English |
"ઓ થાકેલાઓ અને ભારથી કચડાયેલાઓ, તમે બધા મારી પાસે આવો!
હું તમને આરામ આપીશ" (માથ્થી ૧૧, ૨૮).
એકવાર ઈસુએ ગાલીલ સરોવરને કિનારે બે માછીમાર ભાઈઓને જોયા અને તેમને કહ્યું, "મારી પાછળ પાછળ આવો, હું તમને માછલાંને બદલે માણસો પકડતા કરીશ." (માથ્થી ૪, ૧૯)
બાઇબલમાં ઈસુના જીવન વિશે સૌ કોઈને નવાઈ પમાડનાર એક બાબત છે. ઈસુ સાવ સામાન્ય માણસોને પોતાના શિષ્યો તરીકે પસંદ કરે છે. ઈસુના સમયમાં બાઇબલના એટલે કે યહૂદીઓના ધર્મગ્રંથ 'જૂનો કરાર'ના પંડિતો હતા. ધર્મ અને કાયદાકાનૂનના નિષ્ણાતો હતા. લોકોને આગેવાની પૂરી પાડતા પુરોહિતો હતા. ઈસુને અનુસરવા માટે ઈસુ આગળ પોતાની ઇચ્છા પ્રગટ કરનાર એક ધનિક યુવાનની વાત પણ બાઇબલના 'નવો કરાર'માં છે.
પરંતુ ઈસુ એવા કોઈ માણસને પોતાના શિષ્ય તરીકે પસંદ કરતા નથી. ઈસુ એમના પ્રથમ બે શિષ્યો તરીકે જેમની પસંદગી કરે છે, એ છે બે માછીમાર ભાઈઓ "સિમોન ઉર્ફે પીતર અને તેનો ભાઈ આંદ્રિયા." ઈસુ એમને મળ્યા ત્યારે તેઓ ગાલીલના સરોવરમાં જાળ નાખીને માછલાં પકડતા હતા.
ઈસુનો બોધ કેવળ એમના સંદેશમાં જ નહિ પણ એમનાં કાર્યોમાં પણ હોય છે. એ ર્દષ્ટિએ બે સામાન્ય, અભણ માછીમારોને પોતાના શિષ્યો તરીકે પસંદ કરવાનું ઈસુનું કાર્ય આપણને ઘણું બધું કહી જાય છે.
માછીમારો ભલે અભણ હોય, લોકોના ખાસ ધ્યાનમાં ન આવે એવા સામાન્ય માણસો હોય, છતાં આપણે સામાન્ય માછીમારોમાં કેટલાક ગુણો જોઈ શકીએ છીએ. એક, માછલાં પકડવાનો માછીમારોનો ધંધો ખૂબ ધીરજ માગી લે છે. માછીમાર ખૂબ ધીરજથી ઘણીવાર જાળ નાખે, અને ફરી ને ફરી પ્રયત્ન કરે ત્યારે તેમને તેમની મહેનતનું ફળ મળે છે. જાળ નાખવાના પ્રયત્નમાં કોઈ ફળ ન મળે ત્યારે પણ માછીમારે પોતાનો પ્રયત્ન ધીરજથી ચાલુ રાખવાનો હોય છે.
બે, માછીમારો ખૂબ હિંમતવાળા હોય છે. આમ પણ, ઊંડાં પાણીમાં ઊતરવા માટે હિંમતની જરૂર પડે. કોઈપણ માછીમાર માછલાં પકડવા માટે કિનારેથી દૂર ઊંડા દરિયામાં જાય છે. સમુદ્ર તો હંમેશાં શાંત રહેતો નથી. ઘણીવાર અણધારી રીતે દરિયાઈ તોફાનો ફાટી નીકળે છે. દરિયામાં વાવાઝોડું, ભરતી અને ઓટના ખતરામાં પણ માછીમાર હિંમતથી સામનો કરે છે.
માછીમારનો ત્રીજો ગુણ વિવેક છે. માછીમારને ક્યારે માછલાં પકડવાં અને ક્યારે ન પકડવાં અને કેટલાં માછલાં કેવી રીતે પકડવાં જેવી બાબતોમાં ખૂબ વિવેકપૂર્ણ રીતે નિર્ણય લઈને કામ કરવાનું હોય છે. વિવેકી માછીમાર માછલાંના સંવર્ધનના સમયમાં માછલાં પકડતો નથી એ જ રીતે તે સાવ નાની માછલીને પણ પકડતો નથી. વિવેકી માછીમાર દરિયાઈ સંપત્તિ માછલાં નાશ ના પામે એ રીતે મોસમને અનુરૂપ રીતે માછલાં પકડે છે.
આ ર્દષ્ટિએ જોઈએ તો, બે માછીમારને પોતાના શિષ્યો તરીકે પસંદ કરવાનું ઈસુનું કાર્ય આપણને ઘણુંબધું કહી જાય છે. ઈસુ તેમને 'માણસોને પકડનારા' તરીકે ખૂબ મોટા કામ માટે પસંદ કરે છે. ઈશ્વરનું રાજ્ય માનવ વચ્ચે લાવવાના કામ માટે ઈસુ સાવ સામાન્ય માણસને પસંદ કરે છે, અને તેમને પોતાના સંદેશની ઘોષણા કરવાના મોટા કામની જવાબદારી સોંપે છે!
