Bible_English

Welcome to...

English  | 

We are very happy to meet you in our webpage...

ઈસુ ખ્રિસ્ત કોણ છે? મારા ઈષ્ટદેવ ભગવાન ઈસુ (ફાધર વર્ગીસ પોલ)

ઈસુ સ્વામી આનંદની નજરે
ગુજરાતી ભાષાના એક જાણીતા સાહિત્યકાર સ્વામી આનંદ નામે ઓળખાતા હિંમતલાલ રામચંદ્ર દવેના જીવન અને લખાણમાં ભગવાન ઈસુનો પ્રભાવ જોઈ શકાય છે. ભગવાન ઈસુથી પ્રભાવિત થઈને સ્વામી આનંદે ભગવાન ઈસુ વિશે ઈસુ ભગવાન અને ઈસુનું બલિદાન એમ બે પુસ્તકો લખ્યાં છે. તેમનાં આધ્યાત્મિક ચિંતનનાં અન્ય પુસ્તકોમાં પણ ભગવાન ઈસુના સંદેશનો પ્રભાવ જોઈ શકાય છે. ઈસુનું બલિદાન પુસ્તકમાં લેખક વિશે જણાવાયું છે અને આપ જાણતા પણ ગસો કે સ્વામી આનંદ સંત મતના રામકૃષ્ણાનુયાયી સાધુ હતા.

આપ સૌ જાણતા હશો તેમ, શ્રી રામકૃષ્ણ પરમહસં પોતે પોતાની સાધનાની ક્ષિતિજો વધારવા માટે ખ્રિસ્તી ધર્મ તરફ વળ્યા હતા અને પોતાના ખ્રિસ્તી મિત્રો પાસેથી તેમણે બાઈબલનું શ્રવણ કર્યું હતું. એટલે આજે સ્વામી આનંદ જેવા શ્રી રામકૃષ્ણના ઘણા અનુયાયીઓ એ જ રસ્તે એટલે કે, ભગવાન ઈસુના જીવન અને સંદેશ જાણવાના રસ્તે ચાલ્યા હોય તો એમાં કશું આશ્ચર્ય નથી.

ઈસુ ગાંધીજીની નજરે
આપણા રાષ્ટ્રપિતા મહાત્માં ગાંધીજી પણ ભગવાન ઈસુથી ખૂબ પ્રભાવિત થયા હતા. હરિજનબંધુ યંગ ઈન્ડિયા અને નવજીવન જેવાં સામયિકો તથા પોતાની આત્મકથામાં ગાંધીજીએ ઘણીવાર ભગવાન ઈસુ અને બાઈબલ વિશે લખ્યું છે અને પોતાના જીવનમાં બાઈબલ અને ઈસુના પ્રભાવનો જાહેરમાં એકરાર કર્યો છે. પોતાની આત્મકતથા સત્યના પ્રયોગોમાં ગાંધીજી એકરાર કરા છે કે, ઈસુના ગિરિપ્રવચનની અસર બૂહુ સારી પડી . તે હૃદયમાં ઊતર્યું. બુદ્ધિએ ગીતાજીની સાથે તેની સરખામણી કરી. તારું પહેરણ માગે તેને અંગરખું આપજે, તને જમણે ગાલે તમાચો મારે તેની આગળ ડાબો ગાલ ધરજે, એ વાંચીને મને અપાર આનંદ થયો.

લંડનમાં ગોળમેજી પરિષદમાં હાજરી આપીને 1931ના ડિસેમ્બર મહિનામાં ગાંધીજી હિંદ પાછા આવતા હતા ત્યારે તેમના સાથેના જે ખ્રિસ્તી મુસાફરો તેમની સવારની પ્રાર્થમાં હાજરી આપતા હતા તેમની વિનંતીથી નાતાલના દિવસે ગાંધીજીએ એક પ્રવચન આપ્યું હતું. પ્રસ્તુત પ્રવચનનો અમુક ભાગ નવજીવન પ્રકાશન મંદિરે પ્રકાશિત કરેલી ગાંધીજીની પુસ્તિકા ઈસુ-મારી નજરે, માંથી અહીં ઉતારું છું.

