Bible_English

ખ્રિસ્તી ધર્મ (ફાધર વાલેસ)

મારે માટે જ કર્યું!
આ અગત્યનો મુદ્દો સમજાનાતા ઈસુના અસલ શબ્દો બાઈબલમાંથી લઈને વાંચીએઃ

જ્યારે માનવપુત્ર (પોતે) બધા દેવદૂતો સાથે મહિમાપૂર્વક આવશે ત્યારે તે મહિમાભર્યાં સિંહાસન ઉપર બિરાજશે. ત્યારે બઘી પ્રજાઓ તેની સમક્ષ ભેગી કરવામાં આવશે, અને જેમ ભરવાડ ઘેટાંને બકરાંથી જુદાં પાડે છે તેમ તે લોકોને એકબીજાથી અલગ પાડશે. તે ઘેટાંને પોતાને જમણે હાથે અને બકરાંને ડાબે હાથે ગોઠવશે. પછી રાજા પોતાના જમણા હાથ તરફના લોકોને કહેશેઃ

આવો, મારા પિતાના આશીર્વાદ તમારા ઉપર ઊતર્યા છે ! સૃષ્ટિના પ્રારંભથી તમારે માટે તૈયાર રાખેલું રાજ્ય ભોગવો ! કારણ, મને ભૂખ લાગી હતી ત્યારે તમે મને ખાવાનું આપ્યું હતું, મને તરસ લાગી હતી ત્યારે તમે મને પાણી પાયું તું, હું અજાણ્યો પ્રવાસી હતો ત્યારે તમે મને આશરો આપ્યો હતો, હું ઉઘાડો હતો ત્યારે તમે મને વસ્ત્રો પહેરાવ્યાં હતાં, હું માંદો હતો ત્યારે તમે મારી ભાળ કાઢી હતી. હું કારાવાસમાં હતો ત્યારે તમે મને મળવા આવ્યા હતા.

ત્યારે એ ધાર્મિક માણસો એમને પૂછશેઃ પ્રભુ, અને ક્યારે આપને ભૂખ્યા જોઈને ખવડાવ્યું હતું, અથવા તરસ્યા જોઈને પાણી પાયું હતું ? આપને અમે ક્યારે અજાણ્યા પ્રવાસી પહેરાવ્યાં હતાં, અથવા ક્યારે અમે આપને માંદા અથવા એમને જવાબ આપશેઃ હું સાચું કહું છું કે, આ મારા ભાઈઓમાંના અદનામાં અદના માટે જે કંઈ કર્યું છે તે મારે માટે જ કર્યું છે.

ત્યાર પછી તે પોતાના ડાબા હાથ તરફના લોકોને પણ કહેશેઃ ઓ શાપિતો, મારાથી દૂર હઠો ! સેતાન અને તેના દૂતો માટે તૈયાર કરાયેલા શાશ્વત અગ્નિમાં પડો ! કારણ, મને ભૂખ લાગી હતી ત્યારે તમે મને ખાવાનું નહોતું આપ્યું, મને તરસ લાગી હતી ત્યારે તમે મને પાણી નહોતું પાયું, હું અજાણ્યો પ્રવાસી હતો ત્યારે તમે મને આશર નહોતો આપ્યો, હું ઉઘાડો હતો ત્યારે તમે મને ઢાંકયો નહોતો, હું માંદો અને કારાવાસમાં હતો, ત્યારે તમે મને મળવા નહોતા આવ્યા.

ત્યારે તે લોકો પણ કહેશેઃ હે પ્રભુ ક્યારે, આપને ભૂખ્યા કે તરસ્યા, અજાણ્યા કે ઉઘાડા, માંદા કે કારાસાવાસમાં જોયા અને કયારે આપની સેવા નહોતી કરી ? ત્યારે રાજા તેમને સંભળાવશેઃ હું તમને સાચું કહું છું કે, આ તમારા ભાઈઓમાંના અદનામાં અદના માટે નથી કર્યું તે મારે મારે માટે જ નથી કર્યું. આમ એ લોકોને શાશ્વત સજા થશે, પણ ધર્મિષ્ઠ માણસો શાશ્વત જીવન પામશે.

