Bible_English

અધ્યાય -12

અભ્યમંત્ર
 • આ દરમિયાન હજારો લોકો ભેગા થઈ ગયા અને એવી ભારે ગિરદી જામી કે લોકો એકબીજાના પગ કચરતા હતા. ત્યારે ઈસુએ મુખ્યત્વે કરીને પોતાના શિષ્યોને ઉદ્દેશીને બોલવા માંડયું. ફરોશીઓના ખમીરથી, એટલે કે પાખંડથી ચેતતા રહેજો !
 • જે કાંઈ ઢાંકેલું છે તે ખુલ્લું થયા વગર રહેવાનું નથી, અને જ કાંઈ ગુપ્ત છે તે જાહેર થયા વગર રહેવાનું નથી.
 • એટલે જે કાંઈ તમે અંધારામાં કહ્યું છે તે ધોળે દિવસે સાંભળવા મળશે, અને જે કંઈ તમે ઘરખૂણે કાનમાં કહ્યું છે તે છાપરે ચડીને પોકારવામાં આવશે.
 • તમને, મારા મિત્રોને, હું કહું છું, જે લોકો દેહને હણે છે પણ તે ઉપરાંત કશું કરી શકતા નથી તેમનાથી ડરશો નહિ.
 • પણ તમારે કોનાથી ડરવું એ હું જણાવું છું, જે મારી નાખ્યા પછી નરકમાં નાખવાની સત્તા ધરાવે છે તે ઈશ્વરથી ડરજો. હું તમને ફરીથી કહું છું કે, એનાથી તમે ડરતા રહેજો.
 • ચકલી બે પૈસાની પાંચ-પાંચ નથી વેચાતી ? અને તેમ છતાં ઈશ્વર તેમાંની એકને પણ ભૂલતો નથી.
 • એટલું જ નહિ, તમારા માથાના વાળ સુધ્ધાં બધા ગણેલા છે, ગભરાશો નહિ, ઢગલાબંધ ચકલીઓ કરતાં તમારી કિંમત વધારે છે.
 • હું તમને કહું છું કે, જે કોઈ લોકો આગળ મારો સ્વીકાર કરશે તેનો માનવપુત્ર પણ દેવદૂતો સમક્ષ સ્વીકાર કરશે.
 • પણ જે કોઈ લોકો સમક્ષ મારો ઈન્કાર કરશે તેનો દેવદૂતો સમક્ષ ઈન્કાર કરવામાં આવશે.
 • જે કોઈ માનવપુત્રની વિરુદ્ધ કશું બોલશે તેને માફ થશે, પણ જે કોઈ પવિત્ર આત્માનિ નિંદા કરશે તેને માફ નહિ જ થાય.
 • જ્યારે એ લોકો તમને સભાગૃહો કે અમલદારો કે સત્તાવાળાઓ સમક્ષ રજૂ કરે, ત્યારે શી રીતે અને શો બચાવ કરવો, અથવા તમારે શું કહેવું, એની ચિંતા કરશો નહિ.
 • કારણ પવિત્ર આત્મા શું બોલવું તે તમને તે ઘડીએ શીખવશે.
ચિંતા સાચી સંપત્તિની
 • ટોળામાંથી એક જણે ઈસુને કહ્યું, ગુરુજી, મારા ભાઈને કહો કે વારસામાં મને ભાગ આપે.
 • ઈસુએ તેને કહ્યું, ભલા માણસ, મને તમારો ન્યાયાધીશ કે ભાગ વહેંચનારો કોણે નીમ્યો ?
 • પછી તેમણે લોકોને ઉદ્દેશીને કહ્યું, જોજો, કોઈ પણ પ્રકારના લોભથી ચેતતા રહેજો, કારણ, માણસ પાસે ગમે તેટલી સંપત્તિ હોય પણ એ સંપત્તિ જ જીવનનું સારસર્વસ્વ નથી.
 • પછી ઈસુએ તેમને એક દષ્ટાંતકથા સંભળાવી એક પૈસાદાર માણસની જમીનમાં મબલક પાક પાક્યો હતો.
 • તે મનમાં વિચાર કરવા લાગ્યો, મારે શું કરવું ? મારો બધો પાક ભરવાની તો મારી પાસે જગ્યા નથી.
 • તેણે વિચાર્યું હું આમ કરીશ. હું મારો કોઠાર તોડી પાડીને મોટો બંધાવીશ અને તેમાં હું મારી બધી ફસલ અને માલમતા એકઠી કરીશ.
 • અને પછી મારા જીવને કહીશ કે, અરે ભલા જીવ, વરસો સુધી ચાલે એટલી મતા તારી પાસે ભરેલી છે. હવે આરામ કર, અને ખાઈપીને મજા કર.
