ઈશ્વરનો પુત્ર – ઈસુ ખ્રિસ્ત

ઈશ્વરનો પુત્ર – ઈસુ ખ્રિસ્ત



ઈસુની સામે ઊભેલો સૂબેદાર તેમને આ રીતે પ્રાણ છોડતા જોઈને બોલી ઊઠ્યો,
"સાચે જ એ માણસ ઈશ્વરનો પુત્ર હતો" (માર્ક ૧૫, ૩૯).

બાઇબલમાં ઈસુ ખ્રિસ્ત માટે ઘણાં નામો છે. એક વાર એક મુસ્લિમ પત્રમિત્રે મને હિન્દુઓમાં પ્રભુ માટે સહસ્ત્ર નામો છે તેમ ઈસુ ખ્રિસ્તનાં બધાં નામો આપવાનું કહ્યું હતું. મેં ઇન્ટરનેટમાં થોડી શોધખોળ કરીને એમને એકસો એક નામો મોકલ્યાં હતાં. એમાં ઈસુનું એક ખૂબ મહત્વપૂર્ણ નામ છે ‘ઈશ્વરપુત્ર’.

‘ઈશ્વરનો પુત્ર’ નામ ફક્ત ઈસુ ખ્રિસ્ત માટે જ નહિ, પણ બાઇબલનાં બીજાં પાત્રો માટે પણ વપરાય છે. બાઇબલના મહાપ્રસ્થાન ગ્રંથમાં ઇસ્રાયલને ‘ઈશ્વરનો પુત્ર’ કહેવામાં આવ્યો છે. “પ્રભુ આ પ્રમાણે કહે છે: ઇસ્રાયલ મારો પહેલો ખોળાનો પુત્ર છે.” યહૂદી લોકો વચ્ચે રાજા માટે ‘ઈશ્વરનો પુત્ર’ નામ વાપરવામાં આવ્યું છે. પયગંબર નાથાન રાજા દાવિદ સમક્ષ પ્રભુની ભવિષ્યવાણી ભાખે છે: “હું તેનો પિતા થઈશ અને તે મારો પુત્ર થશે.”

ઈશ્વર સાથે નજીકનો સંબંધ રાખનાર માનવોને બાઇબલે ‘ઈશ્વરનો પુત્ર’ કહ્યા છે. યહૂદી પ્રજામાં સદગુણો આચરનારા અને સદાચારથી વર્તનારાઓને ઈશ્વરના પુત્ર જેવા ગણવામાં આવ્યા છે. “તેઓ પરાત્પરના પુત્ર જેવા થઈ પડશે”, એમ બાઇબલના એક ગ્રંથ “ઉપદેશમાળા””માં કહેવામાં આવ્યું છે.

નવા કરારમાં એક વાત ખાસ નોંધનીય છે કે, ઈસુ ખ્રિસ્તે પોતાને માટે ‘માનવપુત્ર’ નામ ઘણી વાર વાપર્યું છે. પરંતુ માથ્થી, માર્ક અને લૂકકૃત શુભસંદેશમાં ઈસુ ખ્રિસ્તને મોઢે ‘ઈશ્વરનો પુત્ર’ નામ એક પણ વખત વપરાયું નથી. ઈસુ ખ્રિસ્ત માટે ‘ઈશ્વરનો પુત્ર’ નામ હંમેશાં બીજાને મોઢે સાંભળવા મળે છે.

ઈસુ ખ્રિસ્ત માટે ‘ઈશ્વરનો પુત્ર’ નામ આપણે બીજાને મોઢે માથ્થીકૃત શુભસંદેશમાં નવ વખત, માર્કકૃત શુભસંદેશમાં પાંચ વખત અને લૂકકૃત શુભસંદેશમાં છ વખત સાંભળીએ છીએ. દાખલા તરીકે, માથ્થીકૃત શુભસંદેશમાં તોફાને ચઢેલા દરિયામાં ઈસુ પવનને રોકે છે ત્યારે શિષ્યો તેમની હોડીમાં જ તેમને પગે પડીને કહેવા લાગ્યા, “સાચે જ આપ ઈશ્વરના પુત્ર છો.”

ઈસુને કેદ કરીને યહૂદી આગેવાનોની વરિષ્ઠસભા સમક્ષ હાજર કરવામાં આવે છે ત્યારે વડા પુરોહિત તેમને પૂછે છે “હું તને પૂછું છું કે બોલ, તું ખ્રિસ્ત છે? ઈશ્વરનો પુત્ર છે?” ઈસુને ક્રૂસ પર લટકતા જોઈને એમને મહેણાંટોણાં મારતા લોકોએ ઈસુને કહ્યું, “જો તું ઈશ્વરનો પુત્ર હોય તો તારી જાતને બચાવ ને! ક્રૂસ ઉપરથી હેઠો ઊતરી જાને!”

