Bible_English

ખ્રિસ્તી ધર્મ (ફાધર વાલેસ)

વિશ્વાસનો વ્યવહાર
ભગવાન પિતા છે અને જગત એનો આવાસ છે, માટે આપણે વિશ્વાસથી અને આનંદથી એમાં જીવવાનું છે. ચિંતા એટલે ગુનો, અને ભય એ પાપ. ઈસુ આગ્રહ કરીને સમજાવો.

એટલે હું તમને કહ્યું છું કે અમે ખાઈશું શું, પીશું શું એમ જીવનની ચિંતા ન કરશો, તેમ અમે પહેરીશું શું એમ શરીરની પણ ચિંતા ન કરશો. અન્ન કરતાં જીવનની, અને વસ્ત્ર કરતાં શરીરની કિંમત વધારે નથી શું ? આકાશમાંનાં પંખો જુઓ, તેઓ નથી વાવતાં કે નથી લણતાં કે નથી કોઠારમાં ભેગું કરતાં, છતાં તમારા પરમપિતા તેમને ભૂખ્યાં રાખતા નથી. એમના કરતાં તમારી કિંમત વધારે નથી શું ? તમારામાંથી કોણ ચિંતા કરી કરીને પોતાના આવરદામાં એક ક્ષણનોય ઉમેરો કરી શકી એમ છે ? અને તમે વસ્ત્રોની ચિંતા શા માટે કરે છો ? વગડાનાં ફૂલો નિહાળો, કેવા ખીલે છે ! નથી એ મહેનત કરતાં કે નથી કાંતતાં, અને છતાં હું તમને ખાતરીથી કહું છું કે, સુલેમાન રાજા પણ પોતપોતાના દબદબાભર્યા પોશાકમાં આવો શોભ્યો નહીં હોય. એટલે, આજે છે અને કાલે ચૂલામાં હોમાઈ જાય છે, એવા ઘાસને જો ઈશ્વર આટલું સજાવે છે, તો હે અલ્પવિશ્વાસીઓ, તમને એથીયે રૂડી પેરે સજાવશે એમાં શંકા શી ? તેથી અમે ખાઈશું શું, પીશું શું, કે પહેરીશું શું એની ચિતાં કરશો નહીં. બધી વસ્તુઓ પાછળ તો નાસ્તિકો જ પડેઃ તમારા પરમપિતાને ખબર છે કે તમારે આ બધી વસ્તુઓની જરૂર છે. એટલે તમે સૌથી પહેલાં ઈશ્વરના રાજ્યની અને એણે ઈચ્છેલા ધર્માચરણની પાછળ પડો. એટલે આ બધી વસ્તુઓ તમને મળી રહેશે. આથી તમે આવતી કાલી ચિંતા કરશો નહી, આવતી કાલ પોતાનું ફોડી લેશે. રોજનો ત્રાસ રોજને માટે પૂરતો છે.

આવું નિશ્ચિત જીવન તો શ્રદ્ધાનું ફળ છે. જેના હૃદયમાં ખરેખર એવી શ્રદ્ધા બેઠી હોય કે ભગવાન મારો પિતા છે અને તેથી મારું ભલું કરવા ઈચ્છે છે અને એ પ્રમાણે કરવા શક્તિમાન પણ છે, એના જીવનમાં સાચી શાંતિ સ્થપાશે. પણ શરત તો હૃદયની નિષ્ઠાની જ છે, માટે ઈસુ બહારના આચરણ કરતાં અંતરની શુદ્ધિ ઉપર વધારે ભાર મૂક્તા.

અંતરની શુદ્ધિ
હું તમને ચેતવું છું કે લોકોની નજરે ચડવા માટે તેમના દેખતાં ધર્મકાર્યો કરશે નહીં, નહીં તો તમારા પરમપિતા તરફથી તમને બદલો નહીં મળે.

એટલે જ્યારે તું કંઈ દાનધર્મ કરે ત્યારે દાંભિકો, લોકોની વાહ વાહ મેળવવા માટે, સભાગૃહોમાં અને શેરીઓમાં ઢોલ પીટે છે, તેવો તું પીટીશ નહીં. હું તમને ખાતરીથી કહું છું કે તેમને તેમનો બદલો ક્યારનોય મળી ચૂક્યો હોય છે ! પણ જ્યારે તું દાનધર્મ કરવા બેસે ત્યારે તારો જમણો હાથ શું કરે છે એની જાણ તારા ડાબા હાથને થવા ન દઈશ. આમ તારાં દાનધર્મ ગુપ્ત રહેશે અને ગુપ્ત કર્મોને જાણનાર તારો પિતા તને બદલો આપશે.

