English |
ઈસુનાં માતા મરિયમ ઈસાઈ પંથ મુક્તિ ઇતિહાસમાં ખૂબ ઊંચા સ્થાને બિરાજે છે. છતાં બાઇબલમાં મા મરિયમનો ઉલેખ્ખ ખૂબ ઓછો છે!
બાઇબલેતર ભક્તિ સાહિત્યમાંથી આપણને માતા મરિયમનાં મા-બાપનાં નામો મળે છે. તે વૃદ્ધ માતાપિતા અન્ના અને યોહાકીમની પુત્રી હતી. આ માહિતી આપણને બીજી શતાબ્દીમાં લખાયેલા ‘પ્રોટો એવાનગેલિયુમ’ એટલે ‘પ્રથમ શુભસંદેશ’ નામના ગ્રંથમાંથી મળે છે. પૂર્વના ઓર્થોડોક્સ ખ્રિસ્તી ધર્મસંઘમાં મધ્યયુગથી મા મરિયમનાં મા-બાપનો તહેવાર ઊજવવામાં આવે છે. એક યા બીજાં લખાણમાં મા મરિયમ માટે ‘ગાલીલની મરિયમ’ તરીકેનો ઉલ્લેખ મળે છે અને એમનું જન્મસ્થળ ગાલીલનું સાપ્પિરેસ ગામ બતાવવામાં આવે છે.
ચારેય શુભ સંદેશકારોમાં માર્ક અને યોહાનના શુભસંદેશમાં ઈસુનું બાળપણ અને ઈસુના જન્મ પહેલાંના મરિયમના જીવન વિશે કશી જ માહિતી નથી. માથ્થીએ અને ખાસ તો લૂકે ઈસુના જન્મ અને બાળપણનું વર્ણન કર્યું છે. એમાં કુમારી કન્યા અને માતા તરીકેની મરિયમની થોડી માહિતી આપણને મળે છે. મરિયમનાં મા-બાપ નાસરેથ રહેતાં હતાં એવું માની શકાય. કારણ, મરિયમને એમના નાસરેથના ઘરમાં ઈશ્વરનો દેવદૂત સંદેશ આપે છે. લૂકે સાહિત્યિક ભાષામાં એનું વર્ણન કર્યું છે. “છઠ્ઠે મહિને ઈશ્વરે દેવદૂત ગાબ્રિયેલને ગાલીલ પ્રાંતના નાસરેથ નામે ગામમાં એક કન્યા પાસે મોકલ્યો. કન્યાનું નામ મરિયમ હતું અને તેમના વિવાહ દાવિદના વંશજ યોસેફ નામના માણસ સાથે થયા હતા.’ (લૂક ૧, ૨૬-૨૭). લૂકે એક જ વાક્યમાં કન્યાનું નામ મરિયમ અને યોસેફ સાથેના તેમના વિવાહની વાત તથા યોસેફ દાવિદના વંશના છે એ વાત કુશળતાથી કરી છે. સૌથી પહેલી માહિતી તો ઈશ્વરે જ દેવદૂતે ગાબ્રિયેલને મરિયમ પાસે મોકલ્યા છે, તે છે.
ઈશ્વરનો સંદેશ ગાબ્રિયેલ મરિયમને આપે છે, “પ્રણામ, તારી ઉપર પ્રભુની કૃપા ઊતરી છે, પ્રભુ તારી સાથે છે.’ (લૂક ૧, ૨૮). આ સંદેશ બિલકુલ અપ્રતીક્ષિત છે અને મરિયમ આ સંદેશ સમજી શકતાં પણ નથી. એટલે દેવદૂત ગાબ્રિયેલના સંદેશથી મરિયમ ‘ક્ષોભ પામ્યાં અને વિચાર કરવા લાગ્યાં કે, આ તે કેવા પ્રકારના પ્રણામ!’ (લૂક ૧, ૨૯).
મરિયમનું ધર્મસંકટ સમજી જઈને દેવદૂતે એમને કહ્યું, ‘ગભરાઈશ નહીં, મરિયમ, કારણ, ઈશ્વર તારા ઉપર પ્રસન્ન થયા છે. જો, તને ગર્ભ રહેશે અને એક પુત્ર અવતરશે, તેનું નામ તું ઈસુ રાખજે. એ મહાન હશે અને પરાત્પરનો પુત્ર કહેવાશે; પ્રભુ પરમેશ્વર તેને તેના પૂર્વજ દાવિદનું રાજસિંહાસન આપશે અને તે યુગોના યુગો સુધી ઇઝરાયેલની પ્રજા ઉપર રાજ્ય કરશે; તેના રાજ્યનો અંત આવશે નહીં.’ (લૂક ૧, ૩૦-૩૩).
