Bible_English

ઈસુ ખ્રિસ્ત કોણ છે? મારા ઈષ્ટદેવ ભગવાન ઈસુ (ફાધર વર્ગીસ પોલ)

એશિયાના ઈસુ ખ્રિસ્ત
વિનોબાની જેમ, ઈતર ધર્મોના અસંખ્ય આગેવાનો અને સમાજ સુધારકોએ પણ ભગવાન ઈસુના જીવન અને સંદેશથી પ્રભાવિત થઈને એમને પોતાના ઈષ્ટદેવ કે ગુરુ તરીકે સ્વીકાર્યા છે. આધુનિક ભારતના પિતા અને બ્રહ્મસમાજ ના સ્થાપક, રાજા રામ મોહન રાયે, (1772-1833) ભગવાન ઈસુ પ્રત્યે દાખવ્યો હતો અને તેઓ ખ્રિસ્તી ધર્મના મોટા પ્રશંસક રહ્યા હતા. કારણ, તેમને ખાતરી થઈ હતી કે, ભગવાન પ્રત્યોનો સાચો પ્રેમ માણસને બીજા માણસોની સેવા કરવા તરફ દોરવો જોઈએ.

બ્રહ્મસમાજના અ ખૂબ જાણીતા આગેવાન અને સમાજ સુધારક કેશવ ચંદ્ર સેને એક પ્રવચનમાં ઈસુ ખ્રિસ્તી વિશે કહ્યું હતું, ઈસુ ખ્રિસ્ત એશિયાના નહોતા ? હા, સાચે જ ઈસુ ખ્રિસ્ત અને તેમના બધા શિષ્યો એશિયાના જ હતા. ઈસુના શુભસંદેશના પ્રચાર માટે રોકાયેલાં માણસો અને સંસ્થાઓ બધાં એશિયામાં એશિયાનો દ્વારા થયાં છે. હું આ બધી વાતોનું ધ્યાન ધરું છું ત્યારે ઈસુ માટેનો મારો પ્રેમ સોગણો ઉત્કટ બને છે. હું એમને મારા હૃદયની નજીક અનુભવું છું (ડેવિડ સી. સ્કોટનું અંગ્રેજી પુસ્તક કેશુબ ચંન્દુ સેન પૃ.64).

જાણીતા સમાજસુધારક અને સત્યશોધક સમાજના સ્થાપક મહાત્મા ફુલેએ પોતાના અનુયાયીઓને અનુસરવા માટે કેટલાક સિદ્ધાંતો આપ્યા હતા. એમાં બે ખાસ સિદ્ધાંતો અહીં વિશેષ ધ્યાનપાત્ર છે. એક, ભગવાન માણસોના સર્જક છે અને બધા માણસો એમનાં સંતાનો છે, અને બે, બધા માણસોને ભગવાની ભક્તિ કરવાનો હક્ક છે. એક વ્યક્તિનો મોભો એના જન્મને આધારે નહીં પણ એનાં આચરવિચાર અને ભક્તિને આધારે હોય છે. મહાત્મા ફૂલે ભગવાન ઈસુએ પ્રબોધેલી બધા માણસોની સમાનતામાં અડગપણે માનતા હતા. તેઓ સમાનતાના સત્ય પર સમાજ-રચના કરવાના હિમાયતી હતા.

મહાત્મા ફૂલેએ બધા માણસોની સમાનતા પર આધારિત પણ કોઈ જાતિભેદ વિનાની સમાજરચનાનું સ્વપ્ન સેવ્યું હતું. તો સ્ત્રી-પુરુષની સમાનતાની હિમાયત કરનાર સમાજસુધારક છે પંડિતા રામાબાઈ. સ્ત્રી-સશક્તિકરણ અને સ્ત્રી-શિક્ષણને માટે આર્ય મહિલા સમાજની સ્થાપના કરનાર પંડિતા રામાબાઈએ જોયું કે ભારતની સ્ત્રીઓની મુક્તિ અને આશા ભગવાન ઈસુના જેવું વલણ અપનાવવામાં આવે છે. ભગવાન ઈસુએ બધી સ્ત્રીઓ પ્રત્યેક, કુટુંબ, સમાજ અને ધર્મમાં પણ સમાનતા અને આદરમાનનું વલણ અપનાવ્યું હતું.

