Bible_English

અધ્યાય-8

ભાવિક સ્ત્રીઓ
 • આ પછી ઈસુ શહેરેશહેર અને ગામેગામ ઈશ્વરના રાજ્યના શુભસંદેશનો પ્રચાર કરતા ફરવા લાગ્યા.
 • તેમની સાથે બારે શિષ્યો હતા, અને અપદૂતો અને રોગોથી મુક્ત કરવામાં આવલી કેટલીક સ્ત્રીઓ પણ હતી. તેમાં જેનામાંથી સાત અપદૂતો નીકળ્યા હતા તે મગ્દલાવાળી તરીકે ઓળખાતી મરિયમ.
 • હેરોદના કારભારી ખૂઝાની વહુ યોહાન્ના, સુસાન્ના અને બીજી અનેક હતી. એ સ્ત્રીઓ ગાંઠનું ખર્ચીને ઈસુની સેવા કરતી હતી.
 • હવે, પુષ્કળ લોકો ટોળે વળવા લાગ્યા હતા અને ગામેગામથી માણસો ઈસુની પાસે આવતા હતા. એટલે ઈસુએ તેમને આ દષ્ટાંત કથા સંભળાવી.
 • એક માણસ બી વાવવા ગયો. વાવતાં વાતાં કેટલાંક બી પગથી ઉપર પડયાં. તે પગ નીચે કચડાઈ ગયાં અને આકાશનાં પંખી તે ખાઈ ગયાં.
 • કેટલાંક બી ખડકાળ જમીન ઉપર પડયાં અને ઊગ્યાં તેવાં જ કરમાઈ ગયાં, કારણ, ત્યાં ભેજ નહોતો.
 • કેટલાંક બી કાટાંઝાંખરામાં પડયાં અને તે ઊંગ્યા તેની સાથે કાંટાઝાંખરાં પણ ઊગી નીકળ્યાં. એટલે તે રૂંધાઈ ગયાં.
 • અને કેટલાંક બી સારી જમીનમાં પડયાં અને ઊગી નીકળ્યાં, અને તેને ,સોગણો પાકા બેઠો. એમ કહીને તેમણે મોટોથી કહ્યું, જેને સાંભળવાને કાન હોય તે સાંભળે !
 • તેમના શિષ્યો તેમને પૂછવા લાગ્યા કે, આ દષ્ટાંતનો અર્થ શો ?
 • ત્યારે તેમણે તેમને કહ્યું, તમને ઈશ્વરના રાજ્યનાં રહસ્ય જાણવાનું સદ્દભાગ્ય પ્રાપ્ચ થયું છે. પણ બીજાઓને તો તે દ્રષ્ટાંતોમાં જ કહેવામાં આવે છે. જેથી તેઓ જુએ પણ દેખે નહિ, અને સાંભળે પણ સમજે નહિ.
 • હવે, આ દ્રષ્ટાંતનો અર્થ એવો છે કે, બી એ ઈશ્વરની વાણી છે.
 • પગથી ઉપર પહેલાં બી એટલે વાણી સાંભળનાર માણસો, પછી થી રખેને તેઓ તેના ઉપર શ્રદ્ધા રાખીને ઉદ્ધાર પામે એ બીકે સેતાન આવીને તેમના અંતરમાંથી એ વાણીને ઉપાડી જાય છે.
 • ખડકાળ જમીન ઉપર પડેલાં બી એટલે એવા માણસો જે વાણી સાંભળતાં જ તેને આનંદથી વધાવી તો લે છે પણ એમને મૂળ હોતાં નથી. તેઓ થોડા સમય સુધી શ્રદ્ધા રાખે છે, અને કસોટીનો કાળ આવતાં પાછા પડે છે.
 • કાંટાઝાંખરામાં પડેલા બી એટવે એવા માણસો જેમણે એ વાણી સાંભળી તો છે. પણ આગળ જતાં જેમનો વિકાસ ચિંતાઓ, ધન અને સંસારના ભોગવિલાસથી રૂંધાઈ જાય છે. અને કોઈ ફળ પાકવા પામતાં નથી.