ગાબ્રિયેલની બધી વાતો મરિયમ સમજી શકે એમ નહોતાં. છતાં દેવદૂતના ખુલાસાથી મરિયમને સંદેશનો થોડોઘણો ખ્યાલ આવ્યો અને એમણે દેવદૂત પાસે વધુ ખુલાસો માગ્યો. મરિયમે દેવદૂતને કહ્યું, ‘એ શી રીતે બનશે? હું તો પતિગમન કરતી નથી.’ (લૂક ૧, ૩૪).
પોતાની વાતનો વધુ ખુલાસો કરતાં દેવદૂતે કહ્યું, ‘પવિત્ર આત્મા તારા ઉપર ઊતરશે અને પરાત્પરનો પ્રભાવ તને છાઈ દેશે, અને એ જ કારણથી જે પવિત્ર પુત્ર અવતરશે તે ‘ઈશ્વરપુત્ર’ કહેવાશે. અને જો, તારી સગી એલિસાબેતને પણ ઘડપણમાં ગર્ભ રહ્યો છે, અને જે વાંઝણી કહેવાતી હતી એને અત્યારે છઠ્ઠો મહિનો ચાલે છે, કારણ, ઈશ્વરને કશું અશક્ય નથી.’ (લૂક ૧, ૩૫-૩૭)
મરિયમને સંતોષકારક જવાબ મળ્યો. એટલે મરિયમે કહ્યું, ‘હું તો ઈશ્વરની દાસી છું. તારી વાણી મારે વિશે સાચી પડો.’ (લૂક ૧, ૩૮). મરિયમની નમ્ર ‘હા’થી માણસ કદી કલ્પી ન શકે એવો બનાવ એટલે ઈશ્વરના માનવ બનવાનો બનાવ બન્યો.
મરિયમને વધામણીનો સંદેશ મળ્યા પછી તે તરત જ પોતાની સગી એલિસાબેતને મળવા ગયાં હતાં. કારણ, ગાબ્રિયેલે એમને કહ્યું હતું કે મરિયમની સગી એલિસાબેતને ઘડપણમાં ગર્ભ રહ્યો છે.
લૂકે મરિયમ અને એલિસાબેતના મિલનનું સુંદર વર્ણન કર્યું છે. ‘થોડા જ વખતમાં મરિયમ યહૂદિયાના પહાડી પ્રદેશમાં આવેલા એક ગામમાં જવાને બદલે ઉતાવળાં ઉતાવળાં નીકળી પડ્યાં. ઝખરિયાનાં ઘરમાં જઈને તેમણે એલિસાબેતને વંદન કર્યા. મરિયમનાં વંદન સાંભળતાં જ એલિસાબેતના પેટમાનું બાળક ફરક્યું, અને એલિસાબેત પવિત્ર આત્માની પ્રેરણાથી સભર બનીને મોટે સાદે બોલી ઊઠી, ‘સૌ સ્ત્રીઓમાં તું ધન્ય છે અને ધન્ય છે તારી કૂખનું બાળક! હું તે કેવી ભાગ્યશાળી કે મારા પ્રભુની માતા મને મળવા આવી! અને વાત તો સાંભળ, જેવા તારા વંદનના શબ્દ મારે કાને પડ્યા કે તરત જ મારા પેટમાંનું બાળક આનંદથી ફરક્યું! અને શ્રદ્ધા રાખનારી તું પરમસુખી છે, કારણ, પ્રભુ ઉપરથી તને મળેલાં વચન પૂરાં થશે.” (લૂક ૧, ૩૯-૪૫).
એલિસાબેતની મુલાકાત અને તે પ્રસંગે મરિયમનું સ્તુતિગાન આપણને મરિયમના પાત્ર કે સ્વભાવનો થોડો ખ્યાલ આપે છે. મરિયમ પોતાની જાતને ખૂબ નમ્રતાથી ઈશ્વરની દાસી તરીકે ઓળખાવે છે. પણ સગી એલિસાબેતે પોતાને વિશે કરેલી વાતથી મરિયમ ઈશ્વરની કૃપાર્દષ્ટિથી સભાન બને છે અને જાણે છે કે પોતે ખરેખર ‘બડભાગી’ છે.