વળી, તમે ઉપવાસ કરો ત્યારે દાંભિકોની પેઠે ઉદાસ દેખાશો નહીં. તેઓ તો લોકોને પોતાના ઉપવાસની ખબર પડે એટલા માટે મોઢું વરવું કરીને ફરે છે. હું તમને ખાતરી કહું છું કે તેમને બદલો મળી ચૂક્યો હોય છે. પણ તું જ્યારે ઉપવાસ કરે ત્યારે માથામાં તેલ નાખજે અને મોં ધોજે, જેથી તેં ઉપવાસ કર્યો છે એવું લોકોને જાણવા ન મળે, ફક્ત એકાંતમાં પણ વસનાર તારો પિતા જાણે, એકાંતની વાત જાણનાર તારા પિતા તને બદલો આપશે.

દયાધર્મ
ઈસુની દરેક વાતમાં પિતાની વાત આવે, અને એ ઉપરથી જ અનુમાન કાઢે અને શું કરવું ને કેમ વર્તવું એ સમજાવે. બાઈબલના સંશોધકો કહે છે કે પિતા માટે એ ભાષામાં જે સામાન્ય પ્રચલિત શબ્દ હતો એ નહીં, પણ વિશેષ લાડ અને વાત્સલ્ય સૂચવનાર બાપુજી અથવા પપ્પાજી જેવો આત્મીય શબ્દ (એરમાઈક ભાષામા અબ્બા) એ શબ્દ ઈસુ વાપરતા. ભગવાન ખરેખર મારો પિતા છે એનીપ પ્રતીતિ થાય એટલે આખું જીવન ખીલે એમાં શંકા નથી. એ ઈસુનો સંદેશ.

પિતાની ભાવનાની એટલા ટે આપણને વધારે જરૂર છેકે આપણે આદર્શ પુત્રો નથી. આપણામાં અસંખ્ય ભૂલો થાય, ગુના થાય, પાપ થાય, અને એવા અપરાધમાં ભગવાનની આજ્ઞાનો ભંગ હોવાથી આપણી મેણે એનું પ્રાયશ્ચિત કરવા આપણું ગજું નથી. નોકર રાજાને તમાચો મારી શકે, પણ એનું પ્રાયશ્ચિત સજામાં જાન આપ્યા સિવાય કેમ કરી શકે ? તો એમાં પણ ઈસુ પિતાની ભાવનાને લાવે અને, માણસનાં કર્મ ગમે તેટલાં મેલાં હોય તોય એ પરમ પિતાની પાસે પાછો આવે તો પ્રેમાળ પિતા એનાં ખરાબ કાર્મો ત્યાં ને ત્યાં રદ કરી આપે અને કર્મબંધનથી માનવીને પોતાની દયાથી ઉગારે. આ અગત્યની વાત ઈસુએ એક વિખ્યાત દૃષ્ટાંતથી સમજાવીઃ

એક માણસને બે દીકરા હતા. તેમાનાં નાનાને બાપને કહ્યું, મારે ભાગે જે મિલકત આવતી હોય તે મને આપી દો. એટલે તેણે પોતાની મિલકત તેમને વહેંચી આપી. થોડા દિવસ પછી, નાનો દીકરો પોતાની બધી મિલકત વેચીસાટી પૈસા લઈ મિલકત ઉડાવી મૂકી, તે બધું ખર્ચી પરવાર્યો હતો ત્યારે તે દેશમાં કાળો દુકાળ પડયો અને તેને પદા પડવા લાગી. એટલે તે દેશના એક જણને ત્યાં તે નોકરીએ રહ્યો. તેણે તેને પોતાના ખેતરોમાં ભૂંડો ચારવા મોકલ્યો. ભૂંડો જે શિંગો ખાતાં હતાં તેના વડે પેટ ભરવાનું તેને મન થતું. પણ કોઈ તેને આપતું નહીં. આખરે તેની આંખ ઊઘડી. તેણે વિચાર્યું, મારા બાપને ઘેર કેટલા બધા નોકરોને ખાતાં વધે એટલું બધું ખાવાનું મળે છે, અને અહીં હું ભૂખે મરું છું. લાવને હું પણ મારા બાપુ પાસે જઈને કહું કે, બાપુ, મેં તમારો અને ઈશ્વરનો અપરાધ કર્યો છે. હું તમારો દીકરો કહેવડાવવાને પણ લાયક રહ્યો નથી. મને તમારા નોકર જેવો જ ગણજો. એમ કહી તે બાપની પાસે જવા નીકળ્યો. પણ હજી દૂર હતો ત્યાં જ તેને જોઈને બાપનું હૈયું ભરાઈ આવ્યું. દોડતા જઈને તેને ગળે વળગી પડી તેણે વહાલથી તેને ચુંબન કર્યું. પણ દીકરાએ કહ્યું, બાપુ, મેં ઈશ્વરનો અને તમારો અપરાધ કર્યો છે. હું તમારો દીકરો કહેવડાવવાને પણ લાયક નથી. પણ બાપે પોતાના નોકરને કહ્યું, જલદી કરો, સારામાં સારો ઝબ્ભો કાઢી લાવી એને પહેરાવો એને હાથે વીંટી અને પગે પગરખાં પહેરાવો અને આપણો તાજોમાજો વાછરડો લાવીને વધેરો. આપણને જાફત ઉડાવીએ અને આનંદ કરીએ, કારણ, મારો આ દીકરો મરી ગયો હતો તે પાછો સજીવન થયો છે. એ ખોવાઈ ગયો હતો તે પાછો જડયો છે. અને તે લોકો આનંદ કરવા લાગ્યા.

