Bible_English

અધ્યાય-4

ઈસુની કસોટી
  • ઈસુ પવિત્ર આત્માથી સભર બનીને યર્દન નદીમાંથી પાછા આવ્યા અને આત્માના પ્રેર્યા ચાળીસ દિવસ સુધી વગડામાં રહ્યા.
  • ત્યાં સેતાને તેમની કસોટી કરી. એ દિવસો દરમિયાન એમણે કશું ખાદ્યું નહિ, અને એ સમય પૂરો થયો ત્યારે તેમને ભૂખ લાગી.
  • સેતાને તેમને કહ્યું, જો તું ઈશ્વરનો પુત્ર હોય તો આ પથ્થરને રોટલો થઈ જવાનું કહે.
  • ઈસુએ તેને જવાબ આપ્યો. શાસ્ત્રમાં લખ્યું છે કે, માણસ એકલા રોટલા ઉપર નથી જીવતો.
  • ત્યાર પછી સેતાને ઈસુને ઉપર લઈ જઈને એક ક્ષણમાં જગતનાં બઘાં રાજ્યો બતાવ્યાં અને કહ્યું.
  • હું તને આ બધાંની સત્તા અને એનો વૈભવ આપીશ, કારણ, એ બધું મને સોંપેલું છે અને મારે આપવું હોય તેને આપું.
  • એટલે તું જો મારી પૂજા કરતો હોય તો આ બધું તારું છે.
  • ઈસુએ તેને જવાબ આપ્યો, શાસત્ર્માં લખ્યું છે કે, તારે તારા ઈશ્વર પ્રભુની પૂજા કરવા અને તેની એકલાની જ સેવા કરવી.
  • ત્યાર પછી તે તેમને યરુશાલેમ લઈ ગયો અને મંદિરના શિખર ઉપર ઊભા રાખીને કહ્યું, જો તું ઈશ્વરનો પુત્ર હોય તો અહીંથી પડતું મૂક.
  • કારણ, શાસ્ત્રમાં લખ્યું છે કે, તે પોતાના દૂતોને તારી સંભાળ રાખવાની આજ્ઞા ફરમાવશે.
  • અને વળી, રખેને તારો પગ પથ્થર સાથે ભટકાય એટલા સારુ તેઓ તને પોતાના હાથ ઉપર ઝીલી લેશે.
  • ઈસુએ તેને જવાબ આપ્યો, શાસ્ત્રમાં લખ્યું છે કે, તારે તારા ઈશ્વર પ્રભુની કસોટી કરવાની નથી.
  • આમ, બધી જાતની કસોટીઓ કરી પરવાર્યા પછી સેતાન ઈસુ પાસેથી ચાલ્યો ગયો અને બીજી તકની રાહ જોવા લાગ્યો.
ગાલીલમાં ઘોષણા
  • ત્યાર પછી પવિત્ર આત્માની શક્તિથી સંપન્ન થઈને ઈસુ પાછા લાલીલ આવ્યા અને તેમની ખ્યાતિ આસપાસના આખા પ્રદેશમાં ફેલાઈ ગઈ.
  • તેઓ યહૂદીઓનાં સભાગૃહોમાં ઉપદેશ કરતા હતા અને સૌ કોઈની પ્રશંસા પામતા હતા.
ગામનો દીકરો ગામમાં ન પુજાય
  • પછી તેઓ નાસરેથ આવ્યા, જ્યાં તેઓ ઊઠર્યાં હતા. પોતાના નિયમ મુજબ વિશ્રામવારને દિવસે તેઓ સભાગૃહમાં ગયા અને વાંચવા ઊભા થયા.
  • પયગંબર યશાયાનું ઓળિયું તેમના હાથમાં આપવામાં આવ્યું. તેમણે ઓળિયું ઉઘાડયું અને નીચેનાં વચનોવાળી જગ્યા શોધી કાઢી.
  • મારામાં પ્રભુનો આત્મા ઊતરી આવ્યો છે. કારમષ તેણે મારો અભિષેક કર્યો છે. તેણે મને એટલા માટે મોકલ્યો છે કે હું દીનજનોને શુભસંદેશ સંભળાવું, બંદીવાનોને મુક્તિદાન અને અંધજનોને દષ્ટિદાન જાહેર કરું, દલિતોને મુક્ત કરું.
  • તેમ જ પ્રભુની કૃપાના વર્ષાની ઘોષણા કરું.
  • પછી તેઓ ઓળિયું વીટીં દઈ સેવકને પાછું આપી બેસી ગયા. સભાગૃહમાં સૌની નજર તેમની ઉપર મંડળાયેલી હતી.
  • તેમણે તેમને કહેવા માંડયું. આજે આ શાસ્ત્રવચન તમારા સાંભળતાં સાચું પડયું છે.
  • સૌ કોઈ તેમની પ્રશંસા કરવા લાગ્યું અને તેમના મુખમાંથી આવી પ્રાસાદિક વાણી નીકળતી જોઈ સૌ અચંબો પામ્યા અને કહેવા લાગ્યા, શું આ યૌસેફનો દીકરો નથી ?
  • ત્યારે ઈસુએ તેમને કહ્યું, બેશક, તમે મને પેલી કહેવત સંભળાવશો કે, ઓ વૈદ, તારી જાતને જ સાજી કરો ને ! કહેશો, કફરનહૂમાં તેં શું શું કર્યું છે તે અમે સાંભળ્યું છે. અહીં તારા વતનમાં એ કરી બતાવને !
