Bible_English

Welcome to...

English  | 

We are very happy to meet you in our webpage...

ઈસુ ખ્રિસ્ત કોણ છે? મારા ઈષ્ટદેવ ભગવાન ઈસુ (ફાધર વર્ગીસ પોલ)

ઈસુનું પુનરુત્થાન
થોડાં વર્ષો પહેલાં મારા વિદ્વાન સાહિત્યકાર મિત્ર શ્રી રઘુવીર ચૌધરીએ મારા પુસ્તક સુખની કેડીએ ની પ્રસ્તાવનામાં લખ્યું, ઘઉંના દાણાનું દષ્ટાંત ભગવાન ઈસુએ આપેલું છે. ફાધર વર્ગીસને એ અવારનવાર યાદ આવે છે. જ્યાં સુધી ઘઉંનો દાણો જમીનમાં પડીને મરી જતો નથી ત્યાં સુધી એકલો જ રહે છે, પણ જો તે મરી જાય છે તો મબલક પાક પેદા થાય છે.

રઘુવીરભાઈએ સાચું જ કહ્યું છે કે મને ભગવાન ઈસુએ આપેલું દાણાનું દષ્ટાંત અવારનવાર યાદ આવે છે. કારણ, હું ઘઉંના દાણાના દષ્ટાંતમાં માનવજીવન પ્રતિબિંબિત થતું જોઉં છું. એથીય વિશેષ ક્રૂસ પર લટકતા ભગવાન ઈસુ નિઃશબ્દ ભાષામાં જાણે ઘઉંના દાણાના દષ્ટાંતની ઘોષણા કરે છે કે જ્યાં સુધી ઘઉંનો દાણો જમીનમાં પડીને મરી જતો નથી ત્યાં સુધી એકલો જ રહે છે, પણ જો તે મરી જાય છે તો મબલક પાક પેદા થાય છે.

પૃથ્વી પર આપણા માનવ અસ્તિત્વની પ્રથમ ઘડીથી જ આપણને જીવન અને મૃત્યુનો, લાભ અને ખોટનો, સિદ્ધ અને નુકસાનનો અનુભવ થાય છે. આપણા જન્મ વખત આપણને માતાના સુંવાળા ઉદરમાંથી બહાર ધકેલી મૂકવામાં આવે છે. માતાના ગર્ભનું સુંવાળું જીવન ખોઈને આપણને બહારની દુનિયાનો સામનો કરવો પડે છે. અપરિચિત દુનિયાના કોઈ વડીલ લોક આપણી દૂંટીની નાળ કાપે છે અને કોઈ રમકડું હોય તેમ પગથી ઊંઘું પકડીને કૂલા પર ફટાક મારે છે ! આપણને રડાવીને વડીલો મજા કરે છે ! પછી આપણને આપણી માતા પાસે સુવડાવે છે ખરા. પરંતુ હવે આપણું જીવન માતાના જીવનથી અલગ જીવન થઈ ગયું છે. દુનિયાનું આ નવું જીવન પામવા માટે આપણને માતાના ગર્ભનું સુંવાળું જીવન ખોવું પડે છે. હા, એક જીવન ખોઈને જ બીજું નવું જીવન પામવાનો પાછ આપણને મળી ચૂક્યો છે.

જીવન ખોઈ જવાની વાતમાં આપણે સામાન્ય રીતે મૃત્યુની જ વાત કરીએ છીએ. આપણા કોઈ સગાંસંબંધી કે મિત્ર મૃત્યુ પામે ત્યારે આપણને અંગત ખોટનો અનુભવ થાય છે. પરંતુ આપણા અંગત જીવનમાં પણ આપણને સતત જીવનની ખોટ અને સિદ્ધિનો અનુભવ થયા કરે છે. બાળપણનું ચિંતામુક્ત અને કોઈ જવાબદારી વિનાનું જીવન ખોઈને આપણને ધીમે ધીમે વધુને વધુ જવાબદારીભર્યું જીવન ગાળવું પડે છે. કિશોરાવસ્થા અને યુવાનીનાં મુક્તતા અને દેખાવને પણ ખોઈને કરચલાવીળું મોં અને ઠરેલ જિંદગીને આવકારવી પડે છે. યુવાનીની આંખનું ઓજસ ધીમે ધીમે મંદ થવા માંડે છે અને એક દિવસ જન્મના જેવા અનુભવથી ફાની દુનિયાને એલવિદા કહીને મૃત્યુ દ્વારા એક નવા જીવનને ભેટવાની ઘડી આવે છે.