મરિયમે કરેલા ઈશ્વરના સ્તુતિગાનમાં મરિયમ એકરાર કરે છે કે, ‘પરમેશ્વરે પોતાની આ દિન દાસી ઉપર કૃપાર્દષ્ટિ કરી છે’ અને ‘આજથી બધા યુગો મને બડભાગી માનશે’.
આ સ્તુતિગાન પછી લૂક જણાવે છે કે, ‘મરિયમ લગભગ ત્રણ મહિના એલિસાબેત સાથે રહ્યાં અને પછી પોતાને ઘેર પાછાં ગયાં.’ (લૂક ૧, ૫૬).
સ્નાનસંસ્કારક યોહાનના જન્મની વાત તથા ઈસુનાં જન્મની વાત – બંને ખૂબ રસપ્રદ છે; બંનેમાં વાસ્તવિક વાતો અને કાલ્પનિક વાતો વચ્ચેની ભેદરેખા સમજાવી અઘરી છે. સીઉના જન્મ અંગેની માથ્થી અને લૂકે કરેલી વાતોમાં તફાવત છે. લૂકકૃત શુભસંદેશ મુજબ યોસેફ અને મરિયમ બાદશાહ ઓગસ્તના વસ્તીગણતરીના ફરમાન મુજબ બેથલેહેમ પહોંચ્યાં હતાં. કારણ યોસેફ દાવિદના વંશના અને કુળના હતા. (જુઓ લૂક ૨, ૧-૪).
માથ્થીકૃત શુભસંદેશ મુજબ યોસેફ અને મરિયમ બેથલેહેમના વતનીઓ હતાં. પૂર્વમાંથી પંડિતો ‘યહૂદીઓનો નવો જન્મેલો રાજા’ના તારાને જોઈને યરુશાલેમથી મળેલા માર્ગદર્શન મુજબ બેથલેહેમ પહોંચ્યાં હતાં. ત્યાં તેમણે તે બાળક ઈસુને તેનાં માતા મરિયમ પાસે જોયો’ (જુઓ માથ્થી ૨, ૧૧).
ઈસુના જન્મ વખતે આવા કેટલાક બનાવો બન્યા હતા. પણ માતા મરિયમને કોઈ ગતાગમ ન પડી. પણ લૂકે લખ્યું છે તેમ ‘મરિયમ એ બધી વાતો પોતાના મનમાં સંઘરી રાખને તેના ઉપર વિચાર કરતાં રહ્યાં.’ (લૂકે ૨, ૧૯).
મને બે વાર ઈસ્વીસન ૧૯૭૭માં અમેરિકાથી અને ફરી ૧૯૯૮માં યુરોપથી પરત આવતાં બેથલેહેમની મુલાકાત લેવાની, અને જન્મ વખતે બાળ ઈસુને કપડામાં લપેટીને જ્યાં સુવડાવ્યા હતા તે ગમાણની જગ્યા પર બાંધેલી બસિલિકા (મહાદેવળ)માં ઘૂંટણિયે પડીને ઈસુના માનવઅવતાર વિશે ચિંતનમનન કરવાની તક મળી છે.
માથ્થીકૃત શુભસંદેશ મુજબ પૂર્વના પંડિતો પાછા ગયા પછી યોસેફને સ્વપ્નમાં મળેલા દેવદૂતના સંદેશ મુજબ યોસેફ બાળ ઈસુ અને તેનાં માતાને લઈને તાબડતોડ મિસરમાં ભાગી ગયા હતા. (માથ્થી ૨, ૧૩). પણ લૂકકૃત શુભસંદેશમાં પૂર્વના પંડિતોની મુલાકાત અને મિસરમાં ભાગી જવાની વાત નથી. એને બદલે લૂકે નોંધ્યું છે કે બાળ ઈસુને પ્રભુને સમપર્ણ કરવા માટે એનાં મા-બાપ યરુશાલેમ મંદિરમાં લઈ ગયાં હતાં.
