ખ્રિસ્તીધર્મ

ખ્રિસ્તી ધર્મ (ફાધર વાલેસ)

પરમપિતા
ઈસુ પિતા પ્રભુ તું-સર્વધર્મ પ્રાર્થનાના એ શબ્દોમાં ખ્રિસ્તી ધર્મનો સાચો સાર આવી જાય છે. એમાં પરમેશ્વરને પિતાના સ્વરૂપે જોવામાં આવે છે. અને એ ઈસુના સંદેશનું હાર્દ હતું. એમના પહેલાં એને પછી પરમેશ્વરને માટે પિતા શબ્દ વાપરનારા બીજા ખરા. પરંતુ એ શબ્દ અને એ ખ્યાલમાં અને એ ભાવનામાં ધર્મનું કેન્દ્ર જોવું એ ઈસુસંદેશનું વિશેષ લક્ષણ હતું.

પરમ પિતાની યોજના
ભગવાન પિતા છે એટલે સર્જક છે. મનુષ્ય સાથેની આખી સૃષ્ટિ એનું સર્જન છે અને એનું સંચાલન છે માટે દુનિયા મંગળ છે, પાછળ એક પ્રેમાળ પિતાનો હાથ છે. એ જોવાની શ્રદ્ધા માણસમાં પ્રગટ એ ધાર્મિક જીવનનું પહેલું પગલું છે. જીવનમાં દુઃખ પણ છે, પણ એ દુઃખ પણ ઔષધરૂપ છે, શિક્ષારૂપ છે, કસોટીરૂપ છે જેથી આપણે માનવજીવનની મંગળ યોજનામાં આગળ વધીએ. એ મોંઘી ને કલ્યાણકારી દ્રષ્ટિ જોઈએ. પરમપિતાની યોજના છે, એટલે એનું મંગળ પરિણામ આવશે જ એ શ્રદ્ધા જોઈએ. ખ્રિસ્તીઓ પોતાને શ્રદ્ધાળુ કહેવડાવે છે, અને ધર્મબોધમાં એમને સંબોધતાં શ્રદ્ધાળુઓ વિશેષણ વપરાય છે એ શબ્દની પસંદગી આ પાયાના વલણની દ્યોતક છે.

સૌ માનવીઓ સમાન
ભગવાન પિતા છે એનું બીજું પરિણામ એ કે બધા માનવીઓ એનાં સંતાન છે, અને તેથી બધા સમાન છે સોનું ગૌરવ સ્વમાન, સ્વતંત્રતા દરજ્જો એક જ છે. બાઈબલના શબ્દો છેઃ “હવે કોઈ યહૂદી નથી કે ગ્રીક નથી, કોઈ ગુલામ નથી કે મુક્ત નથી, કોઈ પુરુષ નથી કે સ્ત્રી નથી, કારણ તમે બધા ઈસુ ખ્રિસ્ત સાથે એક થઈ ગયા છો.” માણસોમાં પૈસા જુદા હશે કે રંગ જુદા હશે અથવા ભાષા જુદી હશે, સંસ્કૃતિ જુદી હશે અને સ્ત્રી-પુરુષ તો પ્રકૃતિએ જુદાં પણ ખરાં, પરંતુ માનવીઓ તરીકે આ બધાં સરખાં ને બધાં સમાન, કોઈ ઊંતું નહીં, કોઈ નીચું નહીં. ઈશ્વરનું સંતાન એ જ અસલ ખાનદાની છે, અને એ સૌની સરખી છે.

ભ્રાતૃબંધુત્વ
ભગવાન સૌના પિતા છે એટલે આપણે બધાં સ્ત્રી-પુરુષો એકબીજાનાં ભાઈ-બહેનો છીએ. એ ત્રીજું અને દૂરગામી પરિણામ છે. કોઈ પારકું નથી, કોઈ શત્રુ નથી, બધાં એક જ કુળનાં, એક જ કુટુંબનાં, ઘર જરા મોટું છે, અને કુટુંબ વિશાળ છે, પણ સંયુક્ત કુટુંબ જ છે, માણસ એલકો પોતાનું જીવન જીવી ન શકે અને પોતાની મુક્તિ ન શકે. સગાંઓમાં જ જીવન છે. સાથે ડૂબે કે સાથે કરે. દરેક કુટુંબીજન ઉપર કુટુંબની જવાબદારી છે. દુનિયાના પ્રશનો ઘરના જ પ્રશ્નો છે.