 • પણ ઈશ્વરે તેને કહ્યું, અરે મૂરખ, આજે રાતે જ તારે તારો જીવ સોંપી દેવો પડશે, પછી તે જે બધું ભેગું કર્યું છે તે કોને જશે ?
 • જે માણસ પોતાને માટે સંપત્તિ તો ભેગી કરી છે, પણ ઈશ્વરની નજરમાં સમૃદ્ધ થતો નથી તેની આવી દશા થાય છે.
આધાર ઈશ્વરનો
 • પછી ઈસુએ શિષ્યોને કહ્યું, એટલે હું તમને કહું છું કે, અમે ખાઈશું શું એમ જીવનની ચિંતા ન કરશો, તેમ અમે પહેરીશું શું એમ શરીરની ચિંતા ન કરશો.
 • અન્ન કરતાં જીવનની અને વસ્ત્રો કરતાં શરીરની કિંમત વધારે છે.
 • કાગડાઓનો વિચાર કરો ! તે નથી વાવતા કે નથી લણતા કે નથી કોઠાર કે ભંડાર રાખતા, તેમ ચતાં ઈશ્વર તેમને ખાવનું આપે છે. પક્ષીઓ કરતાં તો તમારી કિંમત કેટલી વધારે છે !
 • તમારામાંથી કોણ ચિંતા કરી કરીને પોતાના આવરદામાં એક ક્ષણનોય ઉમેરો કરી શકે એમ છે ?
 • એટલે જો તમે આવી મામૂલી વસ્તુ પણ કરી શકો એમ ન હો, તો પછી બીજી વસ્તુની ચિંતા શા માટે કરો છો ?
 • પેલાં ફૂલોનો વિચાર કરો ! તે નથી કાંતતા કે નથી વણતાં, તેમ છતાં હું તમને કહું છું કે, શલોમોને પણ પોતાના વૈભવને શિખરે હશે ત્યારે એમના જેવો પોષાક પહેર્યો નહિ હોય.
 • એટલે જે વગડામાં લહેરાય છે અને કાલે ચૂલામાં હોમાઈ જાય છે એવા ઘાસને જો ઈશ્વર આટલું સજાવે છે. તો હે અશ્રદ્ધાળુઓ, તમને એથીયે રૂડી પેરે સમજાવશે એમાં શંકા શી ?
 • એટલે તમે શું ખાવું અને શું પીવું એની પાછળ પડશો જ નહિ. તેમ ઉચાટમાં પણ રહેશો નહિ.
 • એ બધી વસ્તુઓની પાછળ તો આ દુનિયાના નાસ્તિકો જ પડે, પણ તમારા પિતાને ખબર છે કે તમારે એની જરૂર છે.
 • તેથી તમે ઈશ્વરના રાજ્યની પાછળ પડો, એટલે ઈશ્વર તરફથી આ બધું તમને મળી રહેશે.
સ્વર્ગમાં સંપત્તિ
 • ઓ મારી નાની મંડળી ! ડરશો નહિ, કારણ, તમારા પિતાને તમને રાજય આપવાનું રુચ્યું છે.
 • તમારી પાસે જે કંઈ છે તે વેચીને દાનમાં આપી દો. જીર્ણ ન થઈ જાય એવી કોથળીઓ પોતાને માટે તૈયાર કરો, સ્વર્ગમાં પોતાને માટે અક્ષય સંપત્તિ એકઠી કરો, જયાં ન ચોર પહોંચી શકે, ન કીડા ખાઈ શકે,
 • કારણ, જ્યાં તમારી સંપત્તિ હશે ત્યાં જ તમારું હૃદય પણ હશે.
તૈયાર રહેજો !
 • તમારી કમર કસેલી અને દીવો પેટાવેલો રાખો !
 • તમારે એ નોકરોના જેવા થવાનું છે, જેઓ પોતાને શેઠ લગ્નસમારંભમાંથી પાછો આવે તેની રાહ જોઈ રહ્યા હોય કે જેથી તે આવીને બારણાં ખખડાવતાં જ ઉઘાડી શકે.
 • શેઠ આવીને જે નોકરોને જાગતા જુએ તે ધન્ય છે ! હું તમને ખાતરીથી કહું છું કે, તે પોતે કેડ બાંધીને તેમને ભોજન કરવા બેસાડશે અને પીરસશે.
 • તે બીજે પહોરે આવે કે ત્રીજે પહોરે આવે, પણ આવીને તેમને જાગતા જોશે તો તેઓ સાચે જ ભાગ્યશાળી છે.
 • તમે એટલું તો સમજો છો કે, ઘરધણીને જો ખબર હોય કે ચોર કઈ ઘડીએ આવવાનો છે, તો તે પોતાના ઘરમાં ખાતર પડવા જ ન દે.