તે વખતે મંદિરમાં ધર્મિષ્ઠ અને ભક્ત હૃદયના શિમયોને બાળકને હાથમાં લઈને ઈશ્વરની સ્તુતિ કરી હતી. પછી શિમયોને બાળકની માતા મરિયમને આશીર્વાદ આપતાં કહ્યું, ‘જો, આ બાળક ઇઝરાયેલમાં ઘણાની પડતીનું તેમ જ ચડતીનું નિમિત્ત તથા વિરોધનું નિશાન બનવા નિર્માયો છે, અને એ રીતે ઘણાના મનની વાતો બહાર આવશે. તારું પોતાનું અંતર પણ તલવારથી વીંધાઈ જશે!’ (લૂક ૨, ૩૪-૩૫).
લૂકકૃત શુભસંદેશ મુજબ બાળ ઈસુને યરુશાલેમ મંદિરમાં પ્રભુને અર્પણ કર્યા પછી યોસેફ અને મરિયમ નાસરેથ પાછાં ફર્યાં અને બાળકનાં બળ અને જ્ઞાનની પણ વૃદ્ધિ થતી રહી (જુઓ લૂક ૨, ૩૯-૪૦). પણ માથ્થીકૃત શુભસંદેશ મુજબ યોસેફ અને મરિયમ બાળક સાથે મિસરમાં ભાગી ગયા પછી પરત આવીને નાસરેથ ગામમાં જઈને રહેવા લાગ્યાં. (જુઓ માથ્થી ૩, ૧૯-૨૩)
ઈસુના બાળપણની આ વાત પછી આપણને ઈસુ, માતા મરિયમ અને યોસેફના પવિત્ર કુટુંબની વાત – એટલે ૧૨ વર્ષની ઉંમરે યરુશાલેમ મંદિરમાં ઈસુ ખોવાયા અને જડ્યાની વાત – આપણને લૂક જણાવે છે. યરુશાલેમ મંદિરમાં પાસ્ખાપર્વ ઊજવ્યા પછી બધાં કુટુંબીજનો ઘેર જવા નીકળ્યા ત્યારે બાળ ઈસુ મંદિરમાં રહી ગયા. પણ એમનાં મા-બાપને ઈસુ ખોવાઈ ગયાનો ખ્યાલ આવ્યો. ઈસુને શોધતાં શોધતાં તેઓ પાછાં યરુશાલેમ આવ્યાં ત્યારે વ્યથિત મા-બાપને ઈસુની ભાળ મળી. ધર્મગુરુઓ વચ્ચે બેઠા બેઠા તે એમનો ઉપદેશ સાંભળતા હતા અને એમને પ્રશ્નો પૂછતા હતા. આ ર્દશ્યથી આશ્ચર્યચકિત થયેલાં મા મરિયમને ઈસુને પૂછ્યું, ‘બેટા, તેં આમ કેમ કર્યું?’
તેમણે તેઓને કહ્યું, ‘તમે શું કરવા મારી શોધ કરી? તમને ખબર નહોતી કે, હું તો મારા પિતાના ઘરમાં જ હોઈશ?’ (લૂક ૨, ૪૬-૪૯)
માતા મરિયમ અને યોસેફ બંને ઈસુના જવાબથી વિમાસણમાં પડી ગયા હશે. લૂકે નોંધ્યું છે કે, ‘એમની માએ આ બધી વાત પોતાના હૈયામાં સંઘરી રાખી.’ (લૂક ૨, ૫૧)
આ બનાવ પછી આપણને માતા મરિયમ ગાલીલના કાના ગામે એક લગ્ન પ્રંસગે ઈસુ અને તેમના શિષ્યો સાથે મળે છે. લગ્નપ્રસંગે માતા મરિયમની વિનવણીથી ઈસુએ પહેલો પરચો કાના ગામે કર્યો હતો.
કાના ગામના લગ્નના પ્રંસગ પછી ઈસુએ પોતાના ગામ નાસરેથ જઈ સભાગૃહમાં ઉપદેશ આપ્યો અહ્તો. તેમનો ઉપદેશ સાંભળીને લોકોએ પૂછવા માંડ્યું: ‘આ માનસમાં આવું જ્ઞાન અને આવી ચમત્કારિક શક્તિઓ ક્યાંથી? એ પેલા સુથારનો દીકરો નથી? એની માતાનું નામ મરિયમ નથી?’ (માથ્થી ૧૩, ૫૪-૫૫).
