Bible_English

અધ્યાય-20

અધિકારનો પ્રશ્ન
 • ઈસુ એક દિવસ મંદિરમાં લોકોને ઉપદેશ આપતા હતા અને તેમને શુભસંદેશ સંભળાવતા હતા, એવામાં મુખ્ય પુરોહિતોએ અને શાસ્ત્રીઓએ લોકોના આગેવાનો સાથે મળીને તેમની સામે આવીને પૂછ્યું.
 • ક્યા અધિકારથી તમે આ બધું કરો છો ? તમને એ અધિકાર કોમે આપ્યો ? કહો.
 • ઈસુએ તેમને સામેથી કહ્યું, મારે પણ તમને એક સવાલ પૂછવો છે.
 • યોહાનને સ્નાનસંસ્કાર કરાવવાનો અધિકાર ક્યાંથી મળ્યો હતો, ઈશ્વર તરફથી કે માણસ તરફથી ? કહો.
 • થી તેઓ માંહોમાંહે ચર્ચા કરવા લાગ્યા. જો આપણે એમ કહીશું કે, ઈશ્વતર તરફથી, તો કહેશે કે, તો તમે એને માન્યો કેમ નહિ ?
 • પણ જો આપણે એમ કહીશું કે, માણસ તરફથી, તો બધા લોકો આપણને પથ્થરે પથ્થરે મારી નાખશે, કારણ, લોકોને ખાતરી છે કે યોહાન પયગંબર હતો.
 • એટલે તે લોકોએ જવાબ આપ્યો, અમે કહી શકતા નથી કે એ અધિકાર એને ક્યાંથી મળ્યો હતો.
 • ત્યારે ઈસુએ તેમને કહ્યું, તો હું પણ તમને કહેતો નથી કે ક્યા અધિકારથી હું આ કરું છું.
ઘાતકી ખેડૂતો
 • પછી તેમણે લોકોને આ દષ્ટાંતકથા સંભળાવીઃ એક માણસે દ્રાક્ષની વાડી રોપી, ખેડૂતોને ભાગે આપી અને લાંબા વખત માટે પોતે પરદેશ ચાલ્યો ગયો.
 • મોસમને વખતે તેણે એક નોકરને ખેડૂતો પાસે વાડીના પાકનો ભાગ લેવા મોકલ્યો, પણ ખેડૂતોએ તેને માર મારીને ખાલી હાથે પાછો કાઢયો.
 • ફરી તેણે બીજા એક નોકરને મોકલ્યો, તો તેને પણ તે લોકોએ મારી અપમાન કરીને ખાલી હાથે પાછો કાઢયો.
 • પછી તેણે એક ત્રીજા માણસને મોકલ્યો, પણ તેને પણ એ લોકોએ ઘાયલ કરીને બહાર ફેંકી દીધો.
 • ત્યારે દ્રાક્ષની વાડીમાં માલિકે વિચાર કર્યો. હું શું કરું ? હું મારા વહાલાના દીકરાને મોકલું, કદાચ એની તેઓ આમન્યા રાખશે.
 • પણ એને જોઈને ખેડૂતો માંહોમાંહે કહેવા લાગ્યા. આ વારસ છે. ચાલો આપણે એને મારી નાખીને એટલે વારસો આપણને મળશે.
 • એટલે તે લોકોએ તેને વાડીની બહાર ફેંકી દઈને મારી નાખ્યો.
 • તો હવે, વાડીનો માલિક એ લોકોને શું કરશે ? તે આવીને એ ખેડૂતોને મારી નાખશે, અને વાડી બીજાઓને આપી દેશે.
 • આ સાંભળીને તેઓ બોલી ઊઠયા, ભગવાન કરે ને એવું ન બને !
 • પણ ઈસુએ તેમના ઉપર નજર નોંધીને કહ્યું, તો પછી શાસ્ત્રમાં આમ લખ્યું છે એનો અર્થ શો ? જે પથ્થરને કડિયાઓએ નકામો માનીને ફેંકી દીધો હતો, તે જ આધારશિલા બન્યો છે.
 • જે કોઈ એ પથ્થર ઉપર પડશે તેના ટુકડે-ટુકડા થઈ જશે, અને જે કોઈના ઉપર એ પડશે તેના ચૂરેચૂરા થઈ જશે.
 • શાસ્ત્રીઓ અને મુખ્ય પુરોહિતો સમજી ગયા કે, આ દષ્ટાંત પોતાને જ અનુલક્ષીને કહ્યું છે, એટલે તેઓ તે જ ઘડીએ ઈસુને પકડવા માગતા હતા. પણ તેમને લોકોનો ડર લાગતો હતો.
બાદશાહનું તે બાદશાહને ને ઈશ્વરનું તે ઈશ્વરને
 • તેઓ લાગ જોઈ રહ્યા હતા અને ઈસુના કોઈ શબ્દમાં દોષ કાઢી તે બહાને તેમને સૂબાના તાબામાં સોંપવાના ઈરાદાથી તેમણે ધાર્મિક હોવાનો ઢોંગ કરતા જાસૂસો મોકલ્યા.
 • તેમણે ઈસુને પૂછ્યું. ગુરુદેવ, અમે જાણીએ છીએ કે આપ સાચું બોલો છો અને સાચો ઉપદેશ આપો છો, આપ મોં જોઈને ચાંલ્લો કરતા નથી, પણ સત્યને વળગી રહીને ઈશ્વરનો માર્ગ પ્રબોધો છો.