 • પણ સારી જમીનમાં પડેલાં બી એટલે એવા માણસો જેઓ સાચા અને ચોખ્ખા દિલથી એ વાણીને સાંભળે છે અને તેને દઢતાથી વળગી રહી ખંતપૂર્વક સફળ બનાવે છે.
દીવો દીવી ઉપર શોભે
 • કોઈ દીવો સળગાવીને તેને વાસણ તળે ઢાંકી દેતું નથી કે ખાટલા નીચે મૂકતું નથી, પણ તેને દીવી ઉપર મૂકે છે, દેથી જે કોઈ અંદર આવે તે પ્રકાશ જોવા પામે.
 • કારણ, એવી કોઈ છુપી વસ્તુ નથી જે ખુલ્લી નહિ થાય, તેમ એવી કોઈ ગુપ્ત વસ્તુ નથી જે જાણીતી અને પ્રગટ નહિ થાય.
 • એટલે તમે સાવધ થઈને સાંભળજો. કારણ, જેની પાસે હશે તેને વધુ આપવમાં આવશે, અને જેની પાસે નહિ હોય તેની પાસેથી તો જે કંઈ છે એમ તે માનતો હશે તે પણ લઈ લેવામાં આવશે.
ઈસુનાં સાચાં સગાં
 • એક વાર ઈસુનાં મા અને ભાઈઓ તેમને મળવા આવ્યાં, પણ ગિરદ્દી એટલી બધી હતી કે તેઓ તેમની પાસે પહોંચી શક્યાં નહિ.
 • એટલે ઈસુને સંદેશો પહોંચાડવામાં આવ્યો કે, આપનાં મા અને ભાઈઓ બહાર ઊભાં છે અને આપને મળવા ઈચ્છે છે.
 • પણ તેમણે જવાબ આપ્યો, જે ઈશ્વરની વાણી સાંભળે અને તે પ્રમાણે ચાલે તે મારી મા અને તે મારા ભાઈ.
તોફાન શમી ગયું
 • એક દિવસ ઈસુ શિષ્યો સાથે હોડીમાં બેસી ગયા અને તેમણે શિષ્યોને કહ્યું, ચાલો, આપણે સરોવરને સામે કાંઠે જેઈએ. એટલે શિષ્યોએ હોડી હાંકારી મૂકી.
 • તેઓ હંકારી જતા હતા એ દરમિયાન ઈસુ ઊંઘી ગયા. એવામાં પવનનું ભારે તોફાન સરોવર ઉપર ત્રાટકયું. હોડીમાં પાણી ભરાવા લાગ્યાં, અને તેઓ જોખમમાં મુકાઈ ગયા.
 • એટલે શિષ્યોએ તેમની પાસે જઈને તેમને જગાડીને કહ્યું, ગુરુદેવ, ગુરુદેવ, અમે તો મરી ગયા !
 • એટલે તેમણે ઊઠીને પવનને અને તોફાને ચડેલાં પાણીને વાર્યા. એટલે તે થંભી ગયાં અને શાંતિ પ્રસરી ગઈ.
 • પછી તેમણે શિષ્યોને કહ્યું, ક્યાં ગઈ તમારી શ્રદ્ધા ?
 • તેઓ ભયભીત થઈ ગયા અને અચંબો પામીને એકબીજાને કહેવા લાગ્યા, તો આ માણસ કોણ છે કે, એ પવન અને પાણીને સુદ્ધાં આજ્ઞા કરે છે અને તે એનું કહ્યું કરે છે ?
સેતાનના રાજ્યનો અંત
 • આમ, તેઓ ગાલીલને સામે કાંઠે આવેલા ગેરસાનીઓના પ્રદેશમાં હંકારી ગયા.