અહીં ઈસુ માટે ‘સુથારનો દીકરો’ના પ્રયોગથી આપણને આસાનાથી માની શકીએ કે, સુથાર યોસેફ, માતા મરિયમ અને યુવાન ઈસુનું એક પવિત્ર કુટુંબ હતું અને સુથારીકામ કરીને યોસેફ પોતાના પવિત્ર કુટુંબનું ભરણપોષણ કરતા હતા. યોસેફની દેખરેખ હેઠળ ઈસુએ સુથારી કામ શીખ્યું હશે ત્યારે માતા મરિયમની દોરવણીથી ઈસુ ધાર્મિક સાહિત્યમાં એટલે જૂના કરારમાં પાવરધા બન્યા હશે, એમ માની શકાય. યોસેફ, મરિયમ અને ઈસુનું પવિત્ર કુટુંબ બધાને માટે નમૂનેદાર કુટુંબ હશે.
કાના ગામના લગ્નપ્રંસગથી માંડી છેક અંત સુધી બાઇબલમાં યોસેફ વિશે કોઈ ઉલ્લેખ નથી. એટલે આપણે માની લઈએ કે કાના ગામના લગ્ન પહેલાં યોસેફનું મૃત્યુ થયું હશે.
ઈસુએ આશરે ત્રણેક વર્ષ ફરતા સાધુ કે ધર્મગુરુ તરીકે ઈશ્વર પિતાના રાજ્યની ઘોષણા કરતાં કરતાં જાહેરજીવન ગાળ્યું હતું. આ ત્રણ વર્ષ દરમિયાન ઈસુ સાથે એમના બાર શિષ્યો અને કેટલીક સ્ત્રીઓ હતી. પણ ફક્ત એક જ વાર શુભસંદેશકારે માતા મરિયમની વાત કરી છે. માથ્થી, માર્ક અને લૂકે વર્ણવેલા એ પ્રસંગમાંથી અહીં માથ્થીએ કરેલી વાત ટાંકું છું.
‘ઈસુ લોકોને સંબોધતા હતા ત્યાં તેમનાં મા અને ભાઈઓ તેમની સાથે વાત કરવાની ઇચ્છાથી બહાર આવીને ઊભાં; એટલે કોઈકે ઈસુને કહ્યું, ‘જુઓ, આપનાં મા અને ભાઈઓ બહાર ઊભાં છે અને આપની સાથે વાત કરવા ઇચ્છે છે.’
તેમણે એ સંદેશો લાવનારને કહ્યું, ‘મારી મા કોણ? ને મારા ભાઈઓ કોણ?’ અને પોતાના શિષ્યો તરફ હાથ લંબાવીને કહ્યું, ‘જો, આ રહ્યા મારી મા અને મારા ભાઈ! જે કોઈ મારા પરમપિતાની ઇચ્છા પ્રમાણે ચાલે છે તે મારો ભાઈ, તે મારી બહેન અને તે મારી મા’. (માથ્થી ૧૨, ૪૬-૫૦)
માથ્થી, માર્ક અને લૂકે વર્ણવેલા આ પ્રસંગોમાં છેલ્લું વાક્ય ત્રણેય શુભસંદેશકારોમાં એકસમાન છે: ‘જે કોઈ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે ચાલે તે મારા ભાઈ, તે મારી બહેન, અને તે મારી મા’. અહીં ઈસુ પોતાની આસપાસ કૂંડાળું વળીને બેઠેલા લોકોને જ પોતાની મા કહે છે. ઈસુની આ વાતમાં આપણને કદાચ લાગશે કે ઈસુ પોતાની માની ઉપેક્ષા કરે છે કે એમને બિલકુલ ગણકારતા નથી. પણ વાસ્તવિકતા ઊલટી છે.
મા મરિયમના પાત્રને બરાબર સમજનાર જાણે છે કે, ઈશ્વરની ઇચ્છા પ્રમાણે ચાલવામાં મરિયમ સૌથી આગળ છે. એમણે ઈશ્વર પિતાની ઇચ્છાને સંપૂર્ણપણે વળગી રહીને જ કહ્યું હતું, ‘હું તો ઈશ્વરની દાસી છું. તારી વાણી મારે વિશે સાચી પડો.’ (લૂક ૧, ૩૮).