 • રોમન બાદશાહને કર આપવાની શાસ્ત્રમાં અમને છૂટ છે કે નહિ ?
 • તેમનું છળ સમજી જઈને ઈસુએ કહ્યું, તમે શું મારી પરીક્ષા કરો છો ?
 • મને એક સિક્કો બતાવો. એના ઉપર કોની છાપ છે અને કોનું નામ છે ?
 • તેમણે જવાબ આપ્યો, રોમન બાદશાહનું.
 • ત્યારે ઈસુએ તેમને કહ્યું, તો જે બાદશાહનું છે તે બાદશાહને આપો, ને જે ઈશ્વરનું છે તે ઈશ્વરને આપો.
 • આમ, લોકોના દેખતાં એમના શબ્દમાં તેઓ કોઈ દોષ કાઢી શક્યા નહિ, ઈસુના જવાબથી આભા બનીને તેઓ મૂંગા થઈ ગયા.
પુનર્જીવનનો પ્રશ્ન
 • આ પછી કેટલાક સદૂકીઓએ, એટલે કે પુનર્જીવનમાં ન માનનરાઓએ. આવીને ઈસુને પૂછયું.
 • ગુરુદેવ, મોશેએ આપણે માટે એવો નિયમ કરેલો છે કે, જે કોઈ પરણેલો માણસ નિઃસંતાન મરી જાય, તો તેનો ભાઈએ વિધવા સાથે લગ્ન કરી પોતાના ભાઈનો વંશવેલો ચાલુ રાખવો.
 • હવે વાત એમ છે કે, સાત ભાઈઓ હતા, તેમાંનો પહેલો પરણ્યો અને નિઃસંતાન મરી ગયો.
 • એટલે બીજાએ વિધવા સાથે લગ્ન કર્યો, અને તે પણ નિઃસંતાન મરી ગયો.
 • એટલે ત્રીજાએ વિધવા સાથે લગ્ન કર્યો. આમ, સાતે ભાઈઓએ તે બાઈ સાથે લગ્ન કર્યો, અને સાતે નિઃસંતાન મરી ગયા.
 • આખરે બાઈ પણ મરી ગઈ.
 • તો પુનર્જીવન વખતે એ કોની વહુ થશે ? કારણ, એ સાતે એને પરણ્યા હતા.
 • ઈસુએ તેમને કહ્યું, આ લોકનાં માણસો પરણે છે અને તેમને પરણાવવામાં આવે છે.
 • પણ જેઓને પરલોકમાં સ્થાન પામવાને તેમજ મૃતોમાંથી સજીવન થવાને લાયક ઠરાવવામાં આવ્યાં હોય તેઓ નથી પરણતાં કે નથી કોઈ તેમને પરણાવતું. તેઓ પછી મૃત્યુ પણ પામતાં નથી.
 • તેઓ દેવદૂતો જેવાં હોય છે, અને પુનર્જીવન પામેલાં હોઈ તેઓ ઈશ્વરનાં સંતાન હોય છે.
 • તેણે ત્યાં પ્રભુને અબ્રાહામનો, ઈસહાકનો અને યાકોબનો ઈશ્વર કહેલો છે.
 • હવે, ઈશ્વર કંઈ મરેલાંઓનો ન હોય પણ જીવતાંનો જ હોય, તેને મન તો બધાં જીવતાં જ છે.
 • આ સાંભળીને કેટલાક શાસ્ત્રીઓએ કહ્યું, ગુરુદેવ, આપે સુંદર જવાબ આપ્યો !
 • કારણ, ત્યાર પછી વધુ પ્રશ્ન પૂછવાની તેમની હિંમત ચાલતી નહોતી.
એ કોનો પુત્ર છે ?
 • ત્યારે ઈસુએ તેમને પૂછ્યું. ખ્રિસ્ત દાવિદનો પુત્ર છે એવું શી રીતે કહી શકાય ?
 • કારણ, દાવિદે પોતે સ્તોત્રોના ગ્રંથમાં કહ્યું છે, પ્રભુએ મારા પ્રભુને કહ્યું,
 • તારા શત્રુઓને હું તારા ચરમોની પાદપીઠ બનાવું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ.
 • આમ, દાવિદ પોતે એને પ્રભુ કહે છે, તો પછી એ દાવિદનો પુત્ર શી રીતે હોઈ શકે ?
દંભીઓથી ચેતતા રહેજો
 • બધા લોકોના સાંભળતાં ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું.
 • શાસ્ત્રીઓથી ચેતતા રહેજો, જેમને લાંબા લાંબ ઝભ્ભા પહેરીને આમતેમ ફરવાનું ગમે છે, અને જેમને રસ્તેઘાટે લોકોનાં વંદન ઝીલવાનો, સભાગૃહોમાં આગલી બેઠકો અને ભોજનસમારંભોમાં મુખ્ય સ્થાન મેળવવાનો મોહ છે.
 • એ લોકો વિધવાઓની મિલકત હોઈયાં કરી જાય છે, અને સાથોસાથ દેખાવને ખાતર લાંબી લાંબી પ્રાર્થના કરે છે. એમને વધુ આકરી સજા થશે !