Bible_English

અધ્યાય-6

માનવ ચડે કે કાયદો ?
  • એક વાર વિશ્રામવારને દિવસે ઈસુ અનાજના ખેતરમાં થઈને જતા હતા, એવામાં તેમના શિષ્યોએ ડૂંડાં તોડી હાથમાં મળીને ખાવા માંડયાં.
  • આથી કેટલાક ફરોશીઓએ કહ્યું, વિશ્રામવારને દિવસે જેનો નિષેધ તે તમે શા માટે કરો છો ?
  • ઈસુએ તેમને જવાબ આપ્યો, દાવિદ અને તેના સાથીદારો ભૂખ્યા થયા હતા ત્યારે દાવિદે શું કર્યું હતું તે તમે વાચ્યું નથી ?
  • ઈશ્વરના થાકનમાં જઈને ત્યાં ધરાવેલા રોટલા લઈને તેણે ખાદ્યા હતા અને પોતાના સાથીદારોને આપ્યા હતા, જે ખાવાનો અધિકાર પુરોહિતો સિવાય બીજા કોઈને નથી.
  • પછી ઈસુએ તેઓને કહ્યું, માનવપુત્ર વિશ્રામવારનો પણ માલિક છે.
  • બીજા એક વિશ્રામવારને દિવસે ઈસુ સભાગૃહમાં જઈને ઉપદેશ કરતા હતા ત્યારે ત્યાં એક માણસ એવો હતો જેનો જમણો હાથ સુકાઈ ગયેલો હતો.
  • શાસ્ત્રીઓ અને ફરોશીઓ ઈસુ ઉપર આરોપ મૂકવાનું બહાનું મળે એ ઈરાદાથી જોયા કરતા હતા કે, તેઓ વિશ્રામવારને દિવસે એને સાજો કરે છે કે કેમ.
  • પણ ઈસુએ તેમના મનની વાત કળી જઈને પેલા સુકાઈ ગયેલા હાથવાળા માણસને કહ્યું, ઊઠ, અને આગળ આવ. એટલે તે ઊઠયો અને આગળ આવ્યો.
  • પછી ઈસુએ તે લોકોને કહ્યું, હું તમને પુછું છુઃ વિશ્રામવારે શું કરવાની શાસ્ત્રમાં છૂટ છે ? ભલું કરવાની કે બરું ? જીવ બચાવવાની કે લેવાની ?
  • અને તે બધા ઉપર નજર ફેરવાની તેમણે પેલા માણસને કહ્યું, તારો હાથ લાંબો કર. તેણે તે પ્રમાણે કર્યું. તેનો હાથ સાજોનરવો થઈ ગયો હતો.
  • પણ તે લોકો ક્રોધથી ધૂંઆપૂંઆ થઈ ગયા અને ઈસુનું શું કરવું એ વિશે માંહોમાંહ ચર્ચા કરવા લાગ્યા.
બાર પ્રાષિતોની પસંદગી
  • તે અરસામાં ઈસુ પ્રાર્થના કરવા માટે ડુંગર પર ચાલ્યા ગયા. અને આખી રાત ઈશ્વરની પ્રાર્થના કરવામાં ગાળી.
  • સવાર થતાં તેમણે પોતાના શિષ્યોને પાસે બોલાવ્યા અને તેઓમાંથી બારને પસંદ કરી તેમનું પ્રેષિતો એવું નામ પાડયું.
  • સિમોન, જેનું નામ તેમણે પીતર રાખ્યું અને તેનો ભાઈ આંદ્રિયા, યાકોબ અને યોહાન, ફિલિપ અને બર્થાલ્મી.
  • માથ્થી અને થોમા, અલ્ફીનો દીકરો યાકોબ અને જહાલ નામે ઓળખાતો સિમોન.
  • યાકોબનો દીકરો યહૂદા અને વિશ્વાસઘાતી નીવડયો હતો તે યહૂદા ઈશ્કરિયોત.
સાચાં સુખદુઃખ
  • પછી શિષ્યો સાથે ડુંગર પરથી નીચે આવીને ઈસુ એક સપાટ જગ્યાઓ ઊભા રહ્યાં. ત્યાં તેમને શિષ્યોનો મોટો સમુદાય જામ્યો હતો. અને યરુશાલેમ અને યહૂદિયામાંથી તેમ જ તૂર અને સિદોનના દરિયાકાંઠાની પ્રદેશમાંથી પણ પુષ્કળ લોકો તેમને સાંભળવા અને પોતાના રોગોથી સાજા થવા આવ્યા હતા.
