ઈસુ સામે અપશબ્દો બોલીને એમને વખોડી કાઢવાનો પ્રતિભાવ? કે લજ્જાથી માથું નમાવીને એ ઘરમાંથી ભાગી જવાનો પ્રતિભાવ?

એ બાઈએ એવો કોઈ પ્રતિભાવ ના આપ્યો; કારણ એને માટે એની વહાલસોયી દીકરી એનું સર્વસ્વ હતી. પોતાની દીકરી માટે ગમે તે ભોગ આપવા એ માતા તૈયાર હતી. એટલે એણે પોતાના માન-અપમાનની ચિંતા ના કરી. ઘણુંખરું અહીં માન-અપમાનનો પ્રશ્ન જ ઊભો નહિ થયો હોય.

કોઈ એક શબ્દ આપણે જે ભાવથી બોલીએ એનાથી માનવના દિલમાં જે પ્રેમ કે ધિક્કાર કે ગુસ્સો હોય, તે પ્રગટ થાય છે. દા.ત. ‘કૂતરો’ શબ્દ માટે આપણે ‘કૂત્તો’, ‘કૂતરી’, ‘શ્વાન’ અને ‘ગલૂડિયું’ શબ્દ વાપરીએ છીએ. મનોભાવ અને સદંર્ભ મુજબ એક જ શબ્દનો અર્થ બદલાય છે. એક જ શબ્દનાં જુદાં જુદાં રૂપો વપરાય છે. અહીં અંગ્રેજી શબ્દ ‘ડૉગ’ના અનુવાદમાં ‘કૂતરો’ શબ્દ વાપરવાને બદલે મૂળ ગ્રીકને આધારે ‘ગલૂડિયાં’ શબ્દ વપરાયો છે. વળી, એને શ્રદ્ધા હતી કે ઈસુ ગમે તે બોલે, પણ તેઓ પોતાની દીકરીને અપદૂતની પકડમાંથી મુક્ત કરશે. એ શ્રદ્ધાથી એણે ઈસુને જવાબ આપતાં કહ્યું, “સાચું, પ્રભુ! છતાં ગલૂડિયાં છોકરાંનું વધ્યુંઘટ્યું તો ખાય છે” (માર્ક ૭, ૨૮).

જુઓ, એ બાઈ તો ઈસુને ‘પ્રભુ’ કહીને સંબોધે છે. સંત માર્કકૃત શુભસંદેશમાં ફક્ત આ બાઈના મોઢે જ આપણને ઈસુ માટે ‘પ્રભુ’ શબ્દ સાંભળવા મળે છે.

ઈસુ વિધર્મી બાઈના આવા શ્રદ્ધા-પ્રેરિત પ્રતિભાવથી ખૂબ પ્રભાવિત થયા. એટલે તેમણે તરત જ બાઈને કહ્યું,

“તારા આ જવાબ પર હું ખુશ છું. તું ઘેર જા. તારી છોકરીનો અપદૂત નીકળી જ ગયો છે” (માર્ક ૭, ૨૯).

ઈસુના સંપર્કમાં આવતાં એ બાઈનાં પ્રેમ અને શ્રદ્ધા વધ્યાં અને એને ઈચ્છિત ફળ મળ્યું. પોતાના ઈચ્છિત હેતુ પાર પાડવામાં એ બાઈ મંડી રહી હતી. અને એ બાઈને પોતાનો હેતુ પાર પાડવામાં સફળતા મળી.

બાઇબલમાં આવા ઘણા પ્રસંગો બતાવે છે કે, ખરી શ્રદ્ધા અને ઊંડા પ્રેમથી પોતાની પાસે આવનારને ઈસુ કદી નિરાશ કરતા નથી. ઊલટું, પ્રભુ ઈસુ પોતાની પાસે આવનારને આગળ વધીને આવકારે છે અને પોતાના કૃપાદાનથી આશીર્વાદિત કરે છે.

Changed On: 16-10-2017
Next Change: 01-11-2017
Copyright Fr. Varghese Paul, SJ – 2017

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.