ભગવાન માણસનું અવળું કર્મ નષ્ટ કરી શકે અને કરવા તૈયાર છે અને કરે જ છે એ આનંદની વાત છે. અને તેથી બાઈબલમાંના ઈસુ વિશેના ગ્રંથો સારા સમાચાર અથવા શુભસંદેશ ના નામથી ઓળખાય છે. મુક્તિનાં દ્વાર ખુલ્લાં છે. આવો, અને અંદર આવો, એવું આમંત્રણ છે. ભગવાન પરમપિતા છે. પરમ પુત્ર ઈસુના પુણ્ય પ્રતાપે રાંક પુત્રોના અપરાધો માફ કરે છે.

સ્થાપિત હિતો સાથે સંઘર્ષ
એવો સરળ અને હિતકારક ઉપદશેશના સામાન્ય જનતાને ગમે એ સ્વાભાવિક છે. પરંતુ એ જનતા ઉપર આડંબરથી અને ઢોંગથી દોર ચલાવનાર કહેવાતા ધર્મગુરુઓને એ સરળ મુક્તિની ઘોષણા નહીં રુચે એ પણ સ્વાભાવિક હતું, અને એમાંથી સંઘર્ષ ઊભો તયો. ઈસુ તો સ્ષપ્ટવક્તા હતા, અને ધર્મસંસ્થાના પ્રતિનિધિઓ (ફરોશીઓ) લોકોને બિવડાવીને અને ભરમાવીને એમનું માનસિક શોષણ કરતા એ જોઈને તેઓ ગુસ્સે ભરાયા. અને નીડરતાથી એમને જાહેરમાં ખુલ્લા પાડવા લાગ્યા.

“ઓ શાસ્ત્રીઓ અને ફરોશીઓ, ઓ દંભીઓ, તમારી કેવી દશા થશે ! તમે ઈશ્નરના રાજ્યનાં દ્વાર લોકોને માટે બંધ કરો છો, તમે નથી જાતે એમાં દાખલ થતા કે નથી અંદર જનારને દાખલ થવા દેતા !”

“ઓ શાસ્ત્રીઓ અને ફરોશીઓ, ઓ દંભીઓ, તમારી દશા કેવી થશે ! તમે એક જણનો ધર્મપલટો કરવા માટે પૃથ્વી અને સમુદ્ર ઉપર ફરી વળો છો, અને જ્યારે તે ધર્મપલટો કરે છે ત્યારે તમે તેને તમારા કરતાં બમણો નરકને પાત્ર બનાવો છો !”

“ઓ શાસ્ત્રીઓ અને ફરોશીઓ, ઓ દંભીઓ, તમારી કેવી દશે થશ ! તમે પ્યાલા અને રકાબીને બહારથી સાફ કરો છો, પણ તેની અંદર તો લૂંટ અને શોષણ ભરેલાં છે ! ઓ આંધળા ફરોશી ! પહેલાં તું પ્યાલાની અંગરની બાજુ સાફ કર, એટલે બહારની બાજુ પણ સાફ થઈ જશે.”

