English |
બાઇબલના પ્રથમ ગ્રંથ ‘ઉત્પતિ’થી માંડી છેલ્લા ગ્રંથ ‘દર્શન’ સુધી દેવદૂતો અનેક વાર બાઇબલમાં દેખા દે છે. પરંતુ ફક્ત ત્રણ જ દેવદૂતોને નામથી ઓળખવામાં આવે છે: ગાબ્રિએલ૪ મિખાએલ અને રાફાએલ, તેમણે ત્રણ ‘મુખ્ય દેવદૂતો’ પણ કહેવામાં આવે છે.
દેવદૂતો અંગેની માન્યતા ઈસુના જન્મની ઘણી સદીઓ પહેલાં યહૂદી પ્રજામાં તેમ અન્ય પ્રજાઓમાં તેમ જ વિવિધ સંસ્કૃતિઓમાં જોવા મળે છે.
આ પ્રકરણમાં આપણે મુખ્યત્વે નવા કરારના અને એમાં ચાર શુભસંદેશમાં આવતા દેવદૂતોની વાત કરીએ છીએ. આપણી વચ્ચે ‘દેવદૂતો’ના અસ્તિત્વને નકારતા કે અસ્તિત્વ અંગે પ્રશ્ન ઉઠાવતા લોકો છે. પરંતુ નવા કરારમાં દેવદૂતોના અસ્તિત્વને સ્વીકારી લેવામાં આવે છે. કોઈ સર્વસામાન્ય વાત હોય તો એ રીતે નવા કરારમાં દેવદૂતોની વાત કરવામાં આવે છે.
આપણે જોઈ શકીએ છીએ કે ઈસુના જીવનમાં દેવદૂતોની વાત અવારનવાર આવ્યા કરે છે. ઈસુના જીવનના નિર્ણયાત્મક પ્રસંગોમાં દેવદૂતો દેખા દે છે.
લૂકકૃત શુભસંદેશમાં જણાવવામાં આવે છે તેમ, યરુશાલેમના મંદિરમાં ધૂપ ચઢાવવાનું કામ પુરોહિત ઝખરિયાના ભાગે આવ્યુંપ લૂકે આ પ્રસંગને આબેહૂબ રીતે વર્ણવ્યો છે. વેદીની જમણી બાજુએ ઊભા રહીને ઝખરિયાને દર્શન દઈને દેવદૂતે તેને કહ્યું, ‘ગભરાઈશ નહીં, ઝખરિયા, કારણ, ભગવાને તારી અરજ સાંભળી છે; તારી પત્ની એલિસાબેતને પુત્ર અવતરશે, અને તું તેનું નામ યોહાન પાડજે.’ (લૂક ૧, ૧૩).
પરંતુ ઝખરિયાને દેવદૂતની ભવિષ્યવાણીમાં વિશ્વાસ બેઠો નહીં, એટલે તેમણે દેવદૂતને પૂછ્યું, ‘મને કેમ એનો વિશ્વાસ પડે? કારણ, હું ઘરડો થયો છું. અને મારી પત્નીની ઉંમર પણ ઘણી થઈ છે.’ (લૂક ૧, ૧૮).
દેવદૂતે તેને જવાબ આપ્યો, ‘હું ઈશ્વરની હજૂરમાં ખાડો રહેનાર ગાબ્રિએલ છું. તારી સાથે વાત કરવા અને તને ખુશખબર આપવા મને મોકલવામાં આવ્યો છે.’ (લૂક ૧, ૧૯).
જેમ સ્નાનસંસ્કારક યોહાનના જન્મની વાત દેવદૂત ગાબ્રિએલે ભાખી હતી, તેમ ખુદ ઈસુના જન્મની વધામણી પણ દેવદૂત ગાબ્રિએલ આપે છે. લૂકે વધામણીનું સરસ વર્ણન કર્યું છે:
‘છઠ્ઠે મહિને ઈશ્વરે દેવદૂત ગાબ્રિએલને ગાલીલ પ્રાંતના નાસરેથ નામે ગામમાં એક કન્યા પાસે મોકલ્યો. કન્યાનું નામ મરિયમ હતું અને તેમના વિવાહ દાવિદના વંશજ યોસેફ નામના માણસ સાથે થયા હતા. દેવદૂતે તેમની પાસે અંદર જઈને કહ્યું, ‘પ્રણામ, તારી ઉપર પ્રભુની કૃપા ઊતરી છે, પ્રભુ તારી સાથે છે.’
