Bible_English

નવા કરારની સામાન્ય માહિતી

સમાજના વર્ગો

  • પુરોહિતોઃ  પુરોહિતો મોશેના ભાઈ અહરોનના કુળના તેમ જ લેવી વંશના વંશજો હતા (મહા 28, 40-31, 30-30). એ વંશને મંદિરની સેવા સોંપવામાં આવી હતી (મહા 32, 29). મોટા ભાગના પુરોહિતો યરુશાલેમના મંદિરમાં સેવા બજાવતા હતા. મંદિરમાં અસંખ્ય બલિઓ ને નૈવેદ્યો ધરવામાં આવતાં. દરેક બલિ કે નૈવેદ્ય નો અમુક ભાગ પુરોહિતોને જતો, એટલે મંદિરની સેવા ધનપ્રાપ્તિનું એક સાધન બની ગઈ.

મંદિરની સેવા કરવા ઉપરાંત ઘણા પુરોહિતો મોટા જમીનદારો ને વેપારીઓ પણ બન્યા હતા.

  • સદૂકીઓ અથવા ઉદ્દામવાદીઓઃ તેઓ ધનવાન અને વગવસીલાદાર લોકો હતા. તેઓ પણ વેપારીઓ અને જમીનદારો હતા. પૈસા અને સત્તા એ જ એમનો આરાધ્ય દેવ બન્યાં હતાં, એટલે પરંપરાગત યહૂદી ધર્મ પ્રત્યે તેઓ બેદરકાર બન્ય હતા. તમના પર પરદેશી શાસકોના રીતરિવાજો જબરી અસર પડી હતી. અનેક યહૂદી ધાર્મિક માન્યતાઓને તેઓ પડકારતા હતા, દા.ત. તેઓ મૃતોના પુનર્જીવનમાં માનતા નહોતા (માથ્થી 22,23-33). અમુક પુરોહિતો પણ આ વર્ગના હતા.
  • શાસ્ત્રીઓઃ આ વર્ગ બાબિલમાંના યહૂદીઓના દેશવટા દરમ્યાન અસ્તિત્વમાં આવ્યો હતો. તેઓ ધાર્મિક વૃત્તિવાળા ને શાસ્ત્રના અભ્યાસી હતા. યહૂદીઓ બાબિલમાં હતા ત્યારે એમની પાસે જૂનો કરાર નહોતો. તેમની પાસે માત્ર જુદી જુદી પરંપરાઓના જુદાં જુદાં લખાણો હતા. શાસ્ત્રીઓએ એ બધાંનું વ્યવસ્થિત સંકલન કરીને પ્રથમ યહૂદી બાઈબલનું સંપાદન કર્યું હતું. એમાં મોશેના પાંચ ગ્રંથોનો ને પયગંબરોનાં વચનોનો સમાવેશ થતો હતો.

 

સ્વદેશે પાછા ફર્યા બાદ શાસ્ત્રીઓએ બાઈબલનો અભ્યાસ ચાલુ રાખ્યો. વળી તેઓ લોકોની આગળ તેનું વિવરણ પણ કરત ને એ વિશે બોધ પણ આપતા, આથી લોકો તેમના પ્રત્યે આદરભાવથી જોતા.

  • ફરોશીઓ અથા રૂઢિચુસ્તોઃ ફરોશીઓ શાસ્ત્રના સંખ્યાબંધ નિયમોના તથા એ નિયમોને આધારે પંડિતોએ રચેલા સેંકડો પેટા નિયમોના ચુસ્ત પાલોક હતા.

