ધનસંપત્તિનું જોખમ

ધનસંપત્તિનું જોખમ"“સોયના નાકામાંથી ઊંટને પસાર થવું સહેલું છે, પણ ઈશ્વરના રાજ્યમાં
ધનવાનને દાખલ થવું મુશ્કેલ છે” (માર્ક ૧૦, ૨૫).

ઈસુના આ સૂત્રાત્મક સુવાક્ય પાછળ એક પ્રેરક બનાવ છે. સમવીક્ષણ શુભસંદેશકાર માથ્થી, માર્ક અને લૂકે એ બનાવ લગભગ સરખા શબ્દોમાં નિરૂપ્યો છે. ઈસુ પોતાના શિષ્યોને ઈશ્વરના રાજ્યની વાત કરતા હતા, ત્યાં એક ધનવાન યુવાને ઈસુ પાસે આવીને કહ્યું, “ભલા ગુરુદેવ, મને શાશ્વત જીવન મળે એ માટે મારે શું કરવું?” (માર્ક ૧૦, ૧૭’ માથ્થી ૧૯, ૧૬; લૂક ૧૮, ૧૮).

ઈસુએ તેને કહ્યું, “આજ્ઞાઓ તો તું જાણે છે: ‘ખૂન કરવું નહિ, વ્યભિચાર કરવો નહિ, ચોરી કરવી નહિ, ખોટી સાક્ષી પૂરવી નહિ, છેતરપિંડી કરવી નહિ, માતાપિતાને માન આપવું.”

ઈસુની આ વાત સાંભળીને પેલો યુવાન ખુશ થયો હશે. એટલે એણે ઈસુને કહ્યું, “પણ ગુરુદેવ, એ બધી આજ્ઞાઓ તો હું નાનો હતો ત્યારથી પાળતો આવ્યો છું.”

યુવાનની વાત સાંભળીને ઈસુનો પ્રતિભાવ માર્કે વિસ્તૃત આપ્યો છે. “ઈસુએ એની ઉપર નજર ફેરવવી અને તેના હૃદયમાં પ્રેમ પ્રગટ્યો” (માર્ક ૧૦, ૨૧). ઈસુ સાથે નજર મેળવવામાં એ યુવાને પણ પોતાની જાતને ધન્ય ગણી હશે. પરંતુ ઈસુએ પછી કરેલી વાત પેલા યુવાન માટે તદ્દન અણધારી હતી. ઈસુએ તેને કહ્યું, “તારામાં એક વસ્તુ ખૂટે છે; જા, તારી પાસે જે કંઈ છે તે બધું વેચી નાખ અને જે ઊપજે તે ગરીબોને આપી દે, તો સ્વર્ગમાં તને ભર્યા ભંડાર મળશે. ત્યાર પછી આવ, મારે પગલે ચાલ.”

ઈસુની આ વાત સાંભળીને પેલા યુવાનના પ્રતિભાવ અંગે ત્રણેય સમવીક્ષણ શુભસંદેશકારોએ સરળ શબ્દોમાં લખ્યું છે કે, “આ સાંભળીને તેનું મોઢું પડી ગયું અને ભારે હૈયે તે ચાલ્યો ગયો, કારણ, તે ભારે સંપત્તિનો ધણી હતો.”

ઈસુની વાતથી પેલો યુવાન હતાશ થઈને ત્યાંથી જતો રહ્યો હતો. પણ ઈસુના શિષ્યો માટે પણ ઈસુની વાત ભારે નવાઈની હતી. બધા યહૂદી લોકોની જેમ શિષ્યો માનતા હતા કે સાધનસંપત્તિ ઈશ્વરનું વરદાન છે. માનવની આબાદી એની ભલાઈનું નિશાન છે, એના સદાચારનું પ્રતીક છે કે, ઈશ્વર એના ઉપર પ્રસન્ન થયા છે.