નવા કરારમાં કહેલી ઈશુની કથા વિશે મારા જેવા બિનખ્રિસ્તી માણસને શું લાગે છે તેમને કહું. બાઈબલ સાથે મારો પરિચય નવા કરાર મારફતે, લગભગ પિસ્તાલીસ વરસ પહેલાં થયો હતો. તે વખતે જૂના કરારમાં મને બહુ રસ પડયો નહોતો. હું તે વાંચી તો ગયેલો, પણ તે એટલા ખાતર કે મેં એક મિત્રને-તેઓ મને એક હોટેલમાં મળેલા-બાઈબલ વાંચી જવાનું વચન આપ્યું હતું. તે વચનને ખાતર હું તે વાંચી ગયેલો. પણ નવા કરાર ઇને ગિરિપ્રવચન પર આવતા હું ખ્રિસ્તનો ઉપદેશ સમજવા લાગ્યો. ગિરિપ્રવચનના ઉપદેશમાં હું જે વસ્તુ બાળપણમાં શીખ્યો હતો અને જે મારા જીવનનો ભાગ લાગતી હતી તથા મારી આજુબાજુ રોજિંદા જીવનમાં જેનો અમલ થતો લાગતો હતો તેનો જ પડઘો મને સંભળાયો.

તેનો અમલ થતો લાગતો હતો એમ કહું છું તેનો અર્થ એ છે કે તેઓ ખરેખર એવું જીવન જીવે છે એમ કહેવું મારી વાત સાબિત કરવા માટે જરૂરી નથી. આ ઉપદેશ અવેરનો અથવા અનિષ્ટના અપ્રતિકારનો હતો. મેં જે બધું વાંચ્યું તેમાંથી મને જે હંમેશાં ચાદ રહ્યું છે તે એ કે ઈશુ લગભગ નવો કાનૂન આપવા આવ્યો હતો. જો કે તેણે કહ્યું હતું કે હું નવો કાનૂન આપવા આવ્યો નથી, પણ જૂના મૂસાના કાનૂનમાં કંઈક ઉમેરવા આવ્યો છું. પણ તેણે એ જૂના કાનૂનની આજ્ઞાઓ એટલી બદલી નાખી કે તે નવો કાનૂન બની ગયો. દાખલા તરીકે આંખના બદલામાં આંખ નહીં, અને દાંતના બદલામાં દાંત નહી, પણ એક તમાચો મારે ત્યાં બે ખાવા તૈયાર થવું અને એક માઈલ જવાનું કહેવામાં આવે ત્યારે બે માઈલ જવું એ તે કાનૂનનો મર્મ છે.

મને થયું કે આ તો આપણે બાળપણમાં શીખીએ છીએ. નિશ્ચિત આ ખ્રિસ્તી ધર્મ નથી. કારણ કે મને તે વખતે કહેવામાં આવેલું કે ખ્રિસ્તી થવું એટલે દારૂ પીવો ને ગોમાંસ ખાવું. પરંતુ ગિરિપ્રવચને તે છાપ ભૂંસી નાખી. મારો સંબંધ સાચા ખ્રિસ્તીઓ, એટલે કે ઈશ્વરથી ડરીને ચાલનારાઓ સાથે વધતાં મેં જોયું કે જેણે ખ્રિસ્તી ધર્મ મુજબ જીવન ગાળવું હોય તેને માટે સંપૂર્ણ ખ્રિસ્તી ધર્મ ગિરિપ્રવચનમાં આવી જાય છે. ગિરિપ્રવચનનો પરિચય થતાં હું ઈશુને ચાહતો થયો.

હું કહીશ કે ઐતિહાસિક ઈશુમાં મને કદી રસ નથી પડયો. કોઈ મને સાહિત કરી બતાવે કે ઈશુ કદી થયો જ નહોતો અને સુવાર્તાઓમાં જેનું વર્ણન કરવામાં આવ્યું છે તે તો લેખકની કલ્પના છે, તો મને તેની ચિંતા નથી. કારણ કે તેમ છતાં ગિરિપ્રવચન મારે માટે સત્ય રહે છે.

આખી સુવાર્તા એ અર્થમાં વાંચતાં મને લાગે છે કે ખ્રિસ્તી ધર્મ તો હજી આચરણમાં ઉતારવાનો બાકી છે, સિવાય કે કોઈ એમ કહે કે જ્યાં જ્યાં અપાર પ્રેમ છે અને વેરોનો લેશ પણ વિચાર નથી ત્યાં ત્યાં ખ્રિસ્તી ધર્મ જ પ્રવર્તે છે. પણ તો પછી તે બધી મર્યાદાઓથી અને ગ્રંથસ્થ ઉપદેશથી પર બની જાય છે, પછી અનિર્વાચ્ય, ઉપદેશી ન શકાય તેવો, મોઢામોઢ આપી ન શકાય પણ હૃદય દ્વારા હૃદય ગ્રહણ કરી શકે તેવો બની જાય છે. ખ્રિસ્તી ધર્મનો સામાન્ય રીતે જોકે આવો અર્થ કરવામાં આવતો નથી.