આ ર્દષ્ટિએ માતા મરિયમનાં જીવનના વિરલ પ્રંસગને નિરૂપનારને ખ્યાલ આવશે કે માતા મરિયમ બમણી રીતે ઈસુની માતા ઠરે છે. ભૌતિક રીતે મરિયમ ઈસુને જન્મ આપીને ઈસુની મા બન્યાં છે; એટલું જ નહીં પણ ઈસુની જેમ ઈશ્વર પિતાની ઇચ્છાને સંપૂર્ણપણે આધીન રહીને ઈસુ કહે છે તેમ આધ્યાત્મિક રીતે પણ ઈસુની માતા ઠરે છે.
ચારેય શુભસંદેશોમાં માતા મરિયમને મળવાનો છેલ્લો પ્રસંગ ઈસુના ક્રૂસારોહણ વખતનો છે. ફક્ત ચોથા શુભસંદેશકાર યોહાને જ ક્રૂસ પાસે ઊભી રહીને પોતાના દીકરાની મહાવ્યથામાં ભાગીદાર બનતાં માતા મરિયમની વાત કરી છે. બીજાં ત્રણ શુભસંદેશકારોએ મા મરિયમનો નામથી ઉલ્લેખ કર્યો નથી. છતાં આપણે માની શકીએ કે ત્રણેય શુભસંદેશકારોએ ક્રૂસ પાસે ઊભેલી સ્ત્રીઓની વાત કરી છે એ સ્ત્રીઓમાં માતા મરિયમનો પણ સમાવેશ થાય છે. યોહાને વર્ણવેલો પ્રસંગ અહીં ટાંકું છું:
‘એ વખતે ઈસુના ક્રૂસ પાસે તેમનાં મા, માસી, કલોપાની વહુ મરિયમ, અને મગ્દલાની મરિયમ સાથે ઊભાં હતાં. ઈસુએ પોતાનાં માને અને તેમની પાસે ઊભેલા પોતાના વહાલા શિષ્યને જોઈને માને કહ્યું, ‘બાઈ, આ તારો દીકરો.’
પછી તેમણે શિષ્યને કહ્યું, ‘આ તારી મા.’ અને તે ઘડીથી શિષ્યે તેમને પોતાને ત્યાં રાખ્યાં.’ (યોહાન ૧૯, ૨૫-૨૭).
આ પ્રંસગમાં ‘પાસે ઊભેલા વહાલા શિષ્ય’ એટલે શુભસંદેશકાર યોહાન પોતે. પોતાની માને પોતાના વહાલા શિષ્યની દેખરેખમાં અને શિષ્યને માતાની સંભાળમાં સોંપવામાં માતા પ્રત્યેના ઈસુનાં અપાર પ્રેમ અને નિષ્ઠા આપણે જોઈ શકીએ છીએ.
બાઇબલના પંડિતો માને છે કે પોતાના વહાલા શિષ્યને માને સોંપવામાં ઈસુએ સમગ્ર માનવજાતને માતા મરિયમની સંભાળમાં સોંપી દીધી છે. એ જ રીતે પોતાનાં માને વહાલા શિષ્યની સંભાળમાં સોંપીને ઈસુએ માતાને, ધર્મસભાને સંભાળવાની જવાબદારી પોતાના ચુનંદા શિષ્યના હાથમાં સોંપી છે. ઈસુના ક્રૂસ પાસે ઊભાં રહીને એમની મહાવ્યથામાં ભાગીદાર બનતાં માતા મરિયમ આપણા માટે ઈસુ પ્રત્યેની નિષ્ઠા તથા સમર્પણનો સર્વોત્તમ નમૂનો છે.
નવા કરારમાં માતા મરિયમનો ઉલ્લેખ આપણને ‘પ્રેષિતોનાં ચરિતો’માં જોવા મળે છે. ‘પ્રેષિતોનાં ચરિતો’ની શરૂઆતમાં આપણને વાંચવા મળે છે, ‘એ બધા (એટલે ઈસુના અગિયાર શિષ્યો) એકમન થઈ સતત પ્રાર્થના કર્યા કરતા હતા, અને એમની સાથે ઈસુનાં મા મરિયમ સુધ્ધાં કેટલીક સ્ત્રીઓ અને ઈસુના ભાઈઓ પણ હતાં.’ (પ્રે.ચ. ૧, ૧૪).