મેં સાંભળ્યું છે કે ભારતના પ્રથમ દલિત રાષ્ટ્રપતિ શ્રી આર.કે.નારાયણ પોતાની જાતને ભગવાન ઈસુના અનુયાયી માનતા હતા. તેઓ ભારતના પ્રમુખ હતી ત્યારે 2001 માં તેમણે કહ્યું હતું કે,

ઈસુ કેવળ ખ્રિસ્તીઓના ભગવાન નથી, પરંતુ તેઓ દુનિયાભરનાં બધાં વંશો અને પ્રજાના ભગવાન છે. એમનો સંદેશો સર્વત્ર બધા લોકોનાં હૃદય સુધી પહોંચ્યો છે.

ઈસુ સાહિત્યકારની નજરે
મલયાલમ ભાષાના સુપ્રસિદ્ધ સાહિત્યકાર અને ગ્રંથકર્તા શ્રી.કે.પી. કેશવ મેનન ચોર્યાસીની વયે ઈસુના જીવન વિશે લખેલા દળદાર ગ્રંથ યેશુંદેવન ના પ્રથમ પાને ઈસુ ખ્રિસ્ત વિશે લખે છે.

ઈસુ ખ્રિસ્ત પ્રેમનું પરિપૂર્ણ સ્વરૂપ છે. ઈસુનું નામ અપાર કરુણા, અનંત માફી અને સ્વર્ગીય શાંતિનું પ્રતીક છે. ચાંદની રાતના અજવાળામાં શાંત તળાવ પર ચંદ્ર કેવો ચોખ્ખો દેખાય છે. ! જીવનની સંપૂર્ણતા તથા સૌંદર્ય ઈસુના હૃદયમાં તેવું સ્પષ્ટ જોઈ શકાય છે. માનવજાતના શાશ્વત ગુરુ તરીકે ભગવાન ઈસુ માનવહૃદયમાં સદાસર્વદા વાસ કરે છે. એ વિશ્વગુરુએ લોકો આગળ એક નવી જીવન-રીતિ મૂકી છે. ઈસુ ખ્રિસ્તે માનવજાતને સંદેશ પહોંચાડ્યો કે પ્રેમ જ માનવજીવનને દોરનાર મહાન શક્તિ છે.

આત્મીય તરસથી પીડાતા લોકોને ઈસુ ખ્રિસ્તે જીવનના અનંત મહિમાના સંદેશથી સાંત્વન આપ્યું. તેમણે લોકોને શાશ્વત જીવનના માર્ગે દોર્યા છે.

સમગ્ર દુનિયામાં કરોડો અને અબજો લોકો ઈસુ ખ્રિસ્તના સિદ્ધાંતો અને સંદેશાને અનુસરીને જીવવામાં સાંતવન અનુભવે છે. તેઓ માને છે કે ઈસુ ખ્રિસ્તનું અનુકરણ કરવાથી તેઓ પોતાના જીવન સાફલ્યને જ વરે છે. ઈસુ ખ્રિસ્તને નામે તેઓ કોઈ પણ પ્રકારનો ત્યાગ વેઠવા તત્પર છે. ગમે તે પ્રયત્ન કરવા માટે તેઓ તૈયાર છે. ઈસુનો સંદેશ તેમને પ્રેરણા આપે છે. અને તેઓ માને છે કે માનવબંધુની સેવા જ જીવનના એક પવિત્ર જવાબદારી છે.

આમ જોઈએ તો ભારતના ઘણા બધા સમાજસુધારકો અને વૈચારિક આગેવાની પુરી પાડનાર આગેવાનો પર ભગવાન ઈસુના જીવન અને સંદેશની ઘેરી અસર જોઈ શકાય છે. માનવગરિમાને વરેલા ભગવાન ઈસુના પ્રેમ, માફી, સેવા જેવા સંદેશથી કોઈ વિચારશીલા માણસ અલિપ્ત રહી શકે તેમ નથી.