 • એટલે તમે પણ તૈયાર રહેજો, કારણ, તમે ન ધાર્યું હોય એવી ઘડીએ માનવપુત્ર આવી પહોંચશે.
જાગતા રહેજો !
 • ત્યારે પીતર પૂછ્યું, પ્રભુ, આપ આ દષ્ટાંત અમારે માટે કહો છો કે સૌને માટે ?
 • પ્રભુએ કહ્યું, કોઈ શેઠ પોતાના નોકરોની દેખરેખ રાખવાનું અને તેમને સમયસર નીમેલું સીધું આપવાનું કારભારીને સોંપી ગયો હોય, તો તે વફાદાર અને ડાહ્યો કારભારી ક્યારે ગણાય ?
 • શેઠ આવીને તેને એ પ્રમાણે કરતો જે તો જ. એના જેવો સુખી કોણ ?
 • હું તમને ખાતરીથી કહું છું કે, તે તેને પોતાની બધી મિલરતનો કારભાર સોંપશે.
 • પણ જો એ નોકર મનમાં એવો વિચાર કરે કે, મારો શેઠ તો આવતાં મોડું કરે છે, અને નોકરોને અને નોકરડીઓને મારવાનું અને ખાણીપીણી ઉડાવી છાટકા થવાનું શરૂ કરે.
 • તો એ રાહ ન જોતો હોય એ દિવસે અને એને ખબર ન હોય એ ઘડીને એનો શેઠ આવીને એને ઝાટકી નાખશે અને નિમકહરામીને ઘટતા હાલ કરશે.
 • જે નોકર પોતાના શેઠની ઈચ્છા જાણ્યા છતાં સજ્જ થઈને તે પ્રમાણે વર્ત્યો નહિ હોય તેને સખત ફટકારવામાં આવશે.
 • પણ જે નોકર શેઠની ઈચ્છા જાણ્યા વગર ફટકા ખાવા જેવું કંઈ કરી બેઠો હોય, તેને ઓછા ફટકા મારવામાં આવશે. જેને ઘણું આપ્યું હશે તેની પાસે ઘણાની અપેક્ષા રાખવામાં આવશે, અને જેને ઘણું સોંપ્યું હશે તેની પાસે ઘણું માગવામાં આવશે.
શાંતિ નહિ, સંઘર્ષ
 • હું પૃથ્વી ઉપર આગ પેટાવવાને અવતર્યો છું, અને અત્યારે જ એ ભડભડતી હોય તો મારે બીજું જોઈએ શું ?
 • મારે એક અગ્નિસ્નાનમાંથી પસાર થવાનું છે, અને એ પતી જાય ત્યાં સુધી મારી ભીંસનો કંઈ પાર નથી.
 • તમે શું એમ માનો છો કે, હું પૃથ્વી ઉપર શાંતિ સ્થાપવા આવ્યો છું ? નહિ, બલકે, હું તો ફૂટપડાવવા આવ્યો છું.
 • કારણ, હવેથી કોઈ ઘરમાં પાંચ માણસો હશે, તો તેઓમાં ફૂટ પડશે, ત્રણ બેનો વિરોધ કરશે અને બે ત્રણનો વિરોધ કરશે.
 • બાપ દીકરાનો વિરોધ કરશે અને દીકરો બાપનો, મા દીકરીનો વિરોધ કરશે અને દીકરી માનો, સાસુ વહુનો વિરોધ કરશે અને વહુ સાસુનો.
કાળનાં એંધાણ
 • વળી, તેમણે લોકોને કહ્યું, તમે પશ્ચિમમાં વાદળાં ચડતાં જુઓ છો કે તરત જ કહો છો, ઝાપટું પડવાનું અને પડે છે પણ ખરું.
 • અને દક્ષિણમાંથી પવન વાય છે ત્યારે તમે કહો છો, લૂ વાવની, અને વાય છે પણ ખરી.
 • તમે તે કેવા પાખંડી ! પૃથ્વી અને આકાશનાં એંધાણ એંધાણ તમે કેમ ઓળખી નથી શકતા ?
સામાવાળા સાથે સમાધાન
 • શું ઉચિત છે એનો નિર્ણય તમે જાતે જ કેમ નથી કરતા ?
 • તું તારા વિરોધી સાથે અદાલતમાં જતો હો તે વખતે, રસ્તામાં જ, તેની સાછે સમાધાન કરવાનો પ્રયત્ન કર, નહિ તો કદાચ તે તને ન્યાધીશ પાસે ઘસડી જશે અને ન્યાયાધીશ તને અમલદારને સોંપી દેશે. અને અમલદાર તને જેલમાં પૂરશે.
 • અને યાદ રાખજે કે, પાઈએ પાઈ ચૂકતે કર્યા વગર ત્યાંથી તારો કદી છુટકારો નહિ થાય.