 • ઈસુ જમીન પર ઊતર્યા ત્યાં શહેરનો એક માણસ તેમની સામે આવ્યો. તેને અપદૂતો વળગ્યો હતા, અને લાંબા વખતથી તે કપજં પહેરતો નહોતો કે ઘરમાં રહેતો નહોતો, પણ કબ્રસ્તાનમાં રહેતો હતો.
 • ઈસુને જોતાં જ તે ચીસ પાડી ઊઠયો અને તેમને ચરણે પડીને ઘાંટા પાજીને બોલ્યો, હે પરાત્પર ઈશ્વરના પુત્ર ઈસુ, તારે ને અમારે શું ? મહેરબાની કરીને મને રિબાવીશ નહિ.
 • કારણ, ઈસુએ તે અશુદ્ધ આત્માને પેલા માણસમાંથી બહાર નીકળવાની આજ્ઞા કરી હતી.
 • એ શુદ્ધ આત્મા એ માણસને વારંવાર આવતો હતો. અને ત્યારે એને સાચવવા માટે એને સાંકળ અને બેડીઓથી બાંધતા, પણ તે બાંધતા, પણ તે બંધાને તોડી નાખતો અને અપદૂતનો દોડાવ્યો વગડામાં ચાલ્યો જતો.
 • ઈસુએ તેને પૂછ્યું, તારું નામ શું છે ?
 • તેણે જવાબ આપ્યો, લશ્કર, કારણ, અનેક અપદૂતોએ તેનામાં પ્રવેશ કર્યો હતો.
 • અને એ અપદૂતોએ ઈસુને વિનંતી કરી કે, એમને પાતાળમાં જવાની આજ્ઞા કરશો નહિ.
 • ત્યાં આગળ ભૂંડોનું એક મોટું ટોળું ડુંગર પર ચરતું હતું અને અશુદ્ધ આત્માઓએ ઈસુને વિનંતી કરી કે એમને આ ભૂંડોમાં જવા દો.
 • ઈસુએ રજા આપી એટલે અશુદ્ધ આત્માઓ પેલા માણસમાંથી નીકળે ભૂંડોમાં દાખલ થઈ ગયા, અને એ ટોળું ભેખડ ઉપરથી ધસારાભેર સરોવરમાં પહોંચી ગયું અને ડૂબી મર્યું.
 • આ બનાવ જોઈને ભૂંડને ચરાવનારાઓ ભાગી લગયા અને તેમણે શહેરમાં ગામડાંઓમાં વાત ફેલાવી દીધી.
 • એટલે લોકો શું થયું હતું તે જોવા દોડી આવ્યા, ઈસુની પાસે આવ્યા ત્યારે જે માણસમાંથી અપદૂતો નીકળી ગયા હતા તેને કપડાં પહેરીને સ્વસ્થ ચિત્તે તેમને ચરણે બેઠેલો જોઈને તેઓ ભયભીત થઈ ગયા.
 • નજરે જોનાર માણસોએ, અપદૂતગ્રસ્ત માણસને કેવી રીતે સાજો કરવામાં આવ્યો હતો તે એ લોકોને કહી સંભળાવ્યું.
 • એટલે ગેરસાનીઓના પ્રદેશના બધા લોકોએ ઈસુને ત્યાંથી ચાલ્યા જવાની વિનંતી કરી, કારણ, તેઓ ખૂબ ડરી ગયા હતા. એટલે ઈસુ હોડીમાં બેસીને પાછા ફર્યા.
 • જે માણસમાંથી અપદૂતો બહારની નીકળી ગયા હતા તે ઈસુને વિનંતી કરવા લાગ્યો કે, મને આપની સાથે રહેવા દો.
 • પણ ઈસુએ તેમને મોકલી દીધો અને કહ્યું.
 • તારે ઘે પાછો જા, અને ઈશ્વરે તારે માટે જે જે કર્યું છે તે બધું કહેજે.