  • અને જેઓ અશુદ્ધ આત્માઓથી પીડાતા હતા તેમને પણ સાજા કરવામાં આવ્યા.
  • ટોળામાંના બધા જ માણસો ઈસુને અડવાનો પ્રયત્ન કરતા હતા, કારણ, શક્તિ તેમનામાંથી નીકળીને સૌ કોઈને સાજા કરતી હતી.
  • ત્યાર પછી ઈસુએ શિષ્યો તરફ જોઈને કહ્યું. તમે દીનો, પરમસુખી છો, ઈશ્વરનું રાજ્ય તમારું છે.
  • અત્યારે ભૂખ વેઠનારાઓ, તમે પરમસુખી છો, તમે તૃપ્તિ પામશો. ત્યારે રડનારાઓ, તમે પરમસુખી છો, તમારે હસવાનો વારો આવશે.
  • માનવપુત્રને કારણે લોકો જ્યારે તમારો દ્વેષ કરે, તમારો બહિષ્કાર કરે, તમારું અપમાન કરે, કલંકિત સમજી તમારું નામ સુદ્ધાં ન લે, ત્યારે તમારી જાતને પમરસુખી માનજો.
  • તે દિવસે તમે આનંદમાં આવી હર્ષથી નાચજો, કારણ, સ્વર્ગમાં તમને મોટો બદલો મળનાર છે. એ લોકોના પૂર્વજો પયગંબરો સાથે એ રીતે જ વર્ત્યા હતા.
  • પરંતુ તમે ધનવાનો, પરમદુઃખી છો, તમે સુખ ભોગવી ચૂક્યા છો.
  • અત્યારે ધરાયેલા, તમે પરમદુઃખી છો, તમારે ભૂખે મરવા વારો આવશે. અત્યારે હસનારાઓ, તમે પરમદુઃખી છો, તમારે શોકના માર્યા રડવું પડશે.
  • સૌ કોઈ તમારું સારું બોલે ત્યારે તમારી જાતને પરમદુઃખી માનજો, એ લોકોના પૂર્વજો ખોટા પયગંબરો સાથે એ રીતે વર્ત્યા હતા.
અપકાર ઉપર ઉપકાર
  • પણ મારી વાત સાંભળી રહેલા તમને હું કહું છું તે, તમારા શત્રુઓ ઉપર પ્રેમ કરજો, તમારો દ્વેષ કરે તેમનું ભલું કરજો.
  • તમને શાપ આપે તેમને દુવા દેજો, તમારી નિંદા કરે તેમને માટે પ્રાર્થના કરજો.
  • કોઈ તારા એક ગાલ ઉપર તમાચો મારે તો તેને બીજો ગાલ પણ ધરજે, કોઈ તારો ડગલો લઈ લે તો તારું પહેરણ પણ તેને લેવા દેજે.
  • જે કોઈ તારી પાસે માગે તેને આપજે, કોઈ તારું કંઈ લે તો પાછું માગીશ નહિ.
  • લોકો તારી સાથે જે રીતે વર્તે એમ તમે ઈચ્છતા હો તે જ રીતે પણ તેમની સાથે વર્તજો.
  • તમારા ઉપર પ્રેમ રાખે તેમના ઉપર જ તમે પ્રેમ રાખો એમાં તમે શું પુણ્ય કર્યું ? પાપીઓ સુદ્ધાં પોતા ઉપર પ્રેમ રાખનાર ઉપર પ્રેમ રાખે છે.
  • અને તમારું ભલું કરે તેમનું જ તમે ભલું કરો એમાં તમે શું પુણ્ય કર્યું ? એટલું તો પાપીઓ પણ કરે છે.
  • અને જેઓની પાસેથી પાછું મળવાની આશા હોય તેઓને જ તમે ઉછીનું આપો એમાં તમે શું પુણ્ય કર્યું ? પૂરેપુરું પાછું મળવાનું હોય તો તો પાપીઓ પણ પાપીઓને ઉછીનું આપે છે.