એ વર્ગ ઈ.સ. પૂર્વે દોઢસો એક વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યો હતો. તે વખતે ઈસ્રાયલ ઉપર ગ્રીક લોકોનો અમલ ચાલતો હતો. ગ્રીક લોકોની સંસ્કૃતિએ યહૂદીઓના ધનવાન ને શક્ષિત વર્ગ ઉપર ભારે આકર્ષણ જમાવ્યું હતું. ઘણા યહૂદીઓ પોતાની ધાર્મિક પ્રણાલિકાઓનો ત્યાગ કરીને ગ્રીકોના રીતરિવાજોથી રંગાવા લાગ્યા હતા. આવા સંજોગોમાં પરંપરાગત ધર્મની પ્રણાલિકાઓન પ્રખર ચાહકોનો એક વર્ગ ઊભો થયો, જેનો હેતુ પરદેશી ધર્મ ને સંસ્કૃતિનો સામનો કરી અસલ યહૂદી ધર્મનું રક્ષણ કરવાનો હતો. તેઓ શાસ્ત્રના બધા નિયમોના ચુસ્ત પાલનનો આગ્રહ રાખનારા હતા. એમને ફરોશી કહેવામાં આવતા, ફરોશી એટલે, રૂઢિચુસ્ત મરજાદી.

તેમનો હેતુ શુભ ને પ્રશંસનીય હતો, છતાં ધીમે ધીમે તેઓ નર્યા રૂઢિવાદમાં સરી પડયા. ઠાલો બાહ્યાચાર સાચી શ્રદ્ધા ને ભક્તિનું સ્થાન લેવા લાગ્યો (માર્ક 7. 5-7). નિયમો ને વિધિવિધાનો પાર વગર વધતાં રહ્યાં, ને એ બધાંનું ચુસ્ત પાલન ન કરી શકનારા સામાન્ય લોકોના ફરોશિઓ તિરસ્કાર કરતા, તેમને પાપી જ ગણતા. પોતે જ ધર્મપરાયણ ને પુણ્યશાળી છે, આમજનતા કરતાં ક્યાંયે ચઢિયાતા છે, એવું તેઓ માનતા થયા. પુરોહિતો ને શાસ્ત્રીઓ સમેત તેઓ ઈસુના કટ્ટર દુશ્મનો બની ગયા.

  • દરિદ્રોઃ યહૂદી સમાજને બીજે છેડે સામાન્ય ગરીબ લોકો હતા. ઈસુના જમાનામાં ગરીબી ખૂબ વ્યાપક હતી. ઘણા લોકો પાસે બિલકુલ જમીન નહોતી ને તેમને મજૂરી પર નભું પડતું હતું. બીજા અનેકોની પાસે જમીન તો હતી, પણ ખૂબ ઓછી, પેટિયું કાઢવા જેટલીય નહિ. ભિખારીઓની સંખ્યા વધતી ચાલી. આવા લોકોમાં રોગો સહજ રીતે ફેલાઈ જતા. કોઢિયાં, લૂલાંલંગડાં, આંધળાં, લકવવાળાં, વગાડળમાં ખપી જતા માનસિક રોગોથી પીડાતાં લોકો, વગેરે.

 

આ બધાં લોકોને પુરોહિતો અને ફરોશીઓ ઈશ્વરનો શાપ વહોરેલાં પાપી લોકો ગણતા હતા. એમની સાથે વ્યવહાર રાખી જ ન શકાય. રાખવાથી અભડાઈ જવાય. ઈસુ તો આવા જ લોકોની વચ્ચે છૂટથી હરતાફરતા હતા. તેમની સાથે જ વિશેષ વ્યવહાર રાખવાનું તેમણે પસંદ કર્યું હતું.

