Bible_English

અધ્યાય-22

વિશ્વાસઘાત
 • હવે પાસ્ખાને નામે ઓળખાતું બેખમીર રોટીનું પર્વ પાસે આવતું હતું.
 • અને મુખ્ય પુરોહિતો અને શાસ્ત્રીઓ ઈસુનું કાસળ કાઢવાના ઉપાય શોધતા હતા, કારણ, તેમને લોકોનો ડર હતો.
 • ત્યાં સેતાને યહૂદા ઈશ્કરિયોતમાં પ્રવેશ કર્યો, તે બારમાંનો એક હતો.
 • તેણે જઈને મુખ્ય પુરોહિતો અને મંદિરમાં રક્ષકોના નાયકો સાથે, પોતે ઈસુને શી રીચે તેમના હાથમાં સોંપવા એ વિશે મસલત કરી.
 • તે લોકો રાજી રાજી થઈ ગયા અને એને પૈસા આપવા કબૂલ થયા.
 • યહૂદા સંમત થયો અને કોઈ ન હોય ત્યારે ઈસુને પકડાવી દેવાની તક શોધવા લાગ્યો.
છેલ્લું ભોજન
 • હવે બેખમીર રોટીનો દિવસ આવ્યો, જ્યારે પાસ્ખાના બલિનો વધ કરવાનો હોય છે.
 • એટલે ઈસુએ પીતરને અને યોહાનને એવું કહીને મોકલ્યા કે, તમે જઈને આપણે માટે પાસ્ખાના ભોજનની તૈયારી કરો.
 • તેમણે પૂછ્યું અમે ક્યાં તૈયારી કરીએ ? આપની શી ઈચ્છા છે ?
 • ઈસુએ જવાબ આપ્યો. સાંભળો. શહેરમાં પેસતાં જ તમને પાણીનો ઘડો લઈને જતો એક માણસ મળશે. તેની પાછળ પાછળ એ જે ઘરમાં જાય તેમાં જ્જો.
 • અને ત્યાંના ઘરધણીને આ સંદેશો આપજો, ગુરુદેવ કહેવડાવે છે કે, જ્યાં મારા શિષ્યો સાથે મારે પાસ્ખાનું ભોજન લેવાનું છે તે ઓરડો ક્યાં છે ?
 • એટલે તે તમને મેડા ઉપર એક મોટો સજાવેલો ખંડ બતાવશે, ત્યાં તમે તૈયારી કરજો.
 • તે લોકો ગયા તો ઈસુએ કહ્યું હતું તે જ પ્રમાણે બધું નીકળ્યું. એટલે તેમણે પાસ્ખા-ભોજનની તૈયારી કરી.
 • સમય થયો એટલે ઈસુ પ્રેષિતોની સાથે ભોજન કરવા બેઠા.
 • તેમણે તેઓને કહ્યું, મારી વેદના શરૂ થાય તે પહેલાં પાસ્ખાનું આ ભોજન તમારી સાથે લેવા મારું અંતર ઝંખ્યા કરતું હતું.
 • કારણ, હું તમને કહું છું કે, ઈશ્વરના રાજ્યમાં સાચું પાસ્ખા-ભોજન ખાવા ન મળે ત્યાં સુધી હું એ ફરી લેવાનો નથી.
 • ત્યાર પછી એક પ્યાલો લઈ, ઈશ્વરનો આભાર માનીને તેમણે કહ્યું, આ લો, અને માંહોમાંહે વહેંચી લો.
 • કારણ હું, તમને કહું છું કે, ઈશ્વરનું રાજ્ય આવે ત્યાં સુધી હું હવે દ્રાક્ષનો આસવ પીવાનો નથી.
 • ત્યાર પછી રોટી લઈ, ઈશ્વરનો આભાર માનીને તેમણે તેમના ટુકડા કર્યા અને શિષ્યોને આપતાં કહ્યું, આ મારું શરીર છે. જે તમારી ખાતર અર્પણ થનાર છે. મારા સ્મારક તરીકે એ કરતા રહેજો.
