પખવાડિયાનો બાઈબલ લેખ

સ્ત્રીઓને સર્વ ક્ષેત્રે સમાન હક્ક આપો (ફાધર વર્ગીસ પૉલ)

ફાધર ફલાણા બહેનને એના પતિ રોજ મારઝૂડ કરે છે. એ બહેન ત્રાસી ગઈ છે. તમે એ કુટુંબને ઓળખો છો. તમે કંઈક કરો. એ બહેનને બચાવો. એ બહેનની કફોડી સ્થિતિ જોઈને અનુકંપાથી એક સાધ્વીબહેને મને આજીજી કરી.

થોડા દિવસ પહેલાં દૈનિક સમાચારપત્રમાં એક કેથલિક મહિલાના અપમૃત્યુના સમાચાર વાંચીને આંચકો લાગ્યો. સમાચાર મુજબ એ મહિલા અંગે લોકવાયકા છે કે, ઘરમાં પતિના ત્રાસથી વ્યથિત બનીને એ શિક્ષિત મહિલાએ આત્મહત્યા કરી છે.

માત્ર ગુજરાતમાં જ નહિ પણ સમગ્ર ભારતમાં ઘેર ઘેર સ્ત્રીઓ પર થતા અત્યાચારો અને બળજબરીના આવા બનાવોથી આજે સમગ્ર ધર્મસભા ચિંતિત છે. અને સ્ત્રીઓ સામેના તમામ પ્રકારના અત્યાચારો અને અન્યાયોથી સ્ત્રીઓને ઉગારવા તથા ધર્મ, સમાજ અને કુટુંબમાં સ્ત્રીઓને સમાન હક્ક આપવા ધર્મસભા કટિબદ્ધ બની છે.

ગુજરાતની ધર્મસભા અને વિશેષ તો મહિલાઓને લાગેવળગે ત્યાં અખિલ ભારતીય ધર્મસભાના ઠરાવો, સૂચનો અને આદેશોને આપણે કેવી રીતે અમલમાં મૂકી શકીએ એ અંગે થોડી ચર્ચા-વિચારણા કરવા હું અહીં સાત વ્યાવહારિક પગલાં રજૂ કરું છું.

એક, માતાના ખોળામાં આવતા શિશુને દીકરો કે દીકરીના ભેદભાવ વિના સમાન ઉમળકાથી આવકારવાનું સૌએ મનોવલણ કેળવવું. દીકરો જન્મે ત્યારે પેંડા અને દીકરી જન્મે ત્યારે જલેબી વહેંચવા જેવા નાનામોટા ભેદભાવોને સદંતર દૂર કરવા જોઈએ. દીકરો કે દીકરી જન્મે ત્યારે પ્રણાલિકાગત પેંડા કે જલેબી વહેંચવાને બદલે અન્ય કોઈ મીઠાએ વહેંચીને ભેદભાવને પોષતી ખોટી માન્યતાઓ અને રૂઢિઓથી દૂર રહેવું જોઈએ.

બે, બાળઉછેરમાં દીકરા-દીકરીઓનું સમાન રીતે એટલે કે, બંનેને ઘરમાં સમાન તકો અને સમાન હક્કો આપીને કોઈ પણ પ્રકારના પક્ષપાત કે ભેદભાવ વિના પ્રેમ અને કદરથી ભરણપોષણ કરવું જોઈએ. બાળકો જરા મોટાં થતાં દીકરો હોય તો તે આસાનીથી બહાર રમી શકે છે. એના મિત્રો સાથે બહાર ફરી શકે છે. પણ દીકરીને એવી બધી છૂટ કે સ્વતંત્રતાથી વંચિત રાખવામાં આવે છે.

ત્રણ, આજકાલ શિક્ષણમાં બધાં ક્ષેત્રે છોકરાઓ કરતા છોકરીઓ વધુ સારો દેખાવ કરતી હોય છે. છતાં ભણતરની બાબતમાં માતાપિતા પોતાની દીકરીને દીકરા જેટલી સમાન સગવડ ને અધિકાર આપતાં નથી. ઘણુંખરું છોકરાઓ પોતાને ફાવે એવા વિષય પસંદ કરી શકે છે. જ્યારે છોકરીઓને માબાપની પસંદગીના વિષયો સાથે અભ્યાસ કરવો પડે છે અને માબાપની પસંદગીમાં છોકરીઓ માટે ટેકનિકલ અને ઇજનેરી જેવા વિષયો હોતા જ નથી. એટલે, શિક્ષણની બાબતમાં છોકરીઓ ગમે તેટલી તેજસ્વી હોવા છતાં છોકરાઓની સરખામણીમાં છોકરીઓને સમાન હક્ક અને અધિકાર મળતા નથી.

