Bible_English

અધ્યાય-19

ખોવાયેલાંની શોધમાં
 • પછી ઈસુ યરીખોમાં દાખલ થવા અને શહેરમાં થઈને જતા હતા. ત્યાં જાખ્ખી કરીને એક માણસ આવી ચડયો.
 • તે મુખ્ય જ જકાતદારોમાંનો એક હતે અને શ્રીમંત હતો.
 • ઈસુ કેવા છે તે જોવા એ ઉત્સુક હતો, પણ પોતે ઠીંગણો હોઈ ગિરદીમાં જોઈ શકતો નહોતો.
 • એટલે આગળ દોડી જઈને ઈસુનાં દર્શન કરવા તે એક ઊમરાના ઝાડ ઉપર ચડી ગયો, કારણ, ઈસુ તે રસ્તે થઈને જવાના હતા.
 • એ જગ્યાએ આવ્યા એટલે ઈસુએ ઊંચું જોઈને તેને કહ્યું, જાખ્ખી, ઝટ નીચે આવ, કારણ, આજે મારે તારા ઘરમાં ઉતારો કરવાનો છે.
 • એટલે તેણે ઝપાટાબંધ નીચે ઊતરીને ઈસુનો હરખભર સત્કાર કર્યો.
 • આ જોઈને બધા બબડવા લાગ્યા, આણે તો પાપીને ત્યાં મુકામ કર્યો !
 • પણ જાખ્ખીએ ઊભા થઈને પ્રભુને કહ્યું, પ્રભુ, જુઓ, મિલકતનો અડધો ભાગ હું ગરીબોને દામના આપું છું. અને મેં જો કોઈને છેતરીને કંઈ લીધું હશે તો હું ચારગણું પાછું આપવા તૈયાર છું.
 • ઈસુએ તેને કહ્યું, આજે આ ઘરનો ઉદ્ધાર થયો, આ માણસ અબ્રાહામનો વંશજ છે.
 • માનવપુત્ર જે કોઈ ખોવાઈ ગયું છે તેને શોધવા અને ઉદ્ધારવા અવતરેલો છે.
વાપર્યે વધે
 • લોકો આ બધું સાંભળતા હતા ત્યાં ઈસુએ તેમને એક દષ્ટાંતકથા કહી સંભળાવી, કારણ, પોતે યરુશાલેમ નજીક આવી પહોંચ્યા હતા અને લોકો એમ માનતા હતા કે, ઈશ્વરનું રાજ્ય ઉદય પામવાની ઘડીઓ ગણાય છે.
 • તેમણે કહ્યું, એક ખાનદાન કુટુંબનો માણસ રાજા નિમાઈ આવવા માટે દૂર દેશાવર ગયો.
 • તેણે પોતાના દસ નોકરોને બોલાવીને તેમને એક એક સોનામહોર આપીને કહ્યું. હું આવું ત્યાં સુધી તમે આનાથી કમાણી કરજો.
 • પણ તેના પ્રદેશના લોકો તેને ધિક્કારતા હતા, અને તેમણે તેની પાછળ એક પ્રતિનિધિ-મંડળ મોકલીને કહેવડાવ્યું કે, આ માણસ અમારો રાજા થાય એ અમારે જોઈતું નથી.
 • પણ બન્યું એવું કે, તે તો રાજા નિમાઈને પાછો આવ્યો. તેણે જેમને પૈસા આપ્યા હતા તે નોકરોને તેડાલી મંગાવ્યા. જેથી તેને ખબર પડે કે કોણે કેટલો નફો કર્યો છે.
 • પહેલાએ આવીને કહ્યું, શેઠસાહેબ, આપની સોનામહોર તો બીજી દસ મહોર કમાઈ લાવી છે.
 • શેઠે તેને કહ્યું, શાબાશ ! તું કો નોકર છે ! મામૂલી બાબતમાં તે વફાદારી બતાવી છે, તો તું દસ શહેરનો વહીવટ સંભાળ.
 • બીજાએ આવીને કહ્યું, શેઠસાહેબ, આપની મહોર બીજી પાંચ મહોર કમાઈ લાવી છે.
 • એટલે શેઠ તેને પણ કહ્યું, તું પાંચ શહેર સંભાળ.
 • ત્રીજાએ આવીને કહ્યું, શેઠસાહેબ, આ રહી આપની મહોર, મેં એક રૂમાલમાં વીંટીને એને મૂકી રાખી હતી.
 • આપ બહુ આકરા માણસ છો, મૂકયા વગર ઉપાડો છો, અને વાવ્યા વગર લણો છો, એટલે મને આપની બીક લાગી.
 • શેઠ બોલી ઊઠયો, અરે બદમાશ ! હું તારા બોલ ઉપરથી જ તારો ન્યાય કરું છું, તું તો જાણતો હતો ને કે હું બહુ આકરો માણસ છું. મૂક્યા વગર ઉપાડું છું અને વાવ્યા વગર લણું છું.
 • તો તેં મારું નાણું શરાફને ત્યાં કેમ ન મૂકયું ? મેં આવીને વ્યાજસિક્કે રકમ વસૂલ કરી હોત ને ?
