Bible_English

Welcome to...

English  | 

We are very happy to meet you in our webpage...

ઈસુ ખ્રિસ્ત કોણ છે? મારા ઈષ્ટદેવ ભગવાન ઈસુ (ફાધર વર્ગીસ પોલ)

પ્રેમ અને માફીનો સંદેશ
ઈસુનો સંદેશ અનહદ પ્રેમનો સંદેશ હતો. બાઈબલના જૂના કરારમાં ઠેર ઠેર જણાવ્યું છે તેમ જૂના જમાનામાં કોઈ ગુનો કે પાપની શિક્ષા માટે કોઈ દયા રાખ્યા વિના જીવને સાટે જીવ, આંખને સાટે આંખ, દાંત, હાથને સાટે હાથ અને પગને સાટે પગ લેલાનો નિયમ હતો. પરંતુ ઈસુ ભગવાને દુશ્મનો ઉપર પણ પ્રેમ રાખવાનો અને પાર વિનાની વખત સામેવાળાને માફી આપવાનો સંદેશ આપ્યો છે.

ઈસુએ આપેલી માફીની વાત કરીએ ત્યારે સંત યોહાનના શુભસંદેશમાં વ્યભિચાર કરતાં પકડાયેલી સ્ત્રીની વાત આપણે યાદ કરી શકીએ. એકવાર ઈસુ મંદિરમાં ઉપદેશ આપતા હતા. આ પ્રસંગની વાત હું સીધા નવો કરાર ના યોહાનકૃત શુભસંદેશમાંથી ઉતારું છું.

એવામાં શાસ્ત્રીઓ અને ફરોશીઓ વ્યભિચાર કરતાં પકડાયેલી એક બાઈને ઈસુની પાસે લઈ આવ્યા અને તેને વચમાં ઊભી રાખીને તેઓએ ઈસુને કહ્યું, ગુરુજી, આ બાઈ પ્રત્યક્ષ વ્યભિચાર કરતાં પકડાઈ છે. હવે શાસ્ત્રમાં મોશેએ આપણને એવી બાઈને પથ્થર મારીને મારી નાખવાનું ફરમાવેલું છે. તો આપ શું કહો છો ?

આમ કહેવામાં તેમનો હેતું એમની પરીક્ષા કરી જોઈ એમના ઉપર આરોપ મુકવાનો કંઈ બહાનું મેળવવાનો હતો.

પણ ઈસુ તો નીચા વળીને આંગળી વતી ભોંય ઉપર લખવા લાગ્યાં.

છતાં પેલા લોકોએ પ્રશ્ન પૂછવાનું ચાલું રાખ્યું, એટલે ઈસુએ ટટ્ટાર થઈને તેમને કહ્યું, તમારામાં જે નિષ્પાપ હોય તે એને પહેલો પથરો મારે.

અને ફરી તેઓ નીચા વળીને ભોંચ ઉપર લખવા લાગ્યા.

એ સાંભળીને મોટાથી માંડીને સૌ એક પછી એક ચાલ્યા ગયા, અને ઈસુ એકલા જ રહ્યાં. પેલી બાઈ તેમની સામે ઊભી હતી.

ઈસુએ ફરી ટટ્ટાર થઈને તે બાઈને કહ્યું બહેન, તે લોકો ક્યાં છે ? કોઈએ તને સજા ન કરી ?

બાઈએ કહ્યું, કોઈએ નહિ, પ્રભુ,

ત્યારે ઈસુએ કહ્યું, હું પણ તને સજા નથી કરતો. જા, હવેથી પાપ કરીશ નહિ, (યોહાન 8-, 3-11).

ધર્મચુસ્ત લોકો જે સ્ત્રીને તેમના કાયદાકાનૂન મુજબ પથ્થરો મારીને મારી નાખવા તૈયાર થાય છે ત્યારે ભગવાન ઈસુ એ સ્ત્રીને જાહેરમાં માફી બક્ષે છે. !

ભગવાન ઈસુ માફીને મંદિરમાં ચઢાવવાના બલિ કરતાં પણ વધારે મહત્વ આપે છે. એક વાર એમણે પોતાના શિષ્યોને કહ્યું હતું કે, એટલે વેદી ઉપર નૈવેધ ધરાવતાં તને યાદ આવે કે, તારા ભાઈને તારી સામે કંઈ ફરિયાદ છે. તો તારું નૈવેધ વેદી આગળ જ રહેવા દઈ નીકળી પડજે. પહેલાં તારા ભાઈ સાથે સમાધન કરજે, અને ત્યાર પછી આવીને નૈવેધ ધરાવજે (માથ્થી 4,23).