પોતાને શોધીને આવેલી ગ્રીકો અને અન્ય લોકોને ભગવાન ઈસુએ ઘઉંના દાણાના દષ્ટાંતની વાત કરી ત્યારે એમના અંતર્ચક્ષુ આગળ બે દશ્યો પસાર થયાં હશે. એ બે દશ્યો એટલે ક્રૂસ પરના એમના વેદનામય ને નામોશીભર્યા મૃત્યુંનું દશ્ય અને એની ત્રીજા દિવસે થયેલા એમના પુનરુત્થાન કે નવજીવનનું દશ્ય એટલે જ ભગવાન ઈસુએ ઘઉંના દાણાના દષ્ટાંત પહેલાં પોતાના શિષ્યોને કહ્યું હતું કે, માનવપુત્રને મહિમાવસ્થા પ્રાપ્ત થવાનો સમય પાક્યો છે. ગુડ ફ્રાઈડેના ક્રૂસ પરના મૃત્યુ પછી જ ત્રીજા દિવસે પુનરુત્થાન આવે છે ! જીવન ખોઈને જીવને પામવાની આ વાત છે !

ગુડ ફ્રાઈડે કે પુણ્ય શુક્રવારે ઈસુ ખ્રિસ્તને ક્રૂસે ચઢાવવામાં વ્યા હતા તેના આગલા દિવસે, ગુરુવારની મોડી સાંજે, ઈસુએ ભારે માનસિક વ્યથા અનુભવતી હતી. પ્રથમ ત્રણ શુભસંદેશના લેખકોએ – માથ્થીસ માર્ક અને લૂકે નોંધ્યું છે કે બાબાર શિષ્યો સાથે સાંજના ભોજન પછી પોતાની હંમેશની ટેવ મુજબ ઈસુ જેતુન પહાડના ગેથશેમાને નામની જગ્યા પર પ્રાર્થના કરવા ગયા ત્યારે, તે દિવસે તેમણે મહાવ્યથા અનુભવી હતી. સંત લક લખે છે, તીવ્ર વેદના અનુભવતાં તેઓ વધુ ઉત્કટતાથી પ્રાર્થના કરવા લાગ્યા. અને તેમનો પસીનો લોહીનાં મોચાં ટીપાંની પેઠે ભોંય ઉપર ટપકવા લાગ્યો.

ત્રણેય શુભસંદેશકારોએ નોંધ્યું છે તેમ, ભગવાન ઈસુએ પોતાની ઉત્કટતાભરી પ્રાર્થનામાં ઈશ્વર પિતાને કહ્યું કે, હે પિતા, જો તમારી ઈચ્છા હોય તો મારી આગળથી આ પ્યાલો લઈ લો. તેમ છતાં મારી નહિ પણ તમારી જ ઈચ્છા પૂર્ણ થાઓ.

આ જ વાસ સંત યોહાને પોતાના શુભસંદેશમાં જરા જુદી રીતે મૂકી છે. ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, અત્યારે મારો જીવ વલોવાઈ જાય છે, મારે શું એમ કહેવું કે પિતા, મને આ ઘડીમાંથી બચાવો ? ના, ના, એટલા માટે તો હું આ ઘડી સુધી આવ્યો છું. હે પિતા, તમારા નામનો મહિમા પ્રગટ કરો !

ભગવાન ઈસુ પોતાના જીવન અને મૃત્યુનો બરાબર ખ્યાલ રાખીને ક્રૂસ પરના નામોશીભર્યા મૃત્યુને ભેટવા તૈયાર થાય છે. એટલે જ ગુડફ્રાઈડેના દિવસે તેઓ પોતાને ક્રૂસે ચડાવનારાઓને ક્રૂસ પર લટકતાં માફી આપી શકે છે અને પોતાના ઈશ્વર પિતાને પ્રાર્થના કરી શકે છે કે એમનું એમને ભાન નથી.

ઈસુએ ત્રણેક કલાક ક્રૂસ પર વેઠેલી મૃત્યુની વેદના, એમના જીવનની છેલ્લી ઘડીની વાત, સંત લૂકે આ પ્રમાણે કરી છે. ઈસુ મોટેથી બૂમ પાડી ઊઠયા, હે પિતા, મારા પ્રાણ હું તારા હાથમાં સોપું છું ! એટલું બોલીને તેમણે પ્રાણ છોડયા.