  • જકાતદારોઃ જકાતદારોનો પણ પાપીઓ માં સમાવેશ થતો હતો. તેમનો ધંધો સરકાર માટે કર ઉઘરાવવાનો હતો. પણ એ સરકાર પરદેશી અને વિધર્મી રોમનોની સરકાર હતી. એટલે જકાતદારોને દેશદ્રોહી અને ધર્મદ્રોહી ગણવામાં આવતા. વળી, સરકારે ઠરાવેલ રકમ કરતાં વધુ પૈસા લોકો પાસેથી પડાવી લઈને તેઓ પોતાનાં ખિસ્સાં ભરતા હતા, એટલે દેશદ્રોહી અને ધર્મ-દ્રોહી ઉપરાંત તેઓ ભ્રષ્ટાચારી ને લૂંટારામાં પણ ખપી જતા.
  • શમરુનીઓઃ ઈસ્રાયલના ઈતિહાસ ઉપરથી આપણે જાણીએ છીએ કે શમરુનીઓની એક વર્ણસંકર પ્રજા હતા. અશૂરના લશ્કરે દેશના ઉત્તર ભાગનો એટલે કે શમરુનનો કબજો લીધો હતો ત્યારે (ઈ.સ. પૂર્વ 722ની સાલમાં) તેણે ત્યાંના ઘણા ખરા વતનીઓને નિનવે દેશવટો દીધો હતો, માત્ર ગરીબ આમજનતાને સ્વદેશમાં રહેવા દીધી હતી. અધૂરામાં પુરું અશૂરના ઘણા લોકોએ ઈસ્રાયલમાં આવીને વસવાટ કર્યો ને સ્થાનિક પ્રજા સાથે લગ્નસંબંધથી તેઓ જોડાઈ ગયા. આમ એક વર્ણસંકર પ્રજા ઉત્પન્ન થઈ. એ પ્રજા શમરુની પ્રજા કહેવાઈ. એ વર્ણસંકર પ્રજાના ધર્મમાં પણ સંકરતા પ્રવેશી ગઈ. આગંતુક અશૂરીઓ જાતજાતનાં દેવદીઓના પૂજકો હતા. એટલે મૂળ યહૂદી ધર્મમાં પરદેશી ધર્મનાં ઘણાં તત્વો ભળવા પામ્યાં. આને કારણે યહૂદીઓ શમરુનીઓને ધિક્કારતા હતા, તેમને હલકા ને અછૂત જેવા ગણાતા હતા તેમની સાથે વ્યવહાર રાખતા નહોતા (યોહાન 4,5-10).
  • જહાલો અથવા ઝનૂની દેશભક્તોઃ આ લોકો સાચા દેશપ્રેમ, અસલ ધર્મપ્રેમી ને ક્રાંતિકારી હતા. રોમન લોકોનું શાસન તેમને ચાલ્યા કરતું હતું ને તેને ઉથલાવી દેશને સ્વતંત્ર બનાવવા માટે તેઓ સશસ્ત્ર બળવાની હિમાયત કરતા. તેઓ નાનાં નાનાં યુદ્ધો લડીને રોમનોને સતત સતાવ્યા કરતા હતા. રોમનો તેમને બળવાખોરોને બહારવટિયામાં ખપાતા હતા. ઈસુનો એક શિષ્ય આ વર્ગમાંનો હતો.

આવો હતો ઈસુનો સમાજ, તેઓ આ સમાજના કયા વર્ગના હતા ? આમ તો નાસરેથનું એમનું કુટુંબ આમજનતામાં ખપે એવું ગરીબ કુટુંબ હતું. તે એક નાના ગામડાના એક ગરીબ કારીગરનું કુટુંબ હતું. પરંતુ ગૃહત્યાગ કર્યા પછી ઈસુ ઉપદેશ કરતા કરતા ગામે ગામ ફરવા લાગ્યા ત્યારે તેઓ બધા વર્ગોથી પર રહ્યા. તેઓ બધા લોક સાથે છૂટથી વ્યવહાર રાખતા હતા. એમને કોઈ એક વર્ગના ચોકઠામાં પૂરી શકાય એમ નહોતું.

ધાર્મિક સંસ્થાઓ અને પ્રણાલિકાઓ
ઈસુના દેશમાં અમુક ધાર્મિક સંસ્થાઓ ને પ્રણાલિકઓ હતી જે બધા યહૂદીઓને અને તેથી ઈસુન પણ ખૂબ પ્રિય હતી.