સંત માર્કકૃત શુભસંદેશમાં માર્કે ઈસુ માટે ‘ઈશ્વરનો પુત્ર’ શબ્દ વાપર્યો છે. “ઈશ્વર પુત્ર ઈસુ ખ્રિસ્તના શુભસંદેશનો પ્રારંભ” જ માર્કકૃત શુભસંદેશનું પ્રથમ વાક્ય છે. સેતાન વળગેલા માનવો એટલે અશુદ્ધ આત્માઓ પણ ઈસુને માટે “ઈશ્વરનો પુત્ર” નામ વાપરે છે. “અશુદ્ધ આત્માઓ પણ તેમને જોઈને પગે પડીને પોકારી ઊઠતા હતા કે ‘તું ઈશ્વરનો પુત્ર છે.

” સંત લૂકકૃત શુભસંદેશમાં દેવદૂત ગાબ્રિયેલ મરિયમને વધામણી આપે છે ત્યારે કહે છે, “પરાત્પરનો પ્રભાવ તને છાઈ દેશે અને એ જ કારણથી જે પવિત્ર પુત્ર અવતરશે તે ‘ઈશ્વરપુત્ર’ કહેવાશે.” પોતાની માંદગીમાંથી સાજા થવા માટે ઈસુ પાસે આવેલાં “ઘણાંમાંથી અપદૂતો ‘તું ઈશ્વરનો પુત્ર છે’ એમ બૂમો પાડતા પાડતા બહાર નીકળ્યા.”

આમ, પ્રથમ ત્રણ શુભસંદેશકારો – માથ્થી, માર્ક અને લૂક – પોતાના શુભસંદેશમાં ભલે ઈસુને મોઢે પોતે ‘ઈશ્વરનો પુત્ર’ હોવાની વાત ન નોંધતા હોય, પણ શુભસંદેશનાં બીજાં પાત્રોને મોઢે ઈસુ ખ્રિસ્ત ‘ઈશ્વર પુત્ર’ કે ‘ઈશ્વરનો પુત્ર’ છે એવો એકરાર કરાવે છે. આ વાત બતાવે છે કે, ઈસુના શિષ્યો શરૂઆતમાં ઈસુ ખ્રિસ્તને ‘ઈશ્વરનો પુત્ર’ તરીકે બરાબર સમજ્યા નહોતા, પણ એમની એ સમજણમાં ક્રમિક વિકાસ થયો છે.

ખેડૂતો અને દ્રાક્ષની વાડીના ર્દષ્ટાંતબોધમાં દ્રાક્ષની વાડીના માલિક ખેડૂત પાસે વાડીના પાકનો ભાગ લેવા માટે પોતાના ઘણા નોકરોને મોકલ્યા પછી અંતે “પોતાના વહાલા દીકરા”ને મોકલ્યાની વાતમાં નોકરો અને વારસ દીકરા વચ્ચેના તફાવતને જોઈ શકાય છે. એમાં વારસદાર વહાલા દીકરાના રૂપે ઈસુ ખ્રિસ્ત ‘ઈશ્વરનો પુત્ર’ હોવાનો અછડતો ઉલ્લેખ જોઈ શકાય છે.

ઈસુના શિષ્યો ધીમે ધીમે ઈસુ ખ્રિસ્તના ઈશ્વરપિતા સાથેના વિશેષ અને આગલા સંબંધથી વાફેક બનતા ગયા. ઈસુ સાથેના સંબંધના વિકાસમાં તેમને ઈસુ ખ્રિસ્ત ખરેખર ઈશ્વરનો પુત્ર છે એની ખાતરી થઈ. આ વાતનો પુરાવો ઈસુ અને તેમના શિષ્યો વચ્ચેના સંવાદ દરમિયાન પીતરે કરેલા એકરારમાં આપણને મળે છે. ઈસુએ પોતાના શિષ્યોને પૂછ્યું હતું, “માનવપુત્ર કોણ છે, એવિશે લોકો શું કહે છે?” ત્યારે સિમોન પીતરે જવાબ આપ્યો, ‘આપ તો ખ્રિસ્ત છો, ચેતનસ્વરૂપ ઈશ્વરના પુત્ર.”

ઈસુ તો બરાબર જાણે છે કે, પોતે ઈશ્વરપિતાના એકમાત્ર પુત્ર છે. એટલે તેઓ પીતરના એકરારને વધાવે છે. ‘યોહાનપુત્ર સિમોન, તું બડભાગી છે; કારણ, કોઈ માણસે નહિ, પણ મારા પરમપિતાએ તને આ સત્ય જણાવ્યું છે. છતાં ઈસુ જાણે છે કે, જાહેરજનતા ઈસુને ઈશ્વરના પુત્ર તરીકે સ્વીકારવા હજી તૈયાર નથી. એટલે “તેમણે પોતાના શિષ્યોને આજ્ઞા આપી કે, ‘હું ખ્રિસ્ત છું એવું કોઈને પણ કહેશો નહીં.” (જુઓ માથ્થી ૧૬, ૧૩-૨૦).

