ઈસુ ખ્રિસ્ત કોણ છે?

ઈસુ ખ્રિસ્ત કોણ છે? મારા ઈષ્ટદેવ ભગવાન ઈસુ (ફાધર વર્ગીસ પોલ)

ભગવાન ઈસુ વિશેની વાત મારે ક્યાંથી શરૂ કરવી એમ હું વિચારતો હતો, ત્યારે ગયા 2004 ડિસેમ્બરની 25મી તારીખે ઉજવેલી ખ્રિસ્તીજયંતીના સંદર્ભમાં મને મળેલા બે શુભેચ્છક પત્રોની વાત યાદ આવી. બંને પત્રોમાં “વન સોલિટરી લાઈફ” એટલે કે “એકલવાયું જીવન” નામે કોઈ અનામી લેખકના ગદ્યકાવ્યની બે ભિન્ન આવૃત્તિ મને મળી. મૂળ અંગ્રેજીમાં લખાયેલું એ ગદ્યકાવ્ય અહીં અછાંદસ પદ્યમાં હું તમારી આગળ રજૂ કરું છુઃ

 • કોઈ અજાણ્યા ગામમાં તેનો જન્મ થયો હતો.
 • તેણે ત્રીસેક વર્ષ સુધી સુથારનું કામ કર્યું.
 • પછી તે એક રખડતો ધર્માપરદેશક બન્યો.
 • તેણે કદી કોઈ હોદ્દો સંભાળ્યો નહિ.
 • તેનું પોતાનું કોઈ કુટુંબ નહોતું,
 • તેનું પોતાનું કોઈ ઘર પણ નહોતું.
 • તે કોલેજમાં કદી ગયો નહતો.
 • તેની પાસે કોઈ પ્રમાણપત્ર નહોતું. તેની ઓળખ તે પોતે હતો.
 • તેણે કદી કોઈ ચોપડી લખી નથી.
 • તે પોતાના જન્મસ્થળથી બસો કિલોમીટરથી દૂર કદી ગયો નથી.
 • તે હજી યુવાન હતો ત્યારે
 • જાહેર મતનો વંટોળ એને ઘેરી વળ્યો હતો.
 • એના બધા મિત્રો ભાગી ગયા.
 • તેને ક્રૂસે જડી દઈને નામોશીભરી રીતે મારી નાખવામાં આવ્યો.
 • અને તેને ઊછીની લીધેલી કબરમાં દાટી દેવામાં આવ્યો.
 • વીસ વીસ સદીઓ આવી અને ગઈ અને આજે તે માનવ ઈતિહાસના કેન્દ્રસ્થાને બિરાજે છે.
 • જગતભરમાં જેટલાં સૈન્યોએ આગેકૂચ કરી છે.
 • અને સાતેય સમુદ્રમાં જેટલાં નૌ કાસેન્યોએ દરિયાઈ યુદ્ધ ખેલ્યું છે,
 • અને દુનિયામાં જેટલી પાર્લામેન્ટોએ બેઠકો ભરી છે.
 • તથા જેટલા બાદશાહો અને સમ્રાટોએ રાજ કર્યું છે.
 • તેમના બધાની સંયુક્ત અસર
 • આ એક એકલવાયા માણસે
 • સમગ્ર માનવજાત પર કરેલી અસરની તુલનામાં
 • કંઈ વિસાતમાં નથી!

આ ગદ્યકાવ્યનો એકલવાયો માણસ એટલે ભગવાન ઈસુ, ખ્રિસ્તીઓ એમને ઈશ્વરપુત્ર, ખુદ ભગવાન માને છે. ઈસુઆ દુનિયામાં માનવ જેવા માનવ બનીને જીવ્યા ત્યારે તેમણે સ્થાપેલી ધર્મસભા એટલે ખ્રીસ્તી ધર્મ. ઈસુના કેટલાક શિષ્યો અને ચાર શુભસંદેશકારોએ લખેલો બાઈબલનો બીજો ભાગ-નવો કારર- આપણને મળે છે અને એમાં ઈસુના જીવન અને સંદેશની શ્રદ્ધાપ્રેરિત માહિતી મળે છે.