 • એટલે તે માણસ ચાલ્યો ગયો અને ઈસુએ તેને માટે જે જે કર્યું હતું તેની વાત કરતો આખા શહેરમાં ફરી વળ્યો.
શ્રદ્ધાનોવિજ્ય
 • ઈસુ પાછા આવ્યા એટલે લોકોએ તેમનું સ્વાગત કર્યું, કારણ, તેઓ બધા તેમની રાહ જોતા હતા.
 • એટલામાં યાઈર નામના એક માણસ આવ્યો, તે સભાગૃહનો અધ્યક્ષ હતો, ઈસુને પગે પડીને તેણે વિનંતી કરી કે, આપ મારે ઘેર પધારો, કારણ, મારી બાર વરસની એકની એક દીકરી મરવાની અણી પર છે.
 • ઈસુ જતા હતા ત્યારે લોકો તેમની ઉપર એવી પડાપડી કરતા હતા કે ગૂંગળાઈ જવાય.
 • એ ગિરદીમાં એક બાઈ હતી. તેને બાર વરસથી રકતસ્ત્રાવ થતો હતો, અને કોઈ તેનો રોગ મટાડી શકતું નહોતું.
 • તેણે પાછળથી આવીને ઈસુના ઝભ્ભાની કોરને સ્પર્શ કરતાં જ તેનો રક્તસ્ત્રાવ બંધ થઈ ગયો.
 • ઈસુએ પૂછયું. મને એ કોણ અડયું ?
 • બધા નામુક્કર જવા લાગ્યા, એટલે પીતરે કહ્યું, ગુરુદેવ, લોકો આપને ઘેરી વળ્યા છે અને છૂંદાછૂંદ કરે છે !
 • પણ ઈસુએ કહ્યું, મને કોઈ અડયું એ વાત સાચી. કારણ, મારામાંથી શક્તિ નીકળી એની મને ખબર પડીને !
 • એટલે પોતે પકડાઈ ગઈ છે એમ જોઈને પેલી બાઈ થરથરતી આવીને તેમને પગે પડી અને બધા લાકોના દેખતાં તેણે જણાવ્યું કે, પોતે શા માટે ઈસુને અડી હતી, અને કેવી રીતે પોતે એક ક્ષણમાં સાજી થઈ ગઈ હતી.
 • ઈસુએ તેને કહ્યું, બેટા તારી પાસે શ્રદ્ધાએ તને સાજી કરી છે. સુખે જા.
 • ઈસુ હજી બોલતા હતા ત્યાં જ સભાગૃહના અધ્યક્ષને ત્યાંથી એક માણસે આવીને સંદેશો આપ્યો, તમારી છોકરી મરી ગઈ. હવે ગુરુજીને તસ્દીન આપશો.
 • પણ આ સાંભળી જઈને ઈસુ બોલી ઊઠયા ગભરાઈશ નહિ, તું તારે શ્રદ્ધા રાખ એટલે એ પાછી સાજી થઈ જશે.
 • ઘરે પહોંચ્યા એટલે ઈસુએ પીતર, યોહાન અને યાકોબ તથા છોકરીનાં માબાપ સિવાય સૌને પોતાની સાથે આવવાની મના કરી.
 • ત્યાં બઘાં માણસો છોકરી પાછળ રોતાંકકળતાં હતાં, ઈસુએ કહ્યું, હવે રડશો નહિ, તે મરી નથી ગઈ ઊંઘે છે.
 • પણ ઈસુએ છોકરીનો હાથ પકડીને કહ્યું, બેટા, ઊઠ.
 • તેનો જીવ પાછો આવ્યો અને તરત જ તે ઊભી થઈ એટલે ઈસુએ તેને કંઈ ખાવાનું આપવાનું કહ્યું.
 • તેનાં માબાપ તો આભાં જ થઈ ગયાં, પણ ઈસુએ તેમને જે બન્યું હતું તે કોઈને કહેવાની મના ફરમાવી.