Bible_English

ખ્રિસ્તી ધર્મ (ફાધર વાલેસ)

સિમોન પીતર
પટ્ટશિષ્યનું અસલ નામ યૂનાપુત્ર સિમોન હતું ને ઈસુએ એમનું નવું કાર્ય જણાવવા નવું નામ આપ્યું. એ પ્રસંગ ઈસુ પછીની ધર્મસંસ્થાનો પાયો છે.

ઈસુએ પોતાના શિષ્યોને પૂછ્યું, માનવપુત્ર (પોતે) કોણ છે, વિશે લોકો શું કહે ? તેમણે જવાબ આપ્યો, કેટલાક કહે છે કે સ્નાન-સંસ્કારક યોહાન, કેટલાક કહે છે કે એલિયા, તો બીજા કહે છે કે ઈર્મિયા અથવા કોઈ બીજા પયગંબર. ત્યારે ઈસુએ પૂછ્યું, પણ તમે ? તમે શું કહો ? હું કોણ છું સિમોને જવાબ આપ્યો, આપ તો ખ્રિસ્ત છો, ચેતનસ્વરૂપ ઈશ્વરના પુત્ર. એટલે ઈસુએ કહ્યું. યૂનાપુત્ર સિમોન, તું બડભાગી છે, કારણ કોઈ માણસે નહીં પણ મારા પરમપિતા એ તને આ સત્ય જણાવ્યું છે. અને હું પણ તને કહ્યું છું કે, તારું નામ પીતર એટલે ખડક છે, અને એ ખડક ઉપર હું મારા ધર્મસંઘની ઈમારત ચણનાર છું, અને એની આગળ મૃત્યુનું પણ કંઈ ચાલશે નહીં. હું તને ઈશ્વરના રાજ્યની કુલસત્તા સોંપીશ અને તું જેની જેની પૃથ્વી ઉપર બંધી કરીશ તેની ઈશ્વર તરફથી પણ બંધ કરવામાં આવશે, અને તું જેની પૃથ્વી ઉપર છૂટ આપીશ તેની ઈશ્વર તરફથી પણ છૂટ આપવામાં આવશે.

એ રીતે ધર્મસંઘ સ્થપાયો અને વર્ષોથી ને સૈકાઓથી ખીલ્યો. સંસ્થામાં અનિષ્ટો પણ આવ્યાં અને કેટલાક ધર્માધિકારીઓ અયોગ્ય પણ ઠર્યા, જેને લીધો ફાંટા પડયા, ને આજે ખ્રિસ્તી ધર્સંસ્થાના ત્રણ મુખ્ય ફાંટા છે. પીતરના ઉત્તરાધિકારી પોપ તરીકે ઓળખાય, તો જેઓ એમની આજ્ઞા અનુસાર ચાલે તે કેથલિકો, તેમની આજ્ઞા ના પાળે પણ બીજું બધું કેથલિકોની જેમ સ્વીકારે તે ઓર્થોડોક્સ, અને વિવિધ મંતવ્યો છોડનાર સ્વીકારનાર ને અનેક શાખાઓમાં ફંટાઈ ગયેલા તે પ્રોટેસ્ટંટ. આ ભેદભાવ સૌ ખ્રિસ્તીઓને ખૂંચે છે, અને તે મટાડવા અનેક પ્રયાસો ચાલે છે. આમજનતાને ધોરણે ઠીક એકતા સઘાઈ છે, પરંતુ સિદ્ધાંતોને ધોરણે અંતર રહે જ છે.

ધર્મવિધિઓમાં થતી ક્રિયાઓ સંસ્કારો ગણાય છે, જોકે બધા ખ્રિસ્તીઓ બધા સંસ્કોરો સ્વીકારતા નથી.

  • સ્નાનસંસ્કારઃ માથા ઉપર પાણી રેડીને ઉમેદવારના હૃદયમાં પવિત્રાત્માનો સંચાર કરીને એને ઈસુનો શિષ્ય જાહેર રીતે બનાવવાનો વિધિ.
  • બળ-સંસ્કારઃ કિશોરાવસ્થામાં સંસારની લાલચો સામે લડવા પવિત્રાત્માનું વરદાન મેળવવું તે.
  • પ્રાચશ્ચિત-સંસ્કારઃ કરેલાં કુકર્મોની દીક્ષિત અધિકારીની આગળ ખાનગીમાં કબૂલાત કરીને એની ક્ષમા મેળવવાની આત્માશુદ્ધિ.
  • પરમ પ્રસાદ-સંસ્કારઃ છેલ્લું ભોજન શિષ્યોની સાથે લેતી વખતે ઈસુએ રોટી અને દ્રાક્ષાસવ આપવીને, આ મારો દેહ ને મારું લોહી છે એ મારા સ્મરણાર્થે લેજો એમ કહ્યું હતું. એ પંરપરાએ આશીર્વાદિત રોટી, પ્રસાદરૂપે લેવાનો સમૂહવિધિ.
  • લગ્નસંસ્કારઃ વરકન્યાને કાયમ માટે અને છૂટાછેડાની શકયતા વગર જોડનાર ગ્રંથિ.
  • પુરોહિત દીક્ષાઃ બ્રહ્મચર્યનું આજીવન વ્રત લઈને લકોની સેવામાં જીવન અર્પણ કરવાનો સંકલ્પ.
  • અંતિમ અભિષેક-સંસ્કારઃ મોટી માંદગીમાં દેહને અને આત્માને બળ આપવા માટે પ્રાર્થનાવિધિ.

