Bible_English

ખ્રિસ્તી ધર્મ (ફાધર વાલેસ)

હું તમારી સાથે છું
શિષ્યોની શ્રદ્ધા ઊડી ગઈ હતી એ હવે ઈસુને ફરીથી જોઈને દ્રઢ થઈ. ચાળીસ દિવસ એમની પાસે રહીને ઈસુએ એમને જાતજાતના બોધ આપ્યા, અને વિશેષ કરીને પોતે જાય ત્યારે પિતાની અદૃષ્ય શક્તિ, પવિત્રાત્મા, એમનામાં ઊતરશે એની ખાતરી આપી. એમના છેલ્લા શબ્દો હતા.

મને આખી સૃષ્ટિ ઉપર સંપૂર્ણ સત્તા આપવામાં આવેલી છે. એટલે તમે જાઓ, અને બધી પ્રજાના લોકોને મારા શિષ્યો બનાવો, અને તેમને પિતા, પુત્ર અને પવિત્રાત્માને નામે સ્નાનસંસ્કાર કરવા. તમને મેં જે જે આજ્ઞાઓ આપી છે તેનું પાલન કરવાનો ઉપદેશ આપો. અને ખાતરી રાખજો કે, હું યુગના અંત સુધી સદા તમારી સાથે છું.

સંઘજીવન
ઈસુના ગયા પછી એમના વચન પ્રમાણે પોતાના શિષ્યોમાં પવિત્રાત્માનો સંચાર થયો અને એમના હૃદયમાં વિરલ ઉત્સાહ, શ્રદ્ધા, બળ આવી ગયાં. ઈસુ પકડાયા ત્યારે પટ્ટશિષ્ય પીતર ગભરાઈને ભાગી ગયા હતા, અને હું આ માણસને ઓળખતો નથી. એમ કહીને એણે ઈસુનો ઈન્કાર પણ કર્યો હતો. પરંતુ જે દિવસે એને પવિત્રાત્માનું વરદાન મળ્યું એ જ દિવસે લોકોની વચ્ચે ઊભા રહીને એણે સીધુ ઉદ્દબોધન કર્યું, આ કુટિલ કાળમાંથી બચાવવા એમને અનુરોધ કર્યો, અને એ દિવસે એની અને ઈસુના બીજા શિષ્યોની સાથે ત્રણ હજાર માણસો જોડાયા.

ઈસુના મૂળ બાર શિષ્યો પ્રેષિતો કહેવાતા, કારણ કે ઈસુનો સંદેશ દુનિયામાં ફેલાવવા તેઓ મોકલેલા હતા. એમની સાથેનું પ્રથમ ખ્રિસ્તીઓનું જીવન બાઈબલમાં આ શબ્દોમાં આલેખ્યું છે. તેઓ હંમેશાં પ્રેષિતોનો ઉપદેશ સાંભળતા હતા, સંઘજીવન ગાળતા હતા અને સંઘભોજન તથા પ્રાર્થના કરતા હતા. બધાનાં દિલમાં વિસ્મય વ્યાપી ગયો હતો. પ્રેષિતો ઘણા ચમત્કારો અને પરચા કરી બતાવતા હતા, બધા વિશ્વાસીઓ એક થઈ જઈને બધું સહિયારું ગણતા હતા. તેઓ પોતાની માલમિલકત વેચી નાખી સૌ કેઈને દરેકની જરૂરિયાત પ્રમાણે વહેંચી આપતા હતા.

પાઉલ
જેમ ખ્રિસ્તીઓ વધવા લાગ્યા તેમ યહૂદી લોકોનો એમની સામેનો વિરોધ વધ્યો. એમાં આગેવાની લેનાર શાઊલ કરીને એક ચુસ્ત યહૂદી હતો. એ ખ્રિસ્તીઓને રંજાડવા દમસ્ક શહેરમાં જતો હતો ત્યારે રસ્તામાં ઈસુએ એને ઓચિંતાં દર્શન દીધાં, જીવનપલટો કરાવ્યો અને પોતાનો સંદેશ ફેલાવવા એને પણ પ્રેષિત બનાવ્યો. પોતાનું નામ પાઉલમાં બદલીને એણે નવો ધર્મ ફેલાવવામાં સૌથી મોટો ફાળો આપ્યો.