“નવાં કરાર”માં સંત માથ્થી, સંત માર્ક, સંતલૂક અને સંત યોહાન એમ ચાર શુભસંદેશકારોએ ઈસુના જીવન અને સંદેશનો ચિતાર આપ્યો છે. એમાંથી આપણને ઈસુએ કરેલા ચમત્કારો, એમણે આપેલા દષ્ટાંતબોધો તથા એમના પ્રેમ, સેવા, માફી, દયા અને કરૂણાના સંદેશો જાણવા મળે છે.

ઈસુનો મારો અનુભવ
ઈસુનાં જીવન અને સંદેશની વાત મારે અંગત અનુભવની વાતથી હું શરૂ કરું છું. મારા માટે ભગવાન ઈસુ કોણ છે? એક જ શબ્દમાં કહું છું. તો ભગવાન ઈસુ મારા માટે મારું સર્વસ્વ છે. હું ભગવાન ઈસુને મારા સર્જનહાર, મારા તારણહાર અને મારા અંતિમ વિસામા તરીકે સ્વીકારું છું. એમણે મને પોતાના અનહદ પ્રેમનો અનુભવ કરાવ્યો છે. એટલે મારા દૈનિક જીવનમાં ભગવાન ઈસુને હું મારા પ્રિય મિત્ર ગણીને જીવું છું.

તેમ છતાં વર્ષો પહેલાં એક તબક્કે ભગવાન ઈસુએ મને તરછોડી દીધાનો મને અનુભવ થયા હતો. ભગવાન પરની મારી શ્રદ્ધા ડગમગી ગઈ હતી. મારી બધી આસા-અભિલાષાઓ પડી ભાંગી હતી. આજે એ હચમચાવી નાખનાર અનુભવો અને તીવ્ર લાગીણીને મૂલવું છું. ત્યારે સ્પષ્ટપણે એક વાત સમજું છું. જ્યારે ભગવાને મને તરછોડી દીધાનો અનુભવ થયા હતો ત્યારે જ ભગવાન ઈસુ મારી સૌથી વધારે નજીર હતા, તેમણે એ જ પ્રસંગે મને પોતાના બાહુમાં ઊંચકી લઈને સુરક્ષિત રાખ્યો હતો ! એ જ વાત ઈસુ સાથેની મારી મિત્રતાના પાયામાં છે.

મારા આવા અનુભવોમાંથી હું ભગવાન ઈસુને પ્રેમ અને મિત્રતાના પૂર્ણસ્વરૂપ તરીકે ઓળખું છું ને સ્વીકારું છું. એક મિત્ર તરીકે ભગવાન ઈસુ હરહંમેશ મારી પડખે ઊભા છે એ ખ્યાલ મને બઘી પરિસ્થિતિમાં ચિંતામુક્ત અને હિંમતવાન બનાવે છે. ભગવાન ઈસુ સાથેની મારી આ મિત્રતાને કારણે હું સત પાઉલ સાથે કહી શકું છું કે, જ્યારે હું નિર્બળ હોઉં ત્યારે જ હું સબળ હોઉ છું વિરોધાભાસી લાગે એવા આ વાતમાં અનુભવની સચ્ચાઈ છે, સમજણનું સત્ય છે.

ભગવાન ઈસુ સાથેના મારા સંબંધને શબ્ધબદ્ધ કરવો અઘરી બાબત છે. પણ અંગ્રેજી કવિ આલ્ફ્રેટ લોર્ડ ટેનિસનની એક વાત મારી મદદે આવે છે. એક દિવસ લોર્ડ ટેનિસરન એક સુંદર બગાચીમાં લટાર મારતા હતા અને બગીચાનાં રંગબેરંગી અને મનમોહક ફૂલોનું સૌંદર્ય માણતા હતા. ત્યાં બગીચાની અંદર આવેલી એક વ્યક્તિએ લોર્ડ ટેનિસનને પૂછયું સાહેબ, આપ ભગવાન ઈસુ અંગે ખૂબ લખો છો અને પ્રવચનો પણ આપો છો. તો આપ મને કહેશો કે આપના દૈનિક જીવનમાં ભગવાનનું શું સ્થાન છે ?