‘આ વચન સાંભળીને તેઓ ક્ષોભ પામ્યાં અને વિચાર કરવા લાગ્યાં કે, આ તે કેવા પ્રકારના પ્રણામ! ત્યારે દેવદૂતે તેમને કહ્યું, ‘ગભરાઈશ નહીં, મરિયમ, કારણ, ઈશ્વર તારા ઉપર પ્રસન્ન થયા છે. જો, તને ગર્ભ રહેશે અને એક પુત્ર અવતરશે, તેનું નામ તું ઈસુ રાખજે. એ મહાન હશે અને પરાત્પરનો પુત્ર કહેવાશે; પ્રભુ પરમેશ્વર તેને તેના પૂર્વજ દાવિદનું રાજસિંહાસન આપશે અને તે યુગોના યુગો સુધી ઇઝરાયેલની પ્રજા ઉપર રાજ્ય કરશે; તેના રાજ્યનો અંત આવશે નહીં.’
મરિયમે દેવદૂતને કહ્યું, ‘એ શી રીતે બનશે? હું તો પતિગમન કરતી નથી.’
દેવદૂતે જવાબ આપ્યો, “પવિત્ર આત્મા તારા ઉપર ઊતરશે અને પરાત્પરનો પ્રભાવ તને છાઈ દેશે, અને એ જ કારણથી જે પવિત્ર પુત્ર અવતરશે તે ‘ઈશ્વરપુત્ર’ કહેવાશે. અને જો, તારી સગી એલિસાબેતને પણ ઘડપણમાં ગર્ભ રહ્યો છે, અને જે વાંઝણી કહેવાતી હતી એને અત્યારે છઠ્ઠો મહિનો ચાલે છે, કારણ, ઈશ્વરને કશું અશક્ય નથી.”
મરિયમે કહ્યું, ‘હું તો ઈશ્વરની દાસી છું. તારી વાણી મારે વિશે સાચી પડો.’ (લૂક ૧, ૨૬-૩૮).
મરિયમને મળેલી વધામણી પછી એમના સહવાસ પહેલાં મરિયમના પતિ યોસેફ્ને માલૂમ પડ્યું કે, મરિયમને પવિત્ર આત્માના પ્રભાવથી ગર્ભ રહ્યો છે. આ વાત માથ્થીકૃત શુભસંદેશમાંથી આપણને જાણવા મળે છે. માથ્થી લખે છે:
‘તેમના પતિ યોસેફ ધર્મિષ્ઠ માણસ હતા અને તેમણે ઉઘાડાં પાડવા ઇચ્છતા ન હતા, એટલે તેમની ઇચ્છા કશી હોહા વગર તેમને છૂટાં કરવાની હતી. તેઓ એ વાતનો વિચાર કરતા હતા એવામાં એક દેવદૂતે તેમને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું, ‘હે દાવિદપુત્ર યોસેફ, તારી પત્ની મરિયમને ઘેર તેડી લાવતાં ડરીશ નહીં. એને જે ગર્ભ રહ્યો છે તે પવિત્ર આત્માના પ્રભાવથી રહ્યો છે. તેને પુત્ર અવતરશે અને તું તેનું નામ ઈસુ પાડજે, કારણ, તે પોતાની પ્રજાને પાપમાંથી મુક્તિ આપનાર છે.
‘પ્રભુએ પયગંબરમુખે કરેલી ભવિષ્યવાણી સાચી પડે એટલા માટે આ બધું બન્યું. તેને ભાખ્યું હતું કે, ‘કુંવારી કન્યાને ગર્ભ રહેશે અને તે પુત્રને જન્મ આપશે અને લોકો તેનું નામ ઇમાનુએલ એવું પડશે.’ ઇમાનુએલ એટલે ‘ઈશ્વર આપણી સાથે છે.’
‘યોસેફે ઊંઘમાંથી ઊઠીને દેવદૂતના કહ્યા પ્રમાણે કર્યું. તેઓ પોતાની પત્નીને ઘરે તેડી ગયા. તેમનું ગમન થયા વગર મરિયમને પુત્ર અવતર્યો અને યોસેફે તેનું નામ ઈસુ પાડ્યું.’ (માથ્થી ૧, ૧૯-૨૫).