પ્રથમ એનું કામ ફક્ત યહૂદી લોકોની વચ્ચે રહેતું, પરંતુ અસહકાર મળતાં એ બીજા સમજોમાં અને બીજા દેશોમાં ઈસુનો સંદેશ લઈને પહોંચી ગયો. ભૂમધ્ય સમુદ્ર કિનારે કિનારે જઈને ઈટાલીમાં રોમ સુધી, અને ઘણું કરીને પશ્ચિમ છેડે આવેલ સ્પેન સુધી એ ફરી વળ્યો. જ્યાં ઈસુનું નામ કદી સંભળાયું ન હોય એવાં સ્થાનોમાં એનો સંદેશ પહોચાંડવાની એની મહેચ્છા હતી અને એ પ્રમાણે કર્યું પણ ખરું. એટલું જ નહીં, પણ જ્યાં જ્યાં એણે ખ્રિસ્તીઓના સંઘોની સ્થાપના કરી હતી ત્યાં લાંબા પત્રો લખીને તે નવો ધર્મ સમજાવતો. એના પત્રો સચવાયા છે, ને ખ્રિસ્તીધર્મ સમજવા એનો અભ્યાસ અગત્યનો છે. બાઈબલના બીજા ગ્રંથોની વચ્ચે એ પત્રોને પણ આગવું સ્થાન મળ્યું છે.

બાઈબલ
બાઈબલના બે ભાગ છે જૂનો કરાર અને નવો કરાર કરાર શબ્દ એ ઉપરથી આવ્યો છે કે ભગવાન અને યહૂદી પ્રજાની વચ્ચે એક પુણ્ય કરાર થયો હતો. તમે મારી પ્રજાછો અને હું તમારો ભગવાન છું. તો ઈસુના આગમન પહેલાં લખેલા ગ્રંથો એ જૂનો કરાર અને એ જેમ ખ્રિસ્તીઓનું તેમ યહૂદીઓનું પણ જ સુધી પવિત્ર શાસ્ત્ર છે. ઈસુ પછી લખેલા ગ્રંથો એ નવો કરાર અને એ ખ્રિસ્તી ધર્મમાં જ છે.

નવો કરાર માં પહેલા ચાર ગ્રંથો ઈસુના જીવનનો વૃત્તાંત રજૂ કરનાર ગોસ્પેલ અથવા શુભસંદેશ છે. ત્યાર પછી ધર્મસંઘના વિસ્તાર અને પાઉલની ધર્મયાત્રાઓનું નિરુપણ કરનાર પ્રેષિતોનાં ચરિતો વે છે. અને પછી પાઉલના અને બીજા પ્રેષિતોના પત્રો. છેલ્લે એક વિશિષ્ટ ગ્રંથ આવે છે એનું નામ દર્શન. એમાં ભૂતકાળનો ઈતિહાસ, વર્તમાન કટોકટી, અને ભાવિ મુક્તાવસ્થાનાં સાંકેતિક દર્શન કરાવીને ઈસુમાં શ્રદ્ધા રાખનારાઓને હિંમત, દ્રઢતા અને આનંદ આપનાર બોધ છે. એના, એટલે કે આખા બાઈબલના, છેલ્લા શબ્દો છે.

આત્મા અને કન્યા (એટલે કે પવિત્રાત્મા અને ધર્મસંઘ) બંને કહે છેઃ આવો ! અને જે સાંભળે તે પણ કહે કે, આવો ! જે તરસ્યો હોય તે આવે, જેની ઈચ્છા હોય તે વિના મૂલ્યે જીવનજળ લે. આ બધું જણાવનાર કહે છેઃ જરૂર, હું હમણાં આવું છું. આમીન ! પધારો, પ્રભુ ઈસુ ! સૌ ઉપર પ્રભુ ઈસુની કૃપા હો.