ઈસુ ઈશ્વરના પુત્ર છે એ ખ્યાલ ત્રણ શુભસંદેશકાર માથ્થી, માર્ક અને લૂક કરતાં વધારે સ્પષ્ટ રીતે યોહાકૃત શુભસંદેશમાં રજૂ થયો છે. ફક્ત યોહાને જ ઈસુને “પિતાનો એકમાત્ર પુત્ર” અને “ઈશ્વરનો એકનો એક પુત્ર” કહ્યો છે.

શુભસંદેશમાં માનનારા લોકો સમજે છે કે, બધા માનવો ઈશ્વર પિતાનાં પુત્ર-પુત્રીઓ છે: પરંતુ ઈસુને ઈશ્વરપિતાનો ‘એકનો એક પુત્ર’ કહેવામાં આવે છે ત્યારે એમાં ઈસુ ઈશ્વરપિતા સાથે એક હોવાનો એકરાર છે. ઈસુના સમયમાં યહૂદી આગેવાનોએ ઈસુ સામે કરેલા પ્રચંડ વિરોધનું કારણ પણ ઈસુનો ઈશ્વરપિતા સાથે એક હોવાનો દાવો જ હતો.

ઈસુએ વિશ્રામવારના પવિત્ર દિવસે એક વિકલાંગ માનવને ચાલતો કર્યો ત્યારે યોહાન નોંધે છે તેમ, ત્યારથી યહૂદીઓ તેમને મારી નાખવા માટે વધારે તાકવા લાગ્યા. કારણ, તેઓ કેવળ વિશ્રામવારનો (કામ ન કરવાના નિયમનો) ભંગ જ નહોતા કરતા, પણ ઈશ્વર પોતાના પિતા છે, એમ કહીને પોતે ઈશ્વરના બરોબરિયા હોવાનો દાવો કરતા હતા.

ઈસુ સામેના વિરોધની પરાકાષ્ઠા રોમન સૂબાના દરબારમાં યહૂદી ધર્મગુરુઓ અને અન્ય આગેવાનોએ મૂકેલા આરોપમાં જોઈ શકાય છે. સૂબા પિલાતે ઈસુ વિશે યહૂદીઓને કહ્યું કે, “મને તો એનો કંઈ દોષ દેખાતો નથી.” ત્યારે યહૂદીઓએ જવાબ આપ્યો, “પણ અમારામાં એક કાયદો છે, અને તે કાયદા મુજબ એને દેહાંતદંડ થવો જોઈએ, કારણ એણે ઈશ્વરના પુત્ર હોવાનો દાવો કર્યો છે” (યોહાન ૧૯, ૬-૭).

સાચે જ યહૂદીઓના આરોપ મુજબ ઈસુએ ઈશ્વરના પુત્ર હોવાનો, હા, ઈશ્વરપિતાના એકના એક પુત્ર હોવાનો, પોતે ઈશ્વરના બરોબરિયા હોવાનો દાવો કર્યો છે. ઈસુએ ચોખ્ખું જ કહ્યું છે કે, “પિતા મારામાં અને હું પિતામાં છું” અને “જેણે મને દીઠો છે, તેણે પિતાને દીઠા છે.”

“હું અને પિતા અમે એક છીએ”ની વાત એમના વિરોધીઓ માટે ઈશ્વરનિંદા હતી. પરંતુ ઈસુમાં શ્રદ્ધા રાખનાર ખ્રિસ્ત લોકો તેમ જ બીજા લોકો પણ ઈસુનો ઈશ્વરના પુત્ર તરીકે એકરાર કરે છે ત્યારે એમાં ઈસુ ઈશ્વર પિતા સાથે એક હોવાનો એકરાર છે; ઈસુ ઈશ્વર પિતાના બરોબરિયા હોવાનો સ્વીકાર છે. હિન્દુ ધર્મના એક સુધારક, બ્રહ્મો સમાજના આગેવાન અને એક મહાન વક્તા, કેશવ ચન્દ્ર સેને (ઇસવીસન ૧૮૩૮-૧૮૮૪) લખ્યું છે કે, “મારા હૃદયમંદિરમાં હું રોજપુષ્પો અર્પીને પૂજું છું તે દેવ છે ખ્રિસ્ત. તેઓ સર્વ શક્તિવાળાઓમાં સર્શ્રેષ્ઠ શક્તિમાન છે.

Changed On: 01-12-2017
Next Change: 16-12-2017
Copyright Fr. Varghese Paul, SJ – 2017

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.