 • એ જ રીતે તેમણે ભોજન પછી એક પ્યાલો લઈને કહ્યું, આ પ્યાલો તમારે માટે રેડાનાર મારા લોહીથી થયેલો નવો કરાર છે.
 • છતાં ધ્યાન રાખજો ! મને દગો દેનાર મારી સાથે આ પંગતમાં જ બેઠો છે.
 • માનવપુત્ર તો નિર્માણ થયા મુજબ ચાલ્યો જાય છે, પણ એને દગો દેનારની ભારે દુર્દશા થેશ !
 • આ સાંભળીને શિષ્યો માંહોમાંહે પૂછવા લાગ્યા કે, આપણામાંથી કોણ આવું કરવા તૈયાર થયો હશે ?
મોટાએ નાના થવું
 • વળી, તેમનામાં સૌથી મોટો કોણ ગણાય એ વિશે ઝઘડો જાગ્યો.
 • એટલે ઈસુએ તેમને કહ્યું દુનિયાના રાજાઓ લોકો ઉપર દોર ચલાવે છે, અને તેમના ઉપર સત્તા ચલાવનારાઓ પોતાને હિતસ્વી કહેવડાવે છે.
 • પણ તમારામાં એમન હોવું જોઈએ. ઊલટું, તમારામાં જે સૌથી મોટો હોય તેણે સૌથી નાના થવું, અને જે રાજ્ય કરતો હોય તેણે સેવક જેવા થવું.
 • કારણ, મોટો કોણ, જે જમે તે કે જે પીરસે તે ? જે જમે તે, ખરું ને ? અને તેમ છતાં હું તમારી વચ્ચે સેવક જેવો છું.
 • તમે મારી કસોટીના કાળમાં સતત મારી પડખે રહેતા આવ્યા છો.
 • એટલે મારા પિતાએ જેમ મને રાજ્યનો અધિકાર આપ્યો હતો તેમ હું તમને પણ આપું છું.
 • તમે મારા રાજ્યમાં મારી સાથે બેસીને ખાશોપીશો અને સિંહાસનો ઉપર બેસી ઈસ્રાયલના બારે વંશો ઉપર શાસન ચલાવશો.
કસોટીની આગાહી
 • સિમોન, સિમોન, ધ્યાન રાખજે, સેતાને તમને બઘાને ઘઉંની જેમ ઝાટકવાની રજા મેળવેલી છે.
 • પણ તારે માટે મેં પ્રાર્થના ગુજારેલી છે કે તારી શ્રદ્દા ખૂટે નહિ. અને તને પસ્તાવો થાય ત્યાર પછી તું તારા ભાઈઓને મક્કમ બનાવજે.
 • સિમોને જવાબ આપ્યો, પ્રભુ, આપની સાથે હું જેલમાં કે મૃત્યુના મુખમાં પણ આવવા તૈયાર છું.
 • પણ ઈસુએ કહ્યું, ઓ પીતર, હું તને કહું છું કે, આજે કૂકડો બોલે તે પહેલાં તો તું મને ઓળખે છે એ વાતનોં તેં ત્રણ વાર ઈન્કાર કર્યો હશે.
 • અને તેમણે શિષ્યોને કહ્યું, મેં તમને પૈસા, ઝોળી કે પગરખાં વગર મોકલ્યા હતા ત્યારે તમને કશાની ખોટ સાલી હતી ? તેઓએ કહ્યું, ના, કશાની નહિ.
 • ઈસુએ કહ્યું, પણ આ વખતની વાત જુદી છે. જેની પાસે પૈસા હોય તે પૈસા લઈ લે, અને સાથે ઝોળી પણ લઈ લે, અને જો તેની પાસે ન હોય તો પોતાનો ઝભ્ભો વેચીને તલવાર ખરીદી લે.