ઈસુએ પોતાના શિષ્યોને સોંપેલા માણસોને પકડવાનું કામ મને એક આધ્યાત્મિક ગુરુની વાતની યાદ દેવડાવે છે. એક ગામમાં એક આધ્યાત્મિક ગુરુ રહેતા હતા. જ્ઞાન અને વિજ્ઞાનની પ્રગતિમાં માનતા એ આધ્યાત્મિક ગુરુ જ્ઞાન અને વિજ્ઞાનની મર્યાદાઓ અંગે પણ બરાબર વાકેફ હતા. એટલે તેઓ વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇને કરેલી વાતનો ઘણીવાર ઉલ્લેખ કરતા હતા કે, "ધર્મ વિનાનું વિજ્ઞાન આંધળું છે અને વિજ્ઞાન વિનાનો ધર્મ લંગડો છે."
એક દિવસ એક વેપારીએ પેલા આધ્યાત્મિક ગુરુને પૂછ્યું, "ગુરુજી, આપ શું કામ કરો છો?"
આધ્યાત્મિક ગુરુએ કહ્યું કે, "હું માનવોના ધંધામાં છું."
"માનવોનો ધંધો! એ વળી કેવો ધંધો છે?"
આધ્યાત્મિક ગુરુએ કહ્યું કે, "તમારું કામ એક વેપારી તરીકે ગુણવત્તાવાળી સાધસંપત્તિ પેદા કરવાનું છે. મારું કામ માણસને વધુ ને વધુ ગુણવત્તાવાળો બનાવવાનું છે. કેવળ ચીજ-વસ્તુઓનો જ વિકાસ થાય એટલું પૂરતું નથી પણ માણસોનો પણ પૂર્ણ વિકાસ થાય તે જરૂરી છે."
ઈસુએ પોતાના શિષ્યોને સોંપેલા માણસોને પકડવાના કામમાં શિષ્યોને માણસોના વિકાસ માટે કામ કરવાનું છે, માણસો ગુણવત્તાવાળા બને એ જોવાનું છે.
ઈસુએ કરેલી શિષ્યોની પસંદગી અને તેમને સોંપેલું 'માણસોને પકડવાનું કામ ઘોષણા કરે છે કે, માણસ અને ઈસુ ભગવાનની ર્દષ્ટિમાં આભ-જમીનનો તફાવત છે. બાઇબલમાં પયગંબર યશાયાએ કરેલી વાત અહીં શ્રદ્ધેય છે: "પ્રભુ કહે છે, 'મારા વિચારો એ તમારા વિચારો નથી, અને તમારા રસ્તા એ મારા રસ્તા નથી'" (યશાયા ૫૫, ૮).
પોતાના શિષ્યોની પસંદગીમાં ઈસુએ આગવી ર્દષ્ટિ દાખવી છે. પેલા આધ્યાત્મિક ગુરુએ કહ્યું છે તેમ ઈસુના શિષ્યોએ 'માનવોનો ધંધો' કરવાનો છે. મતલબ માનવ વધુ ગુણવત્તાવાળો બને એ જોવાનું કામ શિષ્યોનું છે.
ઈસુ પોતાનું કામ આગળ ધપાવવા માટે સામાન્ય માનવોને એમની સામાન્ય પરીસ્થિતિમાં પસંદ કરે છે. ઈસુ પોતાની પંસદગી કરવામાં કોઈ માનવને બાકાત રાખતા નથી. સામાન્ય માનવોની પંસદગી દ્વારા ઈસુ બધા માનવોને પોતાની પાસે બોલાવે છે.
ઈસુની ર્દષ્ટિ અને એમની પસંદગી બરાબર સમજનાર અને સમજાવનાર સંત પાઉલની વાત અહીં ખાસ નોંધપાત્ર છે. તેમણે કરિંથના ખ્રિસ્તીઓ પર લખેલા પ્રથમ પત્રમાં ઈશ્વરની પસંદગી દ્વારા ઈસુની વાત કરી છે. "ભાઈઓ, વિચાર તો કરો. તમને કેવા માણસોને ઈશ્વરે હાકલ કરી છે! દુનિયાની ર્દષ્ટિએ જોતાં, તમારામાંના ઘણા નથી જ્ઞાની કે નથી વસીલાદાર કે નથી કુળવાન; તેમ છતાં ઈશ્વરે ડાહ્યાઓને શરમાવવા માટે દુનિયા જેમને મુર્ખ માને છે તેમને પસંદ કર્યા છે; શક્તિશાળીઓને શરમાવવા માટે ઈશ્વરે દુનિયા જેમને નબળા ગણે છે તેમને પસંદ કર્યા છે; અને ગણનાપાત્રોને ધૂળ ચાટતા કરવા ઈશ્વરે જેમની દુનિયા કશી ગણના કરતી નથી એવાને – દુનિયાના અકુલીન અને તુચ્છ લોકોને – પસંદ કર્યા છે" (૧ કરિંથ ૧, ૨૬-૨૮).
પોતાના પ્રથમ બે શિષ્યોની પસંદગી દ્વારા ઈસુ જણાવે છે કે, તેમની પસંદગી, તેમની હાકલ દરેક માનવને કરેલી હાકલ છે. એટલે ઈસુ કહે છે, "ઓ થાકેલાઓ અને ભારથી કચડાયેલાઓ, તમે બધા મારી પાસે આવો! હું તમને આરામ આપીશ. મારી ધૂંસરી ઉઠાવો, મારા શિષ્ય થાઓ, કારણ, હું હૃદયનો રાંક અને નમ્ર છું; તમારા જીવને શાતા વળશે. વળી, મારી ધૂંસરી ઉપાડવામાં સહેલી છે, અને મારો બોજો હળવો છે" (માથ્થી ૧૧, ૨૮-૩૦).