Bible_English

અધ્યાય-16

લબાડ કારભારી
  • વળી, ઈસુએ શિષ્યોને કહ્યું, એક શ્રીમંત માણસ હતો. તેનો કારભારી હતો, તે મિલત ઉડાવી દે છે. એવી ફરિયાદ તેને કાને આવી હતી.
  • આથી તેણે તેને બોલાવીને કહ્યું. આ હું તારે વિશે શું સાંભળું છું ? તારા કારભારનો હિસાબ રજૂ કરઃ કારણ, હવે તું કારભારી નહિ રહી શકે.
  • તે કારભારીએ મનમાં વિચાર્યું, મારો શેઠ મારી પાસેથી કારભાર લઈ લેવા તૈયાર થયો છે, તો મારે શું કરવું ? કોદાળી ચલાવવા જેટલું મારામાં જોર નથી અને ભીખ માગતાં મને શરમ આવે છે.
  • હવે હું સમજ્યો કે મને કારભારી પદેથી કાઢી મૂકે ત્યારે લોકો મને પોતાના ઘરમાં આશરો આપે એ માટે મારે શું કરવું !
  • પછી પોતાના શેઠના દેણદારોને એક પછી એક બોલાવીને તેણે પહેલાને કહ્યું, મારા શેઠનું તારે કેટલું દેવું છે ?
  • પેલાએ કહ્યું, સો કુપ્પા તેલ. કારભારીએ કહ્યું, આ લે તારું ખાતું, ને બેસીને ઝટ પચાસ લખી નાખ.
  • પછી બીજાને કહ્યું, અને તારે કેટલું દેવું છે ? તેણે કહ્યું, સો થેલા ઘઉં. એટલે તેને કહે કે, આ લે તારું ખાતું, અને એંશી લખી નાખ.
  • અને શેઠે એ લબાડ કારભારીને વહેવારકુશળતાથી કામ લેવા બદલ શાબાશી આપી. પોતાના જેવા મામસો સાથેના વહેવારમાં દુનિયાદારીના જીવો જેટલા વહેવારકુશળ હોય છે તેટલા ઈશ્વરપરાયણ માણસો નથી હોતા.
પૈસાનો સાચો ઉપયોગ
  • હું તમને કહું છું કે, પાપી પૈસાનો ઉપયોગ પોતાને માટે મિત્રો મેળવવામાં કરજો, જેથી જ્યારે તે ખૂટી જાય ત્યારે શાશ્વત ધામમાં તમારો સત્કાર થાય.
  • જે માણસ નાની બાબતમાં વિશ્વાસપાત્ર હોય તે મોટી બાબતમાં પણ હોવાનો, અને જે માણસ નાની બાબતમાં અપ્રામાણિક હોય તે મોટી બાબતમાં પણ હોવાનો.
  • એટલે તમે પાપી પૈસાની બાબતમાં વિશ્વાસપાત્ર નહિ નીવડયા હો તો સાચું ધન તમને કોણ સોંપશે ?
  • અને જો બીજાની મિલકતની બાબતમાં તમે વિશ્વાસપાત્ર નહિ નીવડયા હો, તો પોતાની મિલકત મને કોણ સોંપશે ?
  • કોઈ નોકર બે માલકની સેવા નહિ કરી શકે, એ કાં તો એકને ધિક્કારશે અને બીજાને ચાહશે, અથવા એકને વળગી રહેશે અને બીજાની અવગણના કરશે. તમે પરમેશ્વરને અને પૈસાની એકીસાથે સેવી નહિ શકો.
  • ફરોશીઓ તો પૈસાના લોભી હતા એટલે આ બધું સાંભળીને તેઓ ઈસુની હાંસી ઉડાવવા લાગ્યા.
  • ઈસુએ તેમને કહ્યું, તમે તો લોકો આગળ તમારી જાતને ધર્મિષ્ઠ તરીકે ખપાવો છો, પણ પરમેશ્વર તમારાં અંતર જાણે છે. યાદ રાખજો કે, લોકોમાં જે પ્રશંસાપાત્ર ગણાય છે તે ઈશ્વર આગળ તિરસ્કારપાત્ર ગણાય છે.