ઈસુએ આપેલાં પ્રેમ અને માફીના સંદેશ સાથે તેમણે આપેલી સેવાનો આદેશ પણ એટલો જ મહત્વનો છે. સેવાની બાબતમાં ઈસુની વાત સ્પષ્ટ છે. તેમણે પોતાના શિષ્યોને બીજાની સેવા કરવામાં મોટાઈ સમજવાનો આદેશ આપ્યો છે. એકવાર ઈસુના શિષ્યો વચ્ચે સૌથી મોટો કોણ ? એની ચર્ચા થઈ હતી. તે વખતે પોતાના શિષ્યોને સમજાવતાં ઈસુએ તેમને કહ્યું તમારામાં તો જે કોઈ મોટો થવા ઈચ્છતો હશે તેણે તમારા સેવક થવું પડશે, અને જે કોઈ તમારામાં પહેલો થવા ઈચ્છતો હશે તેણે તમારા ગુલામ થવું પડશે (માથ્થી 20, 27).

ઈસુ પોતાની જાતને બધાના સેવક તરીકે ઓળખાવે છે અને કહે છે કે, માનવપુત્ર (એટલે ભગવાન ઈસુ પોતે) સેવા લેવા નહિ પણ સેવા કરવા અને સૌની મુક્તિ માટે પોતાનું જીવન અર્પી દેવા અવતર્યો છે. (માથ્થી 20,28).

દુનિયમાં સૌ પ્રથમ વાર સેવાનો આદેશ અને સેવાનો દાખલો પૂરો પાજનાર માણસ ખુદ ભગવાન ઈસુ છે. ખ્રિસ્તી ધર્મના હાર્દમાં સેવા છે. સેવા ખ્રિસ્તી ધર્મની વિશિષ્ટ લાક્ષણિકતા છે. ખ્રિસ્તી ધર્મમાંથી સેવાને બાકાત રાખવાં આવે તો તે ખ્રિસ્તી ધર્મ, ખ્રિસ્તી ધર્મ જ રહેતો નથી ! ઈસુના શિષ્યો આ વાત બરાબર સમજી ગયા હતા. એટલે ઈસિના સંદેશની ઘોષણા કરવા સાથે તેઓ જરૂરિયાતમંદોની સેવાને ખાસ મહત્વ આપતા હતા. બાઈબલમાં નવા કરારનો એક ગ્રંથ પ્રેષિતોનાં ચરિતો માં ઈસુના બાર શિષ્યોએ સેવાને આપેલું મહત્વ સ્પષ્ટપણે જોઈ શકાય છે.

પુનર્જીવનની માન્યતા
ખ્રિસ્તી લોકો પુનર્વજીનમાં એટલે કે મૃત્યુ પછીના જીવનમાં માને છે. ખ્રિસ્તીઓ માને છે કે દરેક માણસના મૃત્યુ પછી એના જીવનને અનુરૂપ યોગ્ય ન્યાય આપવામાં આવશે જેને ખ્રિસ્તી લોકો અંતિમ ન્યાય કહે છે. એ અંતિમ ન્યાય માણસના હોદ્દો, એની સિદ્ધિઓ, એની સાધનસંપત્તિઓ, એની સત્તા અને નામના કે એની પ્રાર્થના ને ભક્તિને આધારે નહિ, પણ એનાં નિઃસ્વાર્થ સેવાકાર્યોને આધારે આપવામાં આવશે.

ભગવાન ઈસુએ આ અંતિમ ન્યાયની વાત બાઈબલના સંત માથ્થીકૃત શુભસંદેશમાં કરી છે.

જ્યારે માનવપુત્ર બધા દેવદૂતો સાથે મહિમાપૂર્વક આવશે ત્યારે તે મહિમાભર્યા સિંહાસન ઉપર બિરાજશે. ત્યારે બધી પ્રજાઓને તેની સમક્ષ ભેગા કરવામાં આવશે, અને જેમ ભરવાડ ઘેટાંને બકરાંથી જુદાં પાડે છે તેમ તે લોકોને એકબીજાથી અલગ પાડશે ! ...