અહીં ‘પ્રેષિતોનાં ચરિતો’ના લેખક લૂકે ઈસુના અગિયાર શિષ્યો સાથે ઈસુની માતાને તથા ઈસુનાં બીજાં કેટલાંક અંતેવાસીઓને એકમનથી પ્રાર્થના કરતાં બતાવ્યાં છે. બાઇબલના નિષ્ણાતો માને છે કે ઈસુના મૃત્યુથી વેરવિખેર થયેલા ઈસુના શિષ્યો અને અન્ય અંતેવાસીઓને ભેગા કરનાર એમના ભાઈઓ અને અન્ય કેટલાક લોકો પણ માતા મરિયમ સાથે ઈસુએ વચન આપેલા પવિત્ર આત્માની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરતા હતા.
આ રીતે માતા મરિયમ સમગ્ર માનવજાત સાથે એક છે. છતાં સમગ્ર માનવજાતથી અલગ તારવેલ ઈશ્વરની માતા પણ છે. ઈસુએ માતા મરિયમને ક્રૂસ પરથી સમ્રગ ધર્મસંઘનાં માતા તરીકે આપ્યાં છે.
છેલ્લે માતા મરિયમને માટે બાઇબલના છેલ્લા ગ્રંથ ‘દર્શન’માં આડકતરો ઉલ્લેખ જોઈ શકાય છે: ‘એ પછી આકાશમાં એક અદભુત ચિહ્ન દેખાયું: લાલ રંગનો એક મોટો અજગર. તેને સાત માથાં અને દસ શિંગડાં હતાં, અને તેના માથાં ઉપર સાત મુગટ હતા. તેની પૂંછડીએ આકાશમાંના ત્રીજા ભાગના તારા ઝાપટીને પૃથ્વી ઉપર પછાડ્યા. એ અજગરની પ્રસવની અણીએ આવેલી પેલી સ્ત્રીની સામે જઈને ઊભો રહ્યો, જેથી બાળકનો પ્રસવ થતાં જ તેને ગળી જાય. તે સ્ત્રીએ બધી પ્રજાઓ ઉપર લોખંડી દંડથી રાજ્ય કરવા નિમાયેલા એક પુત્રને જન્મ આપ્યો; પણ તે પુત્રને ઝૂંટવીને ઈશ્વર પાસે, તેના સિંહાસન ઉપર લઈ જવામાં આવ્યો. અને તે સ્ત્રી નાસીને વગડામાં ચાલી ગઈ, જ્યાં ઈશ્વરે તેને માટે એક સ્થાન તૈયાર રાખેલું હતું; ત્યાં એક હાજર બસો ને સાઠ દિવસ સુધી તેનું પાલનપોષણ થવાનું હતું.’ (દર્શન ૧૨, ૧-૬).
સમગ્ર માનવજાત મુક્તિ-ઇતિહાસમાં માતા મરિયમે નોંધપાત્ર ભાગ ભજવ્યો છે. ખ્રિસ્તી ધર્મસંઘના અને ખુદ પોતાના ધાર્મિક ઇતિહાસમાં દરેક ખ્રિસ્તી માનવ ઈસુની માતા તરીકે માતા મરિયમને આદરમાનથી જુએ છે. કેથલિક ખ્રિસ્તી લોકોને માતા મરિયમ પ્રત્યે વિશેષ ભક્તિ આને આદરમાન છે. માતા મરિયમ ખ્રિસ્તીઓને માટે ઈશ્વર પાસેથી પોતાને માટે વરદાનો મેળવી આપનાર મધ્યસ્થી મા છે.
સમગ્ર માનવજાતની મુક્તિ માટેની ઈશ્વરની યોજનામાં સક્રિય ભાગ ભજવનાર સમર્પિત વ્યક્તિ તરીકે માતા મરિયમની પ્રશંસા ગવાય છે અને મા મરિયમની મધ્યસ્થી દ્વારા મદદ માટે માતા મરિયમની ભક્તિ કરવામાં આવે છે. એટલે કેથલિક ખ્રિસ્તી ધર્મસભાના સર્વ સંતોમાં માતા મરિયમ સર્વોચ્ચ સ્થાને બિરાજે છે.