લૂકકૃત શુભસંદેશમાં પાછા જઈએ તો ત્યાં ઈસુના જન્મ વખતે દેવદૂતો ભરવાડોને વધામણી આપે છે.
‘એ પ્રદેશમાં ખુલ્લા મેદાનમાં રહેતા કેટલાક ભરવાડો રાતે વારાફરતી પોતાનાં ઘેટાંની ચોકી કરતા હતા. અચાનક પ્રભુનો એક દૂત તેમની આગળ પ્રગટ થયો અને તેમની આસપાસ પ્રભુની પ્રભા ઝળહળવા લાગી. આથી તેઓ ખૂબ ભયભીત થઈ ગયા. પણ દેવદૂતે તેમને કહ્યું, ‘બીશો નહીં; સાંભળો, હું તમને ભારે આનંદના શુભસમાચાર આપવા આવ્યો છું. આખી પ્રજાને પણ એથી આનંદ આનંદ થઈ રહેશે. આજે દાવિદના નગરમાં તમારો મુક્તિદાતા અવતર્યો છે. એ જ ખ્રિસ્ત અને પ્રભુ છે. એની એંધાણી એ કે, તમે એક બાળકને કપડામાં લપેટીને ગમાણમાં સુવાડેલો જોશો.’ (લૂક ૨, ૮-૧૨).
લૂક વધુમાં નોંધે છે, ‘પલકારામાં એ દેવદૂતની સાથે બીજા સ્વર્ગીય દૂતોનો સમૂહ ઈશ્વરની સ્તુતિ ગાતો નજરે પડ્યો, પરમધામમાં ઈશ્વરનો મહિમા, અને પૃથ્વી ઉપર ઈશ્વરના પ્રીતિપાત્ર માણસોમાં શાંતિ! પછી દેવદૂતો તેમની આગળથી સ્વર્ગમાં પાછા ચાલ્યા ગયા.’ (લૂક ૨, ૧૩-૧૫).
માથ્થીકૃત શુભસંદેશમાં આપણને બેથલેહેમમાં ઈસુના જન્મ વખતે એમનાં દર્શને આવેલા પૂર્વના પંડિતોની વાત મળે છે. પંડિતોએ યરુશાલેમમાં રાજા હેરોદ પાસેથી જાણ્યું હતું કે પયગંબરોએ ભાખ્યા મુજબ ઈસુનું જન્મસ્થળ બેથલેહેમ છે. પરંતુ હેરોદે આગ્રહભરી રીતે કહેવા છતાં પંડિતો હેરોદને ઈસુની બાતમી આપ્યા વિના ઈશ્વરની પ્રેરણાથી બીજે રસ્તે પોતાને દેશ પાછા ગયા. એથી હેરોદનો રોષ એકદમ ભભૂકી ઊઠ્યો અને તેણે બાળ ઈસુને મારી નાખવાની યોજના કરી.
આ પ્રસંગે એક દેવદૂત ઈસુની વહારે આવે છે. માથ્થી લખે છે: ‘તે લોકોના ગયા પછી દેવદૂતે યોસેફને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું, ‘ઊઠ, બાળકને અને તેનાં માતાને લઈને મિસર ભાગી જા, અને હું કહું નહિ ત્યાં સુધી ત્યાં જ રહેજે, કારણ, હેરોદ એ બાળકને શોધી કાઢીને મારી નાખવાની પેરવીમાં છે.
‘એટલે યોસેફ ઊઠ્યા અને બાળક અને તેનાં માતાને લઈને રાતોરાત મિસર ચાલ્યા ગયા, અને હેરોદના મરણ સુધી ત્યાં રહ્યા.’ (માથ્થી ૨, ૧૩-૧૪).
દેવદૂત ફરી એક વાર ઈસુની કસોટી વખતે ઈસુના જીવનમાં દેખા દે છે. ઈસુને કસોટીમાં ફસાવવા સેતાન નિષ્ફળ ગયો ત્યારે દેવદૂત ઈસુની વહારે આવ્યા. ‘આ પછી સેતાન તેમણે છોડીને ચાલ્યો ગયો, એટલે દેવદૂતો આવીને તેમની સેવા કરવા લાગ્યા.’ (માથ્થી ૪, ૧૧).
પોતાના ત્રણ વર્ષના જાહેર જીવન દરમિયાન ઈસુએ ઘણી વાર દેવદૂતોની વાત કરી છે.