ધર્માચરણ
સેવા, સમાનતા, વ્યક્તિગૌરવ અને સામાજિક ન્યાય એ ખ્રિસ્તીધર્મના મુખ્ય નીતિના સિદ્ધાંતો રહ્યા છે. કાળક્રમે એમાં થોડી સિથિલતા આવી હતી ખરી, તેની સામે આજે નવી જાગૃતિ આવી છે અને સર્વ માનવીઓના હક, સ્વાસ્થ્ય અને સ્વતંત્રતા માટે લડવું એ સાચા ખ્રિસ્તીની મુખ્ય ફરજ ગણાય. બીજાઓનું કલ્યાણ કરીને પોતાનું કલ્યાણ સાધવું એ સૂત્ર થાય.

ઈસુનું બીજું એક લાક્ષણિક દ્રષ્ટાંત આ વાતનું પ્રતિપાદન કરે છેઃ

એક શાસ્ત્રીએ આગળ આવીને ઈસુની પરીક્ષા કરી જોવા એવો પ્રશ્ન પૂછ્યો કે, ગુરૂદેવ, શાશ્વત જીવન પ્રાપ્ત કરવા માટે મારે શું કરવું ?

ઈસુ કહ્યું, શાસ્ત્રમાં શું લખેલું છે ? શો પાઠ છે ?

પેલાએ જવાબ આપ્યો, તું તારા પ્રભુ પરમેશ્વર ઉપર તારા પૂરા હૃદયથી, તારા પૂરા જીવથી, તારી પૂરી શક્તિથી અને તારા પૂરા મનથી પ્રેમ કરજે, અને તારા માનવબંધુ ઉપર તારી જાત જેટલો પ્રેમ રાખજે.

ઈસુએ તેને કહ્યું, તારો જવાબ સાચો છે, એ પ્રમાણે કર એટલે તને જીવન પ્રાપ્ત થશે.

પણ પોતાના પ્રશ્ન નકામો નથી એમ બતાવવા ઈચ્છતો હોઈ તેણે ઈસુને કહ્યું, પણ મારો બંધુ કોણ ?

ત્યારે ઈસુએ જવાબ આપ્યો, એક માણસ યરુશાલેમથી યરીખો જતો હતો. એવામાં તે લૂંટારુઓના હાથમાં સપડાયો. તે લોકોએ તેનાં કપડાં ઉતારી લીધાં અને સારી પેઠે માર પણ માર્યો અને તેને અધમૂઓ મૂકીને પોતે ચાલતા થયા. હવે એવું બન્યું કે, એક પુરોહિત તે રસ્તે થઈને નીકળ્યો પણ પેલાને જોઈને બીજી બાજુ થઈને ચાલ્યો ગયો. એ જ રીતે એક પંડિત પણ ત્યાં અવ્યો ને તે પણ જોઈને બીજી બાજુથી ચાલ્યો ગયો. પણ એક પરદેશી મુસાફરી કરતો કરતો તે ઠેકાણે આવી પહોંચ્યો અને પેલા માણસને જોઈને તેના દિલમાં દયા પ્રગટી. તેણે તેની પાસે જઈ તેના ઘા ઉપર તેલ અને દ્રાક્ષાસવ રેડીને પાટા બાંધ્યા અને પોતાના જાનવર ઉપર બેસાડીને તે તેને એક સરાઈમાં લઈ આવ્યો અને ત્યાં તેની સંભાળ લીદી. ઉપરાંત બીજે દિવસે બે દીનાર કાઢીને તેણે સરાઈવાળાને આપ્યા અને કહ્યું, તમે એની સંભાળ રાખજો, અને તમે જે કંઈ વધારાનું ખર્ચ કરશો તે હું વળતાં તમને આપી દઈશ. હવે, આ ત્રણમાંથી કોણ પેલા લૂંટારુના હાથમાં સપડાયેલા માણસનો બંધું કહેવાય ? તું શું ધારે છે ?