ખ્રિસ્તીઓ માને છે કે ભગવાન ઈસુ ખ્રિસ્તનું કે કોઈ પણ માણસનું મૃત્યુ જીવનનો અંત નથી, પણ એક નવા જીવનની તૈયારી છે. મૃત્યુ તો નવું જીવન પ્રાપ્ત કરવાનો દરવાજો છે. ખ્રિસ્તીઓની દઢ શ્રદ્ધા છે કે ઈસુ એ મૃત્યુ દ્વારા મૃત્યુ ઉપર વિજય મેળવ્યો છે. એટલે એમના ઉપર શ્રદ્ધા રાખનારાઓને મૃત્યુથી પર, અનંત જીવન મળે છે. ખ્રિસ્તીઓ માટે એ અનંત જીવનની પ્રતીતિ અને ખાતરી ખુદ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થનમાં છે.

ભગવાન ઈસુએ પોતે પોતાના શિષ્યો આગળ પોતાના પુનરુત્થાનની આગાહી કરી હતી. ઈસુ એ યરુશાલેમ મંદિરનો દુરુપયોગ કરતા લોકોને મંદિરમાંથી હાંકી કાઢયા ત્યારે મંદિરના અધિકારીઓએ ઈસુ પાસે એમની સત્તાની સાબિતીમાં કોઈ પરચો બતાવવાનું કહ્યું હતું. ત્યારે ઈસુએ જવાબ દીધો, આ મંદિરને તોડી પાડો અને ત્રણ દિવસમાં હું એને ઊભું કરી આપીશ.

તે વખતે ઈસુ પોતાના દેહરૂપી મંદિરની વાત કરતા હતા એમ એમના શિષ્યોને ઈસુ ફરી સજીવન થયા પછી ખ્યાલ આવ્યો. સંત યોહાને મંદિર ફરી ઊભિં કરવાની વાતના સંદર્ભમાં લખ્યું છે કે જ્યારે ઈસુ ફરી સજીવન થયા ત્યારે એમના શિષ્યોને એમના આ શબ્દો સાંભર્યા અને તેમજ શાસ્ત્ર ઉપર અને ઈસુનાં વચન ઉપર વિશ્વાસ બેઠો. આધ્યાત્મિક ગુરુ માર્ક લિંકે ભગવાન ઈસુના ક્રૂસ પરના સરસ રીતે સમજાવી છે. એમણે ઘઉંના દાણાના દષ્ટાંતના સંદર્ભમાં આપેલો દાખલો ભગવાન ઈસુના ક્રૂસ પરના મૃત્યુ અને પુનરુત્થાનને સમજાવવામાં આપણને ખૂબ મદદરુપ છે.

એક ઉનાળાનો દિવસ હતો. પાછલા પહોરનો સમય હતો. હોલીવુડ સિનેમાના જાણીતા નિર્દેશક સેસિલ બી. ડિમેલ માઈમ ખાતેના તળાવમાં એક હોડીમાં બેઠા બેઠા એક પુસ્તક વાંચતા હતા. વાંચવા વચ્ચે એમના આંખો તળાવના પાણી પર પડી. એમણે પાણીના વંદાને શાંત નીરમાં રમતા જોયા.

એવામાં એકાદ વંદાને ધીમે સળવળતાં પોતાની હોડી પર ચઢતો જોયો. પણ છેક ઉપર આવતાં પહેલાં એ વંદાએ પોતાના પગના નહોરને હોડીના લાકડા પર ચોંટાડી દીધો અને એ વંદો સુકાઈ જઈને મરી ગયો. ડિમેલ એકાદ મિનિટ એ રીતે વંદાને જોઈને ફરી વાંચવામાં પરોવાયા. ત્રણેક કલાક પાછી ફરી ડીમેલની નજર પેલા વંદા પર પડી. તેમણે એ મરેલા પંદાને સૂક્ષ્મ નજરે જોયો.

ડિમેલને સુકાઈને મરી ગયેલા વંદાને જોતાં ખૂબ સાનંદાશ્ચર્ય થયું. મરેલો વંદો અંદરથી સળવળતો હોય એવું લાગ્યું. પછી એના બહારનું કવચ તૂટવા લાગ્યું. ડિમેલ જોતા રહ્યા ત્યાં વાંદાના પેલા કવચમાંથી એક ભીનું માથું દેખાયું અને પછી એની પાંખો. તરત જ માખી જેવી પાંખોની બે જોડવાળી ડ્રાગન-ફલાઈ દેખાઈ અને જોતજોતામાં એની પાંખો હલાવીને એ હવામાં ઊડીને ક્યાંક દૂર જતી રહી ! પાણીમાં રમતા વાંદાઓ ક્યાં અને હવામાં ઊડતી એ ડ્રાગન-ફલાઈ ! ત્રણેક કલાકમાં વાંદામાંથી ડ્રાગન-ફલાઈ ! બંનેના રૂપમાં કે જીવનમાં કોઈ સામ્ય નથી. ડિમેલે પોતાની હોડીની બહાર ચોંટી રહેલા પેલા કવચને પોતાના હાથમાં લીધું. તે કવચ તો ખાલી કબર જેવું હતું,