  • યોહાનના આગમન સુધી ધર્મસંહિતા અને પયગંબરોનું ચલણ હતું, ત્યાર પછીથી માંડીને ઈશ્વરના રાજ્યના શુભસંદેશનો પ્રચાર થઈ રહ્યો છે. અને સૌ કોઈ બળપૂર્વક તેમાં દાખલ થવા મથે છે.
  • આકાશ અને પૃથ્વી ભલે લોપ પામે પણ ધર્મસંહિતાની એક માત્રા સુધ્ધાં ચળવાની નથી.
  • જે કોઈ પોતાની સ્ત્રીને છૂટાછેડા આપે છે અને બીજીને પરણે છે તે વ્યભિચાર કરે છે, અને જે કોઈ પતિ એ છૂટાછેડા આપેલી સ્ત્રીને પરણે છે તે પણ વ્યભિચાર કરે છે.
શ્રીમંતોનો ધર્મ
  • એક શ્રીમંત હતો, તે મખમલનાં વસ્ત્રો અને ઝીણામાં ઝીણી મલમલ પહેરતો અને રોજ ભારે દબદબાથી જાફત ઉડાવતો.
  • તેના આંગણામાં લાઝરસ નામે એક ગરીબ માણસ પડી રહ્યો હતો. તેને આખે શરીરે ધારાં પડેલાં હતાં.
  • એ શ્રીમંતના ભાણામાંથી પડેલી એઠવાડથી પેટ ભરવા તે તલસતો હતો, કૂતરાંઓ સુદ્ધાં આવીને તેનાં ધારાં ચાટી જતાં હતાં.
  • હવે બન્યું એવું કે, એ ગરીબ માણસ મરી ગયો, અને દેવદૂતો તેને અબ્રાહામ પાસે લઈ ગયા. પેલો શ્રીમંત પણ મરી ગયો અને તેને દફનાવવામાં આવ્યો.
  • નરકમાં ઘોર યાતના વેઠતાં વેઠતાં ઊંચે જોયું તો તેણે દૂર અબ્રાહામ ને અને તેની પાસે લાઝરસને જોયો.
  • તે મોટેથી બોલી ઊઠયો, પિતા અબ્રાહામ, મારા ઉપર દયા લાવો અને લાઝરસને મોકલો કે તે પોતાની આંગળીનું ટેરવુંયે પાણીમાં બોળીને મારી જીભને ઠારે, કારણ, હું આ જવાળામાં રિબાઈ રહ્યો છું.
  • પણ અબ્રાહામે કહ્યું, બેટા જીવનમાં તને સુખ જ સુખ મળ્યાં હતાં તેમ લાઝરસને દુઃખ જ દુઃખ મળ્યાં હતાં, તે તું યાદ કર. હવે અહીં એને સાંત્વન મળે છે અને તું રિબા. છે.
  • એ ઉપરાંત તારી અને મારી વચ્ચે એક મોટી ખાઈ રહેલી છે, જેથી અમારી બાજુએથી કોઈ તારી બાજુ આવવા ઈચ્છે તો ન આવી શકે, અથવા તારી બાજુએથી કોઈ અમારી બાજુ આવવા ઈચ્છે તો ઓળંગી ન શકે.
  • ત્યારે તેણે કહ્યું. તો પિતાજી, તમે એને મારા બાપને ત્યાં મોકલો. મારે પાંચ ભાઈઓ છે.
  • એ જઈને તેમને બધી વાત કહીને ચેતવે, નહિ તો તેઓ આ યાતનાભર્યા સ્થાનમાં આવશે.
  • પણ અબ્રાહામે કહ્યું, એ લોકો પાસે મોશે અને પયગંબરો છે. જે તેમનું સાભળે.
  • પણ તેણે કહ્યું, ના, ના પિતા અબ્રાહામ, એના કરતાં મૃત્યુ પામેલામાંથી જો કોઈ તેમની પાસે જાય, તો એ લોકો પશ્ચાત્તાપ કરશે.
  • અબ્રાહામે જવાબ આપ્યો, જો તેઓ મોશેનું અને પયગંબરોનું નહિ સાંભળતા હોય તો મૃત્યુ પામેલામાંથી કોઈ સજીવન થાય તોયે તેઓ સમજવાના નથી.