 • કારણ, શાસ્ત્રણાં કહ્યું છે, તેની ગુનેગારોમાં ગણના થઈ છે. અને હું તમને કહું છું કે, એ વચનો મારે વિશે સાચાં પડવાં જોઈએ, બલકે, મારા સંબંધી જે જે લખેલું છે તે બધું સાચું પડવામાં છે.
 • ત્યારે શિષ્યોએ કહ્યું, પ્રભુ જુઓ, અમારી પાસે આ બે તલવાર છે. પણ ઈસુએ કહ્યું, બસ, બસ.
તમારી ઈચ્છા પૂર્ણ થાઓ
 • પછી ઈસુ બહાર નીકળ્યા અને પોતાની હંમેશની ટેવ મુજબ જેતૂન પહાર ઉપર ગયા. તેમના શિષ્યો પણ તેમની સાથે ગયા.
 • તે ઠેકાણે પહોંચ્યા પછી તેમણે શિષ્યોને કહ્યું, પ્રાર્થના કરો કે તમે કસોટીમાંથી પરા ઊતરો.
 • પછી તેમનાથી એક ખેતરવા દૂર જઈ ઘૂંટણિયે પડી તેમણે પ્રાર્થના કરવા માંડી.
 • હે પિતા, જો તમારી ઇચ્છા હોય તો મારી આગળથી આ પ્યાલો લઈ લો. તેમ છતાં મારી નહિ પણ તમારી જ ઈચ્છા પૂર્ણ થાઓ.
 • ત્યારે સ્વર્ગના એક દેવદૂતો ઈસુને દર્શન દીધાં તેમને બળ આપ્યું.
 • તીવ્ર વેદના અનુભવતાં તેઓ વધુ ઉત્કટતાથી પ્રાર્થના કરવા લાગ્યા, અને તેમનો પસીનો લોહીનાં મોટાં ટીપાંની પેઠે ભોંય ઉપર ટપકવા લાગ્યો.
 • પ્રાર્થનામાંથી ઊઠીને તેઓ શિષ્યો પાસે આવ્યા, તો તેઓ શોકના માર્યા ઊંઘી ગયા હતા.
 • ઈસુએ તેમને કહ્યું, કેમ ઊંઘો છો ? ઊઠો, પ્રાર્થના કરો કે તમે કસોટીમાંથી પાર ઊતરો !
ધરપકડ
 • ઈસુ હજી બોલતા હતા ત્યાં તો માણસોનું એક ટોળું આવા ચડયું. તેની આગળ બારમાંનો એક, યહૂદા ઈશ્કરિયોત, ચાલતો હતા. ઈસુને ચુંબન કરવા તે તેમની પાસે આવ્યો.
 • પણ ઈસુએ તેને કહ્યું, યહૂદા ચુંબન કરીને તું માનવપુત્રને પકડાવી દે છે ?
 • શું બનવાનું છે એ સમજી જઈને તેમના સાથીદારો બોલી ઊઠયા, પ્રભુ, અમે તલવાર ચલાવીએ ?
 • અને ત્યાં તો તેઓમાંના એક મુખ્ય પુરોહિતના નોકર ઉપર ઘા કરી તેનો જમણો કાન ઉડાવી દીધો.
 • પણ એ જોઈને ઈસુએ કહ્યું, બસ, બહું થયું. અને પેલાના કાનને અડીને તેને સાજો કરી દીધો.
 • છી પોતાને પકડવા આવેલા મુખ્ય પુરોહિતો, મંદિરના રક્ષકદળના અમલદારો અને આગેવાનોને ઉદ્દેશીને ઈસુએ કહ્યું, હું કંઈ ચોરડાકુ છું કે તલવાર અને લાઠી લઈને આવ્યો છો ?