  • યરુશાલેમનું મંદિર

તે મૂળ તો શલોમોને બંધાવેલું, પાછળથી પરદેશીઓએ તોડી પાડેલું, ને જેમ તેમ કરીને એઝરાના જમાનામાં પુનઃઉભું કરેલું. યરુશાલેમનું મંદિર પછી હેરોદ રાજાએ પૂરા ઠાઠમાઠથી નવેસર બંધાવ્યું હતું. બાંધકામ ઈસુના જન્મની આસપાસનાં વર્ષોમાં શરૂ થયું હતું,  ને ઈસુ મોટા થયા ત્યાં સુધીમાં તે લગભગ પુરું થવા આવ્યું હતું. તેનું બાંધકામ ખરેખર ભવ્ય હતું. યહૂદીઓની માન્યતા પ્રમાણે મંદિર પોતાના લોકો વચ્ચેની ઈશ્વરની સતત હાજરીનું પ્રતીક હતું.

  • સભાગૃહ

મંદિર એક જ હતું, પણ ગામે ગામ સભાગૃહો ઊભા કરવામાં આવ્યાં હતાં. વિશ્રામવારે ગામના લોકો એમાં પ્રાર્થના ને શાસ્ત્રપઠન માટે ભેગા થતા હતા.

યહૂદીઓ દેશવટામાં હતા ત્યારે જ સભાગૃહો બાંધવાનું શરૂ થયું હતું. પરદેશમાં ને વિધર્મી લોકોની વચ્ચે અસલ ધર્મશ્રદ્ધાને પવિત્ર પરંપરાઓ અકબંધ ચાલુ રાખવાનો એ એક ઉત્તમ રસ્તો નીવડયો. દર શનિવારે લોકો સભાગૃહોમાં ભેગ થતા ને શાસ્ત્રીઓ એમની આગળ શાસ્ત્રની વિવરણ કરતા.

દર શનિવારે ઉપાસના માટે ભેગા થવાની આ પ્રથાએ ખૂબ ઊંડાં મૂળ ઘાલ્યાં હતાં. દેશવટેથી પાછા ફર્યા પછી એ પ્રથા ચાલુ રહી. ખરું જોતાં રવિવારે ભેગા થવાની ઈસુપંથીઓની પ્રથાનાં મૂળ પણ એમાં જ રહેલાં છે.

  • વિશ્રામવાર

એ શનિવારે પળાતો હતો. શુક્રવારના સૂર્યાસ્ત પછી તે શનિવારના સૂર્યાસ્ત પર્યંત કોઈએ પણ કામ કરવાની સખત મનાઈ હતી. આજે પણ ધાર્મિક યહૂદીઓ વિશ્રામવારનું ચુસ્ત પાલન કરે છે. મોશેએ આપેલી દસ આજ્ઞાઓમાંની એ ત્રીજી આજ્ઞા છે (મહા. 19.2). આ આજ્ઞાનું મહત્વ ઠસાવવા માટે શાસ્ત્રમાં ઈશ્વરને પણ સાતમે દિવસે વિશ્રામવાર પાળતો બતાવ્યો છે. (ઉત્પ. 2, 3).

ઈસુપંખથી શનિવારે બદલે રવિવારે વિશ્રામ પાળે છે, કારણ કે એ દિવસે ઈસુનું પુનરુત્થાન થયું હતું.

  • યહૂદીઓનું શાસ્ત્ર

ઉપર કહ્યું છે તેમ યહૂદી શાસ્ત્રનું સંકલન અને સંપાદન દેશવટા દરમ્યાન થયું હતું. એના બે મુખ્ય ભાગ હતા. મોશની નિયમસંહતા અથવા પંચગ્રંથી અને પયગંબરો.