ચાર, સ્વતંત્ર વ્યક્તિત્વ કેળવવામાં કે છોકરાઓને સ્વતંત્રતા મળે છે જ્યારે છોકરીઓને બધા જ પ્રકારના બંધનો નડે છે. ઘરમાં અ બહાર છોકરીઓને કડક શિસ્ત અને નજર કેદમાં રાખવામાં આવે છે. છોકરાઓ સ્વતંત્રતાથી બહાર મિત્રો સાથે ફરી શકે છે. રાતે મોડા ઘરે આવી શકે છે, જ્યારે છોકરીઓને એવી કોઈ સ્વતંત્રતા કે છૂટ નથી. રમવાની ઉંમરે છોકરીઓને ઘરકામ કરવાનું રહે છે.

પાંચ, સ્ત્રી જાતિ પ્રત્યેનો મોટામાં મોટા અન્યાય તો લગ્ન જેવા પોતાના જીવનના મહત્વના પ્રસંગે થાય છે. યુવાનો પોતાની ઇચ્છા મુજબ પોતાની પત્નીની પસંદગી કરી શકે છે. પરંતુ મોટા ભાગે યુવતીને તેનાં માતાપિતા ને વડીલોની પસંદગીના યુવક સાથે લગ્ન કરવાનાં હોય છે. લગ્નજીવન જેવી જીવનભર સાથે રહેવાની બાબતમાં યુવક-યુવતી બંનેને સમાન હક્ક અ અધિકાર આપવાં જોઈએ. એ સાચું કે, માતાપિતા પોતાના દીકરા-દીકરીનાં દુશ્મન નથી, હિતચિંતકો છે. એટલે એમની શિખામણ જરૂર ધ્યાનમાં લેવાનાં હોય. પરંતુ એના ગુલામ બનવું ન જોઈએ.

છઠ્ઠું, સ્ત્રીઓને સમાન હક્ક અને માન મેળવવા માટે અહિંસક લડત આપવાનું પ્રથમ રણક્ષેત્ર છે પોતાનું કુટુંબ, કુટુંબમાં એક સ્ત્રી ગમે તે દરજ્જાએ હોય એ હોદ્દાને અનુરૂપ એને માન અને હક્ક મળે એ જોવાની કુટુંબના દરેક સભ્યની ફરજ છે.

સાત, દુનિયાની વસ્તીમાં અર્ધી સંખ્યા મહિલાઓની છે. પરંતુ સામાજિક ને ધાર્મિક સેવાકાર્ય અને આગેવાનીમાં સ્ત્રીઓ ખૂજ જૂજ પ્રમાણમાં મેદાનમાં આવી છે. ગુજરાતની વાત કરીએ તો છેલ્લાં થોડાં વર્ષોમાં મહિલાઓએ મહિલા મંડળો દ્વારા તથા અન્ય સંગઠનોમાં પ્રતિનિધિ બનીને સેવાને ક્ષેત્રે ઝંપલાવવા માંડ્યું છે. પરંતુ માત્ર મંડળો અને સમિતિઓના પ્રતિનિધિ બનવું એ પૂરતું નથી. મહિલાઓએ મંડળ કે સમિતિને શોભે એવાં માનવીય ગુણવિશિષ્ટતાઓ અને શૈક્ષણિક લાયકાત કેળવવાં પડશે.

અંતમાં મારે તો એટલું જ કહેવાનું છે કે, બહેનો, તમારે સમાજ અને ધર્મમાં તમને શોભે એવું કામ અને સમાન હક્ક અને અધિકાર મેળવવાં હોય તો તમારે જ આગળ આવવું પડશે. ધર્મ અને સમાજમાં માનભર્યું સ્થાન મેળવવા માટે તમારે અંગત રીતે મહિલા મંડળો તેમજ અન્ય સ્ત્રી-સંગઠનો દ્વારા મેદાને પડવું પડશે.

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.