લોર્ડ ટેનિસને તરત જ કહ્યું, જુઓ આ સુંદર ફૂલો ! આ ફૂલોને ખીલવા અને શોભા ધારણ કરવા માટે સૂર્યપ્રકાશની જરૂર પડે છે. એટલે, ફૂલોમાં જે સ્થાન સૂર્યપ્રકાશનું છે તે જ સ્થાન મારા હૃદયમાં ભગવાન ઈસુનું છે.

ભગવાન ઈસુ મારા પ્રેરણાસ્ત્રોત છે. હું રોજ બાઈબલ વાંચીને ઈસુનાં કાર્યો અને સંદેશ પર ધ્યાન મનન કરું છું. આ દુનિયામાં ઈસુએ મારા માટે એક સંપૂર્ણ માણસનો દાખલો બેસાડયો છે. એટલે ઈસુએ ચીંધેલા માર્ગે ચાલવા મથું છું. આપણા ગુજરાતી કવિવર ઉમાશંકર જોશી પોતાના પ્રસ્તુત કાવ્યમાં સંપૂર્ણ કે આદર્શ માનવની વાત કરે છે. મારે મન એ સંપૂર્ણ અને આદર્શ માનવી ખુદ ભગવાન ઈસુ છે.

એક મધ્યકાલીન ખ્રિસ્તી પંડિત, સંત ઈરેનિયુરે કહ્યું છે કે, પૂરેપૂરો જીવંત માણસ જ ઈશ્વરનો મહિમા છે. મારી દષ્ટિએ કોઈને જીવંત અને સંપૂર્ણ માણસ બનાવનાર મહત્વની ત્રણ બાબતો પ્રેમ, માફી અને સેવા છે. ભગવાન ઈસુએ ચીંધેલા પ્રેમ, માફી અને સેવાને માર્ગે ચાલવા મારા પ્રયત્ન સાથે ભગવાન ઈસુના આ સંદેશની ઘોષણા કરવામાં મને અનેહદ આનંદ છે.

મારા અમુક મિત્રો મને કહે છે, ફાધર વર્ગીસ, તમે એક ખ્રિસ્તી સંન્યાસી અને ધર્મગુરુ છો. એટલે તમારું કામ લોકો સુધી ઈસુને પહોંચાડવાનું છે. પરંતુ મને આવી વાત કરનારની વાતને હું હસી કાઢું છું અને કહું છું ભાઈ, તમે મને એવું કહો છો કે, મારે કુંભારવાડામાં જઈને કુંભારોને માટીનાં વાસણો વેચવાં ? માણસ પર ભગવાન ઈસુના સંદેશાને ઠોકી બેસાડવામાં હું માનતો નથી અને ઈચ્છતો પણ નથી.

હું એક સંન્યાસી અને ધર્મગુરુ છું એમાં મને ગર્વ છે. પરંતુ મારે કોઈને ભગવાન ઈસુને પહોંચાડવાની જરૂર નથી. કારણ, ભગવાન ઈસુ દરેક માણસમાં છે એવી મારી દઢ માન્યતા છે. બધા માણસોમાં ભગવાન ઈસુનો વાસ હોય તો કોઈ માણસને ભગવાન ઈસુને આપવાની ગુસ્તાખી હું ન કરું. પણ જ્યારે હું કેટલાક ભારતીય મહાત્યમાઓએ ભગવાન ઈસુ વિશે કરેલી વાત કરું છું. ત્યારે મારી વાતનો પુરાવો મળે છે કે, બઘા માણસોમાં ભગવાન ઈસુનો વાસ છે.

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.