બલિદાન
ઈસુની લોકપ્રિયતા ઢોંગી ધર્મગુરુઓને માટે તો અસહ્ય હતી. ઈસુ ઉપદેશની સાથે માંદા લોકોને સાજા કરતા, અનેક માનસિક તેમજ શારીરિક બીમારીથી પીડાયેલાઓને મુક્ત કરતા, એટલે એમની સામે બીજી રીતે કામ લઈ ન શકતા એ ફરોશીઓએ છેવટનો રસ્તો લીધોઃ આપણે કરીએ શું ? કારણ આ માણસ તો પુષ્કળ ચમત્કારો કરે છે. આપણે જો એને ફાવે તેમ કરવા દઈશું તો બધા જ લોકો એના ઉપર શ્રદ્ધા રાખતા થઈ જશે. એટલે એવો હુકમ કાઢયો કે ઈસુ ક્યાં છે એની જેને ભાળ હોય તેણે ખબર આપવી, જેથી અમે તેની ધરપકડ કરીએ.

ઈસુના એક શિષ્યે પૈસા લઈને એમને યહૂદી ધર્મગુરુઓના હાથે પકડાવ્યા. ઈસે રિબાવી રિબાવીને એમના શત્રુઓએ પૂરું વેર લીધું, અને છેલ્લે આખી પ્રજાની સામે ઈસુનાં મા મરિયમના દેખાતાં જ એમને ક્રોસ ઉપર ચડાવ્યા, અને ત્રણ કલાક સુધી અસહ્ય પીડા ભોગવીને ઈસુએ પ્રાણ છોડયા. એમના છેલ્લા શબ્દો હતા, હે પિતા, મારા પ્રાણ હું તારા હાથમાં સોંપું છું.

આમ પિતાનું નામ તેઓએ પહેલું ઉચ્ચાર્યું હતું, તે છેલ્લું ઉચ્ચારે છે. હું પિતાની પાસેથી આવ્યો અને પિતાની પાસે જાઉં છું. એ એમના વચનમાં ઈસુનું આખું જીવન અને આખું વ્યક્તિત્વ સમાવિષ્ટ થાય છે. ઈસુ પિતા પ્રભુ તું એ શબ્દો સાર્થક છે.

ઈસુ જીવે છે
ઈસુ પિતાની પાસે ગયા એટલે ઈસુ જીવે જ છે. ભાગી પડેલા પોતાના શિષ્યોને એમણે દર્શન દીધાં, અને એમને ફરીથી પ્રોત્સાહિત કરીને પોતાનો સંદેશ દુનિયાને સંભળાવવા માટે મોકલ્યા.

ગામમાં એક પતિત સ્ત્રી હતી. એને ઈસુને જોઈને પસ્તાવો થયો હતો અને દુરાચાર છોડીને ઈસુની પાસેથી પવિત્ર જીવનની દીક્ષા માગી હતી. એને ઈસુએ, પટ્ટશિષ્ય પહેલાં જ, દર્શન દીધાં, ને એ રીતે પોતે પ્રબોધેલો ક્ષમાધર્મ સાર્થક કર્યો. એ સ્ત્રીનો નામ પણ મરિયમ, અને સુના મરણ પછીના દિવસે એ એમની કબરે શોક કરવા ગઈ ત્યારે એને ન કલ્પેલો અનુભવ થયો.

મરિયમ કબર આગળ આવીને જુએ છે તો કબર ઉપરથી પથ્થર હઠાવી લીધો હતો. મરિયમ બહાર કબર પાસે રડતી ઊભી રહી. રડતાં રડતાં તેણે કબરમાં નીચે નમીને જોયું તો ઈસુનું શબ જ્યાં મૂકેલૂં હતું ત્યાં સફેદ વસ્ત્રધારી બે દેવદૂતો બેઠેલા હતા, એક ઓશીકે અને બીજો પાંગત. તેમણે તેને પૂછ્યું, બાઈ તું કેમ રડે છે ? તેણે કહ્યું, કારણ, તેઓ મારા પ્રભુને લઈ ગયા છે ઇને તેમને ક્યાં રાખ્યા છે તેની મને ખબર નથી. એટલું કહીને પાછું ફરીનો જોતાં તેને ઈસુ ઊભેલા દેખાયા, પણ એ ઈસુ છે તેમ તે ઓળખી ન શકી. ઈસુએ તેને કહ્યું બાઈ તું કેમ રડે છે ? તું કોને શોધે છે ? આ માળી છે એમ ધારીને તેણે કહ્યું, ભાઈ, તમે જો એમને ઉપાડી ગયા હો તો મને કહો કે તમે તેમને ક્યાં રાખ્યા છે, એટલે હું તેમને લઈ જઈશ. ઈસુએ તેને કહ્યું, મરિયમ ! એટલે તે તેમના તરફ ફરીને બોલી. ગુરુજી ! ઈસુએ તેને કહ્યું, મને વળગીશ નહીં, હજી હું પિતા પાસે ઉપર ચાલ્યો ગયો નથી. પણ મારા ભાઈઓને જઈને કહેજે કે, હું મારા પિતા અને તમારા પિતા, મારા ઈશ્વર અને તમારા ઈશ્વર પાસે ઉપર જઈ રહ્યો છું. મરિયમે આવીને શિષ્યોને જાણ કરી કે મને પ્રભુનાં દર્શન થયાં છે, અને તેમણે મને આમ આમ કહ્યું છે.