ઈશ્વર પિતાના પ્રેમ સ્વરૂપ ઈસુ
ભગવાન ઈસુ એક જ કામ કરવા માટે આ દુનિયમાં આવ્યા. તેમનાં જીવન અને કાર્યનો સાર હતો કે, ઈશ્વર પ્રેમસ્વરૂપ છે, ઈશ્વર સૌ માણસોના પિતા છે. ઈશ્વર પિતા દરેક મણસ પર પોતાના વહાલસોયા સંતાન તરીકે અનહદ પ્રેમ રાખે છે અને દરેક માણસે ઈશ્વર પિતા પર તેમ જ બીજા બધા માણસો પર પ્રેમ રાખવા જોઈએ.

એટલે એક વાર પોતાની પરીક્ષા કરી જોવા આવેલા શાસ્ત્રના પંડિતને ઈસુએ કહ્યું, તારે તારા પરમેશ્વર પ્રભુ ઉપર તારા પૂરા હૃદયથી, તારા પૂરા જીવથી અને તારા પૂરા મનથી પ્રેમ રાખવો, એ સૌથી મોટી અને પહેલી આજ્ઞા છે. અને એના જેવી જ એક આજ્ઞા છે. તારા માનવબંધુ ઉપર તારી જાત જેટલો જ પ્રેમ રાખવો, સમગ્ર ધર્મસંહિતાનો અને પયગંબરોની વાણીનો આઘાર આ બે આજ્ઞાઓ છે.

માણસ માટેનો ઈશ્વર પિતાનો પ્રેમ સમજાવવા માટે ઈસુએ આપેલા દષ્ટાંતબોધ વિશ્વ સાહિત્યમાં ઉડાઉ દીકરાનો દષ્ટાંતબોધ નામે જગજાહેર છે. સંપૂર્ણ બાઈબલના નવા કરારમાં સંત લૂકના શૂભસંદેશમાં ખોવાયેલો દીકરો ના શીર્ષક હેઠળ એ દષ્ટાંતકથા આવે છે.
હું બાઈબલમાંથી ઉતારું છું.
ઈસુએ કહ્યું, એક માણસને બે દીકરા હતા. તેમાંના નાનાએ બાપને કહ્યું, મારે ભાગે જે મિલકત આવતી હોય તે મને આપી દો, એટલે તેણે પોતાની મિલકત તેમને વહેંચી આપી. થોડા દિવસ પછી, નાનો દીકરો પોતાની બધી મિલકત વેચીસાટી પૈસા લઈ દૂર દેશાવર ચાલ્યો ગયો, અને ત્યાં અમનચમનમાં તણે બધી મિલકત ઉડાવી મૂકી. તે બધું ખર્ચી પરવાર્યો હતો ત્યારે તે દેશમાં કાળો દુકાળ પડયો અને તેને આપદા પડવા લાગી. એટલે તે દેશના એક જણને ત્યાં તે નોકરીએ રહ્યો. તેણે તેને પોતાના ખેતકમાં ભૂંડો ચારવા મોકલ્યો. ભૂંડો જે શિંગે ખાથાં હતાં તેના વડે પેટ ભરવાનું તેને મન થતું, પણ કોઈ તેને આપતું નહિ. આખરે તેની આંખ ઊઘડી. તેણે વિચાર્યું, મારા બાપને ઘેર કેટલા બધા નોકરોને ખાતાં વધે એટલું બધું ખાવાનું મળે છે, અને અહીં હું ભૂખે મરું છું ! લાવ ને, હું પણ મારા બાપુ પાસે જઈને કહેયું કે, બાપું મેં તમારો અને ઈશ્વરનો અપરાધ કર્યો છે. હું તમારો દીકરો કહેવડાવવાને પણ લાયક રહ્યો નથી. મને તમારા નોકર જેવો જ ગણજો. એમ કરી તે બાપની પાસે જવા નીકળ્યો.

પણ હજી તે દૂર હતો ત્યાં જ તેને જોઈને બાપનુ હૈયું ભરાઈ આવ્યું. દોડતાં જઈને ગળે વળગી પડી તણે વહાલથી તેને ચુંબન કર્યું. પણ દીકરાએ કહ્યું, બાપુ, મેં ઈશ્વરનો અને તમારો અપરાધ કર્યો છે. હું તમારો દીકરો કહેવડાવવાને પણ લાયક રહ્યો નથી. પણ બાપે પોતાના નોકરને કહ્યું, જલદી કરો, સારામાં સારો ઝભ્ભો કાઢી લાવી એને પહેરાવો, એને હાથે વીંટી અને પગે પગરખાં પહેરાવો, અને આપણો તોજોમાજો વાછરડો લાવીને વધેરો. આપણે જાફત ઉડાવીએ અને આનંદ કરીએ, કારણ, મારો આ દીકરો મરી ગયો હતો તે પાછો સજીવન થયો છે. એ ખોવાઈ ગયો હતો તે પાછો જડયો છે. અને તે લોકો આનંદ કરવા લાગ્યા.