 • પછી તેણે પાસે ઊભેલા નોકરોને કહ્યું, એની પાસેથી મહોર લઈ લો અને જેની પાસે દસ છે તેને આપો.
 • પણ તે લોકોએ કહ્યું, સાહેબ, એની પાસે તો દસ મહોર છે ?
 • શેઠે કહ્યું, હું તમને કહું છું કે, જેની જેની પાસે હશે તેને આપવામાં આવશે, અને જેની પાસે નહિ હોય તેની પાસેથી તો જે કંઈ હશે તે પણ લઈ લેવામાં આવશે.
 • પણ મારા પેલા દુશ્મનો, જેઓ હું તેમનો રાજા થાઉં એવું ઈચ્છતા નહોતા, તેમને અહીં લઈ આવો અને મારા દેખતાં કતલ કરો.
 • આટલું કહીને ઈસુએ યરુશાલેમ તરફ આગળ ચાલવા માંડ્યું
વિજયપ્રવેશ
 • ઈસુ જેતૂન નામના પહાડ પાસે આવેલા બેથફગે અને બેથાનિયા ગામે પહોંચ્યા એટલે તેમણે પોતાના બે શિષ્યોને
 • એવું કહીને મોકલ્યા કે, સામેના ગામ જાઓ. ગામમાં પેસતાં જ તમને એક ખોલકું બાંધેલું મળશે. જેના ઉપર હજી સુધી કોઈ બેઠું નથી. તેને છોડીને અહીં લઈ આવો.
 • જો તમને કોઈ એમ પૂછે છે કે, કેમ છોડો છો ? તો તમે એમ કહેજો કે, પ્રભુને એની જરૂર છે.
 • મોકલેલા શિષ્યોએ જઈને જોયું તો ઈસુએ તેમને કહ્યા પ્રમાણે જ નીકળ્યું.
 • તેઓ ખોલકાને છોડતા હતા, એવામાં તેના માલિકોને તેમને કહ્યું, તમે ખોલકાને કેમ છોડો છો ?
 • તેમણે કહ્યું, કારણ, પ્રભુને એની જરૂર છે.
 • પછી તેઓએ ખોલકાને ઈસુ પાસે લઈ આવી તેના ઉપર પોતાનાં વસ્ત્રો પાથરી ઈસુને તેના ઉપર બેસાડયા.
 • અને જેમ જેમ ઈસુ આગળ જતા હતા તેમ તેમ લોકો રસ્તા ઉપર પોતાનાં વસ્ત્રો બિછાવતા જતા હતા.
 • ઈસુ જેતૂન પહાડના ઢોળાવ નજીક પહોંચ્યા એટલે તેમના શિષ્યોની આખી મંડળી આનંદમાં આવીને પોતે જોયેલા ચમત્કારોને માટે મોટે અવાજે ઈશ્વરનાં ગુણગાન ગાવા લાગી.
 • પ્રભુને નામે આવનાર રાજા ઉપર આશીર્વાદ ઊતરો ! સ્વર્ગમાં શાંતિ અને પરમધામમાં ઈશ્વરનો મહિમા !
 • ટોળામાંથી કેટલાક ફરોશીઓએ ઈસુને કહ્યું, ગુરુદેવ, તમારા શિષ્યોને રોકો.
 • ઈસુએ જવાબ દીધો, હું કહું છું કે, એ લોકો શાંત થઈ જશે તો પથ્થરો પુકારી ઊઠશે.
યરુશાલેમ માટે વિલાપ
 • ઈસુ નજીક પહોંચ્યા એટલે શહેરને જોઈને રડી પડયા, અને બોલ્યા.
 • શાંતિ શામાં છે, એનું મોડું મોડું આજે પણ તને ભાન થયું હોત તો કેવું સારું થાત ! પણ એ તો તારી આંખને સૂઝતું નથી.
 • એવો સમય આવી રહ્યો છે. જ્યારે તારા દુશ્મનો મોરચાબંધી કરીને તને ઘેરી લેશે અને ચારે બાજુએથી તારા ઉપર ભીંસ લાવશે.
 • અને તમે અને તારી અંદર વસતાં લોકોને ભોંયભેંગાં કરી દેશે, અને તારામાં એક પથ્થર ઉપર બીજો પથ્થર નહિ રહેવા દે, કારણ, ઈશ્વરના આગમનની ઘડી તું ન ઓળખી શકેયું.
મારું ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે
 • પછી મંદિરમાં જઈને તેમણે વેપારીઓને એમ કહીને બહાર કાઢવા માંડયા કે,
 • શાસ્ત્રણાં લખ્યું છે કે, મારું ધર પ્રાર્થનાગૃહ બનવું જોઈએ. પણ તમે એને લૂંટારાઓનો અડ્ડો બનાવી મૂકયું છે.
 • પછી તેઓ દરરોજ મંદિરમાં ઉપદેશ કરતા હતા. મુખ્ય પુરોહિતો અને શાસ્ત્રીઓ લોકોના આગેવાનો સાથે મળીને તેમનું કાસળ કાઢવા તાકતા હતા.
 • શું કરવું એ તેમને સૂઝતું નહોતું. કારણ, બધા લોકો તેમને તલ્લીન થઈને સાંભળતા હતા.