સેવાઘર્મ
એમાં ચોથું અને વિશેષ પરિણામ અને ખ્રિસ્તી ધર્મની લાક્ષણિકતા આવે છે તે સેવાધર્મ, જો આપણે એક પરમ પિતાનાં સંતાનો છીએ, જો એકબીજાનાં ભાઈબહેન થઈએ તો એકબીજાની સેવા પણ બનતી ભાવનાથી અને કુશળતાથી કરવમાં જ આપણા જીવનની સાર્થકતા છે, જો દરેક માનવી ભગવાનનું સંતાન હોય તો જે જે આપણે એ માનવીને માટે કરીએ એ ભગવાનને માટે કર્યું એ અસલ સિદ્ધાંત બને અને એના ઉપર સેવાધર્મનું મહત્વન રચાય.

આધુનિક સમાજમાં કુદરતી તેમજ માનવસર્જિત આફતો જોઈને એમાં સપડાયેલાં પીડિતોને મદદ કરવાની ઠીક ઠીક જાગૃતિ આવી ગઈ છે, અને એ જાગૃતિ કરાવવામાં ખ્રિસ્તી ધર્મનો ફાળો ઓછો નથી. શ્રી મગનભાઈ જો. પટેલ લખે છેઃ “ઈસુના વ્યક્તિત્વનું બીજું મહત્વનું લક્ષણ તે માનવસેવાનું છે. ઈશ્વર ઉપાસના છે, એવો સ્પષ્ટ સંદેશ જેવો ઈસુના ઉપદેશોમાં મળે છે તેવો અન્યત્ર મળતો નથી.”

વિનોબાજીએ યોગ્ય જ કહ્યું છે કે-
“દુઃખીઓની સેવાનો ઈશ્વર-ઉપાસના દ્વારા પોતાનાં શબ્દો અને કાર્યોથી વિશ્વને સંદેશ પહોંચાડનાર ઈસુ ખ્રિસ્તથી વિશેષ કોઈ નથી. તેમની પહેલાં મહાત્મા ગૌતમ બુદ્ધે તેની પ્રેરણા આનાથી પણ વધારે ગહન સ્વરૂપમાં ભારતને આપી હતી-કરુણાની પ્રેરણા, જેમાં માનવી સાથે અન્ય પ્રાણીઓને પણ સ્થાન મળ્યું હતું. બેશક, આ પ્રેરણા ખૂબ જ ઊંડી હતી. પરંતુ જેને આજકાલ આપણે પ્રત્યક્ષ માનવસેવાનું નામ આપીએ છીએ, એ કલ્પનાનો આવિર્ભાવ વિશેષ અને વ્યાપક અર્થમાં ઈસુ ખ્રિસ્તના શિક્ષણથી થાય છે.”

શ્રી કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા પોતાના પુસ્તક ઈસુ ખ્રિસ્ત માં પા. 73 ઉપર લખે છે. હિંદુ, મુસલમાન, પારસી વગેરે ધર્મોમાં ઈશ્વરપરાયણતા, શ્રદ્ધા, ભક્તિ, તપ, સંયમ, જીવદયા વગેરેનો દુકાળ નથી. તેમાં જ્ઞાનયોગ, ભક્તિયોગ, કર્મયોગ (એટલે વર્ણાશ્રમધર્મનું પાલન, અથવા અનાસક્તિપૂર્વક સાંસારિક પ્રવૃત્તિઓનું આચરણ). રાજયોગ, હઠયોગ, મંત્રયોગ, તંત્રયોગ સંન્યાસયોગ વગેરે અનેક પ્રકારના યોગો અસ્તિત્વમાં છે. એ સઘળાંનું ધ્યેય તે તે યોગની પૂર્ણતા દ્વારા ઈશ્વરપ્રાપ્તિનું જ છે. વળી તેમનામાં ખાનગી તેમ જ સાર્વજનિક દાનધર્મનીયે ઊણપ નથી. પણ દુઃખી, દલિત, પતિત, ત્યક્ત તથા અબૂઝ (અભણ-અજ્ઞાન) માનવોની જાતે પ્રત્યક્ષ ઐહિક સેવા બજાવવી, તથા તેમને ઈશ્વરમાર્ગે વાળી તે દ્વારા ઈશ્વરની આરાધના કરવી, એવો ઈશ-માનવ-સેવ યોગ હિંદુ, મુસલમાન વગેરે ધર્મોએ ખિલવ્યો છે એમ કહી શકાય નહીં. એ તરફ તેમનું ખાસ લક્ષ જ ગયું નથી, એમ કહેવામાં તેમની નિંદા કરેલી કહી શકાય નહીં. એ ખ્રિસ્તી ધર્મની વિશેષતા છે એમ કહેવું જોઈએ.

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.