Bible_English

અધ્યાય-14

ફરોશીઓને ઉપદેશ
  • એક વાર વિશ્રામવારને દિવસે કહ્યું ઈસુ ફરોશીઓના એક આગેવાનને ત્યાં જમવા ગયા, તે લોકો એમના ઉપર નજર રાખતા હતા.
  • ત્યાં એમની સામે જલંધથી પીડાતો એક માણસ આવી ઉભો.
  • આથી ઈસુએ શાસ્ત્રીઓને અને ફરોશીઓને પૂછ્યું, વિશ્રામવારને દિવસે કોઈને સાજો કરવાની શાસ્ત્રમાં છૂટ છે કેમ ?
  • તે લોકો મૂંગા રહ્યા, એટલે ઈસુએ પેલા માણસને હાથ અડાડી સાજો કરીને મોકલી દીધો.
  • પછી તેમણે તે લોકોને કહ્યું, તમારામાંના કોઈ પાસે ગધેડો કે બળદ હોય, અને તે કૂવામાં પડી જાય, તો વિશ્રામવારને દિવસે પણ તે તેને તરત જ બહાર નહિ કાઢે ?
  • આનો તેઓ કંઈ જવાબ આપી ન શક્યા.
  • મહેમાનોને મુખ્ય મુખ્ય સ્થાનો પસંદ કરતા જોઈને ઈસુએ એક દષ્ટાંત કહી સંભળાવ્યું.
  • કોઈ તમને લગ્નસમારંભમાં બોલાવે ત્યારે મુખ્ય જગ્યાએ ન બેસી જશો. કદાચ એમ પણ બને કે તમારા કરતાં કોઈ પ્રતિષ્ઠિત માણસને તેણે આમંત્રણ આપ્યું હોય.
  • પછી તમારા બંનેનો યજમાન આવીને તમને કહે કે, આ માણસને જરા અહીં બેસવા દેશો ? તો પછી તમારે શરમિંદા બનીને છેલ્લી જગ્યાએ જવું પડશે.
  • એના કરતાં તમને નિમંત્રણ મળે ત્યારે જઈને છેલ્લી જગ્યાએ જ બેસવું, એટલે તમારો યજમાન આવીને તમને કહેશે, ભાઈ, આગળ આવો. એટલે બધા જમનારાઓમાં તમારું માન પડશે.
  • કારણ, જે કોઈ પોતાને મોટો કરશે તેને નાનો કરવામાં આવશે, અને જે કોઈ પોતાને નાનો કરશે તેને મોટો કરવામાં આવશે.
  • પછી તેમણે પોતાના યજમાનને કહ્યું, જયારે તમે નાસ્તો કે ભોજન આપો ત્યારે તમારા મિત્રોને કે ભાઈઓને કે બીજાં સગાંવહાલાંને અથવા પૈસાદાર પાડોશીઓને નોતરશો નહિ, નહિ તો તે લોકો પણ તમને સામું નોતરું આપશે, અને તમારો બદલો વળી જશે.
  • પણ જ્યારે તમે જાફત આપો ત્યારે ગરીબોને, લૂલાં-લંગડાં અને આંધળાંઓને નોતરજો.
  • તો તમે પરમસુખ પામશો, કારણ, બદલો વાળવાની તેઓની ગુંજાશ નથી, અને ધર્મિષ્ઠ માણસોના પુનર્જીવન વખતે તમને બદલો મળી રહેશે.
નોતર્યા પણ આવ્યા નહિ
  • આ સાંભળીને તેમની સાથે જમવા બેઠેલામાંથી એક જણે તેમને કહ્યું, ઈશ્વરના રાજ્યમાં જે જમવા પામશે તેના જેવો સુખી કોણ !
  • પણ ઈસુએ તેને કહ્યું, એક માણસે મોટો ભોજનસમારંભ યોજયો હતો અને ઘણાં આમંત્રણ કાઢયાં હતાં.
  • ભોજનને વખતે તેણે પોતાના નોકર મારફતે કહેવરાવ્યું કે, પધારો, બધું તૈયાર છે.