ગમે તેમ પણ ઈશ્વરની કૃપાથી પોતાને ખ્રિસ્તી કહેવડાવનારાઓએ બાઈબલને નાશ પામતું બચાવ્યું છે. બ્રિટીશ અને ફોરેન બાઈબલ સોસાયટીએ તેનો ઘણી ભાષાઓમાં તરજુમો કરાવ્યો છે. એ બધું ભવિષ્યમાં સાચો હેતુ પાર પાડવાને કામ આવશે. જીવંત ધર્મના વિકાસમાં બે હજાર વરસ કશી વિસાતમાં ન ગણાય. કારણ ગાયું તો ખરું કે, ઈશ્વરનો જય થાઓ, ને પૃથ્વી પર શાંતિ થાઓ પણ આજે નથી દેખોતા ઈશ્વરનો જય કે નથી દેખાતી પૃથ્વી પર શાંતિ.

જ્યાં સુધી આ ભૂખ સંતોષાઈ નથી, જ્યાં સુધી ઈશુનો જન્મ થયો નથી ત્યાં સુધી આપણે તેની જોવી રહી. જ્યારે સાચી શાંતિ સ્થપાશે ત્યારે તેના પ્રદર્શનની જરૂર નહીં રહે, પણ આપણાજીવનમાં વ્યષ્ટિજીવનમાં જ નહીં. સમિષ્ટજીવનમાં પણ એનું દર્શન થશે. ત્યારે આપણે કહીશું કે ઈશુનો જન્મ થયો, આપણે જે ભજન ગાયું તેનો ખરો અર્થ આ છે. પછી આપણે ઈશુનો જન્મ વરસના અમુક દિવસે જ થયો એમ નહીં કહીએ પણ તેને રોજેરોજ ફરી ફરીને બનતા બનાવ તરીકે ગણીશું અને તે દરેક જીવનમાં પ્રગટ થઈ શકે એવું છે.

ઈસુ વિનોબાની નજરે
ગાંધીજીની જેમ, સર્વૌદય અભિયાન તથા ભૂદાન ચળવળના પ્રણેતા, મહાન વિભૂતિ વિનોબા ભાવે પણ ભગવાન ઈસુના જીવન અને સંદેશથી ખૂબ પ્રભાવિત થયા હતા. પ્રેમમૂર્તિ ઈસુનું પુણ્ય સ્મરણ શીર્ષક હેઠળ 2004 ડિસેમ્બર 16મીના ભૂમિપુત્ર ના અંકમાં ઈસુ વિશે વિનોબાના સંકલિત કરેલા વિચારો આપ્યા છે. એમાંથી થોડાક ફકરાઓ તમારી આગળ રજૂ કરવામાં મને આનંદ છે.

વિનોબા લખે છે ઈસુની મૂર્તિ અત્યંત કરુણામય છે. અત્યંત કોમળ હૃદય, કોઈનું દુઃખ જોઈને ઊભરાઈ જતી કરુણા, બીજાનાં દુઃખ નિવારવાની ભવાના, આ બધાંને કારણે ઈસુ તારક બની ગયા. એ સેવાપરાયણ હતા. દીન-દુઃખી-દલિતની સેવા એ એમનો મુખ્ય સૂર હતો. ઈસુએ સેવાને જ ભક્તિનું સાધન માન્યું. ઉપરાંત, એમણે પ્રેમ ઉપર ભાર મૂક્યો.

“ઈસુના ચરિત્રનું ભારે આકર્ષણ મારા ચિત્તને છે. ઈસુના બલિદાનની વાત આવે છે, અને હું ભાવવિભોર થઈ જાઉં છું. ઈસુ પ્રેમના પ્રકર્ષા પ્રતીક-સ્વરૂપ છે. એમણે સમાજ માટે બલિદાન દીધું. એમના ચરિત્ર પરથી ધ્યાનમાં આવે છે કે આપણે દુનિયાની સેવામાં બલિદાન આપી દેવું જોઈએ. આપણી જાતને સંપૂર્ણપણે સમર્પિત કરી દેવી જોઈએ. તેમાં પરમેશ્વરના પ્રેમનો અને પરમ ત્યાગનો સાક્ષાત્કાર થાય છે.”

“ઈસુ સાવ સામાન્ય માણસ જ રહ્યા. સામાન્ય માણસો સાથે હળીમળી ગયા. સામાન્ય માણસોનાં સુખ-દુઃખ એમણે ઈસુને બહુ જ પ્રેમ. એકવાર એમના શિષ્યોએ પૂછ્યું, તમે હંમેશાં ઈશ્વરીય રાજ્યની વાત કરો છો, તે ઈશ્વરના રાજ્યમાં ટેબલ પર ઊભું કરીને કહ્યું, જે આ બાળક જેવા હશે, તેઓ ત્યાં પ્રવેશી શકશે. એમનું પોતાનું વ્યક્તિત્વ એવું જ હતું. તેઓ નમ્રતાની મૂર્તિ હતા.”