પેલાએ જવાબ આપ્યો, જેણે તેના ઉપર દયા લાવીને સેવા કરી તે.

ત્યારે ઈસુઓ તેને કહ્યું, તો જા, તું પણ એ પ્રમાણે કરજે.

ઈસુ પિતા પ્રભુ તું
આ સૂત્રનો હજી બીજો અને મહત્વનો અર્થ છે. બધા મનુષ્યો ઈશ્વરનાં સંતાનો છે, પણ ઈસુ વિશેષ અર્થમાં ઈશ્વરપુત્ર છે, ઈશ્વરનો અવતાર છે, પરમપિતા સાથે એકરૂપ છે, માનવરૂપે પૃથ્વી ઉપર આવેલ સાક્ષાત્ ભગવાન છે. ઈસુએ સ્પષ્ટ કહ્યું હતું, હું અને પિતા એક છીએ, અને બીજે પ્રસંગે, જે મને જુએ છે તે પિતાને જુએ છે. ઈશ્વરને પરમપિતા કહીએ તો ઈસુને પરમપુત્રનું બિરુદ શોભે.

ઈસુની જન્મગાથા બાઈબલમાં આ પ્રમાણે આલેખી છે.

ઈસુ ખ્રિસ્તનો જન્મ આ પ્રમાણે થયો હતો. એમની માતા મરિયમનો વિવાહ યોસેફ સાથે થયો હતો. તેમનો સહવાસ થાય તે પહેલાં જ માલૂમ પડયું કે મરિયમને પવિત્રાત્મા (એટલે ઈશ્વરી શક્તિ) ના પ્રભાવથી ગર્ભ રહ્યો છે. તેમના પતિ યોસેફ ધર્મિષ્ઠ માણસ હતા અને તેમને ઉઘાડાં પાડવા ઈચ્છતા ન હતા એટલે તેમની ઈચ્છા કશી હોહા વગર તેમને છૂટાં કરવાની હતી.

તેઓ એ વાતનો વિચાર કરતા હતા એવામાં એક દેવદૂતે તેમને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું, હે દાઉદપુત્ર યોસેફ, તારી પત્ની મરિયમને ઘેર તેડી લાવતાં ડરીશ નહીં. આ જે ગર્ભ રહ્યો છે તે પવિત્રાત્માના પ્રભાવથી રહ્યો છે. તેને પુત્ર અવતરશે અને તું તેનું નામ ઈસુ પાડજે, કારણ, તે પોતાની પ્રજાને પાપમાંથી મુક્તિ આપનાર છે. (હિબ્રૂ ભાષામાં ઈસુ એટે મુક્તિદાતા)

ઈશ્વરે પયગંબરમુખે કરેલી ભવિષ્યવાણી સાચી પડે એટલા માટે આ બધું બન્યું. તેણે ભાખ્યું હતું કે, કુંવારી કન્યાને ગર્ભ રહેશે અ લોકો તેનું નામ ઈમાનુએલ એવું પાડશે. ઈમાનુએલ એટલે ઈશ્વર આપણી સાથે છે.

યોસેફ ઊંઘમાંથી ઊઠીને દેવદૂતના કહ્યા પ્રમાણે કર્યું. તેઓ પોતાની પત્નીને ઘેર તેડી ગયા. તેમનું ગમન થયા વગર મરિયમને પુત્ર અવતર્યો અને યોસેફ તેનું નામ ઈસુ પાડયું.

પિતાના ઘરમાં
ઈસુ નાના હતા ત્યારથી એમને મન પિતાનું ઘર કર્યું ? મરિયમ-યોસેફ તો નાસરેથ ગામમાં રહેતાં હતાં, પણ દર વરસે રિવાજ પ્રમાણે પાટનગર યરુશાલેમના મંદિરની યાત્રાએ જતાં. એમાં આ પ્રસંગ બન્યા.