એવા ખુલ્લા આક્ષેપોથી ધર્મગુરુઓ ઉશ્કેરાયા અને ઈસુને વચ્ચેથી કાઢવા કાવતરું રચવા લાગ્યા. ધર્મ સંસ્થા સારી હોઈ શકે, અને ધર્મના બાહ્ય સ્વરૃપને ટકાવવા એ અનિવાર્ય પણ છે, પણ એનો ખોટો લાભ પણ લઈ શકાય અને દરેક ધર્મસંસ્થાને માટે એવા દાખલાઓ ઈતિહાસમાં છે. એટલા માટે ઈસુએ જે ખાસ બાર શિષ્યોને પસંદ કર્યા હતા એમને નમ્રતાનો બોધ આપ્યો, ગુરુ શબ્દ વાપરવાની મનાઈ કરી, ઈશ્વરના રાજ્યમાં પહેતા તે છેલ્લા, અને છેલ્લા તે પહેલા એ સૂત્રનું અનેક વખત રટણ કર્યું, અને પૃથ્વી પરના એમના છેલ્લા દિવસે શિષ્યોના પગ જાતે ધોઈને નમ્રતાનો પાઠ નજર સામે બેસાડયો.

“ઈસુ આ દુનિયામાં જે એમના પોતાના હતા તેમના ઉપર સદા પ્રેમ રાખતા આવ્યા હતા, પણ પાસ્ખાના ઉત્સવ પહેલાં, આ દુનિયા છોડીને પિતા પાસે જવાના પોતાનો સમય આવી પહોંચ્યો છે એવું જાણતા હોઈને તેમણે એ પ્રેમને પરાકાષ્ઠાએ પહોંચાડ્યો. સેતાન સિમોન ઈશ્કરિયોતના પુત્ર યહૂદાના અંતરમાં ઈસુને પકડાવી દેવાનું સુઝાડી ચૂક્યો હતો. વળી, ઈસુ બરાબર જાણતા હતા કે પિતાએ બધું જ મારા હાથમાં સોંપી દીધેલું છે, અને હું ઈશ્વર પાસેથી આવેલો છું, ઇને ઈશ્વર પાસે પાછો જાઉં છું, એટલે તેમણે ભોજન ચાલુ હતું ત્યાં જ ભાણા પરછી ઊઠીને ઝભ્ભો ઉતારી એક અંગૂછો ઓઢી લીધો. ત્યાર પછી તેમણે એક કૂંડામાં પાણી કાઢી શિષ્યોના પગ ધોઈને ઓઢેલા અંગૂછા વડે લૂછવા માંડયા. તેઓ સિમોન પીતર (પટ્ટશિષ્ય) પાસે આવ્યા ત્યારે તે બોલી ઈઠયો, પ્રભુ, આપ મારા પગ ધુઓ છો ? ઈસુએ કહ્યું, હું શું કરું છું એ અત્યારે તું સમજતો નથી. પણ પાછળથી તને સમજાશે. પીતરે તેમને કહ્યું, મારા પગ આપે કદાપિ ધોવાના નથી ! ઈસુએ કહ્યું, મારે જો ન ધોવાના હોય, તો તારે ને મારે કંઈ સંબંધ નથી. સિમ્મોન પીતરે તેમને કહ્યું, તો પ્રભુ, એકલા પગ નહીં, પણ હાથ અને માથું પણ ધોજો ! ઈસુએ કહ્યું, જેણે સ્નાન કર્યું છે તેણે કંઈ ધોવાની જરૂર નથી, તે અંગેઅંગ શુદ્ધ જ છે. અને તમે પુણ શુદ્ધ જ છો, જો કે બધા નહીં. બધાના પગ ધોયા પછી અને પોતાનો ઝભ્ભો પહેર્યાં પછી તેઓ ફરી ભાણા ઉપર બેસીને બોલ્યા, સમજ પડે છે, મેં તમને શું કર્યું? તમે મને ગુરુદેવ અને પ્રભુ કહો છો, અને એ યોગ્ય છે, કારણ, હું છું જ. એટલે પ્રભુ અને ગુરુદેવ હોવા છતાં મે તમારા પગ ધોયા, તો તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ. મેં તમને દાખલો બેસાડયો છે. મેં જેમ તમને કર્યું તેમ તમારે પણ કરવું. હું તમને સાચેસાચ કહું છું કે, નોકર કંઈ શેઠ કરતાં અદકો નથી, તેમ સંદેશો લાવનાર તેને મોકલનાર કરતાં મોટો નથી. આટલું તમે સમજો છો અને એ પ્રમાણે જો ચાલો, તો તમારા જેવું સુખી કોણ ?”