સ્તોત્રસંહિતામાં એક વૃદ્ધ માનવ સાક્ષી પૂરે છે કે, એની જિંદગીમાં કોઈ ધર્મજન કે એનાં બાળકને ભીખ માગતા જોયાં નથી. જુઓ,

“લાંબુ જીવન મેં વિતાવ્યું, વૃદ્ધ થયો છું આજ,
નથી જાણ્યું કે ધર્મજનનો થયો હોય રે ત્યાગ
નથી નિહાળ્યાં ભીખ માગતાં એનાં કોઈ બાળ” (સ્તોત્રસંહિતા ૩૭, ૨૫)

પણ ઈસુ માનવની ધનસંપત્તિને ભિન્ન ર્દષ્ટિએ જુએ છે. ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવા માટે ધનસંપત્તિ માનવની આડે આવી શકે છે. ધનસંપત્તિમાં માનવ માટે જોખમ છે, ખતરો છે. પોતાની ધનસંપત્તિ પર માનવ મદાર બાંધી શકે છે, એના બધા આચારવિચાર ધનસંપત્તિ પર કેન્દ્રિત બની શકે છે. માનવની સાધનસંપત્તિ કે એની પાસે જે હોય તે બધું એના પર કબજો જમાવી શકે છે. એટલે માનવ પોતાની સંપત્તિને નહિ પણ સંપત્તિ જ માનવનો માલિક બને છે.

ઈસુ પાસે આવેલા ધનિક યુવાન અને એની સંપત્તિ આ વાતનો દાખલો છે. પેલા યુવાન પાસે ઈશ્વરના આશીર્વાદ સમી અઢળક સાધનસંપત્તિ હતી. છતાં એને લાગ્યું કે જીવનમાં કંઈક ખૂટે છે. એટલે એણે ઈસુને પૂછ્યું, “મારામાં શી ઊણપ છે?” (માથ્થી ૧૯, ૨૦). પણ પોતાની સાધનસંપત્તિ પરની આસક્તિને કારણે એને માટે ઈસુએ ચીંધેલો માર્ગ તે સ્વીકારી શક્યો નહી. માર્કે નોંધ્યું છે તેમ, ઈસુની વાતથી “તેનું મોઢું પડી ગયું અને ભારે હૈયે તે ચાલ્યો ગયો” (માર્ક ૧૦, ૨૨).

બાઇબલના પંડિત વિલયમ બારકલે કહે છે કે, માનવનો રસ કે એની અનાસક્તિ ભૌતિક બાબતો પરની માલિકીમાં હોય તો તે હંમેશાં એની કિંમતનો વિચાર કરશે અને માનવના જીવનમાં માનવીય મૂલ્યો ભૂલી જશે. ધનસંપત્તિ સિવાય બીજી બધી બાબતો ગૌણ બનશે. એટલે એક માનવને બે માપદંડથી મૂલવી શકાય. એક, એ માનવ કેવી રીતે પોતાની સાધનસંપત્તિ મેળવે છે અને બે, એ માનવ પોત્તાની બધી સાધનસંપત્તિ કેવી રીતે વાપરે છે. આ બે બાબત આપણને માનવનાં મૂલ્યનો ખ્યાલ આપશે, માનવની આસક્તિ કે અનાસક્તિનો ખ્યાલ આપશે.

ઈસુનું કહેવું છે કે, માનવ પોતાની સાધનસંપત્તિ પ્રત્યેની આસક્તિ છોડ્યા વિના ઈશ્વરના રાજ્યમાં પ્રવેશી ન શકે. આ વાતને શિષ્યોના મનમાં બરાબર ઠસાવવા માટે ઈસુએ એમને સોય અને ઊંટનું સૂત્રાત્મક સુવાક્ય સંભળાવ્યું, “સોયના નાકામાંથી ઊંટને પસાર થવું સહેલું છે, પણ ઈશ્વરના રાજ્યમાં ધનવાનને દાખલ થવું મુશ્કેલ છે” (માર્ક ૧૦, ૨૫).