ઈસુના માબાપ દર વરસે પારખાના પર્વ ઉપર યરુશાલેમ જતાં હતાં. જ્યારે ઈસુ બાર વર્ષના થયાં તો પાછાં ઘેર આવવા નીકળ્યાં પણ બાળ ઈસુ યરુશાલેમમાં જ રહી પડયા અને એમનાં માબાપને એની ખબર ન પડી. ઈસુ પણ સંઘમાં જ છે એમ ધારીન એક દિવસતો તેમણે પ્રવાસ જારી રાખ્યો, પણ પછી પોતાનાં સગાંસંબંધીએમાં અને ઓળખીતાં પાળખીતાઓમાં તેમની શોધ કરવા માંડી, છોકરાનો પત્તો લાગ્યો નહીં, એટલે તેઓ શોધતાં શોધતાં પાછાં યરુશાલેમ આવ્યાં. છેક ત્રીજે દિવસે તેમને મંદિરમાંથી તેમની ભાળ લાગી. ધર્મગુરુઓ વચ્ચે બેઠા બેઠા તે તેમના ઉપદેશ સાંભળતા હતા અને તેમને પ્રશ્ન પૂછતા હતા. એમની વાત સાંભળમાર સૌ કોઈ એમની બુદ્ધિથી અને એમના જવાબોથી ચકિત થઈ જતા હતા. એમને જોઈને એમનાં માબાપના આશ્ચર્યનો કંઈ પાર ન રહ્યો, અને તેમની માએ તેમને કહ્યું, બેટા, તેં આમ કેમ કર્યું ? જો, તારા બાપુ અને હું તો તને શોધી શોધીને અર્ધાં થઈ ગયાં. તેમણે તેઓને કહ્યું ! તમે શું કરવા મારી શોધ કરી ? તમને ખબર નહોતી કે, હું તો મારા પિતાના ઘરમાં જ હોઈશ ? પણ તેમને એમનું કહેવું સમજાયું નહીં. પછી ઈસુ તેમની સાથે ઊતરે નાસરેથ આવ્યા અને તેમના કહ્યામાં રહ્યા. એમની માએ આ બધી વાતો પોતાના હૈયામાં સંઘી રાખી. ઈસુ જ્ઞાનમાં અને ઉંમરમાં વધતા ગતા. અને ઈશ્વરનો અને માણસનો વધુ ને વધુ પ્રીતિપાત્ર બનતા ગયા.

ઈસુનું બાહ્ય જીવન મરિયમ અને યોસેફની સાથે ચાલતું જ્યારે તેમનો આંતરિક વ્યવહાર પરમપિતા અને પવિત્ર આત્માના સાંનિધ્યમાં રહેતો.

પવિત્ર આત્મા
હમણાં પવિત્રાત્મા નો ઉલ્લેખ થયો છે એનો વિશેષ અર્થ પણ ખ્રિસ્તી ધર્મમાં થાય છે. ઈસુ જ્યારે ઉપદેશ કરવા લાગ્યા અને એમની આસપાસ શિષ્યો ભેગા થયા ત્યારે પિતાની પાસેથી તમારી પાસે પવિત્રાત્માને મોકલીશ. એ તમને શક્તિ આપશે, મારી વાતો યાગ દેવરાવશે, એનું રહસ્ય સમજાવશે, તમારા અંતરમાં રહીને દોરવણી આપશે અને સત્યનો સાક્ષાત્કાર કરાવશે.

આમ, જેમ ઈસુ પિતાનું દ્રશ્ય સ્વરૂપ છે, તેમ પવિત્રાત્મા એનું અદ્રશ્ય સ્વરૂપ છે. એ પણ પિતાની સાથે એક છે. અને આ ત્રિવિધ સ્વરૂપે – પિતા, પુત્ર અને પવિત્રાત્મા – ભગવાનનું સંપૂર્ણ પૂજાય છે. ખ્રિસ્તીજનો કોઈ પણ શુભ પ્રસંગનો પ્રારંભ પિતા, અને પુત્ર અને પવિત્રાત્માને નામે એ સૂત્રથી કરે છે.