  • પણ તમારે તો તમારા શત્રુઓ ઉપર પણ પ્રેમ રાખવાનો છે, અને તેમનું ભલું કરવાનું છે, અને પાછું મળવાની આશા રાખ્યા વગર ઉછીનું આપવાનું છે. તો તમને મોટો બદલો મળશે તમે પરાત્પર ઈશ્વરનાં સંતાન થશો, કારણ તે પોતે કૃતધ્નીઓ અને દુષ્ટો પ્રત્યે રહેમ રાખે છે.
  • તમારા પિતા જેવા દયાળુ છે તેવા તમે પણ દયાળુ થજો.
બીજાના કાજી થશો નહિ
  • કોઈનો ન્યાય તોળશો નહિ એટલે તમારો પણ ન્યાય નહિ તોળાય. કોઈને દોષિત ઠરાવશો નહિ એટલે તમને પણ દોષિત ઠરાવવામાં નહિ આવે.
  • ક્ષમા કરશો તો ક્ષમા પામશો, આપશો તો પામશો, માપ ખાસું દબાવીને, હલાવીને અને ઊભરાતું તમારા ખોળામાં રેડવામાં આવશે, કારણ, જે માપથી તમે ભરી આપશો તે માપથી જ તમને ભરી આપવામાં આવશે.
  • ઈસુએ તેઓને એક દષ્ટાંત પણ આપ્યું, આંધળો, આંધળાને દોરી શકે ખરો ? બન્ને ખાડામાં નહિ પડે ?
  • શિષ્ય ગુરુ કરતાં ચડિયાતો નથી હોતો, પણ પૂરું શિક્ષણ મળતાં દરેક શિષ્ય પોતાના ગુરુ જેવો થાય છે.
  • તારા ભાઈની આંખમાંની રજ તું શા માટે જુએ છે, અને તારી પોતાની આંખમાંનો ભારટિયો કેમ જોતો નથી ?
  • તારી આંખમાંનો ભારટિયો ન જોતો હોય તો પછી તું તારા ભાઈને શી રીતે કહી શકે કે, લાવ ભાઈ તારી આંખમાંની રજ કાઢી આપું ? હે દાંભિક ! પહેલાં તારી પોતાની આંખમાંથી ભારટિયો કાઢી નાખ, તો પછી તને તારા ભાઈની આંખમાંની રજ કાઢતાં બરાબર સૂઝશે.
જેવું વૃક્ષ તેવાં ફળ
  • કોઈ સારા ઝાડને ખરાબ ફળ આવતાં નથી, તેમ કોઈ ખરાબ ઝાડને સારાં ફળ આવતાં નથી.
  • દરેક ઝાડ તેના ફળથી ઓળખાય છે. થોર ઉપરથી અંદીર કે ઝાંખરા ઉપરથી દ્રાક્ષ ઊતરતાં નથી.
  • સારો માણસ પોતાના હૃદયના સારપના ભંડારમાંથી સારી વસ્તુ બહાર કાઢે છે. અને દુષ્ટ માણસ પોતાની દષ્ટતાના ભંડારમાંથી દુષ્ટ વસ્તુ બહાર કાઢે છે. કારણ, હૈયામાં જે ભરપૂર ભર્યું હોય તે જ હોઠે આવે.
બે ઘરમાં બાંધકામ
  • તમે મને પ્રભુ, પ્રભુ શા માટે કરો છો અને હું કહું છું તે કરતા કેમ નથી ?
  • જે કોઈ મારી પાસે આવે છે, મારાં વચન સાંભળે છે અને તે પ્રમાણે કરે છે, તે કોના જેવો છે એ હું તમને કહું છું.
  • કોઈ માણસ ઘર બાંધતી વખતે ઊંડે સુધી ખોદીને ખડક ઉપર પાયો નાખો. તેના જેવો એ છે. ત્યારે પછી રેલ આવી, નદીનાં પાણી ઘર સાથે અથડાયાં, તેમ છતાં તે ઘરને ડગાવી ન શક્યાં, કારણ કે, તે પાકે બાંધેલું હતું.
  • પણ જે માણસ મારી વાત સાંભળે છે પણ તે પ્રમાણે કરતો નથી તે પાયા વગર જમીન ઉપર જ ઘર બાંધનાર માણસ જેવો છે. નદીનાં પાણી ઘર સાથે અથડાયાં કે તરત જ તે ઘ કડડભૂસ કરતું તૂટી પડયું.