  • અને તેમણે વધારામાં કહ્યું હું તમને ખાતરીથી કહું છું કે, કોઈ પણ પયગંબરનો તેના પોતાના વતનમાં સ્વીકાર થતો નથી.
  • હું તમને સાચું કહું છું કે, એલિયાના વખતમાં જ્યારે સાડા ત્રણ વરસ સુધી આકાશમાંથી વરસાદનું ટીપું સરખું વરસ્યું નહોતું અને આખા દેશમાં ભારે દુકાળ પડયો હતો.
  • ત્યારે ઈસ્રાયલમાં વિધવાઓ તો ઘણી હતી, તેમ છતાં સિદોન પ્રદેશમાં સારફતમાં રહેતી એક વિધવા સિવાય બીજા કોઈ પાસે એલિયાને મોકલવામાં આવ્યો નહોતો.
  • વળી, પયંગબર એલિશાના વખતમાં ઈસ્રાયલમાં કોઢિયા તો પુષ્કળ હતા, છતાં સિરિયાના નામાન સિવાય બીજા કોઈને સાજો કરવામાં આવ્યો નહોતો.
  • આ સાંભળીને સભાગૃહમાં ભેગા થયેલા બધા લોકો ક્રોધથી સળગી ઊઠયા.
  • એકમદ ઊભા થઈને તેઓ ગામ બહાર હાંકી કાઢી જે પર્વત ઉપર ગામ વસેલું હતું તેની એક કરાડ આગળ લઈ ગયા. તેમનો ઈરાદો એમને ગબડાવી પાડવાનો હતો.
  • પણ ઈસુ તેમની વચ્ચે થઈને ચાલ્યા ગયા.
અનોખો અધિકાર
  • ગાલીલના એક શહેર કફરનહૂમમાં તેમણે વિશ્રામવારને દિવસે લોકોને ઉપદેશ આપવા માંડયો.
  • લોકો એમનો ઉપદેશ સાંભળીને ખૂબ આશ્ચર્ય પામતા, કારણ, એમના શબ્દોમાં અધિકારનો રણકો હતો.
  • સભાગૃહમાં એક માણસ વો હતો જેને અશુદ્ધ આત્મા વળગ્યો હતો.
  • તે મોટેથી બૂમ પાડી ઊઠયો, ઓ નાસરેથના ઈસુ, તારે ને અમારે શું ? તું મારો નાશ કરવા આવ્યો છે ? મને ખબર છે તું કોણ છે તેઃતું પરમેશ્વરનો પરમ પવિત્ર પુરુષ છે.
  • ઈસુએ તેને બોલતો અટકાવીને કહ્યું, ચૂપ રહે, અને એનામાંથી બહાર નીકળ. ત્યારે અપદૂત તે માણસને બધાના દેખતાં પછાડીને તેને કશી ઈજા કર્યા વગર નીકળી ગયો.
  • બધા આશ્ચર્યચકિત થઈ ગયા અને એકબીજાને કહેવા લાગ્યા, આ માણસની વાણીમાં એવું શું છે ? એ અધિકાર અને સામર્થ્યપૂર્વક અશુદ્ધ આત્માઓને આજ્ઞા કરે છે ને તેઓ બહાર નીકળી જાય છે.
  • અને ઈસુની કીર્તિ આસપાસના એકેએક ગામે પ્રસગી ગઈ.
મંદવાડ મટાડયા
  • સભાગૃહમાંથી નીકળીને ઈસુ સિમોનને ઘેર ગયા. સિમોનની સાસુને સખત તાવ આવેલો હતો. તે લોકો ઈસુને તેને સાજી કરવાની વિનંતી કરી.
  • તેમણે તેના ઉપર ઝૂકીને તાવને આજ્ઞા કરતાં તેનો તાવ ઊતરી ગયો અને તે એકદમ ઊભી થઈને તેમને સેવા કરવા લાગી.
  • સૂર્યાસ્ત થતાં જ જેનાં જેનાં સંબંધીઓ કોઈ પણ રોગથી પીડાતાં હતાં તેમને બઘાંને તેઓ ઈસુની પાસે લઈ આવ્યા અને ઈસુએ એકેએકની ઉપર હાથી મૂકીને તેઓને સાજાં કર્યા.
  • ઘણાંમાંથી તો અપદૂતો પણ તું ઈશ્વરનો પુત્ર છે. એમ બૂમો પાડતા પાડતા બહાર નીકળ્યા, પરંતુ ઈસુએ તેમને બોલાવીને મના કરી, કારણ, પોતે ખ્રિસ્ત છે એની એ લોકોને ખબર હતી.
  • પરોઢ થતાં જ ઈસુ બહાર નીકળીને એકાંત જગ્યાએ ચાલ્યા ગયા. પણ લોકો શોધતા શોધતા તેમની પાસે જઈ પહોંચ્યા અને આગ્રહ કરવા લાગ્યા કે, અમને છોડીને જશો નહિ.
  • પણ તેમણે તેઓને કહ્યું, બીજાં ગામોને પણ મારે ઈશ્વરના રાજ્યના શુભસમાચાર સંભળાવવાના છે. કારણ, મને એટલા માટે જ મોકલ્યો છે.
  • અને એમણે યહૂદિયાનાં સભાગૃહોમાં શુભસંદેશની ઘોષણા કરવાનું ચાલુ રાખ્યું.