પછી રાજા પોતાના જમણા હાથ તરફના લોકોને કહેશે, આવો મારા પિતાના આશીર્વાદ તમારા ઉપર ઊતર્યો છે ! સૃષ્ટિના પ્રારંભથી તમારે માટે તૈયાર રાખેલું રાજ્ય ભોગવો ! કારણ, મને ભૂખ લાગી હતી ત્યારે તમે મને ખાવાનું આપ્યું હતું. મને તરસ લાગી હતી ત્યારે તમે મને પાણી પાયું હતું. હું અજાણ્યો પ્રવાસી હતો ત્યારે તમે મને આશરો આપ્યો હતો, હું ઉઘાડો હતો ત્યારે તમે વસ્ત્રો પહેરાવ્યાં હતાં. હું માંદો હતો ત્યારે તમે મારી ભાળ કાઢી હતી, હું કારાવાસમાં હતો ત્યારે તમે મને મળવા આવ્યા હતા.

ત્યારે એ ધર્મિષ્ઠ માણસો એમને પૂછશે, પ્રભુ અમે ક્યારે આપને ભૂખ્યા જોઈને ખવડાવ્યું હતું, અથવા તરસ્યા જોઈને પાણી પાયું હતું ? આપને અમે ક્યારે અજાણ્યા પ્રવાસી જોઈને ઘરમાં આશરો આપ્યો હતો, અથવા ઉઘાડા જોઈને વસ્ત્રો પહેરાવ્યાં હતાં ? અથવા ક્યારે અમે આપને માંદા અથવા કારાવાસમાં જોઈને ખબર કાઢવા આવ્યા હતા ? ત્યારે રાજા તેમને જવાબ આપશે, હું સાચું કહું છું કે, આ મારા ભાઈઓમાંના અદનામાં અદના માટે જ કંઈ કર્યું છે તે મારા માટે જ કર્યું છે.

ત્યાર પછી માનવપુત્ર શાપિત માણસો તરફ ફરીને કહેશે, ઓ શાપિતો, મારાથી દૂર હઠો ! સેતાન અને તેના દૂતો માટે તૈયાર કરાયેલા શાશ્વત અગ્નિમાં પડો ! કારણ, મને ભૂખ લાગી હતી ત્યારે તમે મને ખાવાનું નહોતું આપ્યું, મને તરસ લાગી હતી ત્યારે તમે મને પાણી નહોતું પાયું, હું અજાણ્યો પ્રવાસી હતો ત્યારે તમે મને આશરો નહોતો આપ્યો, હું ઉઘાડો હતો ત્યારે તમે મને ઢાંક્યો નહોતો, હું માંદો અને કારાવાસમાં હતો ત્યારે તમે મને મળવા નહોતા આવ્યા.

ત્યારે તે લોકો પણ કહેશે, હે પ્રભું, ક્યારે અમે આપને ભૂખ્યા કે તરસ્યા, અજાણ્યા કે ઉઘાડા, માંદા કે કારાવાસમાં જોયા અને ક્યારે આપની સેવા નહોતી કરી ? ત્યારે રાજા તેમને સંભળાવશે. હું તમને સાચું કહું છું કે, આ મારા ભાઈઓમાંના અદનામાં અદના માટે નથી કર્યું તે મારે માટે જ નથી કર્યું. આમ એ લોકોને શાશ્વત સજા થશે, પણ ધર્મિષ્ઠ માણસો શાશ્વત જીવન પામશે (માથ્થી 25, 31-46).

અહીં જુઓ તો ખરા. ભગવાન ઈસુ અદનમાં અદના માણસ સાથે તાદાત્મ્ય સાધે છે. તેઓ જરૂરિયાત મંદ અને ગરીબ લોકો સાથે એકરૂપ બની જાય છે. ગરીબોની કરેલી સેવા ભગવાન ઈસુને ઓળખ્યા વિના પણ નિસ્વાર્થભાવે કરેલાં સેવા કાર્યને પોતાને માટે કર્યું છે એમ ભગવાન ઈસુ સમજી લે છે ! નિસ્વાર્થપણે કરેલી સેવાનું પ્રતિફળ સેવા જ છે.

