Bible_English

અધ્યાય-15

ખોવાયેલું ઘેટું
  • હવે, બધા જકાતદારો અને બીજા પાપીઓ ઈસુને સાંભળવા માટે એમની પાસે આવતા હતા.
  • આથી ફરોશીઓ અને શાસ્ત્રીઓ બંને બડબડાટ કરતા હતા, આ માણસ પાપીઓને આવકાર આપે છે અને તેમની સાથે ખાય છે.
  • ત્યારે ઈસુએ તેમને આ દષ્ટાંત કહ્યું.
  • ધારો કે તમારામાંના કોઈ પાસે સો ઘેટાં હોય અને તેમાંનું એક ખોવાઈ જાય, તો તે નવ્વાણું ને વગડામાં મૂકીને ખોવાયેલું એક પાછું મળે ત્યાં સુધી તેની પાછળ નથી જતો ?
  • અને જડે છે એટલે હરખાતો હરખાતો
  • તેને ખભે બેસાડી ઘેર આવી મિત્રોને અને પડોશીઓને ભેગાં કરીને નથી કહેતો કે, તમે પણ મારા આનંદમાં ભાગ લો, કારણ, મારું ખોવાયેલું ઘેટું પાછું મળ્યું છે ?
  • એ જ પ્રમાણે હું તમને કહું છું કે, જેમને પશ્ચાત્તાપની જરૂર નથી એવા નવ્વાણુ પુણ્યશાળી માણસો કરતાં પશ્ચાત્તાપ કરનાર એક પાપી માટે સ્વર્ગમાં વધારે આનંદોત્સવ થશે.
ખોવાયેલી રૂપામહોર
  • અથવા કોઈ બાઈ પાસે દસ રૂપામહોર હોય અને તેમાંથી એક ખોવાઈ જાય, તો તે દીવો નથી સળગાવતી ? ઘર નથી વાળતી ?
  • અને જડે નહિ ત્યાં સુધી કાળજીપૂર્વક નથી શોધતી ? અને જડે છે એટલે સહિયરોને અને પડોશીઓને બોલાવીને નથી કહેતી કે, તમે પણ મારા આનંદમાં ભાગ લો, કારણ મારી જે મહોર ખોવાઈ ગઈ હતી તે જડી છે ?
  • એ જ રીતે હું તમને કહું છું કે, પશ્ચાત્તાપ કરનાર એક પાપી માટે પણ ઈશ્વરના દૂતોમાં આનંદ વ્યાપી જાયે છે.
ખોવાયેલો દીકરો
  • વળી, તેમણે કહ્યું એક માણસને બે દીકરા હતા.
  • તેમાંના નાનાએ બાપને કહ્યું, મારે ભાગે જે મિલકત આવતી હોય તે મને આપી દો. એટલે તેણે પોતાની મિલકત તેમને વહેંચી આપી.
  • થોડા દિવસ પછી, નાનો દીકરો પોતાની બધી મિલકત વેચીસાટી પૈસા લઈ દૂર દેશાવર ચાલ્યો ગયો. અને ત્યાં અમનચમનમાં તેણે બધી મિલકત ઉડાવી મૂકી.
  • તે બધું ખર્ચી પરવાર્યો હતો ત્યારે તે દેશમાં કાળો દુકાળ પડયો અને તેને આપદા પડવા લાગી.
  • એટલે તે દેશના એક જણને ત્યાં તે નોકરીએ રહ્યો. તેણે તેને પોતાના ખેતરમાં ભૂંડો ચારવા મોકલ્યો.
  • ભૂંડો જે શિંગો ખાતાં હતાં તેના વડે પેટ ભરવાનું તેને મન થતું, પણ કોઈ તેને આપતું નહિ.
  • ખરે તેની આંખ ઊઘડી. તેણે વિચાર્યું, મારા બાપને ઘેર કેટલા બધા નોકરોને ખાતાં વધે એટલું બધું ખાવાનું મળે છે. અને અહીં હું ભૂખે મરું છું !
  • લાવ ને, હું પણ મારા બાપુ પાસે જઈને કહું કે, બાપુ, મેં તમારો અને ઈશ્વરનો ઉપરાધ કર્યો છે.
  • હું તમારો દીકરો કહેવડાવવાને પણ લાયક રહ્યો નથી. મને તમારા નોકર જેવો જ ગણજો.
  • એમ કરી તે બાપની પાસે જવા નીકળ્યો. પણ હજી તે દૂર હતો ત્યાં જ તેને જોઈને બાપનું હૈયું ભરાઈ આવ્યું. દોડતાં જઈને ગળે વળગી પડી તેણે વહાલથી તેને ચુંબન કર્યું.
  • પણ દીકરાએ કહ્યું, બાપુ, મેં ઈશ્વરનો અને તમારો અપરાધ કર્યો છે. હું તમારો દીકરો કહેવડાવવાને પણ લાયક રહ્યો નથી.
  • પણ બાપે પોતાના નોકરને કહ્યું, જલદી કરો, સારામાં સારો ઝભ્ભો કાઢી લાવી એને પહેરાવો. એને હાથે વીંટી અને પગે પગરખાં પહેરાવો.
  • અને આપણો તાજોમાજો વાછરડો લાવીને વધેરો. આપણે જાફત ઉડાવીએ અને આનંદ કરી.
  • કારણ, મારો આ દીકરો મરી ગયો હતો તે પાછો સજીવન થયો છે. એ ખોવાઈ ગયો હતો તે પાછો જડયો છે. અને તે લોકો આનંદ કરવા લાગ્યા.
  • પણ તેનો મોટો દીકરો ખેતરમાં હતો. પાછા વળતાં ઘરની નજીક આવતાં નાચગાનના સ્વરો તેને કાને પડયા.
  • એટલે તેણે એક નોકરને પોતાની પાસે બોલાવીને પૂછ્યું કે, આ બધું શું છે ?
  • નોકરે કહ્યું, તમારો ભાઈ પાછો આવ્યો છે, અને તમારા બાપુએ આપણો તાજોમાજો વાછરડો વધેર્યો છે, કારણ, એમનો દીકરો સાજોસમો પાછો આવી મળ્યો છે.
  • પણ તે ચિડાઈ ગયો અને સુંદર જવાની તેણે ના પાડી. તેના બાપે બહાર આવી તેને સમજાવવા માંડયો.
  • પણ તેણે બાપને સામો જવાબ આપ્યો, જુઓ, આટલાન વરસ હું તમારું વૈતરું કરતો આવ્યો છું. મેં કદી તમારી આજ્ઞા ઉપાયી નથી, અને છતાં તમે કદી મારા મિત્રો સાથે જાફત ઉડાવવા માટે મને એક લવારું સુદ્ધાં આપ્યું નથી.
  • પણ જ્યારે તમારો આ દીકરો તમારી બધી મિલકત વેશ્યાઓમાં ઉડાવી દઈને પાછો આવે છે ત્યારે તમે એને માટે તાજોમાજો વાછરડો વધેરે છો !
  • બાપે તેને કહ્યું, તું તો સદા મારી સાથે જ છે, અને મારું જે કંઈ છે તે બધું તારું જ છે.
  • પણ આ તારો ભાઈ મરી ગયો હતો તે ફરી સજીવન થયો છે, ખોવાઈ ગયો હતો તે પાછો જડયો છે. એટલે આ આનંદોત્સવ કરવો જ જોઈએ.