પણ તેનો મોટો દીકરો ખેતરમાં હતા. પાછા વળતાં ઘરની નજીક આવતાં નાચગાનના સ્વરો તને કાને પડયાં. એટલે તેણે એક નોકરને પોતાની પાસે બોલાવીને પૂછ્યું કે આ બધું છે. ? નોકરે કહ્યું, તમારો ભાઈ પાછો આવ્યો છે, અને તમારા બાપુએ આપણો તાજોમાજો વાછરડો વધેર્યો છે, કારણ, એમનો દીકરો સાજોમાજો પાછો આવી મળ્યો છે.

પણ તે ચિડાઈ ગયો અને અંદર જવાની તેણે ના પાડી. તેના બાપે બહાર આવી તેને સમજાવવા માંડયો, પણ તેણે બાપને સામો જવાબ આપ્યો, જુઓ આટલાં વરસ હું તમારું વૈતરું કરતો આવ્યો છું. મેં કદી તમારી આજ્ઞા ઉથાપી નથી, અને છતાં તમે કદી મારા મિત્રો સાથે જાફત ઉડાવવા માટે મને એક લવારું સુધ્ધાં આપ્યું નથી. પણ જ્યારે તમારો આ દીકરો તમારી બધી મિલકત વેશ્યાઓમા ઉડાવી દઈને પાછો આવે છે ત્યારે તમે એને માટે તાજોમાજો વાછરડો વધેરો છો ! બાપે તેને કહ્યું, તું તો સદા મારી સાથે જ છે, અને મારું જે કંઈ છે તે બધું તારું જ છે. પણ ઓ તો તારો ભાઈ મરી ગયો હતો તે ફરી સજીવન થયો છે, ખોવાઈ ગયો હતો તે પાછો જડયો છે. એટલે આ આનંદોત્સવ કરવો જ જોઈએ.

આ દષ્ટાંતકથા ઈશ્વર પિતાના દરેક માણસ માટેના અનહદ પ્રેમની ઘોષણા કરે છે. માણસ ગમે તેવાં કૃત્યો કરે, અત્યાચાર કરે, ઈશ્વરના અસ્તિત્વને નકારે, તો પણ ઈશ્વર પિતાનો દરેક માણસ માટેનો પ્રેમ અનહદ છે, અચલ છે, અનંત છે. જેમ સૂર્ય સારાનરસા બધા માણસો પર પ્રકાશ ફેંકે છે કે પુષ્પો કોઈ ભેદભાવ રાખ્યા વિના બધાને માટે ખુશ્બુ વિખેરે છે તેમ ભગવાન દરેક માણસ પર કોઈ શરત વિનાનો પ્રેમ રાખે છે. પરુંત સૂર્ય સામે પડદો બાંધીને કોઈ માણસ પ્રકાશને રોકી શકે છે એ રીતે માણસ પોતાનાં દુષ્કૃત્યોથી ઈશ્વર પિતાના પ્રેમને નકારી પણ શકે છે. છતાં ઉડાઉ દીકરાની વાર્તાની જેમ, ઈશ્વર પિતા મારા-તમારા માટે પોતાનો દરવજો હમેશાં ખુલ્લો રાખે છે. એટલું જ નહિ, ઈશ્વર પિતા પ્રેમથી શોધી શોધીને આપણી પાછળ આવે છે. ભગવાન ઈસુએ કહ્યું છે તેમ, જેમને પશ્ચાત્તાપની જરૂર નથી એવા નવ્વાણું પુણ્યશાળી માણસો કરતાં પશ્ચાતાપ કરનાર એક પાપી માટે સ્વર્ગમાં વધારે આનંદોત્સવ થશે. (લૂક 15,7).