  • પણ એક પછી એક બધા જ બહાનાં કાઢવા લાગ્યા, પહેલાએ કહ્યં, મેં એક ખેતર ખરીદ્યું છે અને મારે તે જોવા જવું પડે તેમ છે. એટલે મને માફ કરજો.
  • બીજાએ કહ્યું, મેં પાંચ જોડ બળદ ખરીદ્યા છે તેને નાણી જોવા જાઉં છું.
  • એટલે મને માફ કરજો, વળી બીજા એકે કહ્યું, હમણાં જ મારાં લગ્ન થયાં છે એટલે આવી શકું એમ નથી.
  • નોકરે પાછા આવી બધી વાત શેઠને કહી, ત્યારે ધરધણીને ગુસ્સો ચડયો અને તેણે નોકરને કહ્યું. એકદમ શહેરના રાજમાર્ગોમાં અને ગલીઓમાં જઈને ગરીબોને, લૂલાં-લંગડાંઓને અને આંધળાંઓને અહીં લઈ આવ.
  • નોકરે કહ્યું, સાહેબ, તમારી આજ્ઞા પ્રમાણે કર્યું છે, છતાં હજી જગા ખાલી રહે છે.
  • ત્યારે શેઠે નોકરને કહ્યું, રસ્તાઓ અને નેળિયામાં જઈને લોકોને ખેંચી લાવ કે જેથી મારું ઘર ભરાઈ જાય.
  • હું તમને કહું છું કે, મેં જેમને આમંત્રણ આપેલાં છે તેમાંનો એક પણ મારું ભોજન ચાખવા પામવાનો નથી.
માથા સાટે મોંઘી વસ્તુ
  • લોકોનાં ટોળેટોળાં ઈસુની સાથે જતાં હતાં, તેમના તરફ ફરીને તેમણે કહ્યું.
  • કોઈ માણસ મારી પાસે આવે, પણ પોતાનાં માબાપને, બૈરી છોકરાંને અને ભાઈબહેનને, અરે, પોતાના જીવનને સુદ્ધાં અળખામણાં ન કહે, તો તે મારો શિષ્ય ન થઈ શકે.
  • જે માણસ પોતાનો ક્રૂસ ઉપાડીને મારી પાછળ નથી આવતો, તે મારો શિષ્ય નહિ થઈ શકે.
  • મારામાંથી કોઈ મિનારો બાંધવા ઈચ્છતો હોય તો શું તે પહેલાં બેસીને ખર્ચનો હિસાબ નહિ ગણે, અને એ નહિ જુએ કે પોતે એ પૂરો કરી શકશે કે નહિ ?
  • નહિ તો પાયો નાખ્યો પછી જો તે પૂરો નહિ કરી શકે, તો જે જે જોશે તે બધા તેની હાંસી ઉડાવશે અને કહેશે.
  • આ રહ્યો પેલો માણસ જેણે બાંધવા માંડયું પણ પૂરું ન કરી શક્યો.
  • અથવા કોઈ રાજા બીજા રાજા સામે યુદ્ધે ચડવા પહેલાં બેસીને વિચાર નહિ કરે કે, પોતે દસ હજાર માણસો વડે વીસ હજાર માણસો લઈને ચડી આવનારનો સામનો કરી શકે એમ છે કે નહિ ?
  • ન હોય તો હજી દુશ્મન દૂર હોય ત્યાં જ એલચીઓ મોકલી સંધિની શરતો પુછાવશે.
  • તે જ રીતે તમારામાંનો કોઈ પણ પોતાના સર્વસ્વનો ત્યાગ કર્યા વગર મારો શિષ્ય થઈ શકવાનો નથી.
નકામું લૂણ,
  • લૂણ એ સારી વસ્તુ છે, પણ જ જો અલૂણું બની જાય તો એમાં સ્વાદ પૂરવો શાથી ?
  • નહિ એ જમીનને લાયક રહે કે નહિ ઉકરડાને. એને તો ફગાવી જ દેવું પડે. જેને સાંભળવાને કાન હોય તે સાંભળે !