શિષ્યોએ ઈસુ પાસે જંગલી ઘાસનો દ્રષ્ટાંતબોધ સમજાવવા માગણી કરી ત્યારે ઈસુએ દ્રષ્ટાંતબોધના ખુલાસામાં દેવદૂતોનો આમ ઉલ્લેખ કર્યો છે:
‘પણ જંગલી ઘાસ તે સેતાનની પ્રજા છે; એને તેને વાવનાર દુશ્મન તે સેતાન છે. લલણી એ યુગનો અંત છે, અને લણનારા તે દેવદૂતો છે. અને જેમ ઘાસ ભેગું કરીને અગ્નિમાં બાળી મૂકવામાં આવે છે, તેમ યુગના અંત વખતે પણ થશે; માનવપુત્ર પોતાના દૂતોને મોકલશે, અને તેઓ તેના રાજ્યમાંથી બધા પાપ કરનારા ને કરાવનારાઓને ભેગા કરી ભડભડતા અગ્નિમાં નાખશે.’ (માથ્થી ૧૩, ૩૭-૪૨).
લૂક જણાવે છે કે દેવદૂતો સ્વર્ગીય મહેલમાં પ્રભુની સેવામાં સતત હાજર છે. એટલે ઈસુ કહે છે, ‘હું તમને કહું છું કે, જે કોઈ લોકો આગળ મારો સ્વીકાર કરશે તેનો માનવપુત્ર પણ દેવદૂતો સમક્ષ સ્વીકાર કરશે; પણ જે કોઈ લોકો સમક્ષ મારો ઇનકાર કરશે તેનો દેવદૂતો સમક્ષ ઇનકાર કરવામાં આવશે.’ (લૂક ૧૨, ૮-૯).
ફરી વાર ‘ખોવાયેલું ઘેટું’ના દ્રષ્ટાંત પછી ઈસુ કહે છે, ‘એ જ રીતે હું તમને કહું છું કે, પશ્ચાતાપ કરનાર એક પાપી માટે પણ ઈશ્વરના દૂતોમાં આનંદ વ્યાપી જાય છે.’ (લૂક ૧૫, ૧૦).
જુદી જુદી ભાષાઓ અને સંસ્કૃતિમાં રક્ષકદૂતની વાત આવે છે. ઈસુ દેવદૂતોને બાળકોના રક્ષકદૂત તરીકે ઓળખાવે છે. ‘જોજો! આ નાનેરા જનોમાંથી કોઈની અવગણના કરશો નહીં; કારણ; હું તમને કહું છું કે, એમના દેવદૂતો સ્વર્ગમાં સતત મારા પરમપિતાનું પ્રત્યક્ષ દર્શન પામે છે.’ (માથ્થી ૧૮, ૧૦).
કટોકટીના સમયે ઈસુની ધરપકડ કરવામાં આવી ત્યારે પોતાની તલવારથી બચાવવા મથતા એક શિષ્યને તેમણે કહ્યું હતું કે, ‘તું શું એમ માને છે કે, હું મારા પિતાની મદદ માંગી શકું તેમ નથી, અને તે મને તત્ક્ષણ દેવદૂતોની બારથી પણ વધારે સેના ન મોકલી આપે?’ (માથ્થી ૨૬, ૫૩).
એક શ્રીમંત અને એક ગરીબ માણસ લાઝરસની વાતમાં ઈસુએ દેવદૂતોની વાત કરી છે. ‘હવે એવું બન્યું કે, એ ગરીબ માણસ મરી ગયો, અને દેવદૂતો તેને અબ્રાહમ પાસે લઈ ગયા. પેલો શ્રીમંત પણ મરી ગયો અને તેને દફનાવવામાં આવ્યો.’ (માથ્થી ૨૬, ૨૨).
ઈસુ કહે છે કે, દેવદૂતો માનવપુત્રના છેલ્લા આગમન વખતે એમને અનુસરશે. ‘એટલે જો કોઈ મારો અને મારાં વચનોનો સ્વીકાર કરતાં શરમાશે, તો માનવપુત્ર પણ જ્યારે પોતાનો, પિતાનો અને પવિત્ર દેવદૂતોનો મહિમા ધારણ કરીને આવશે, ત્યારે તેનો સ્વીકાર કરતાં શરમાશે.’ (લૂક ૯, ૨૬).