પયગંબરોના વિભાગમાં યહૂદીઓ સાથે આપણે ઈતિહાસગ્રંથોના વિભાગમાં જેનો સમાવેશ કરીએ છીએ તેવા અમુક ગ્રંથોનો (જેમ કે શમુએલના ગ્રંથોનો) સમાવેશ કરતા. નવા કરારમાં યહૂદી શાસ્ત્રનો ઉલ્લેખ ઘણી વખત મોશેની નિયમસંહિતા ને પયગંબરો એ નામે થતો હતો (માથ્થી 5, 17).

  • મુક્તિદાતા – મસીહ – ની ઝંખના

છેવટે, દરેક ભાવિક .યહૂદીના દિલમાં તરવરી રહેલી એક તીવ્ર અપેક્ષાનો ઉલ્લેખ કરવો જોઈએ, તે હતી મસીહ-મુક્તિદાતાની અપેક્ષા. મોટાભાગના યહૂદીઓ એમ માનતા કે ઈશ્વર પ્રજાનો ઉદ્ધાર કરવા માટે એક મુક્તિદાતાને મોકલવાનો હતો. તે દાવિદનો વંશ જ હશે, ને દાવિદને ક્યાંયે ટપી જાય એવું સામર્થ્ય ધારણ કરીને તે ઈસ્રાયલના પરદેશી દુશ્મનોને હાંકી કાઢશે, એટલું જ નહિ બીજી પ્રજાઓને પણ તે ઈસ્રાયલીઓને તાબે કરશે, ને આમ તે ઈશ્વરનું રાજ્ય સ્થાપશે. ઈશ્વરના રાજ્ય વિશેની તદ્દન દુન્યવી માન્યતા હતા એ.

ગરીબ અને કચડાયેલ લોકો એવું માનતા હતા કે મસીહ આવીને સમાજમાંથી અન્યાય ને શોષણ દૂર કરશે, ગરીબોનો ઉદ્ધાર થશે ને અન્યાયી ધનવાનોને સજા થશે, ટૂંકમાં સમાજ તળેઉપર થઈ જશે, ધનવાનો ગરીબ બનશે ને ગરીબો ધનવાનો બનશે. માતા મરિયમના મહિમાગાનમાં આ માન્યતાનો પડઘો પડયો છે. (લીક 1, 52-53).

આવા અપેક્ષિત મુક્તિદાતાને હિબ્રૂ ભાષામાં મસીહ કહેતા હતા, મસીહ શબ્દનો અર્થ અભિષિક્ત એટલે કે ઈશ્વરે અભિષેક કરીને મોલેલો રાજા એવો થાય છે. ગ્રીક ભાષામાં અભિષિક્ત ખ્રિસ્તોસ કહેવાય છે, એટલે ગ્રીક ભાષામાં લખનાર શુભસંદેશકારોએ મસીહ શબ્દનો તરજૂમો ખ્રિસ્તોસ શબ્દથી કર્યો. પાછળથી એ શબ્દ ઈસુ માટેનું બીજું નામ બન્યો હતો. પણ શુભસંદેશમાં જ્યારે જ્યારે ખ્રિસ્ત શબ્દ આવે છે ત્યારે તેને ઈસુના એક બિરુદ તરીકે લેવાતો હોય છે. આમ ઈસુ એ ખ્રિસ્ત છે એ વાક્યનો અર્થ ઈસુ એ મસીહ છે, જેની અપેક્ષા રખાતી હતી તે મુક્તિદાતા છે એવો ઘટાવવાનો હોય છે. હું કો છું ? એવા પ્રશ્નના જવાબમાં પીતરે આપ ખ્રિસ્ત છો એવું કહ્યું ત્યારે તેણે એવો એકરાર કર્યો હતો કે યહૂદીઓ જેની રાહ જોઈ રહ્યા હતા તે ઈશ્વરનો અભિષિક્ત મુક્તિદાતાને રાજા તે ઈસુ જ છે (માથ્થી 16, 26).