સેવાનો સંદેશ
મધર ટેરેસાઓ ઈસુના આ સંદેશમાંથી ખાસ પ્રેરણા લઈને પોતાના સાધ્વીમંડળની સ્થાપના કરી છે. એટલે જ મધર ટેરેસાના સાધ્વીમંડળ મિશનરીઝ ઓફ ચેરિટીનાં દરેક સાધ્વીબહેન કોઈપણ પ્રકારના ભેદભાવ વિના અદનામાં અદના માણસની સેવા કરવા વચનબદ્ધ છે. અદનામાં અદના માણસમાં પણ ઈસુ ભગવાનનાં દર્શન કરીને એ સાધ્વાબહેનો કોઈ ધર્મ કે નાજતાના ભેદભાવ લિના નિઃસ્વાર્થ સેવા આપે છે.

ભગવાન ઈસે પ્રબોધેલી સેવાનો આ સંદેશ દરેક ખ્રિસ્તી મિશનરી ભાઈ-બહેન માટે પ્રેરણાસ્ત્રોત છે. એટલે ભગવાન ઈસુનો સેવાનો સંદેશ અને ખ્રિસ્તી લોકોની સેવાની ભાવના સમજતા ન હોય એવા લોકો ખ્રિસ્તીઓનાં સેવાકાર્યને સ્વાર્થ સાધવા કે ધર્મપલચો કરાવવાની લાલચ તરીકે ખપાવે છે. પરંતુ, આવા આક્ષેપકારો તો ખૂબ ઓછા છે. ભારતના અને દુનિયાના મોટા ભાગના લોકો તો ઈસુએ આપેલી સેવાનો સંદેશ સમજે છે, કદર કરે છે. અને સેવાને રસ્તે વળે છે. ભારતના એકેક સમાજસુધારક એનો દાખલો છે.

જાણીતા લેખત-પત્રકાર શ્રી ખુશવંત સિંહના શબ્દો ભગવાન ઈસુનાં જીવન અને સંદેશ વિશેના મારા આ લખાણમાં પ્રસ્તુત છે. મારી 2001ની રોજનીશીમાં નોંધાયેલા શ્રી ખુશવંત સિંહના શબ્દો અહીં ઉતારું છું.

આ દુનિયામાં જીવતાં કોઈ પણ માણસ પર ઊંડો પ્રેમ રાખવા અને એમની નિઃસ્વાર્થ સેવા કરવી તથા તમારો દ્વેષ કરનાર કોઈ પણ માણસને માફી આપવી – આ જ વાત ભગવાન ઈસુએ આપણને શિખવાડી છે.

જાપાનના જાણીતા નવલકથાકાર શુસાકુ એન્ડોએ પણ ઈસુ અંગેના પોતાના ખ્યાલ વિશે લખ્યું છે. તેઓ પોતાના એક પુસ્તકની અંગ્રેજી આવૃતિ એ લાઈફ ઓફ જિસસ (ઈસુનું જીવન) પ્રસ્તાવનામાં લખે છે.

પ્રેમ માટે અને વધુ પ્રેમ માટે જીવી જનાર માણસ તરીકે હું ઈસુને ચીતરું છું. છતાં તેમને ક્રૂસ પર મારી નાખવામાં આવ્યા. કારણ, તેમણે કોઈ હિંસક પ્રતિશોધ વા જીવવાનું પસંદ કર્યું છે. જાપાનની એક નવલકથાકાર હોવાની મારી ભાવનામાંથી મેં ઈસુને ચીતરવાનો રસ્તો અપનાવ્યો છે. જાપાનના મારા વાચકોની ખ્રિસ્તી પરંપરાનો કોઈ ખ્યાલ નથી. તેઓ ઈસુ વિશે કશુંય જાણતા નથી. વળી. ઈસુના વ્યક્તિત્વમાં એમના પ્રેમનાં પાસાં ઉપર મેં વધુ ભાર મૂક્યો છે. મેં મારા બિન-ખ્રિસ્તી દેશ-બંધુઓની ધાર્મિક માનસિકતાને ધ્યાનમાં લઈને ઈસુને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ રીતે જાપાનના લોકોની ધાર્મિક સંવેદનાને પારકું ન લાગે એ રીતે મેં ઈસુને પ્રગટ કર્યા છે.