વળી માનવપુત્રના આગમન વખતે દેવદૂતો વરેલા લોકોને ભેગા કરશે. ‘રણશિંગાના નાદ સાથે તે પોતાના દૂતોને મોકલશે, અને તેઓ ક્ષિતિજના આ છેડાથી પેલા છેડા સુધીની ચારે દિશામાંથી તેના વરેલાઓને ભેગા કરશે.’ (માથ્થી ૨૪, ૩૧).
ઈસુના પુનરુત્થાન પછી આપણે બે દેવદૂતોને એમની કબર પર જોઈએ છીએ. યોહાને એ દૃશ્યનું બરાબર વર્ણન કર્યું છે. ‘પણ મરિયમ બહાર કબર પાસે રડતી ઊભી રહી. રડતાં રડતાં તેણે કબરમાં નીચા નમીને જોયું તો ઈસુનું શબ જ્યાં મુકેલું હતું ત્યાં સફેદ વસ્ત્રધારી બે દેવદૂતો બેઠેલા હતા, એક ઓશીકે અને બીજો પાંગતે.’ (યોહાન ૨૦, ૧૧-૧૨).
‘પ્રેષિતોનાં ચરિતો’માં તેમ જ નવા કરારના બીજા કેટલાક ગ્રંથોમાં દેવદૂતોને પ્રેષિતોને મદદ કરતા જોઈએ છીએ. એક દેવદૂત પ્રેષિતોને એમના કેદખાનામાંથી મુક્ત કરી બહાર લાવે છે. પણ પ્રભુના એક દૂતે રાત્રે કેદખાનાના દરવાજા ખોલી નાખી તેમને બહાર લાવીને કહ્યું, ‘જાઓ, અને મંદિરમાં ઊભા રહીને લોકોને આ નવા જીવનની બધી વાતો સંભળાવો. આ સાંભળીને તેમણે પરોઢના અરસામાં મંદિરમાં દાખલ થઈને લોકોને ઉપદેશ આપવા માંડ્યો.’ (પ્રેષિતોનાં ચરિતો ૫, ૧૯-૨૧).
હિબ્રૂઓ પ્રત્યેના પત્રમાં તથા ‘દર્શન’ ગ્રંથમાં આપણને દેવદૂતો અંગે ઘણા ઉલ્લેખો જોવા મળે છે. હિબ્રૂઓ પ્રત્યેના પત્રના પ્રથમ અધ્યાયમાં જ દેવદૂતોને ઈસુના પરિચારક આત્માઓ તરીકે બતાવવામાં આવ્યા છે. ‘દેવદૂતો તો જેઓ મુક્તિ પ્રાપ્ત કરનાર છે તેમની સેવા કરવાને મોકલાતા શું પરિચારક આત્માઓ જ નથી?’ (હિબ્રૂઓ ૧, ૧૪).
દેવદૂતો અંગેનો છેલ્લો ઉલ્લેખ આપણને ‘દર્શન’ ગ્રંથના અંતમાં મળે છે. ‘મેં ઈસુએ, ધર્મસંઘોને વિશે આ વાતો તમને જણાવવા દેવદૂતને તમારી પાસે મોકલ્યો છે. હું દાવિદનો વંશજ અને તેનું સંતાન છું; તેજસ્વી પ્રભાત-તારક છું.’ (દર્શન ૨૨, ૧૬).
દેવદૂતોના અસ્તિત્વ અંગે ખ્રિસ્તીઓમાં ભિન્ન ભિન્ન માન્યતાઓ પ્રવર્તે છે. કેટલાક ઈસુપંથી અથવા ખ્રિસ્તી સમુદાયો દેવદૂતોના અસ્તિત્વની અવગણના કરે છે. કેથલિક તથા ઓર્થોડોકસ ખ્રિસ્તીઓ દેવદૂતોના અસ્તિત્વમાં દ્રઢપણે માને છે.
બાઇબલના નિષ્ણાત રોનાલ્ડ બ્રાઉનરિગ ‘હૂઝ હૂ ધ ન્યૂ ટેસ્ટામેન્ટ’માં કહે છે, ‘હિપ્પોના સંત અગુસ્તીનથી માંડી ફ્રાન્સિસ આસીસી અને જોન ઓફ આર્ક સુધી સાદા, સીધા અને નમ્ર ખ્રિસ્તીઓ માને છે કે તેઓ હંમેશાં દેવદૂતોનાં માર્ગદર્શન અને રક્ષણ મેળવતાં રહે છે.’ (પૃ. ૮).
#