 • હું તો રોજ રોજ મંદિરમાં તમારી સાથે હતો, પણ તમે મને ન પકડયો. પણ અત્યારે તમારો સમય આવ્યો છે, અને અંધકારનો અમલ જામ્યો છે.
પટ્ટશિષ્યનો ઈન્કાર
 • પછી ઈસુએ પકડીને તેઓ વડા પુરોહિતના ઘરમાં લઈ આવ્યા, અને પીતર થોડું અંતર રાખીને પાછળ પાછળ આવતો હતો.
 • ચોકની વચમાં તાપણું સળગાવીને લોકો બેઠા હતા, ત્યાં પીતર પણ તેમના ભેગો બેઠો.
 • એક નોકરડીએ તેને તાપણાએ બેઠેલો જોયો અને તેના તરફ ધારી ધારીને જોઈને કહ્યું, આ માણસ પણ એની સાથે હતો.
 • પણ તેણે ઈન્કાર કરતાં કહ્યું, બાઈ, હું તો એને ઓળખતો સુદ્ધાં નથી.
 • થોડી વાર પછી બીજા કોઈએ તેને જોઈને કહ્યું, તું પણ એ લોકોમાંનો જ છે ! પણ પીતરે કહ્યું, ના ભાઈ હું નથી !
 • કલાકેક ગયો ત્યાં બીજા એક માણસે ભારપૂર્વક કહ્યું, જરૂર, માણસ પણ એની સાથે હતો, કારણ, એ પણ ગાલીલનો જ છે.
 • પણ પીતરે કહ્યું, ભાઈ, તું શું કહે છે, મને કાંઈ ખબર નથી.
 • તે જ ઘડીએ, હજી એ બોલતો હતો ત્યાં જ કૂકડો બોલ્યો.
 • અને પ્રભુએ ફરીને પીતર ઉપર નજર માંડી, પીતરને પ્રભુના શબ્દો સાંભર્યા. આજે કૂકડો બોલે તે પહેલાં તું મારો ત્રણ વાર ઈન્કાર કરીશ.
 • અને બહાર જઈને તે છાતીફાટ રોવા લાગ્યો.
ઉપહાસ
 • ઈસુ ઉપર પહેરો ભરતા સિપાઈઓ તેમને મારવા અને તેમની મશ્કરી કરવા લાગ્યા.
 • તેમની આંખે પાટા બાંધી દઈ તેઓ પૂછવા લાગ્યા, પયગંબર છે તો કહે, તને કોણે માર્યું ?
 • અને આમ તેઓ ભૂંડું બોલીને તેમનું અપમાન ઉપર અપમાન કરતા રહ્યા.
વરિષ્ઠ સભા સમક્ષ
 • સવાર થતાં જ મુખ્ય પુરોહિતો અને શાસ્ત્રીઓ સુદ્ધાં પ્રજાના વડીલો ભેગા થયા, અને ઈસુને પોતાની વરિષ્ઠસભા સમક્ષ લઈ જઈને.
 • તેઓએ તેમને કહ્યું, તું ખ્રિસ્ત છે ? હોય તો બોલી દે. ઈસુએ તેમને કહ્યું, હું કહીશ તોયે તમે કદી માનવાના નથી.
 • હું તમને સવાલ પૂછીશ તો તમે કદી જવાબ આપવાની નથી.
 • પણ હવેથી માનવપુત્ર સર્વશક્તિમાન ઈશ્વરને જમણે હાથે વિરાજમાન હશે.
 • તો તો ઈશ્વરપુત્ર તું જ છે ? તેઓ સામટા બોલી ઊઠયા, અને ઈસુએ જવાબ આપ્યો, તમે કહો જ છો કે હું ઈશ્વરપુત્ર છું.
 • તેઓ બોલી ઊઠયા, હવે સાક્ષીની શી જરૂર છે ? આપણે પોતે જ એને મોઢે સાંભળ્યું છે.