ઇસ્રાયલના બેથલેહેમમાં ઈસુના જન્મસ્થળ પર એક ભવ્ય દેવળ છે. એનો મુખ્ય દરવાજો ખૂબ સાંકડો છે. એ દેવળની મુલાકાતની યાદગીરીમાં એ સાંકડા દરવાજા આગળ લીધેલો એક ફોટો મારી પાસે છે. જૂના જમાનામાં દુશ્મનો ઘોડા પર સવારી કરીને અણધારી રીતે દરવાજેથી દેવળની અંદર આવીને હુમલો કરતા. એવા હુમલાને રોકવા માટે સ્થપતિઓએ દરવાજો સાંકડો બનાવ્યો છે. બાઇબલના પંડિતો કહે છે કે, જૂના જમાનામાં શહેરની ફરતે દીવાલ અને લોકો તથા જાનવરો અંદર-બહાર જવા માટે મોટો દરવાજો હતો. રાત્રે શહેરની સુરક્ષા માટે મોટો દરવાજો બંધ હોય ત્યારે બહારથી મોડા આવનાર માનવોને અંદર પ્રવેશવા માટે મોટા દરવાજાની બાજુમાં એક નાનો, સાંકડો દરવાજો હતો તેનો ઉપયોગ કરવો પડતો. આ નાના દરવાજાને લોકો ‘સોયનું નાકું’ કહેતા. ધનવાન માનવ અને ઊંટની વાતમાં ઈસુ કહેવા માગે છે કે, આ સાંકડા દરવાજેથી ઊંટને દાખલ થવું મુશ્કેલ છે એ રીતે ધનવાનને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવું અઘરું છે.

સોયના નાકાની શહેરના સાંકડા દરવાજા સાથેની સરખામણી કદાચ કેવળ બાઇબલના પંડિતોનો ખુલાસો હશે. ઈસુના મનમાં આવી કોઈ વાત ન હોય. પણ ઈસુએ કદાચ પોતાની વાતને બરાબર સમજાવવા માટે અતિશયોક્તિ અલંકાર વાપર્યો હશે. બીજા પ્રસંગે પણ પોતાની વાત લોકોને બરાબર સમજાવવા માટે ઈસુએ અતિશયોક્તિનો આશરો લીધો છે. દાખલા તરીકે, ઈસુ કહે છે, “તું તારા ભાઈની આંખમાંની રજ શા માટે જુએ છે અને પોતાની આંખમાંનો ભારટિયો કેમ જોતો નથી?” (માથ્થી ૭, ૩).

એક બાજુ ઈસુની આ વાત સાંભળીને ધનવાન માનવ હતાશા પામીને જતો રહ્યો. તો બીજી બાજુ ઈસુની વાત પ્રત્યે એમના શિષ્યોનો પ્રતિભાવ પણ નોંધપાત્ર છે. ઈસુની વાત સાંભળીને શિષ્યોના અચંબાનો કંઈ પાર ન રહ્યો, અને તેઓ માંહોમાહે કહેવા લાગ્યા, “તો પછી ઉદ્ધાર કોણ પામશે?” (માર્ક ૧૦, ૨૬).

ઈસુએ એમને જવાબમાં સાંત્વન આપતાં કહ્યું, “માણસને માટે તો એ અશક્ય છે, પણ ઈશ્વરને માટે એ અશક્ય નથી. ઈશ્વરને બંધુ જ શક્ય છે” (માર્ક ૧૦, ૨૭).

ટૂંકમાં, પોતાની સાધનસંપત્તિ પર ભરોસો રાખવાને બદલે ઈસુના ખરા શિષ્યોએ ઈશ્વર તરફ વળવાની અને ઈશ્વર પર ભરોસો રાખવાની તાતી જરૂર છે. એમાં અર્ધું સમર્પણ ઈશ્વર પ્રત્યે અને અર્ધું સમર્પણ પોતાની માલમિલકત પ્રત્યે નહિ ચાલે. ઈશ્વર પ્રત્યે સંપૂર્ણ સમર્પણ જોઈશે.

Changed On: 16-11-2017
Next Change: 01-12-2017
Copyright Fr. Varghese Paul, SJ – 2017

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.