“ઈસુનું વ્યકિતત્વ પ્રેમમય હતું. હૃદય બહુ કોમળ હતું, તેથી સ્તો તેઓ તારક બન્યા. જેમાં કોઈ મિત્ર કે સખા કામમાં આવે છે, તેમ તેઓ દુનિયાને કામમાં આવ્યા.”

આજે ઈસુને દુનિયા આખી યાદ કરે છે. લગભગ 32 વરસનું એમનું જીવન અને તેમાંયે બે-ત્રણ વરસની જ એમની મિનિસ્ટ્રી – ધર્મસેવા ! મારો ખ્યાલ છે કે એમની આ ધર્મસેવાનું અન હરવા-ફરવાનું ક્ષેત્ર આપણે ત્યાંના આજના ત્રણ-ચાર જિલ્લા જેટલું રહ્યું હશે. આટલા નાનકડા જીવનમાં અને આટલા નાનકડા ક્ષેત્રમાં એમણે કામ કર્યું, પરંતુ આજે આપણે એમનું નામ અને એમના વિચારો આખી દુનિયામાં પ્રસરી ગયેલાં જોઈએ છીએ.

ઈસુએ સરમન ઓન ધ માઉન્ટ (ગિરિ-પ્રવચન) માં જે ઉપદેશ આપ્યો છે, તેના કરતાં ચઢિયાતો માનવસેવાનું પ્રતિપાદન કરનાર ઉપદેશ મેં બીજો નથી જોયો.

માનવસેવાની અને પ્રેમની વાત ઉપરાંત ઈસુના ઉપદેશોમાં અપરિગ્રહની વાત, નીતિનો વિચાર, સમાજ-કલ્યાણનો વિચાર, ચિત્તશુદ્ધિનો વિચાર પણ બહુ છે, અને આ બધું મળીને જ અહિંસાની ઉપાસના થઈ શકે છે. ઈસુ કરતાં બહેતર અહિંસાનો ઉપાસક મળવો મુશ્કેલ છે. ઈસુએ અહિંસાની શિખામણ શિખર સુધી પહોંચાડી હતી. ઈસુને શૂળીએ ચઢાવ્યા, છતાં એમણે ઈશ્વરને એવી જ પ્રાર્થના કરી કે, એ લોકોને ક્ષમા કરજે, કેમ કે તેઓ અજ્ઞાની છે, પોતે શું કરી રહ્યા છે તેનું એમને ભાન નથી. ઉપરાંત ઈસુએ કહ્યું, લવ ધાય એનિમી તમારાં દુશ્મનને પ્રેમ કરો. દઢ આત્મપ્રતીતિ વિના આવો ઉદ્દગાર ન નીકળે. આવું કહેવા માટે ખરું શૌર્ય જોઈએ. ઈસુ વીર જ નહીં. મહાવીર હતા.

ઈસુ પોતાને માનવ-પુત્ર કહેતા હતા. મતલબ કે, તેઓ પોતાને માટે કોઈ સંકુચિત ઉપાધિ, પદ કે દરજ્જો કબૂલ કરવા તૈયાર નહોતા. તેઓ પોતાને આખાયે માનવ-સમાજના પ્રતિનિધિ માનતા હતા. અર્થાત્ તેઓ માનવીની શક્તિ તેમજ અશક્તિ, બેઉના પ્રતિનિધિ હતા, તેથી એમણે માનવમાત્રની શુદ્ધિ માટે ભારે મોટું પ્રાચશ્ચિત કર્યું.

બધા સત્પુરુષો લોકોના પ્રતિનિધિ સમાન નથી હોતા. નરસિંહ મહેતા પરમેશ્વરના ભક્ત હતા, પણ લોકોના પ્રતિનિધિ ન હતા. તેઓ લોકોનાં પાપ-પુણ્યનો બોજ પોતાના માથે નહોતા ઉપાડતા. લોકોના પાપથી પાપી અને લોકોના પુણ્યથી પુણ્યવાન બનનાર મહાત્માઓમાં ઈસુ એક હતા, એટલે ઈસુ સમસ્ત માનવજાતિના છે.

ઈસુનો ઉપદેશ માત્ર ખ્રિસ્તીઓ માટે જ નહીં, આખી દુનિયા માટે છે, માનવજાત માટે છે. ઈસુના સંદેશથી સમગ્ર માનવજાતિ પ્રફુલ્લિત થશે. તે સર્વત્ર ફેલાઈ જવો જોઈએ.

આ છે ભૂમિપુત્ર માં આવેલી ઈસુ વિશે વિનોબાની વાત.