ઈસુના મૃતદેહને ક્રૂસ પરથી ઉતારીને ગુડ ફ્રાઈડેના દિવસે ઉતાવળે ખડકમાં કોરી કાઢેલી એક નવી કબરમાં મૂક્યોહતો અને એક મોટી શિલાથી કબરને બંધ કરવામાં આવી હતી. એના ત્રીજા દિવસે વિશ્રામ પછીની પહેલી સવારે કબર પર પહોંચેલા ઈસુના શિષ્યોને ફક્ત ખાલી કબર પર જ જોવા મળી ! ઈસુના પુનરુત્થાનનો પુરાવો આ ખાલી કબર જ છે. પુનરુત્થાન પામેલા ઈસુએ પોતાના શિષ્યોને દર્શન દીધાં. ઈસુને ક્રૂસે ચડાવવા લોકોની બીકથી સંતાઈ રહેનાર શિષ્યોમાં ઈસુનાં પુનરુત્થાન અને દર્શન પછી આશ્ચર્યજનક પરિવર્તન આવ્યું અને શિષ્યો નીડરપણે ઈસુના પુનરુત્થાનની અને એમના સંદેશની ઘોષણા કરવા લાગ્યા.

સમગ્ર ખ્રિસ્તી આલમ ગુડફ્રાઈડે અને ઈસુના નવજીવનનું પર્વ કેવળ બે હજાર વર્ષ પહેલાંની એક ઐતિહાસિક ઘટના તરીકે નહિ પણ ઘઉંના દાણાના દષ્ટાંતની જેમ જીવનની ખોટ મૃત્યુને અને નવજીવનની સિદ્ધિને દૈનિક જીવનના અનુભવો તરીકે ઊજવે છે.

દરેક વખતે આપણા પ્રેમને ધિક્કારવામાં આવે છતાં આપણને ધિક્કારનાર ઉપર આપણે પ્રેમ રાખીએ છીએ ત્યારે આપણે ભગવાનઈસુનાં મૃત્યુ અને પુનરુત્થાનમાં ભાગ લઈએ છીએ. દરેક વખતે આપણા વિશ્વાસને દગો દેવામાં આવે છતાં આપણે વિશ્વાસ રાખીએ ત્યારે આપણે ભગવાન ઈસુનાં મૃત્યુ અને પુનરુત્થાનમાં ભાગ લઈએ છીએ.

દરેક વખતે આપણે નિષ્ફળ જઈએ, હારી જઈએ છતાં આપણે હતાશા પામ્યા વગર ફરીથી નવો પ્રયાસ કરીએ ત્યારે આપણે ભગવાન ઈસુનાં મૃત્યુ અને પુનરુત્થાનમાં ભાગ લઈએ છીએ. દરેક વખતે આપણી આશાને ઠુકરાવવામાં આવ્યા પછી આપણે માણસો પર આશા બાંધીએ ત્યારે આપણે ભગવાન ઈસુનાં મૃત્યુ અને પુનરુત્થાનમાં ભાગ લઈએ છીએ.

દરેક વખતે આપણે નિષ્ફળ જઈએ, હારી જઈએ છતાં આપણે હતાશા પામ્યા વગર ફરીથી નવો પ્રયાસ કરીએ ત્યારે આપણે ભગવાન ઈસુનાં મૃત્યુ અને પુનરુત્થાનમાં ભાગ લઈએ છીએ. દરેક વખતે આપણી આશીને ઠુકરાવવામાં આવ્યા પછી આપણે માણસો પર આશા બાંધીએ ત્યારે આપણે ભગવાન ઈસુનાં મૃત્યુ અને પુનરુત્થાનમાં ભાગ લઈએ છીએ.

આ દષ્ટિએ ગુડફ્રાઈડેના ઈસુના ક્રૂસ પરના મૃત્યુ અને ત્રીજા દિવસે એટલે પુનરુત્થાનના રવિવારે ઈસુના નવજીવન વચ્ચે નિકટનો સંબંધ છે. તો આપણા જીવનના ગુડ ફ્રાઈડે પછી પણ પુનરુત્થાનનો રવિવાર છે એવી શ્રદ્ધા અને આશાથી આપણા જીવનને ઉદાત્ત અને ઉત્કૃષ્ટ બનાવીએ.